દર વર્ષે હજારો કીટકોનો થતો નાશ બાયોડાયવર્સિટી માટે જોખમી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • દર વર્ષે હજારો કીટકોનો થતો નાશ બાયોડાયવર્સિટી માટે જોખમી

દર વર્ષે હજારો કીટકોનો થતો નાશ બાયોડાયવર્સિટી માટે જોખમી

 | 1:39 am IST
  • Share

બર્નિંગ ઈશ્યૂ

જળવાયુ પરિવર્તન, કીટકનાશક, પ્રકાશ પ્રદૂષણ અને અન્ય કારણોના લીધે ધરતી ઉપરથી દર વર્ષે એકથી બે ટકા કીટકોનો નાશ થઈ રહ્યો છે. કનેક્ટિકટ યુનિવર્સિટીના કીટકવિજ્ઞાની ડેવિડ વાગનર પ્રોસાઇડિંગ્સ ઓફ નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસના ૧૨ સંશોધનના પેકેજના પ્રમુખ લેખકે તાજેતરમાં જ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. આ સાયન્ટિફિક રિસર્ચમાં ૫૬ જેટલા વૈશ્વિક વૈજ્ઞાનિકો જોડાયા હતા. આ મુદ્દે વાગનરે જણાવ્યું હતું કે, સંશોધકોને શોધવું જ પડશે કે, અન્ય પ્રજાતિઓ અને જીવોની સરખામણીએ કીટકો અને જીવજંતુઓની પ્રજાતિ વધારે ઝડપથી શા માટે વિલુપ્ત થઈ રહી છે. સંશોધકોની મુખ્ય ચિંતા એ હતી કે, કીટકનાશકો, પ્રકાશ પ્રદૂષણ અને અન્ય કારણોના લીધે કીટકોની પ્રજાતિને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે. સંશોધકો માને છે કે, આ સમસ્યા એવી છે કે જેના ઉકેલના તમામ ટુકડા હજી સુધી સામે આવ્યા નથી અને કડીઓ જોડાઈ રહી નથી. તેને પગલે નક્કર પરિણામ મળતાં નથી અને લોકો સામે પણ તથ્યો મૂકી શકાતાં નથી. દુનિયા અપૂરતાં જ્ઞાનને કારણે કીટકોની પ્રજાતિઓ પ્રત્યે વિમુખ અથવા તો બેદરકાર રહે છે. તેઓ માને છે કે, કીટકોની સંખ્યા ઓછી થવાનો મોટાપાયે અભ્યાસ કરવો અને તેની પાછળનાં કારણો શોધવા ખૂબ જ મુશ્કેલ કામ છે. તેમને પ્રાથમિક કારણ અને તારણ એવું દેખાય છે કે, લોકોને કીટકો અને જીવજંતુઓ પસંદ નથી તેના કારણે લોકો તેને મારે છે અથવા તો તેની દરકાર કરતા નથી. સંશોધકો માને છે કે, કીટકોની સૌથી મોટી ભૂમિકો ખાદ્યપદાર્થો ઉગાડવામાં હોય છે. ફૂલો અને ફળો ધરાવતા વૃક્ષો અને છોડ કે પછી પાકમાં પરાગરજ પહોંચાડવાનું કામ કીટકો થતી જ થાય છે. ફૂડ સાઇકલ માટે જીવજંતુઓ ખૂબ જ જરૂરી છે. કીટકોની જરૂરિયાતની લોકોને ખબર છે છતાં તેના પ્રત્યે ગંભીર નથી. નેચરલ સાઇકલ અને બાયોડાયવર્સિટી માટે કીટકો સૌથી મોટી કડી સમાન છે.

આ કીટકોમાં સૌથી વધારે મહત્ત્વ મધમાખીઓ અને પતંગિયાંનું છે. તેમની ઘટતી સંખ્યા જોઈને જ ખ્યાલ આવી જશે કે બીજા કેવા અને કેટલા કીટકો ઓછા થઈ રહ્યા છે. ખાસ કરીને મધમાખીઓની સ્થિતિ ચિંતાજનક છે. બીમારીઓ, પરજીવીઓ, જંતુનાશકો અને અન્ય દવાઓને કારણે તેમની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. ગ્લોબલ વોર્મિંગના કારણે જે વિસ્તારોમાં દુકાળ પડયો છે ત્યાં પતંગિયાંઓને ભોજનની મુશ્કેલી સર્જાઈ છે. ખેતરોમાંથી ફૂલ અને નીંદણ દૂર થવાના કારણે પણ કીટકોને પોષણ મળતું નથી. આ કીટકોના નાશની અસર વૈશ્વિક સ્તરે જોવા મળી રહી છે. અમેરિકામાં તો એક વિશાળ જૈવિક રણ બની રહ્યું છે જ્યાં માત્ર સોયાબિન અને મકાઈ જ બાકી રહેશે.

થોડા સમય પહેલાં જ સંશોધકો દ્વારા એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં જીવજંતુઓના નાશના સ્પષ્ટ આંકડા નથી પણ લોકોએ ચિંતા કરવી પડે તેવાં કારણો ચોક્કસ છે. તેમાં જણાવાયું છે કે, સંશોધકોએ અત્યાર સુધીમાં કીટકોની ૧૦ લાખ જેટલી પ્રજાતિ શોધી કાઢી છે. બીજી તરફ એવું માનવામાં આવે છે કે, હજી ૪૦ લાખ જેટલી પ્રજાતિઓ છે જેની ઓળખ કરવાની બાકી છે. સંશોધકો કહે છે કે, ઘણા દેશોમાં કીટકોને ખાવાનો ટ્રેન્ડ ચાલે છે. તેના પગલે પણ આ કીટકો અને જંતુઓની પ્રજાતિ ઓછી થઈ રહી છે. બીજી તરફ છેલ્લા ત્રણ દાયકામાં કીટકોને મારવા માટે વિવિધ સાધનો અને વ્યવસ્થા શોધવા પાછળ અબજો રૂપિયા ખર્ચાયા છે પણ બાયોડાયવર્સિટીના મહત્ત્વના અંગ ગણાતા કીટકોને સાચવવા માટેના ઉપાયો શોધવા પાછળ કોઈ ખર્ચ થયો નથી. દુનિયાભરમાં ૧૦૦૦થી વધારે કીટકોની પ્રજાતિ વિલુપ્ત થવા જઈ રહી છે. વૈજ્ઞાનિકો આ મુદ્દે સૌથી વધારે ચિંતિત છે. બાયોડાયવર્સિટીથી શરૂ કરીને પાક ઊગવા અને અન્ય પ્રાકૃતિક ગતિવિધિઓ માટે કીટકો અને જીવજંતુઓનું મહત્ત્વ ઘણું વધારે છે અને તેમના વિલુપ્ત થવાથી મોટાપાયે નુકસાન થાય તેમ છે. સંશોધકોને ચિંતા એ વાતની છે કે, મધમાખી, પતંગિયાં અને અન્ય કીટકોનો જો નાશ થતો રહેશે તો ફૂડ સાઇકલ ખોરવાઈ જશે. કીટકોનો અંત થવાની સાથે જ ધરતી ઉપરની અન્ય પ્રજાતિઓના જીવ પણ જોખમમાં મુકાઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન