પાકિસ્તાનનું આ છે 'સ્ટ્રીટ પાવર' પોલિટિક્સ ! - Sandesh
  • Home
  • Columnist
  • પાકિસ્તાનનું આ છે ‘સ્ટ્રીટ પાવર’ પોલિટિક્સ !

પાકિસ્તાનનું આ છે ‘સ્ટ્રીટ પાવર’ પોલિટિક્સ !

 | 1:32 am IST

અનુસંધાન :- દેવેન્દ્ર પટેલ

પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઔઇમરાન ખાન પાકિસ્તાનના પીએમ બન્યા બાદ પોતાના જ દેશની પોલિટિક્સ પિચ પર પોતાના જ લોકોથી પરાજિત થઈ ગયા છે. ક્રિકેટનું મેદાન અને રાજનીતિનું મેદાન અલગ છે. તે વાત તેમને હવે સમજાઈ રહી છે. પાકિસ્તાનના પીએમ ભારત પર અણુહુમલા કરવાનો આડકતરો ઉલ્લેખ કરતા રહ્યા અને તેઓ સ્વયં પોતાના જ ઘરમાં ભેરવાઈ પડયા છે.

ઈમરામ ખાનના વડા પ્રધાન બન્યા બાદ પાકિસ્તાનની ભીતરની હાલત કેવી છે તે જાણવા જેવું છે. પાકિસ્તાનમાં આજકાલ ડુંગળીનો ભાવ ૨૦૦ રૂપિયે કિલો છે. ટમેટાંનો ભાવ ૩૦૦ રૂપિયે કિલો છે. કોબીજનો ભાવ ૧૫૦ રૂપિયે કિલો છે. આદુનો ભાવ ૫૦૦ રૂપિયે કિલો છે. ખાંડનો ભાવ ૯૦ રૂપિયે કિલો છે. પાકિસ્તાનના લોકો જે ટમેટાં ખાય છે તે મોટે ભાગે ભારતથી પાકિસ્તાન જતાં હતાં. ભારતે ટમેટાં મોકલવાના બંધ કર્યા બાદ પાકિસ્તાનમાં ટમેટાંનો ભાવ આસમાને પહોંચ્યો છે.

પાકિસ્તાનની બગડેલી હાલત આટલે અટકતી નથી. પાકિસ્તાનનો મોંઘવારીનો દર ૭.૩ ટકા પહોંચ્યો છે. સાક્ષરતા દર ૫૭.૩ ટકા છે. પાકિસ્તાનમાં ૩૨ ટકા બાળકો પ્રાથમિક શાળામાં જતા જ નથી. પાકિસ્તાનમાં શિક્ષણનું સ્તર નીચે આવ્યું છે. ઈમરામ ખાને શિક્ષણનું બજેટ ઘટાડી નાખતાં પાકિસ્તાનના વિદ્યાર્થીઓ- વિદ્યાર્થિનીઓનો આક્રોશ આસમાને છે. વિદ્યાર્થીઓને છાત્રાલયોમાં અપાતી સવલતો ઘટાડી નાખતાં લાહોરમાં હજારો વિદ્યાર્થીઓએ ઇમરામ ખાનથી આઝાદી માગતા સૂત્રો પોકાર્યા અને જબરદસ્ત દેખાવો કર્યા. વિદ્યાર્થીઓની એક જંગી કૂચ નીકળવાની છે અને આ કૂચની જાહેરાતથી ઈમરાન ખાનની સરકાર ડરી ગઇ છે. પાકિસ્તાનના સિંઘ અને બ્લુચિસ્તાન પણ આઝાદી માગી રહ્યા છે.

પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર પાકિસ્તાનની પ્રજાના ગુસ્સાથી જ ઘેરાઇ ગઇ છે. એક તો તેમના દેશની આર્થિક હાલત બદથી બદતર થઈ ગઈ છે. વિદેશ નીતિની બાબતમાં તેઓ સરિયામ નિષ્ફળ નીવડયા છે. ભારતની કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી લીધી તેના વિરોધમાં જોડાવા આખી દુનિયામાં ફર્યા, પરંતુ વિશ્વએ તેમને સાથ ના આપ્યો. પાકિસ્તાનમાં ગરીબી અને બેકારી પરાકાષ્ટાએ છે. આ બધા મુદ્દાઓને લઈને મૌલાન ફઝલ-ઉર-રહેમાન નામના એક નેતા તેમની પાછળ પડી ગયા છે. મૌલાના પાકિસ્તાનની ર્ધાિમક પાર્ટી જમિયત ઉલેમા-એ-ઇસ્લામના પ્રમુખ પણ છે. મૌલાનાના પિતા ખૈબર પખ્તૂનખ્વાના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને મૌલાના પાકિસ્તાનની સંસદમાં વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે.

આવા મૌલાનાએ પોતાના હજારો સમર્થકો સાથે લાંબી કૂચ કાઢી ઔઇસ્લામાબાદમાં ડેરો નાખી દીધો. એ દૃશ્ય જોઈને અણુશસ્ત્રોના નામે ભારતને ડરાવવાનો બાલીશ પ્રયત્ન કરનાર ઔઇમરાન ખાન ખુદ તેમના જ દેશના નેતાઓથી ડરી ગયા છે. મૌલાનાને પાકિસ્તાનના તમામ વિપક્ષોનું સમર્થન મળ્યું. પાકિસ્તાન પિપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટોએ પણ ઇમરાન સરકારને ગેરકાયદે સરકાર કહી મૌલાનાની ઔઇમરાન ખાન વિરુદ્ધની કૂચને સમર્થન આપ્યું હતું. વિપક્ષના બીજા કેટલાક નેતાઓએ ઇમરાન ખાનનાં રાજીનામાની માગણી કરી છે. મૌલાનાની આ માર્ચને નવાઝ શરીફની પાર્ટીનું પણ સમર્થન મળ્યું છે. ટૂંકમાં ઇમરાન ખાન પાકિસ્તાનમાં એકલા પડી ગયા છે.

ઇમરામન ખાનની પોલીસે મૌલાનાની વિરુદ્ધ અશાંતિ ફેલાવવાના આરોપસર કેસ પણ દાખલ કર્યો છે, પરંતુ ઇમરાન ખાન એ વાત ભૂલી જાય છે કે આ એ જ મૌલાના છે જેમને પાકિસ્તાનના રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીમાં વિપક્ષોએ ઉમેદવાર બનાવ્યા હતા. એ જ મૌલાના છે જેમને નવાઝ શરીફની સરકારે કેન્દ્રીયમંત્રી તરીકેનો દરજ્જો આપ્યો હતો. આ એ જ મૌલાના છે જેમણે ૧૯૯૮માં જ્યારે બેનઝીર ભુટ્ટો પાકિસ્તાનનાં વડાં પ્રધાન બન્યાં ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હું એક મહિલાની સત્તાને કબૂલ કરતો નથી. એમના આ નિવેદન પછી ખૂબ વિવાદ થયો અને તે પછી મૌલાનાએ તેમનું નિવેદન પાછું ખેંચી લીધું હતું.  આવા સખત સ્વભાવના મૌલાના ઔઇમરાન ખાનની પાછળ પડી ગયા છે. હવે સવાલ એ છે કે શું મૌલાનાને પાકિસ્તાનનાં લશ્કરનું સમર્થન છે ? શું પાકિસ્તાનના લશ્કરી વડાઓને ઇમરાન ખાન વિદેશનીતિમાં નિષ્ફળ ગયા છે તેમ લાગે છે ? પાકિસ્તાનના લશ્કરના કેટલાક વડાઓ અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇના વડાનું બનેલું એક જૂથ ‘ડીપ સ્ટેટ’ તરીકે ઓળખાય છે. પાકિસ્તાનમાં વડાપ્રધાન કોઇ પણ બને પણ સત્તાની અસલી કમાન તો આ ‘ડીપ સ્ટેટ’ના જ હાથમાં હોય છે. ચૂંટણીઓમાં કોને જીતાડવા અને કોને હરાવવા તે આ જૂથ જ નક્કી કરે છે.  એ જ રીતે આજે ઇમરાન ખાનની વિરુદ્ધમાં જે લોંગ માર્ચ નીકળી તે કોઈ નવી વાત નથી. ૯૦ના દશકામાં નવાઝ શરીફની સરકારને ગીરાવવા બેનઝીર ભુટ્ટોએ પણ આવી જ લોંગ માર્ચ કાઢી હતી અને બેનઝીર ભુટ્ટો જ્યારે સત્તામાં આવ્યાં ત્યારે નવાઝ શરીફે પણ બેનઝીર ભુટ્ટોની વિરુદ્ધમાં લોંગ માર્ચ કાઢી હતી. બંને વખતે સરકારોનું પતન થયું. એ જ રીતે આજથી પાંચ વર્ષ પહેલાં આ જ ઇમરાન ખાને નવાઝ શરીફની સરકારને પદભ્રષ્ટ કરવા આવી જ લાંબી માર્ચ કાઢી હતી. હવે એ જ કામ મૌલાના ફઝલ-ઉર-રહેમાન કરી રહ્યા છે. મૌલાના એક પીઢ રાજનીતિજ્ઞા અને એક મૌલવી પણ છે. તેમને એક સમજદાર વ્યક્તિ તરીકે પણ માનવામાં આવે છે. તેમની એક જ માગ છે કે ઇમરાન ખાન રાજીનામું આપે અને પાકિસ્તાનમાં ફરી ચૂંટણીઓ કરાવવામાં આવે. મૌલાનાને એક કટ્ટરપંથી માનવામાં આવતા નથી. હા, તેઓ ધર્મ આધારી રાજનીતિનું પ્રતિનિધિત્વ કરે છે, પણ કટ્ટરપંથી નથી.

બીજી વાત એવી છે કે છેલ્લાં કેટલાંયે વર્ષોથી ઇમરાન ખાન અને ફઝલ-ઉર-રહેમાન વચ્ચે અંગત અને રાજકીય અદાવત છે. ઇમરાન ખાને મૌલાનાના રાજકીય ગઢમાં ગાબડાં પાડયાં છે. ખાસ કરીને ખૈબર પખ્તૂતખ્વા અને બલૂચિસ્તાનમાં મૌલાનાનો દબદબો રહ્યો છે, પરંતુ ઇમરાન ખાનની પાર્ટીએ અહીં મૌલાનાને ઝટકો આપ્યો છે અને ત્યાં સુધી કે આટલાં વર્ષોમાં મૌલાના પહેલીવાર ખુદ પોતાની પાર્ટી બચાવી શક્યા નહીં. ઇમરાન ખાન મૌલાનાને બર્દાસ્ત કરવા તૈયાર નથી. મૌલાનાની રાજનીતિની ખૂબી એ છે કે તેમની પાસે ભલે મોટી વોટ બેન્ક નથી, પરંતુ તેમની પાસે ‘સ્ટ્રીટ પાવર’ છે. તેઓ તેમના સમર્થકોને સડક પર ઉતારી શકે છે. જો કે આ પ્રકારનો સ્ટ્રીટ પાવર પાકિસ્તાનની બધી જ પોલિટિકલ પાર્ટીઓ પાસે છે. વડા પ્રધાનની ખુરશીમાં બેઠેલાઓને ઘર ભેગા કરવા પાકિસ્તાનમાં આ પ્રકારનો સ્ટ્રીટ પાવર અર્થાત્ લાંબી કૂચ કરાવવાની તાકાત બધી જ રાજકીય પાર્ટીઓ પાસે છે. પાકિસ્તાનનું આ સ્ટ્રીટ પાવર પોલિટિક્સ છે. ઇમરાન ખાનની વિરુદ્ધ કાઢવામાં આવેલી આ લાંબી કૂચને મૌલાનાએ ‘આઝાદીની માર્ચ’ એવું નામ આપવામાં આવ્યું હતું.

સવાલ એટલો જ છે કે મૌલાનાની આઝાદી માર્ચની પાછળ પાકિસ્તાનનું આર્મી તો નથી ને ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન