આ મોડલને કારણે થશે દુનિયાના સૌથી મોંઘા ડિવોર્સ ! - Sandesh
 • Home
 • World
 • આ મોડલને કારણે થશે દુનિયાના સૌથી મોંઘા ડિવોર્સ !

આ મોડલને કારણે થશે દુનિયાના સૌથી મોંઘા ડિવોર્સ !

 | 12:12 am IST

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેફ અને મેકેન્ઝીએ છૂટાછેડાની જાહેરાત કરી દીધી છે, તેઓ જો છૂટા થશે અને સંપત્તિની વહેંચણી થશે તો દુનિયાના સૌથી મોંઘા છૂટાછેડા તેમનાં નામે નોંધાશે. આ સંપત્તિની વહેંચણી થઈ તો મેકેન્ઝી દુનિયાની સૌથી ધનિક મહિલા થઈ જશે અને વિશ્વનાં ધનિક લોકોની યાદીમાં પણ તેને સ્થાન મળી જશે, તે ઉપરાંત જેફ બેઝોસ વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ તરીકેનું સ્થાન પણ ગુમાવી દેશે. હાલમાં જેફની સંપત્તિ ૧૩૭ અબજ ડોલર છે, તેમાંથી તેણે મેકેન્ઝીને ૬૯ અબજ ડોલર આપવા પડશે. આ રીતે જેફની સંપત્તિ અડધી થઈ જશે.

વોશિંગ્ટનના કાયદા પ્રમાણે સંપત્તિની વહેંચણી કરવી પડે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલમાં જેફની સંપત્તિ ૧૩૭ અબજ ડોલર છે. તેણે છૂટાછેડા બાદ ૬૯ અબજ ડોલર મેકેન્ઝીને આપવા પડશે. એમેઝોન જ્યાં આવેલી છે અને જેફ તથા મેકેન્ઝીનું જ્યાં ઘર છે તે વોશિંગ્ટનના કાયદા થોડા અલગ છે. વોશિંગ્ટનને કોમ્યુનિટી પ્રોપર્ટી સ્ટેટ પણ કહે છે. અહીંયાં લગ્નજીવન દરમિયાન લીધેલી તમામ કે ઉર્પાિજત કરેલી તમામ સંપત્તિ, આવક અને દેવાંની સરખા ભાગે વહેંચણી કરવી પડે છે. કોઈપણ યુગલ જ્યારે છૂટાછેડા લે છે ત્યારે તમામ બાબતે અડધો ભાગ કરવામાં આવે છે. યુગલ દ્વારા આ મુદ્દે પહેલેથી કોઈ કરાર ન કરવામાં આવ્યા હોય તો કોર્ટ આદેશ આપવા દરમિયાન અડધી વહેંચણી કરાવે છે. એક વકીલે જણાવ્યું કે, કાયદા પ્રમાણે બધું જ સરખે ભાગે વહેંચાય છે પણ મોટાભાગના કેસમાં તેવું થતું નથી. ધનિકો છૂટાછેડા લેતાં પહેલાં સમજૂતીથી સંપત્તિની અને બાકીની તમામ બાબતોની વહેંચણી મુદ્દે પારસ્પરિક સ્પષ્ટતા કરી લે છે. આ તમામ સ્પષ્ટતા અને કરાર બાદ તેઓ કોર્ટમાં અરજી કરે છે. વોશિંગ્ટન દ્વારા છૂટાછેડા માટે આવનારા યુગલને ૯૦ દિવસનો સમાધાનનો સમય આપવામાં આવે છે. સૂત્રોના મતે જેફ અને મેકેન્ઝીએ જાહેરાત કરી છે કે તેઓ છૂટા થઈ જશે પણ તેમણે કોર્ટમાં આ મુદ્દે હજી સુધી કોઈ અરજી કરી નથી.

આ છૂટાછેડાની આવી અસર પડશે

 • વિશ્વનાં અર્થતંત્રમાં અને વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં ઉતાર-ચડાવ જોવા મળશે.
 • જેફ બેસોઝ વિશ્વની સૌથી ધનિક વ્યક્તિનો તાજ ગુમાવશે.
 • મેકેન્ઝી વિશ્વની સૌથી ધનિક મહિલા બની જશે.
 • બિલ ગેટ્સ ફરી એક વખત વિશ્વની ધનિક વ્યક્તિ બની જશે.
 • એમેઝોનના બિઝનેસ ઉપર તેની સીધી અસર નહીં જોવા મળે.

ફિલિપીન્સમાં છૂટાછેડા અપાતા નથી

ફિલિપીન્સ દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જ્યાં નાગરિકોને છૂટાછેડા લેવાની પરવાનગી નથી. ફિલિપીન્સ કેથલિક દેશોના જૂથનો એક ભાગ છે જ્યાં લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે અને તેના સંસ્કારો સાચવવામાં ત્યાંના સ્થાનિક ચર્ચ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી છે. અહીંયાના રાષ્ટ્રપતિ ઈચ્છતા નથી કે આ દેશમાં છૂટાછેડાને માન્યતા આપવામાં આવે. તેઓ માને છે કે, ફિલિપીન્સને લાસ વેગસ નથી બનાવવું જ્યાં સવારે લગ્ન થાય અને સાંજે છૂટાછેડા થઈ જાય.

છૂટાછેડા વિશે જાણવા જેવું

 • ફિલિપીન્સ એકમાત્ર એશિયાઈ દેશ છે જ્યાં છૂટાછેડા આપવામાં આવતા નથી
 • ચીલીમાં પણ ગંભીર કારણ સાબિત કર્યા સિવાય છૂટાછેડા આપવામાં આવતા નથી
 • જાપાનમાં પુરુષને છૂટાછેડા ઝડપથી મળે છે તરત લગ્ન પણ કરી શકાય છે જ્યારે મહિલાઓએ છૂટાછેડા પછી છ મહિના સુધી રાહ જોવી પડે છે.
 • મિસરમાં પુરુષોને ઝડપથી છૂટાછેડા મળે છે જ્યારે સ્ત્રીઓએ પતિની પરવાનગી લઈને કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરવી પડે છે.

જેફ બેઝોસે ટ્વિટ કર્યું હતું

જેફ બેઝોસે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, અમે લોકો અમારી જિંદગીમાં થનારાં પરિવર્તન વિશે કંઈક જણાવવા માગીએ છીએ. અમારા પરિવાર અને મિત્રોને ખ્યાલ છે કે અમે ઘણા સમયથી છૂટાછેડા વિશે વિચારી રહ્યાં છીએ અને હવે અમે નિર્ણય કરી લીધો છે કે, અમે છૂટાછેડા લઈ લઈશું પણ સાથે સાથે અમે એક મિત્ર તરીકે રહીશું. અમે અમારી જાતને ખૂબ જ ભાગ્યશાળી સમજીએ છીએ કે આટલાં વર્ષો અમે લગ્નબંધનથી જોડાયેલાં રહ્યાં. અમને ખ્યાલ હોત કે ૨૫ વર્ષ બાદ અમે જુદાં થવાનાં છીએ તો અમે ફરી એક વખત એ બધું જ કરી લેતાં જે આ ૨૫ વર્ષોમાં સાથે રહીને કર્યું છે. અમે ખૂબ જ સુંદર લગ્નજીવન પસાર કર્યું છે. અમે એક માતા-પિતા, મિત્ર અને બિઝનેસપાર્ટનર તરીકે ઉજ્જ્વળ ભવિષ્ય જોઈએ છીએ. અમે એક પરિવાર અને મિત્ર બનીને જ રહીશું.

વિશ્વના પાંચ સૌથી મોંઘા છૂટાછેટા

એલેક વિલ્ડેનસ્ટેઈન અને જોસેલીન : ૩.૮ અબજ ડોલર (૧૯૯૯)

રુપર્ટ મર્ડોક અને એન્ના ટોર્વ : ૧.૭ અબજ ડોલર (૧૯૯૯)

બર્નેઈ એક્લેસ્ટોન, સ્લેવિકા રેડિક : ૧.૨ અબજ ડોલર (૨૦૦૯)

સ્ટીવ અને એલેઈન વીન : ૦૧  અબજ ડોલર (૨૦૧૦)

હેરોલ્ડ હેમ અને સ્યૂ એન આર્નેલ : ૯૭૫  મિલિયન ડોલર (૨૦૧૨)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન