આને કહેવાય સાચી દેશભક્તિ! - Sandesh

આને કહેવાય સાચી દેશભક્તિ!

 | 2:14 am IST

 

પોઈન્ટ બ્લેન્ક : એમ.એ. ખાન

આફ્રિકાના સિયેરા લિયોન નામના નાનકડા દેશમાં માર્ચ મહિનામાં પણ ઉનાળો ધગધગતો થઈ જાય છે. બપોરના ધોમધખતા તડકામાં પાંચ માણસો જંગલમાં ખોદકામ કરી રહ્યા હતા. ધરતી ખોદી ખોદીને એમાંથી ગ્રેવલ એટલે કે નદીના પ્રવાહમાં વહીને ગોળ ગઈ ગયેલા નાના-મોટા પથ્થર કાઢીને જુદા મૂકતા જતા હતા. એમને સૂચના હતી કે ગોળ ન હોય એવો પથ્થર નીકળે તો આ કામે રાખનારને બતાવવો. એ હીરો હોઈ શકે.

પાંચ માણસોમાં એક ૧૬ વર્ષનો છોકરો પણ હતો. એનું નામ, કોમ્બા જોનબુલ. એણે કદી હીરો જોયો નહોતો. પણ એટલો અંદાજ હતો કે ગોળ ન હોય એવો પથ્થર એટલે કે હીરો અંગૂઠાના નખ જેટલો હશે. એની નજર ખોદીને ઢગલો કરેલા ગ્રેવલ ઉપર એક પીળાશ પડતા ઈંડાં જેવા પથ્થર પર પડી તો એણે હાથમાં લઈ તપાસ્યો. એ બિલકુલ ગોળ નહોતો. પિરામિડ જેવો લાગતો હતો. એણે એ પથ્થર ઉપાડયો અને વિચાર્યું, કદાચ આ હીરો હોય તો! પણ એને ખબર શી રીતે પડે કે આ પથ્થર હીરો છે કે નહીં! તેણે એમની ટુકડીના એક વડીલને પેલો પથ્થર બતાવીને કહ્યું, મને આ પથ્થર મળ્યો છે. એ હીરો હશે?

વડીલે હાથમાં લઈ એ પથ્થર જોયો અને તરત કોમ્બાને પાછો આપી કહ્યું, આને તારા ખિસ્સામાં મૂકી દે. કોઈને ખબર ન પડવી જોઈએ કે તેં આવો મોટો હીરો શોધ્યો છે. નહિતર તારી જાનનું જોખમ થઈ જશે. ચૂપચાપ ખોદતો રહે. રાત્રે આપણા કામે રાખનાર પાદરી સાહેબને બતાવીશું. કોમ્બાએ તરત પથ્થર ખિસ્સામાં મૂકી દીધો અને પાવડો લઈને ખોદકામ કરવા લાગ્યો. રાત સુધી એ લોકો ખોદકામ કરતા રહ્યા. પરંતુ કોમ્બાને રહી રહીને મનમાં વિચાર આવ્યા કરતો હતો, આવડો મોટો પથ્થર હીરો હશે તો!

૧૬ વર્ષનો આ છોકરો પોતે શોધેલો પથ્થર હોવાની કલ્પના કર્યા વગર રહી શકતો નહોતો. કોમ્બા કહે છે, મારા મનમાં વિચાર ચાલતો હતો કે હવે હું કદી ગરીબ નહીં રહું. મારું જીવન બદલાઈ જશે, હું અમીર આદમી બની જઈશ. મને યાદ આવતું હતું કે ૧૨ વર્ષની ઉંમરે મારા પિતાનું અવસાન થઈ ગયું એટલે અમારી પાસે ફીના પૈસા ભરવાની કેપેસિટી ન હોવાથી મારે સ્કૂલ છોડવી પડી હતી. મારા માતા અભણ હતા. એ જેમતેમ કરી અમારી ખાધાખોરાકી માટે મહેનત કરતી હતી. જે મળે એ કામકરી લેતી હતી. હું ૧૫ વર્ષનો થયો ત્યારે એ પણ મૃત્યુ પામી હતી. એટલે મારે આ ખોદકામમાં લાગી જવું પડયું હતું. જો આ સાચો હીરો નીકળ્યો તો હું માલામાલ થઈ જઈશ. અને તો હું ફરી ભણવાનું ચાલુ કરીશ. હીરો તો ક્યારેક મળે, પણ શિક્ષણ મેળવી લઉં તો આખી જિંદગી કામમાં આવે!

જોકે સિયેરા લિયોન એવો દેશ છે જેને હીરા ફળ્યા નથી. હીરા મળવા લાગ્યા તો એને ચોરી અને લૂંટ થવા લાગી. વચેટિયા ગોઠવાઈ ગયા જે સસ્તામાં હીરા ખરીદી પોતે મોટી કિંમતે વેચી દેતા. બે સામાજિક જૂથ સામસામે આવી જતાં અહીં સિવિલ વોર ચાલુ થઈ જે ૨૦૦૨ સુધી ચાલી અને તેમાં ૫૦,૦૦૦ નાગરિકોનો ભોગ લેવાઈ ગયો. એની ઉપરથી જ લિયોનાર્ડો ડી કેપ્રિયોએ બ્લડ ડાયમંડ ફિલ્મ બનાવી હતી.

કોમ્બાએ પાદરીને હીરો બતાવ્યો તો એ બોલી ઉઠયા, અરે! આ તો મોટામાં મોટો હીરો હશે. આપણે એને સરકાર દ્વારા વેચીશું. એમને ખબર હતી કે સરકાર હીરો વેચે તો જે કમાણી થાય એના ૬૦ ટકા સરકાર જ રાખી લેશે. પરંતુ પાદરી ઈચ્છતા હતા કે સરકારને જ લાભ થાય. એ હીરો ૭૦૯ કેરેટનો નીકળ્યો. સિયેરા લિયોનમાંથી મળનારો ત્રીજા નંબરનો સૌથી મોટો હીરો હતો અને વિશ્વનો ૧૫મા નંબરનો મોટામાં મોટો હીરો હતો. તે ૬૫ લાખ ડોલરમાં વેચાયો. સરકારે જાહેર કર્યું કે જે ૬૦ ટકા ટેક્સ વસૂલ કરવામાં આવ્યો છે એમાંથી ૩૦ ટકા જંગલ વિસ્તારમાં ખોદકામ કરતા લોકોની સુખાકારી માટે રસ્તા બનાવાશે, પીવાના પાણીની ટાંકીઓ, હોસ્પિટલ વગેરે બનાવવામાં આવશે.

કોમ્બાને કામે રાખનારે તેને મળેલા ૪૦ ટકામાંથી પાંચેય ખાણિયાનું બેન્ક ખાતું ખોલાવી ૧.૧૫ લાખ ડોલર જમા કરાવી દીધા. એટલામાંય કોમ્બા હવે ધનવાન થઈ ગયો છે. પાદરી સ્કૂલ ખોલી રહ્યા છે. કોમ્બાને એમાં અભ્યાસ કરવા કહે છે, પરંતુ કોમ્બાને એના કોઈ મિત્રએ કેનેડા જઈ ભણવાનું ગાજર લટકાવી દીધું છે. આ પાંચ સિવાયના ખાણિયા પણ રાજી થયા છે કે એમને સરકાર સગવડ આપી રહી છે. હવે બધા વિચારે છે કે સરકારને જ હીરા આપીશું તો ખૂનામરકીથી બચી જવાશે અને આપણા સુખ-સગવડ વધશે. એટલે હવે વધુને વધુ ખાણિયાઓ હીરો મળે તો સરકારને જ આપવા નિર્ધાર કરી રહ્યા છે. આને કહેવાય સાચી દેશભક્તિ! કોમ્બાને તો કશી ખબર નહોતી. પાદરી એને કહી શક્યા હોત કે આ તો નકામો પથ્થર છે. પછી પોતે બધા પૈસા લઈ શક્યા હોત. પરંતુ એમણે દેશ સાથે અને કોમ્બા સાથે પ્રમાણિકતા જાળવી!

[email protected]