આ કદાવર બિલાડો શિકાર કરવા માટે ત્રણ મીટર ઊંચો કૂદકો મારી શકે છે - Sandesh
  • Home
  • Kids Corner
  • આ કદાવર બિલાડો શિકાર કરવા માટે ત્રણ મીટર ઊંચો કૂદકો મારી શકે છે

આ કદાવર બિલાડો શિકાર કરવા માટે ત્રણ મીટર ઊંચો કૂદકો મારી શકે છે

 | 12:01 am IST

જંગલબુક : નીરવ દેસાઈ

કેરેસલ મજબૂત બાંધાનો જંગલી બિલાડો છે, જે આફ્રિકામાં, મધ્ય-પૂર્વ તથા મધ્ય એશિયામાં અને ભારતમાં જોવા મળે છે. સામાન્ય બિલાડીની સરખામણીમાં તે ઘણો મોટો અને આકરો દેખાય છે. લાંબા પગ, નાનું મોઢું, લાંબા અણિદાર કાન અને લાંબા અણીદાર દાંત ધરાવતા આ બિલાડાની રુવાંટી આછા લાલ રંગની અથવા રેતાળ રંગની હોય છે. તેમજ તેના પેટના ભાગે નાના આછા લાલ રંગના ધબ્બા હોય છે. તેના આગળના બે પગ ચાલીસથી પચાસ સેમી જેટલી ઊંચાઈ સુધી પહોંચે છે. નર કેરેસલનું વજન લગભગ બારથી અઢાર કિલો જેટલું અને માદા કેરેસલનું વજન આઠથી તેર કિલો જેટલું હોય છે. નર ૭૮ સેમી અને માદા ૭૩ સેમીની એવરેજ લંબાઈ ધરાવે છે. નર કેરેસલ માદા કેરેસલ કરતાં કદમાં ઊંચી હોય છે. તેની પૂંછડીની લંબાઈ ૨૬થી ૩૪ સેમી જેટલી હોય છે. તેના બંને કાનનો બહારનો ભાગ કાળા રંગનો હોય છે. ૧૭૭૬માં જર્મન નિસર્ગપ્રેમી જોહૃન ક્રિશ્ચિયન ડેનિયલ વોન સ્ક્રબર દ્વારા આ બિલાડાનું ફેલિસ કેરેસલ તરીકે નામકરણ કરવામાં આવ્યું હતું. તેની ત્રણ અલગ પેટાજાતિઓ છે.  કેરેસલ એક નિશાચર પ્રાણી છે. તે માંસભક્ષી છે. સામાન્ય રીતે તે નાના સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ અને ઉંદરોનો શિકાર કરે છે. તે ત્રણ મીટર કરતાં પણ વધારે ઊંચો કૂદકો મારી શકે છે. નીચાણના ભાગમાં ઊડતાં પક્ષીઓનો તે કૂદીને શિકાર કરી શકે છે. જેનો શિકાર કરવાનો હોય એ પ્રાણીની ગરદન પર ધ્યાન કેન્દ્રિત  કરીને તે ચીલઝડપે ગરદન દબોલી લે છે.

કેરેસલની પ્રજનનની ક્રિયા વર્ષ દરમિયાન કોઈપણ સમયે થાય છે. તેનાં બચ્ચા એક વર્ષની અંદર જ પુખ્ત બની જાય છે. કેરેસલની ગર્ભાવસ્થા બે-ત્રણ મહિના સુધી ચાલે છે અને તે એક સાથે એકથી છ બચ્ચાંને જન્મ આપે છે. બચ્ચાંને પચાસેક દિવસમાં દુધીયા  દાંત આવી જાય છે. પછી પરમેનન્ટ દાંત દસેક મહિના સુધીમાં આવી જાય છે. મોટેે બાગે બચ્ચાં નવથી દસ મહિનામાં જ તેમની માતાથી અલગ થઈ જાય છે. અલબત્ત, કેટલીક માદા કેરેસલ માતાની સાથે જ ટકી રહેવાનું પસંદ કરે છે. આ જંગલી બિલાડાનું સરેરાશ જીવન સોળ વર્ષનું હોય છે. પ્રાચીન સમયથી ઈજિપ્શિયનો કેરેસલને પાળતા રહ્યા છે.  તેનો ઉપયોગ શિકાર કરવામાં કરે છે.

કેરેસલ શબ્દ બે તુર્કી શબ્દોથી બનેલો છે. કેર એટલે કે કાળો અને કલ એટલે કે કાન આમ કેરેસલનો અર્થ થાય છે કાળો કાન. આ ઉપરાંત તેને લાલ બિલાડા, રુકાત તેમજ લાલ અથવા પર્શિયન લિન્ક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેર અને ચૌદમી સદીમાં યુઆન વંશના શાસકા સોનું, ચાંદી, રોકડ અને રેશમના બદલામાં સામ્રાજ્યના પશ્ચિમ ભાગોમાં મુસ્લિમ વેપારીઓ પાસેથી સંખ્યાબંધ કેરેસલ, ચિત્તા અને વાઘ ખરીદતા હતા. આ પ્રથા વીસમી સદી સુધી ચાલી આવી હતી. તેઓ તેનો ઉપયોગ રમતોમાં તેમજ શિકાર કરવા માટે કરતા હતા. ચાઈનીઝ શાસકો કેરેસલને સારી ‘ગિફ્ટ આઈટેમ’ ગણતા.

[email protected]