વડોદરાના આ ઈજનેર મહાશયે કહ્યું, "હું કલ્કી અવતાર છું" - Sandesh
  • Home
  • Baroda
  • વડોદરાના આ ઈજનેર મહાશયે કહ્યું, “હું કલ્કી અવતાર છું”

વડોદરાના આ ઈજનેર મહાશયે કહ્યું, “હું કલ્કી અવતાર છું”

 | 3:34 pm IST

અનેક લોકોમાં અનેક પ્રકારના ઓબ્સેસન જોવા મળતાં હોય છે. તેમને એ કિસ્સો યાદ જ હશે કે જે ઉત્તર પ્રદેશના આઈજી છે. જે પોતાને  ભગવાન કૃષ્ણની રાધા ગણાવતા હતા. પોતે પોલીસ અધિકારી હોવા છતાં રાધા રાણીના વસ્ત્રો જ પહેરતાં હતા. આવી જ ઘટના વડોદરાના સરદાર સરોવર નિગમ  કચેરીમાં પુનઃ વસવાટ વિભાગમાં અધિક્ષક ઈજનેર તરીકે ફરજ બજાવતા અધિકારી રમેશચંદ્ર ફેકરેની છે. જે પોતાને ભગવાનનો કલ્કી અવતાર ગણાવે છે. આ અધિકારી પોતાને રામ અને કૃષ્ણ પણ ગણાવે છે. તે કહે છે કે,” રામ પણ હું જ હતો અને કૃષ્ણ પણ હું જ હતો.” આ મહાશય પોતાની પત્નીને લક્ષ્મી ગણે છે. તો પોતાની માતાને અહલ્યાબાઈનો અવતાર ગણાવે છે. આ ઈજનેર મહાશય લાખોની સંપત્તિ ધરાવે છે. અને મૂળભૂત રીતે રાજકોટના રહેવાસી છે. જ્યારે આ અધિકારીને પોતે કલ્કી અવતાર હોય તે સાબિત કરાવે તેમ કહેવામાં આવ્યું ત્યારે આ અધિકારીએ ચૂપ જ રહેવાનું  મુનાસિબ માન્યું હતું.

સરદાર સરોવર નિગમની ઓફિસમાં વારંવાર ગેરહાજર રહેવાને પગલે તેમની પાસે સરકાર દ્વારા ખુલાસો માંગતા, આ મહાશયે હાસ્યસ્પદ જવાબ આપતા પોતાને ભગવાન કલ્કીનો અવતાર ગણાવ્યા હતા. તેમણે પોતાના ઉચ્ચ અધિકારીને લેખિતમાં જવાબ આપતા જણાવ્યું હતું કે ચેતનાના કામ હું ઓફિસમાં બેસીને ન કરી શકું. હું ભગવાન વિષ્ણુનો દશમો અવતાર છું. હું તુરિયાતીયે અવસ્થાની સાધના કરું છું. તેથી હું ઓફિસમાં નથી બેસી શકતો. તેમણે શું આપ્યો કારણદર્શક નોટિસનો જવાબ.. જાણો અહિં…

ઉલ્લેખનિય છે કે સત્તાવાળાઓ તરફથી રમેશચંદ્ર ફેફરેને તા. 15મી મે 2018ના નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાં તેઓ 22 સપ્ટેમ્બર 2017થી ગેરહાજર હોવા અંગે ખુલાસો માંગવામાં આવ્યો હતો. આઠ મહિનામાં માત્ર 16 દિવસ જ નોકરી કરનારા આ મહાશયે પોતાના કામ પ્રત્યે સભાન થવાને બદલે લેખિતમાં જવાબ આપ્યો હતો. જેમાં તેણણે 17મી મેના રોજ એક પત્ર પાઠવ્યો હતો. તેમાં પોતાને ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કી અવતાર હોવાનું જણાવી, હાલ તેઓ સાધનામાં મગ્ન હોવાથી ઓફિસ આવી શકશે નહિં તેમ જાણ કરી હતી.

આ પત્રમાં તેમણે વધુંમાં પોતાની ઉપલબ્ધીઓ ગણાવતા કહ્યું હતું કે તેમની તુરિયાતીયે સાધનાને પરિણામે રાજ્યમાં સારો વરસાદ થયો હતો. તેમની સાધનાને કારણે જ મચ્છુ ડેમ છલકાઈ ગયો હતો. તેમની સાધનાને કારણે જ 16 સપ્ટેમ્બર 2012થી સતયુગની સ્થાપના થઈ છે. તેમની સાધનાને કારણે જ દુષ્કાળ પડતો નથી. માટે તેમની સાધનામાં ખલેલ ન પાડવી. તેમણે કહ્યું હતું કે પહેલા દર ત્રણ વર્ષએ દુકાળ પડતો હતો પણ તેમની સાધના થકી હવે દુષ્કાળ એ દૂરની વાત થઈ ગઈ છે. છેલ્લા 19 વર્ષથી સારો વરસાદ પડી રહ્યો છે. અમેરિકાના વૈજ્ઞાનિકો પણ સારો વરસાદ કેમ થઈ રહ્યો છે તેના કારણો શોધી શક્યા નથી. પણ હું કલ્કી અવતાર છું તેથી જ આ શક્ય બન્યું છે. આવી સ્થિતિમાં હું ઓફિસમાં ભૌતિક રીતે બેસું તેના કરતાં ઘરે રહીને સાધના કરું તે જ મહત્વનું છે.

જુઓ આ રમેશચંદ્ર ફેફરેએ પત્રકાર દ્વારા લેવાયેલા ઈન્ટરવ્યુમાં શું કહ્યું..

રમેશચંદ્ર ફેફરે કહે છે કે કૃષ્ણ વખતે હું દ્વારકાધિશ હતો. રામ વખતે હું રામ હતો. દુનિયામાં હાલમાં 500 ભગવાનના અવતારો છે. ભારત એ સૌથી પવિત્ર દેશ એ 1000 વર્ષ ગુલામ રહે તે ભારતીયોની નબળાઈ નહોતી પણ કળિયુગની અસર હતી. મારી પત્ની લક્ષ્મીનો અવતાર છે તેને મારા વિરુદ્ધ કેસ કરવો પડ્યો ત્યારે તેને કેટલી તકલીફ થઈ હશે. તેમણે કહ્યું કે હું હાલમાં 52 વર્ષનો છું અને 58 વર્ષે રિટાયર્ડ  થઈશ. તેમણે કહ્યું કે હું તો અહિં જ હોય, કામ તો થતું જ રહે. પીએમ મોદી વિશે સારો અભિપ્રાય ન આપ્યો જ્યારે તેમણે વિજય રૂપાણીને સારા માણસ ગણાવ્યા. તેમણે કેમેરાની સામે પોતાની પત્નીને 6 વખત મારી તેવી કબૂલાત પણ કરી. તો એક જ રાતમાં તેમના દ્વારા 19 ઈંચ વરસાદ વરસાવવાની વાત કરી. અને 19 વર્ષથી દુકાળ નથી પડ્યો તે પણ તેમના કારણે જ છે, તેમ કહ્યું. તેમણે વધુંમાં કહ્યું કે જો આવર્ષે 16 આની વરસાદ પડે તો માનજો કે હું કલ્કીનો અવતાર છું. જાણો તેમણે શું શું કહું બીજું… વીડિયોમાં…

 

રમેશચંદ્ર ફેફરેના જવાબથી હાલ તો ઉચ્ચ અધિકારી પણ દંગ રહી ગયા છે. હવે જોવાનું એ રહે છે કે આ મહાશય વિરુદ્ધ સરકાર શું પગલાં ભરવામાં આવે  છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન