આ ટીકા નથી, ડોન્ટ ટેક ઈટ અધરવાઈઝ - Sandesh

આ ટીકા નથી, ડોન્ટ ટેક ઈટ અધરવાઈઝ

 | 2:44 am IST

સાગરમાં ભરતીનાં મોજાં ઊછળે એમ જુવાની એનાં અંગોમાં અને મનમાં પણ ઊછળવા લાગી હતી. પહેલાં એ બગીચામાં જતી હતી, ફૂલોને-પર્ણોને અડકતી હતી, પણ એ સ્પર્શમાં કંઈ રોમાંચ નહોતો જણાતો. આજે એને ફૂલને સ્પર્શી રહેવાનું ગમતું હતું. ફૂલની પાંખડી પર એની આંગળીઓનાં ટેરવાને એક નવી જ ધ્રુજારીનો અનુભવ થતો હતો. સખીઓનો સંગ ઓછો ગમવા લાગ્યો હતો. ઊલટાનું કોઈ સોહામણા યુવકને જોઈ એને આનંદની લાગણી થતી હતી. દેહ પર યુવાનીનું આગમ થાય ત્યારે શારીરિક અને માનસિક ફેરફાર થતા હોય છે. અઢાર વર્ષની કમનીય કાયાવાળી અંજના તેની આજુબાજુના વાતાવરણનો કંઈક નવા જ રૂપમાં જોવા લાગી હતી.

થોડાક દિવસો બાદ એના મનમાં એક નવી ઈચ્છા જાગ્રત થઈ. ટેલિવિઝન પર એક લોકપ્રિય સીરિયલમાં દેખાતા એક સોહામણા યુવાનને મળવાની તેને ઝંખના થઈ! યુવાનીના આગમનને લીધે જન્મેલું વિજાતીય આકર્ષણ આના માટે જવાબદાર હતું. એણે મનને વારવાની કોશિશ કરી પણ વ્યર્થ! અઠવાડિયામાં ચાર દિવસ આવતી એ સીરિયલ જોવા ઘરના બીજા સભ્યોની સાથે બેસી જતી. એણે ખૂબ કોશિશ કરી, પરંતુ એના મન આગળ એની હાર થઈ, બીજી તરફ સીરિયલમાં આવતો એ યુવાન પણ અદ્દભુત વ્યક્તિત્વવાળો હતો. સોહામણો અને ડેશિંગ! અંજનાએ ગમે તેમ કરી એ કલાકારનો ફોન પર સંપર્ક કરી લીધો. પોતે એની ફેન છે અને તેને મળવાની ખૂબ જ તીવ્ર તમન્ના ધરાવે છે તેવી વાત કરી. યોગાનુયોગ એ કલાકાર શૂટિંગ માટે અંજનાના શહેરમાં જ આવવાનો હતો. અંજનાએ એના આવવાની તારીખ, મળવાનું સ્થળ- હોટલ રૂમ નંબર બધું જ જાણી લીધું. એ કલાકાર આમ તો મળવાની ના પાડતો હતો, પણ અંજનાએ ફોન પર એટલી બધી જીદ કરી હતી કે તેણે હા પાડવી પડી.

આજે એ દિવસ પણ આવી પહોંચ્યો હતો. અંજના એના પ્રિય કલાકારને મળવાની હતી. બ્યુટીપાર્લરમાં જઈ કન્યા લગ્ન માટે તૈયારી કરાવે તેવી તૈયારી અંજનાએ કરી લીધી. પૂરેપૂરી સજી-ધજીને હોટલ પર ગઈ. એ પોતે એક જુદા ઈરાદાથી ગઈ હતી. એ પેલા કલાકારને પોતાના રૂપ-સૌંદર્ય વાક્છટાથી ઘાયલ કરી દેવા માગતી હતી. એની સાથે પ્રથમ દોસ્તી કરવા ને પછી ધીમેધીમે આગળ વધવા માગતી હતી.  થોડાક ખચકાટ, પરંતુ મક્કમ મનોબળ સાથે હોટલના રૂમ પર પહોંચી. ડોરબેલ દબાવ્યો. પેલા યુવકે દરવાજો ખોલ્યો.

‘આવો મિસ અંજના-!’ તે હસીને સોફામાં બેઠો ને અંજનાને પણ હાથથી સોફામાં બેસવાનો ઈશારો કર્યો. અંજના મનમાં નક્કી કરીને આવી હતી તે મુજબ પેલા કલાકારના અભિનયના વખાણ કરવા લાગી. પેલા યુવકે ફોન કરીને કોફીનો ઓર્ડર આપ્યો. અંજના તો વાતો જ કરતી રહી. પેલો કલાકાર વચ્ચે-વચ્ચે હા-હા, નો-નો એમ કરતો રહ્યો. અંજના અડધો કલાક ત્યાં બેસી રહી. એને રૂમમાં હજુ વધારે બેસવું હતું. પેલો કલાકાર અંજનાના રૂપ-સૌંદર્ય કે વ્યક્તિત્વમાં ખાસ રસ લેતો ન હતો. અંજનાએ છેલ્લો દાવ ફેંક્યો. યુવક તરફ હાથ લંબાવતા બોલીઃ ‘ચાલો ત્યારે, આવી હતી તમને મારા ફ્રેન્ડ બનાવવા પણ લાગે છે કે તમારે તો મારા કરતાંય વધારે રૂપાળી ઘણી ફ્રેન્ડ હશે!’

અંજનાના ચહેરા પર જાણે કે નિરાશા આવી ગઈ. પેલા કલાકારે તેના લંબાવેલા હાથને સ્પર્શ કર્યો, પરંતુ તે બોલ્યો, ‘મિસ અંજના, તમારી લાગણી બદલ આભાર, તમારા જેવું ઘણી છોકરીઓ ફીલ કરતી હોય છે, પણ એ બધું પ્રિમેચ્યોર્ડ હોય છે.’

યુવાનીમાં આવતા મનના તરંગો, તમે સરોવરમાં તરંગો જોયા જ હશે, તે બધાં જ તરંગ કિનારે આવતાં શમી જાય છે. તમે યુવાન છો, ગુડ લુકિંગ છો, પણ લાગણીને કાબૂમાં રાખતાં શીખો. ડોન્ટ ટેક ઈટ અધરવાઈઝ, હું તમારી ટીકા નથી કરતો, પણ એક નાની બહેન ગણીને સલાહ આપું છું. ક્યારેક તમે ફોન કરશો કે પત્ર લખશો તો મને ગમશે, પરંતુ તમે જે કલ્પના કરીને અહીં આવ્યાં હતાં તે બરાબર નથી. હજી જમાનો ઘણો સારો છે, બાકી મારા બદલે બીજો કોઈ હોત તો એ તમને આડાઅવળા રવાડે ચડાવી દેત! નાવ ઈટ ઈઝ બેટર કે તમે તમારા મનને શાંત પાડો, એને સમજાવો, માત્ર ચહેરો જોઈને પાગલ થવાનું ટાળો.’

અંજના આ બધું સાંભળી જ રહી. તેને પોતાની એકપક્ષીય ભાવુક્તા પર પસ્તાવ થવા લાગ્યો. ‘ઓકે સર, થેંક યુ-‘ કહેતી એ હોટલ છોડી નીકળી ગઈ. એની આંખોની ભીનાશને એણે લૂંછી નાખી. યુવાનીના આગમન ટાણે મને ઘણાબધા તરંગી સંકલ્પો કરે છે એ તેને આજે સમજાયું. તે પેલા કલાકારની સલાહને અહોભાવથી મૂલતવી રહી. તે ફરીથી સીરિયલ જોવા બેઠી ત્યારે એ કલાકારમાં નહીં, પરંતુ કલાકાર જે પાત્ર ભજવતો હતો તેને જ જોવા લાગી. એના મનમાં બધા જ તરંગ કદાચ શમી ગયા હતા.

[email protected]