Three Indian Villages Nominated For UNWTO Best Tourism Village
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • UNના શ્રેષ્ઠ પ્રવાસન ગામની યાદીમાં સામેલ ભારતના ત્રણ ગામો, જાણો કયા છે આ ગામો અને તેમની વિશેષતા

UNના શ્રેષ્ઠ પ્રવાસન ગામની યાદીમાં સામેલ ભારતના ત્રણ ગામો, જાણો કયા છે આ ગામો અને તેમની વિશેષતા

 | 1:12 pm IST
  • Share

યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) એવોર્ડ માટે ભારતના ત્રણ ગામોના નામો બેસ્ટ ટુરિઝમ વિલેજની કેટેગરીમાં સામેલ થયા છે, આ ગામો છે – મેઘાલયનું કોંગથોંગ, મધ્યપ્રદેશનું લાધપુર ખાસ અને તેલંગાણાનું પોચમપલ્લી ગામ. પ્રવાસન સ્થળની દ્રષ્ટિએ, આ ગામો પ્રવાસીઓને ખૂબ જ પસંદ આવે છે.

ભારત માટે આ ખૂબ જ ગર્વની વાત છે, ત્યારે આજે જાણીએ આ ગામો વિશે –

કોંગથોંગ ગામ –

મેઘાલયના શિલૉંગથી લગભગ 60 કિમી દૂર આવેલું કોંગથોંગ ગામ તેની પ્રાકૃતિક સુંદરતા અને વિશિષ્ટ સંસ્કૃતિ માટે ખૂબ જ લોકપ્રિય છે. આ ગામ ‘વ્હિસલિંગ વિલેજ’ ના નામથી પણ પ્રખ્યાત છે. તે એવા 12 ગામોમાંથી એક છે જ્યાં બાળકના જન્મતાની સાથે જ તેની સાથે એક ખાસ પ્રકારનો ધ્વનિ જોડી દેવામાં આવે છે. આ ખાસ પ્રકારનો અવાજ જીવનભર તેની સાથે રહે છે. આ પરંપરા આજે પણ ચાલુ છે.

કોંગથોંગ ગામની પરંપરા અનુસાર, અહીં એ વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિ સાથે વાત કરે તો તેને નામથી નથી બોલાવતા, આ ગામમાં ભાષા અને નામ જેવી કોઈ વસ્તુ નથી. અહીં લોકો એકબીજા સાથે ધ્વનિ દ્વારા વાત કરે છે. આ ગામની વસ્તી માત્ર 100 લોકોની જ છે. આ ગામ સોહરા અને પ્યનર્સુલા વચ્ચે આવેલું છે.

કોંગથોંગ ગામના લોકો ખૂબ જ પ્રેમાળ છે, અહીં પ્રવાસીઓનું સ્વાગત મહેમાનની જેમ કરવામાં આવે છે. આ ગામને પગે ચાલીને ફરવું જોઈએ, તમે અહીંની સુંદરતામાં ખોવાઈ જશો. તમને આ ગામનો સમૃદ્ધ વારસો અને એની ખાસિયત વિશે અહીં આવીને જ જાણવા મળશે.

કોંગથોંગ પોતાના મળમાખીના ઉત્પાદન માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. અહીંનું કુદરતી સૌંદર્ય, વાતાવરણ અને રાતમાં અહીં કેમ્પિંગ કરવાની મજા આવશે. અહીં તમે મેઘાલયની સુંદરતા માણી શકો છો.

કોંગથોંગ ગામ વિશે ઘણા ઓછા લોકો જાણે છે કારણ કે આ ગામ સુધી પહોંચવું સરળ નથી. ગામ સુધી પહોંચવા માટે મોટરેબલ રસ્તાઓ નથી, અહીં સુધી પહોંચવા માટે તમારે અડધો કલાકનો ટ્રેક કરવો પડે છે.

લાધપુરા ખાસ ગામ –

મધ્યપ્રદેશના ટીકમગગઢ જિલ્લાના ઓરછા તાલુકામાં આવેલું છે લાધપુરા ખાસ ગામ. આ ગામ પણ યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) એવોર્ડ માટે ભારતના ત્રણ ગામોના નામો બેસ્ટ ટુરિઝમ વિલેજની કેટેગરીમાં સામેલ થયું છે.

આ અંગે વધુ વિગતો આપતાં અગ્ર સચિવ પ્રવાસન અને સંસ્કૃતિ શેખર શુક્લાએ જણાવ્યું હતું કે, રાજ્યના ‘ગ્રામીણ પ્રવાસન પ્રોજેક્ટ’ હેઠળ આગામી પાંચ વર્ષમાં 100 ગામો વિકસાવવામાં આવશે. જેમાં ઓરછાથી લગભગ સાત કિલોમીટરના અંતરે આવેલ લાધપુરા ખાસ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે, એટલે કે, આ ગામને ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’માં સમાવવામાં આવ્યું છે.

આ ગામ ઓરછાથી સાવ અલગ છે. ઓરછા આવતા પ્રવાસીઓને આ ગામ તરફ જતા જ એક અલગ વાતાવરણ જોવા મળે છે. શહેરી વસ્તીથી સંપૂર્ણપણે અલગ, આ સ્થળ શાંત, શુદ્ધ અને કુદરતી વાતાવરણનો અનુભવ કરાવે છે. અહીંની પ્રાચીન સંસ્કૃતિ, પરંપરાગત ખોરાક અને પહેરવેશ તમે અહીં આવશે એટલે તમને પોતાની તરફ આકર્ષિત કરશે.

લાધપુરા ખાસના ગ્રામીણ ઘરોમાં રહેવાથી પ્રવાસીઓને માત્ર સ્થાનિક, ગ્રામીણ જીવનશૈલીની અનુભૂતિ થાય છે. આ ગામથી 7 કિમી દૂર હોવાથી ઓરછાના ઘણા અદ્ભુત સ્મારકોની મુલાકાત લેવાની તક મળે છે. ખાસ વાત એ છે કે આ વિસ્તારમાં પ્રાચીન સામ્રાજ્ય અને બુંદેલખંડના અવશેષો વિશે માહિતી મળી છે.

પોચમપલ્લી ગામ

યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) એવોર્ડ માટે ભારતનું ત્રીજું ગામ જે બેસ્ટ ટુરિઝમ વિલેજની કેટેગરીમાં સામેલ થયું છે એ છે તેલંગાણાનું પોચમપલ્લી ગામ. પોચમપલ્લીમાં દેશની ઉત્તમ ગુણવત્તાવાળી રેશમની સાડીઓનું ઉત્પાદન થાય છે જેને કારણે તેને ભારતનું સિલ્ક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે.

પોચમપલ્લી માત્ર સાડી માટે જ પ્રખ્યાત નથી, પરંતુ અહીંની સંસ્કૃતિ, પરંપરા, વારસો, ઇતિહાસ અને સુંદરતા પણ અહીં આવતા પ્રવાસીઓને આકર્ષે છે. આ સુંદર ગામ પહાડો, ખજૂરના ઝાડ, તળાવો અને મંદિરોની વચ્ચે આવેલું છે. આ ગામના લોકો હંમેશા તેમના કામમાં વ્યસ્ત રહે છે અને મહેનતુ હોય છે. છતાં અહીંના લોકો બહારના પ્રવાસીઓને દિલથી આવકારવાનું ચૂકતા નથી.

વાત જો અહીંના પર્યટનની કરીએ તો પોચમપલ્લીમાં કેટલાક આકર્ષક સ્થળો છે, જેમાં વિનોબા ભાવે મંદિર, 101 દરવાજા હાઉસ પણ સામેલ છે. આ ગામનો રસપ્રદ ઇતિહાસ, અનોખી સંસ્કૃતિ અને શોપિંગ કરવા માટેના ઘણા વિકલ્પોને કારણે અહીં દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન