Three Lion Died After Hit By Train At Savarkundla In Gujarat
  • Home
  • Featured
  • અમરેલીમાં ટ્રેનની અડફેટે ત્રણ સિંહનાં કમકમાટી ભર્યા મોત, વન વિભાગે શું કહ્યું?

અમરેલીમાં ટ્રેનની અડફેટે ત્રણ સિંહનાં કમકમાટી ભર્યા મોત, વન વિભાગે શું કહ્યું?

 | 10:30 am IST

હજુ તો સંસદમાં ગીર જંગલમાં 37 સિંહોના મોતનો જવાબ અપાયો ત્યાં આજે સાવરકુંડલાના બોરાળા ગામ નજીક ત્રણ સિંહ ટ્રેનની અડફેટે આવી જતા મોતને ભેટ્યાના સમાચાર આવતા વનતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. મૃતક સિંહમાં બે નર અને એક માદા હોવાનું સામે આવ્યું છે. વન વિભાગે સિંહોના મોત અંગે તપાસ શરૂ કરી છે. વન વિભાગને જણાવ્યા પ્રમાણે, સિંહોનાં મોત બાદ ટ્રેનની ઝડપ અને ટ્રેકર તેમજ વન વિભાગના સ્ટાફની બેદરકારી અંગે તપાસ કરવામાં આવી રહી છે.

બનાવ બાદ વન વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સિંહોના મૃતદેહને સાથે લઈ ગયો હતો. મૃતક સિંહોની ઉંમર દોઢથી બે વર્ષની વચ્ચેની હોવાનું વન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે ગઇકાલે મોડીરાત્રે લગભગ 12.30 વાગ્યે અમરેલીના બોરાળા ગામ નજીક પસાર થતા રેલવે ટ્રેકને ત્રણેય સિંહો ક્રોસ કરી રહ્યા હતા. આ સમયે ત્રણેય સિંહ માલગાડીના અડફેટે આવી ગયા હતા. જોકે, આ પ્રથમ બનાવ નથી જ્યારે ટ્રેનની અડફેડે કોઈ સિંહનું મોત થયું હોય. આ પહેલા આ જ વિસ્તારમાં અલગ અલગ બનાવોમાં દસ જેટલા સિંહોનાં મોત થઈ ચુક્યા છે.

વારેવારે ટ્રેનની અડફેડે સિંહોનાં મોત થતા હોવા છતાં વન વિભાગ કે રેલવે તંત્ર તરફથી તકેદારીના કોઈ પગલાં ભરવામાં આવતા ન હોવાથી સિંહ પ્રેમીઓમાં રોષ વ્યાપી ગયો છે.

ગીરમાં 37 સિંહના મોત થયાનું સરકારે સસંદમાં સ્વીકાર્યું
મોદી સરકારે સંસદમાં પૂછાયેલા એક પ્રશ્નનાં જવાબમાં સ્વીકાર્યુ કે, સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુંધીના ગાળામાં ગીર જંગલમાં 37 સિંહોનાં મોત થયા હતા. સંસદમાં પૂછાયેલા એ પ્રશ્નનાં જવાબમાં વન અને પર્યાવરણ વિભાગે આ આંકડાઓ સસંદમાં રજૂ કર્યા હતા. આ અગાઉ, ગુજરાત વન વિભાગે કહ્યું હતું કે, ગીર અભ્યારણ્યમાં 11 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન કુલ 23 સિંહોનાં મોત થયા હતા.