This is How ACB Caught Two Accused of Navkhi Case
  • Home
  • Featured
  • વડોદરામાં સગીરાને પીંખનાર નરાધમો કેવી રીતે ઝડપાયા? જાણો અ’વાદ ક્રાઈમ બ્રાન્ચનો માસ્ટર પ્લાન

વડોદરામાં સગીરાને પીંખનાર નરાધમો કેવી રીતે ઝડપાયા? જાણો અ’વાદ ક્રાઈમ બ્રાન્ચનો માસ્ટર પ્લાન

 | 12:34 pm IST

વડોદરાના નવલખી કમ્પાઉન્ડની ઝાડીઓમાં 15 વર્ષની કિશોરી પર થયેલા દુષ્કર્મ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી ગઈ છે. બન્ને આરોપીઓ હાલ પોલીસના સકંજામાં આવી ગયા છે. પરંતુ દરેકના મનમાં એક સવાલ ઉદ્દભવે છે કે, 10-10 દિવસથી પોલીસ પકડથી ભાગતા આરોપીઓ અચાનક પોલીસની ઝપટમાં કેવી રીતે આવ્યા? તો તેના પાછળ પણ અમદાવાઈ ક્રાઈમ બ્રાન્ચનો હાથ છે.

વડોદરામાં સગીરા પર દુષ્કર્મ કેસમાં 2 આરોપીની ધરપકડ બાદ બપોરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર ઘટના વિશે વાત કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કેવી રીતે કરી તેનો સમગ્ર મેપ જણાવ્યો હતો.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી અજય તોમરે જણાવ્યું હતું કે, વડોદરામાં સગીરા પર થયેલા દુષ્કર્મ કેસમાં બરોડા પોલીસે સ્ક્રેચ જાહેર કર્યા હતા. ત્યારબાદ વડોદરા પોલીસની 30 ટીમો અલગ અલગ જગ્યાએ તપાસ કરી રહી હતી. આ કેસની જવાબદારી વડોદરા પોલીસ સિવાય ક્રાઈમ બ્રાન્ચને તપાસ માટે સૂચના અપાઈ હતી. અમને રાજ્ય સરકારે આ કેસ ઉકેલવા માટે સૂચના આપી હતી. અમે સૂચના મળ્યા બાદ CP સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ સિલેક્ટેડ અધિકારીઓની ટીમ બનાવી હતી. આ કેસ વિશે વિગતવાર ચર્ચા CP આશિષ ભાટીયા સાથે કરવામાં આવી હતી.

ચર્ચા વિશે વાતચીત કરતા અમને જાણવા મળ્યું હતું કે, વડોદરાના નવલખી વિસ્તારમાં એક 15 વર્ષીય સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. ત્યારે બે વ્યક્તિઓ તેમની પાસે આવ્યા હતા અને આરોપીએ સગીરાના મિત્રને માર માર્યો હતો. ત્યારબાદ તેઓ સગીરાને પકડીમાં ઝાડીઓમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. બંને આરોપીએ બળજબરીપૂર્વ દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત કરી લીધી છે. અમે બન્ને આરોપીઓને પકડવા માટે ઘટના સ્થળની આસપાસ લાગેલા CCTVની મદદ લીધી હતી. અંતે અમને બન્ને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા હાથ લાગી હતી.

વડોદરા સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરીને તેમની પુછપરછ દરમિયાન મોટો ખુલાસો થયો છે. બન્ને આરોપીઓએ જણાવ્યું કે અમે પ્રેમી યુગલ પાસે લૂંટના ઈરાદે ગયા હતા, પરંતુ મોટી રકમ કે દાગીના ન મળતા અંતે દુષ્કર્મ આચર્યું હોવાનો ખુલાસો આરોપીઓએ કર્યો હતો.

વડોદરામાં સગીરા પર દુષ્કર્મ કેસ ચર્ચાનો વિષય બન્યા બાદ પોલીસ પર દબાણ વધી રહ્યું હતું. પોલીસ સહિત તેમની બનાવેલી ટૂકડીઓ આરોપીઓને પકડવા માટે ગુજરાત સહિત રાજસ્થાન, યૂપી, બિહાર અને મધ્યપ્રદેશમાં શોધી રહ્યા હતા. છેવટે પોલીસે પીડિતા અને તેના સાથી મિત્રની મદદથી એક સ્કેચ જાહેર કરી શહેરમાં ચોંટાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીઓની ઓળખ કરાવનાર માટે મોટું ઈનામ પણ રાખ્યું હતું. તેમ છતાં આરોપીઓ 10 દિવસથી આઝાદ ફરી રહ્યા હતા. ઘટનાના 10 દિવસ બાદ બરોડા પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નરાધમોને ઝડપી પાડતા વડોદરા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

વડોદરામાં અમદાવાદ ક્રાઈમની ટીમ શનિવારે બપોરે 2 વ્યક્તિઓને પૂછતાછ માટે લઈ ગઈ હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2 વ્યક્તિઓની કડકાઈથી પુછપરછ કરતા એક વ્યક્તિ દુષ્કર્મી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જ્યારે તેનો સાગરિત બીજો હોવાની કેફિયત કરતા પોલીસ મોડી રાત્રે અઢી વાગે વડોદરાના તરસાલીમાંથી અન્ય એક સાગરિતને ઉપાડી લીધો હતાં. હાલ બન્ને આરોપીઓએ સગીરા પર ગેંગરેપ કર્યો હોવાની કબૂલાત કરી દીધી છે.

ક્રાઇમ બ્રાન્ચ પહેલાથી આવા કેસ હલ કરવામાં માહેર છે, ત્યારે ક્રાઈમ બ્રાન્ચે માત્ર એક ફોન કોલના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના સોફ્ટવેરમાં આ આરોપીઓના સ્કેચને વૉન્ટેડ આરોપીઓના ચહેરાઓ સાથે મેચ કરવામાં આવ્યા હતા. આરોપીઓ અગાઉ પણ ચોરીના મામલામાં વડોદરા પોલીસનો વૉન્ટેડ હતો. પોલીસે આ સ્કેચની ઓળખાણ કરવા માટે એક હાર્ડકોર ક્રિમિનલને ઉપાડી તેની પૂછપરછ કરી હતી જેના આધારે આરોપીની ઓળખ મળી હતી.

આ ઘટનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કિશન અને જશા નામના આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સ્કેચના આધારે 2 આરોપીની ધરપકડ કરી છે. ટેકનિકલ સર્વેલન્સ અને ડમ્પ ડેટાના આધારે ધરપકડ કરીને મોટી સફળતા હાથ લાગી છે. બંને આરોપીઓ મૂળ આણંદ અને રાજકોટના રહેવાસી છે. પોલીસે વડોદરાના તરસાલીમાંથી બંન્ને આરોપીઓની ધરપકડ કરી છે. આ બન્ને આરોપીઓએ વડોદરાના નવલખી મેદાનમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. વડોદરા શહેર પોલીસની 30થી વધુ ટીમોએ બંને નરાધમોને પકડવા ભારે ધમપછાડા કર્યા હતા પરંતુ અમદાવાદ ક્રાઇમના ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સથી નરાધમોને દબોચી લેવામાં સફળતા મળી હતી.

વડોદરા અને અમદાવાદ પોલીસે જ્યારે સગીરા અને તેના મિત્રની પૂછપરછ કરી ત્યારે તેમણે આરોપીઓ કોઈ વિચિત્ર બોલી બોલતા હોવાનું જણાવ્યું હતું. પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન