આ તે કેવો પ્રેમનો જુગાર ? - Sandesh
1.6M
1M
1.7M
APPS

આ તે કેવો પ્રેમનો જુગાર ?

 | 1:38 am IST

વાર્તા : અમૃત વડિયા

ઓપરેશન થિયેટરમાંથી હસતાં ચહેરે બહાર આવેલી નર્સે બેબી બોયનો બર્થ થયો હોવાનું કહેતાં જ માલા ખુશીની મારી ઝૂમી ઊઠી અને તેની આંખમાંથી હર્ષના આંસુ વહેવા માંડયા. આખરે ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળી હતી. અને હવે મલય નિર્વંશ નહીં ગણાય. એની મહેચ્છા નીનાએ પૂરી કરી હતી. એણે તરત જ તમામ નર્સીસને પાંચસો, પાંચસો રૂપિયાની લહાણી કરી અને તબીબો સહિત સૌને મીઠાઈના બોક્સ મંગાવીને વહેંચ્યા. એ ખરેખર ખુશ હતી. મલય એને ખૂબ પ્રેમ કરતો હતો. એ પરણીને આવી ત્યારથી જ એને રાણીની જેમ રાખતો હતો. મલયનો પરિવાર ગર્ભશ્રીમંત હતો. અનેક વ્યવસાયો હતા અને જમીનો પણ ખૂબ હતી. દોમદોમ સાયબી હતી. મલયને એ દેશ-વિદેશમાં ખૂબ ફરતા રહેતા હતા. જે જોઈએ તે બધું જ હાજર હતું. સોના-ચાંદી, હીરા-મોતીના દાગીનાનો પાર ન હતો. મહેલ પણ ઝાંખો પડે એવો બંગલો અને ફાર્મહાઉસ હતા. બધું હતું પણ ખોળાનો ખુંદનાર ન હતો. એણે ખૂબ ટ્રીટમેન્ટ કરાવી પણ બધી નિષ્ફળ ગઈ હતી. નસીબ પણ કેવા હતા એના દિયર નિલયને તેની નાની બહેન નીના સાથે લવ થઈ ગયો હતો અને બંનેના લગ્ન ઠાઠમાઠથી કરાવ્યા હતા. બસ ચારે બાજુ હર્ષના હિલોળા જ હતા છતાં તેને ત્યાંય પારણું બંધાયું ન હતું. એણે પણ ઘણી ટ્રીટમેન્ટ કરાવી પણ ખોળો ભરાયો જ નહીં. બંને બહેનો વચ્ચે ગાઢ મૈત્રી હતી. બંને જાણે એક શ્વાસથી જીવતી હતી. બંને ખૂબ ખિન્ન રહેવા માંડી. આટલી બધી સાયબી અને તેનો વારસદાર કોઈ જ નહીં? બંનેએ પોતપોતાના પતિઓને બીજા લગ્ન કરવા માટે સમજાવ્યા, પરંતુ બેમાંથી એકેય ના માન્યા. આખરે બધું જ નસીબ પર છોડી દીધું અને ત્યારે જ એને એક આઈડિયા સૂઝયો જે આજે સફળ થયો હતો.

એણે નીનાને વિશ્વાસમાં લઈને એ આઈડિયા કહેતા એણે પહેલા તો આનાકાની કરી. માલાએ એને સમજાવી કે તેની પોતાની હવે ઉંમર થોડી મોટી થઈ છે, એટલે જોખમ છે. બાકી એ પોતે જ તે માટે તૈયાર છે. આખરે નીના માની ગઈ. જોકે તે માટે મોકો મેળવવામાં ઘણી રાહ જોવી પડી, પરંતુ આખરે એ મોકો આવી ગયો. એક વાર તેઓ ફાર્મહાઉસ પર ગયા. નાનો ભાઈ નિલય કોઈ કારણસર વિદેશ ગયો હતો. ત્રણેયે ફાર્મહાઉસમાં હરીફરીને ખાઈ પીને આનંદ માણ્યો. માલાના આગ્રહથી રાત પણ ત્યાં જ રહી ગયા. એ રાત્રે હોમ થિયેટરમાં પિક્ચર જોયું અને મલયે વાઈન પીધો. પછી સાથે નાચ્યા અને મલયને ઘેન ચઢવા માંડતા એણે બેડરૂમમાં જઈ લંબાવ્યું. પૂર્વ આયોજન મુજબ લાઈટ ઓફ કરીને નીના મલયની સાથે બેડ પર સૂઈ ગઈ અને ફોર પ્લે ચાલુ કરતાં મલય એક્સાઈટ થઈ ગયો. એણે તેની સાથે સંવનન કર્યું. પછી એ ઘસઘસાટ ઊંઘી ગયો. એટલે નીના બીજા બેડરૂમમાં જતી રહી અને માલા મલયની બાજુમાં સૂઈ ગઈ, સવારે મલયે માલા સાથે ખૂબ મસ્તી કરી અને રાતની સ્મૃતિ કરાવતા બોલ્યો. આ વખતે કંઈ ઓર જ અનુભવ થયો. તું થોડી યંગ બની ગઈ હતી કે કંઈ?

કેમ નહીં? તારો સહવાસ હોય પછી એવું જ ને? કહે એ એને વીંટળાઈ વળી અને બોલી, તુંય હજી એવો જ યંગ છે.

આ બાજુ નીનાને ક્ષોભ થતો હતો પણ આખરે તેણે આ બધું તે બંનેના માટે જ કરવું પડે એમ હતું. માલાએ તેને સમજાવ્યું હતું કે આ એક જુગાર છે. કદાચ સફળ થવાય અને ન પણ થવાય. કદાચ મારામાં કે તેનામાં કોઈક ખામી હોય અને સ્પર્મ મેચ ન થતા હોય એવું બની શકે. આમાં પણ નિષ્ફળ જવાય તો પછી સરોગેટ મધરનો પ્રયોગ કરવા એ તૈયાર હતી. તે માટે તેણે નીનાને નિલયને પછીથી સમજાવવા પણ કહી રાખ્યું હતું. જોકે, એ વાત પછીની હતી. થોડા દિવસ બાદ એણે વધુ એક વાર આ રીતે જ ફાર્મહાઉસમાં રાત્રિ રોકાણ કર્યું હતું. અને ત્યારેય નિલય વિદેશ ગયો હતો. તે રાત્રે પણ મલયે વાઈન પીધો અને વહેલો બેડરૂમમાં જઈ સૂતો ત્યારે એ જ રીતે નીના એની બાજુમાં માલા હોય એ રીતે સૂઈ ગઈ અને ફોર પ્લે કરી તેને ઉત્તેજિત કરી સંવનન કર્યું.

આખરે તેનો આ પ્રયોગ સફળ થયો હતો. નીના ગર્ભવતી બની હતી. એણે તેને કોઈ તકલીફ ન પડે એનો સતત ખ્યાલ રાખ્યો હતો. જો તેની પોતાની જાત કરતાં પણ નીતાની વધુ ચિંતા કરતી હતી. શરૂઆતથી જ ગાયનેકોલોજિસ્ટની સલાહ મુજબ બધું કરાવતી હતી. છેલ્લે એણે પુત્ર માટે માનતા પણ માની હતી. એ મનોમન ભગવાનનો આભાર માની રહી હતી ત્યાં જ નર્સે આવીને તેને અંદર લઈ ગઈ. એણે નીના અને પુત્રને ચૂમી લીધા. બંને બહેનોની આંખોમાંથી અશ્રુ વહેવા માંડયા. જોકે, બંનેના આંસુમાં ફર્ક હતો. માલા વિચારતી હતી એથી કંઈ જુદં જ નીના વિચારતી હતી. એ મનોમન ખૂબ ખુશ હતી છતાં તેના દિલમાં થોડો વિષાદ પણ હતો. આખરે તેણે તેને પ્રાણથીય વધારે પ્રેમ કરતી તેની મોટી બહેનને દગો દીધો હતો.

માલાનું જ્યારે મલય સાથે મેરેજનું નક્કી થયું ત્યારે એને જોઈને જ એ એના તરફ આકર્ષાઈ હતી. એ ખરેખર સારો દેખાવડો અને મોહક હતો. તેને જોઈને તરત જ વર તો આવો જ જોઈએ એવું નક્કી કરી ચૂકી હતી, પરંતુ તે ક્યાં શક્ય હતું. મલય માલાને મળવા આવતો ત્યારે એ તેની સાથે જ રહેતી હતી, પરંતુ મોટી બહેનના સંસારમાં આગના લાગે તેનોય ખ્યાલ સતત રાખતી હતી. મલયને પણ તે ગમતી હોવાનું અનેકવાર માર્ક કર્યું હતું. એટલે જ તો કંઈ નહીં તો તેની સાથે રહી શકાય, મળી શકાય એવું વિચારીને જ એણે નિલય સાથે સંબંધ બાંધ્યો હતો. એની સાથેના પ્રેમમાંય પોતાનો સ્વાર્થ હતો.

જિંદગીમાં બધું સુખ હતું ત્યારે જ શેર માટીની ખોટ બંને બહેનોને દુઃખી કરી રહી હતી. માલા વધુ દુઃખી થતી હતી એટલે તેનુંય દિલ વલોવાતું હતું. એ પોતે ભલે મલય તરફ આકર્ષાઈ હોય પણ મોટી બહેન માલા પ્રત્યે એને ખૂબ પ્રેમ હતો. એટલે જ તો એ મલય સાથે કદી શારીરિક છૂટછાટ લેવાનો પ્રયાસ કરતી ન હતી, પરંતુ માલાની ખુશી ખાતર જ તેણે તેની વાત પર થોડી આનાકાની બાદ માની લીધી હતી. આખરે મલયને એ પામી શકી હતી, પરંતુ એને ખબર ના પડે એમ!

સાંજે નિલય અને મલય સાથે આવ્યા. બંને ખૂબ ખુશ હતા. લાંબો સમય માતા-પુત્રની પાસે બેસીને સૌએ આનંદ માણ્યો. નિલય ડોક્ટરને બિલ ચૂકવવા અને રજા ક્યારે આપશે એવું પૂછવા ગયો ત્યારે મલયે ઊભા થઈને નવજાત બાળકના ગાલને પંપાળતા માલાની સામે જોઈને હસતાં હસતાં બોલ્યો, અરે… આનો ચહેરો તો એકદમ મારા જેવો જ છે ને?

જવાબમાં માલા ખડખડાટ હસતાં હસતાં બોલી. હોય જ ને! બાળકનો ચહેરો મોટાભાગે મમ્મી જેવો અથવા પિતા જેવો જ હોય ને? તારું શું કહેવું છે નીના?

નીતા બંનેને આૃર્યથી જોઈ રહી અને કશું જ ના બોલી, પણ બધું સમજી ગઈ.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન