તું પ્યાર કા સાગર હૈ... - Sandesh
NIFTY 11,429.50 -41.20  |  SENSEX 37,869.23 +-155.14  |  USD 68.8250 +0.15
1.6M
1M
1.7M
APPS

તું પ્યાર કા સાગર હૈ…

 | 12:19 am IST

વાર્તાઃ અમૃત વડિયા

પ્રવચન પૂરું થતાં અનેક શ્રોતાઓ સ્વામી મનોરથાનંદજીને પગે પડી આશીર્વાદ લેવા પડાપડી કરવા માંડયા. તેમના માટે આમાં કંઈ નવાઈ ન હતી. તેઓનું તર્કબદ્ધતા સાથેનું વક્તવ્ય પ્રભાવ પાડતું હતું. પોતે એક સમયે ફિલોસોફીના વિદ્યાર્થી હતા અને સાધુ સંતોના સંગથી આધ્યાત્મિક બાબતો સારી રીતે જાણી શક્યા હતા. આ તેમનો રસનો વિચાર હતો. જોકે, તેમને કોઈ પગે લાગે તે ગમતું નહીં, એટલે સૌને દૂરથી જ પગે પડવાનું કહેતા. ભાવિકો આ વાત સારી રીતે જાણતા. બધા પગે લાગીને વારાફરતી ઝડપથી જઈ રહ્યા હતા ત્યારે એક મહિલાએ તેમના પગ પકડી લીધા એટલે તેઓએ પગ પાછા ખેંચ્યા, પણ તેણે નહીં છોડતા તેમણે અરે… અરે… મૈયા યે ક્યા કર રહી હો… કહી પોતાના હાથથી જ પગ છોડાવી એના ચહેરા સામે જોતા જ એ સ્તબ્ધ થઈ ગયા. આંખોમાં આંસુ સાથે તેમની સાથે ઊભેલી એ મહિલા મહિમા હતી. એક સમયની તેની કોલેજના ગ્રૂપની ફ્રેન્ડ! આમ તો શરીર સૌષ્ઠવમાં ઘણો ફરક પડી ગયો હતો, પરંતુ એક સમયે ખૂબ ગમતો ચહેરો એ ભૂલી શકે એમ ક્યાં હતો? કોલેજમાં ત્રણેક વર્ષ સુધી એ સાથે હરતાં ફરતાં તેઓના ફ્રેન્ડ સર્કલમાં એ રૂપનો કટકો કહેવાતી! એ ખૂબ સુંદર હોવાથી ફ્રેન્ડસ એને હીરોઈન કહેતા. એને એ ખૂબ ગમતી અને એ તેની સારી ફ્રેન્ડ હતી. એ એને પ્રેમ કરવા માંડયો હતો, પરંતુ એને ક્યારેય કહી શક્યો ન હતો. એના સ્વપ્નોની એ રાણી હતી. બંનેના પરિવારો ધાર્મિક હતા એટલે ઘણા ધાર્મિક કાર્યક્રમોમાં પણ સાથે આવતા જતા. એને મળવા એ તડપતો રહેતો. કોલેજમાં જ એણે એક વાર એકાંતમાં લાગણીઓના આવેશમાં આવી એનો હાથ પકડી કહી દીધું કે મહિમા તું મને ખૂબ ગમે છે… આઈ લવ યુ…! તેના એ શબ્દો સાંભળી મહિમા તેની સામે જોઈ રહી અને પછી બોલી… મનોરથ.. યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ… પણ હું અને મંથન પ્રેમમાં છીએ…! સોરી… તું ખરાબ ન લગાડતો. એના એ જવાબથી પોતાનું દિલ તૂટી ગયું હતું. પરંતુ ડોન્ટ માઈન્ડ કહીને એની સાથે ફ્રેન્ડશિપ ચાલુ રાખી હતી એટલું જ નહીં મહિમા અને મંથનના મેરેજ કરાવવા માટે પોતે જ મદદ કરવી પડી હતી. મહિમાના પરિવારે ચોખ્ખી ના પાડી દેતાં તેણે તેની મદદ માંગી હતી. એ બંનેના સિવિલ મેરેજ કરાવ્યા અને તેઓને રહેવાની વ્યવસ્થા પણ કરી આપી હતી. તેઓ મધુરજની માણવા ગયા ત્યારે પોતે ખૂબ વ્યથિત, દુઃખી થઈને આ સંસાર અસાર હોવાની પ્રતીતિ થતાં સાધુ માર્ગે પ્રયાણ કરવા નિર્ણય કર્યો અને હરિદ્વાર પહોંચી ગયો. ત્યાં ભટકતો હતો ત્યારે જ તેમને સ્વામી ચૈતન્યાનંદજીનું અદ્ભુત પ્રવચન સાંભળવા મળ્યું અને તેમની સેવામાં લાગી ગયો. ઘરે ચિંતા નહીં કરવા જાણ કરી દીધી અને થોડા સમયમાં જ મહિમાના પ્રેમના આઘાતમાંથી બહાર આવી ગયો એટલું જ નહીં પરંતુ ધીરેધીરે સ્ત્રીનો સંગ ખરેખર મોહ હોવાનું લાગવા માંડયું. તેણે મોટા ભાગના વેદાંત શાસ્ત્રોનો અભ્યાસ કરી લીધો. ગુરુ ચૈતન્યાનંદ સ્વામીની એના પર અનહદ કૃપા વરસતાએ સારો પ્રવચનકાર બની ગયો. એ પછી એ સમગ્ર દેશમાં ફરતો અને પ્રવચનો કરી સૌને પ્રભુના માર્ગે લાવવા પ્રબોધ આપતો હતો. એને મહિમા ક્યારેય યાદ પણ ન આવતી. આમ વર્ષો બાદ એ અચાનક મળી જશે એવી કોઈ ધારણા ન હતી. ઘડીના છઠ્ઠા ભાગમાં આ આખું ચિત્ર તેને માનસપટ પરથી પસાર થતાં જ એણે સ્મિત ફરકાવતાં કહ્યું…ઓહ… મહિમા. તું…? બહુ સરસ…! ચાલ મારા ઉતારે આવ…! તને જોઈને આનંદ થયો. મનોરથનંદજીનો ઉતારો એક બંગલામાં હતો ત્યાં એકદમ તેમના માટે અલગ રૂમ હતો તેમાં એ ગયા અને મહિમા પણ તેને અનુસરી. સેવકો મહિમા માટે પાણી, ચા, નાસ્તો લઈ આવ્યા અને સમજીને જ તેઓ એકાંતમાં વાત કરી શકે એટલે બાજુના રૂમમાં જતા રહ્યા…

અરે… મહિમા કેમ છે? કેટલા વર્ષે તને જોઈ! મંથન સાથે નથી? ક્યાં ગયો છે? બધું બરોબર છે ને ? મનોરથ સ્વામીએ ખૂબ ઉત્સુકતા સાથે પૂછયું.

મનોરથ… સોરી સ્વામીજી… શું કહું? મારી કહાની કહેવા જેવી નથી… એ તો મને છોડીને જતો રહ્યો છે. હવે હું મારા ત્રણ બાળકો સાથે એકલી રહું છું… કહી એ રડવા માંડી.

તું રડ નહીં…! જે આવ્યું છે તે જવાનું જ છે…. દુઃખી ન થા… એ તને છોડીને કેમ જતો રહ્યો? એ તો તારો પ્રેમી, પતિ હતો..

સ્વામીજી અમારો સંસાર ખૂબ સરસ રીતે ચાલતો હતો. અમે ખૂબ સુખી હતા. ત્રણ બાળકો પણ થયા… પરંતુ મનોરથ એની કંપનીમાં સાથે કામ કરતી યુવતીના પ્રેમજાળમાં એવો ફસાયો કે એ મને છોડીને તેની સાથે જતો રહ્યો. એ બંને ક્યાંક સાથે રહે છે. હવે કોઈ સંપર્ક નથી અને મારે હવે એનું મોં પણ જોવું નથી. મારી ગવર્નમેન્ટ જોબ છે.. ઘર ચલાવવામાં કોઈ તકલીફ નથી…! એને ભૂલી જવા માંગુ છું… પ્રેમની જગ્યાએ ધિક્કાર નફરત જ રહી છે. બધા દુઃખોની દવા ભગવાનનું શરણું છે એવું માની ધાર્મિક પ્રવૃત્તિમાં મન પરોવી દીધું છે. દેશમાં જુદા જુદા મંદિરો, પવિત્ર ધર્મસ્થળોએ જઈને મન હળવું કરી લઉં છું… અહીં બધા તમારા પ્રવચનની પ્રશંસા કરતા હોવાથી સાંભળવા આવી અને બહાર ફોટો જોતાં જ મને તેમાં તમારો અણસાર જણાતા આવી છું… મને ખબર તો મળી જ હતી કે તમે સાધુ થઈ ગયા છો… ક્યાંક તમને મારા કારણે સાધુ નથી થવું પડયુંને? એવું હોય તો માફ કરજો. કહી એ ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડવા માંડી.

તેના એ શબ્દો સાંભળી મનોરથાનંદસ્વામી ખડખડાટ હસવા માંડયા અને બોલ્યા… મહિમા હકીકતમાં તો હું ઈચ્છતો હતો કે તું મને મળે અને હું તારો આભાર માનું! તારા કારણે મને એક એવી દુનિયા મળી છે કે જ્યાં પ્યારનો સાગર ઘૂઘવે છે! ખાબોચિયામાં છબાછબ કરવા મળી હોત તો આ આનંદધન ક્યાંથી માણવા મળત? મનોથાનંદ સ્વામીએ ઊભા થઈને એના પગ પકડી લીધા.. મહિમા ખૂબ ક્ષોભ પામી. મનોરથાનંદ સ્વામીએ તેને આગ્રહ કરતા તે રોકાઈ અને બધાના આશ્રયમાં વચ્ચે મનોરથાનંદ સ્વામીજીએ તેના પ્રવચન વેળાએ તેને પોતાની બાજુમાં આસન આપી બેસાડી અને તેના કારણે જ પોતે આજે જે કંઈ છે તે બની શક્યો છે! એમ પણ કહ્યું. સૌ સ્તબ્ધ થઈ ગયા. મનોરથાનંદ સ્વામીએ પ્રેમનો મહિમા ગાયો અને તેને પ્રભુ ભક્તિનું સ્વરૂપ ગણાવ્યો. પ્રેમ એવી અલૌકિક અનુભૂતિ છે કે તે મળે તોય બેડો પાર અને ના મળે તોય બેડો પાર! ખરા પ્રેમમાં દુઃખ, વ્યથા, અશાંતિને કોઈ સ્થાન નથી.

ત્યારબાદ મહિમા મનોરથાનંદ સ્વામીને મેરે તો ગિરધર ગોપાલ માનીને જ જીવી. એને એક એવો આધાર મળી ગયો હતો કે એ મંથનને નફરત કરવાનુંય ભૂલી ગઈ.