This Is What Education Minister Said After Surat Fire Incident
  • Home
  • Featured
  • સુરત આગની ઘટના બાદ તંત્રની ‘ખો-ખો’, શિક્ષણમંત્રીએ હાથ કર્યા અદ્ધર

સુરત આગની ઘટના બાદ તંત્રની ‘ખો-ખો’, શિક્ષણમંત્રીએ હાથ કર્યા અદ્ધર

 | 7:39 pm IST

સુરતનાં સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડ કૉમ્પલેક્સમાં લાગેલી ભયંકર આગમાં 20થી વધારે લોકોનાં મોત થયા છે. આ કૉમ્પલેક્સમાં ટ્યૂશન ક્લાસિસ ચાલતું હતુ અને ત્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર હતા. પ્રચંડ આગમાં અત્યાર સુધી 20 જેટલા લોકોનાં મોત થતા સર્વત્ર શોક મચી ગયો છે. જિંદગીમાં કંઇક કરવાનાં સપના જોતા વિદ્યાર્થીઓ પોતાના સપનાઓને ધાર આપવા માટે જ્યારે આવા ટ્યૂશન ક્લાસિસમાં જાય છે ત્યારે તેમને મોતનાં મુખમાં જવું પડે છે અને આવી અનેક ઘટનાઓ બનતી હોવા છતા ‘નિર્દય ટ્યૂશન ક્લાસિસ’ કે તંત્ર કોઈ જ સાવધાની રાખતુ નથી કે ના પગલાં ભરે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ટ્યૂશન ક્લાસિસમાં આગ લાગવાથી વિદ્યાર્થીઓનાં મોત થયા હતા. વિદ્યાર્થીઓની જિંદગીને છીનવી લેવા માટે કોણ જવાબદાર?

આ વિશે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમા સાથે સંદેશ ન્યૂઝે વાત કરી હતી. ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ સુરતમાં લાગેલી આ આગની ઘટના વિશે કહ્યું કે, “આ ઘટના અંગે સુરત પોલીસ કમિશ્નર ઝડપી કાર્યવાહી કરી રહ્યા છે.” તો તેમણે આ આગની ઘટના માટે કૉર્પોરેશનને જવાબદાર ઠેરવ્યું છે. તેમણે કૉર્પોરેશનને પોતાનું કામ યોગ્ય રીતે કરવાનું કહ્યું છે. સુરત આગનાં તાંડવની ઘટનાથી ભુપેન્દ્ર સિંહે હાથ અધ્ધર કરી લીધા છે.

જો કે મોતનાં આ તાંડવ બાદ સલાહ-સૂચનો આપવું વ્યર્થ છે. શહેરમાં આગની ઘટનાઓ આવી ‘મોતની બિલ્ડિંગો’માં થાય તેના માટે જવાબદાર કોણ? શા માટે વ્યવસ્થિત ચેકિંગ કરવામાં આવતુ નથી? શા માટે મોતથી ધમધમી રહેલી આવી બિલ્ડિંગ્સને ફક્ત નોટિસ જ આપવામાં આવે છે અને ત્યારબાદ કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી? ખૂદ શિક્ષણ મંત્રીએ મોતની આ ઘટના બાદ કૉર્પોરેશનને ખો આપી છે.

ઉલ્લેખનીય છે કે સરકારે મૃતકોનાં પરિવારને 4 લાખની સહાયની જાહેરાત કરી છે, પરંતુ શું ચાર લાખમાં ઘરનાં દીકરાઓની જિંદગી પાછી આવશે? જો આવી ઘટનાઓ બને તે પહેલા જ યોગ્ય કામગીરી અને ચેકિંગ થતા હોય તો આવી ઘટનાઓ બને નહીં. 20 લોકોનાં મોતને મામલે ભલે સરાકર અને કૉર્પોરેશન એક-બીજાને ખો આપી રહી હોય, પરંતુ આ ‘કાળા કેર’ માંટે બંને જ સરખા જવાબદાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન