ત્રણ નગરપાલિકાઓની ચૂંટણી સમયે જ કોંગી આગેવાનો દુબઇના પ્રવાસે ઊપડયા - Sandesh
  • Home
  • Mehsana
  • ત્રણ નગરપાલિકાઓની ચૂંટણી સમયે જ કોંગી આગેવાનો દુબઇના પ્રવાસે ઊપડયા

ત્રણ નગરપાલિકાઓની ચૂંટણી સમયે જ કોંગી આગેવાનો દુબઇના પ્રવાસે ઊપડયા

 | 3:17 am IST

મહેસાણા, તા.૮

મહેસાણા જિલ્લામાં આગામી ૧૭, ફેબ્રુઆરીના રોજ વિજાપુર, ખેરાલુ અને વડનગર નગર પાલિકાઓની ચૂંટણીઓ યોજાનાર છે. પાલિકાની આ ચૂંટણીઓમાં કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે અને સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓમાં કોંગ્રેસનો દેખાવ આગામી લોકસભાની ચૂંટણીઓ પૂર્વે પણ મહત્વનો પુરવાર થાય તેમ છે. આવા સમયે મહેસાણા જિલ્લા કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને હોદ્દેદારો દુબઈની ટૂર ઉપર ઉપડી ગયા છે.

જે સમયે પાલિકાની ચૂંટણીઓમાં જેમના માર્ગદર્શનની જરૂર છે તેવા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને મહેસાણા શહેર કોંગ્રેસના પ્રમુખ સહિતના નવ જેટલા અગ્રણીઓ હાલમાં દુબઈની સહેલગાહે ઉપડી ગયા છે. પાલિકાની ચૂંટણઈઓ આડે હવે ગણતરીના દિવસ જ બાકી છે તેવા સંજોગોમાં કોંગ્રેસના ઉમેદવારો પાલિકાઓના સ્થાનિક અગ્રણીઓના સહારે જ છે અને સ્વબળે ચૂંટણી લડી રહ્યા છે.

આમ, મહેસાણા જિલ્લામાં ભાજપને હંફાવી પરિવર્તન લાવવાના મામલે કોંગ્રેસના સ્થાનિક આગેવાનો જ દુર્લક્ષ દાખવી રહ્યા છે. આ ત્રણ પાલિકાઓમાં કોંગ્રેસ સત્તા ઉપર આવે તો તેની અસર મહેસાણા લોકસભાની આગામી ચૂંટણી ઉપર પડી શકે તેમ છે. કારણ કે, ખેરાલુ, વડનગર અને વિજાપુર પાલિકાઓ જે વિધાનસભા ક્ષેત્રોમાં આવે છે ત્યાં કોંગ્રેસનો એક પણ ઉમેદવાર જીતી શક્યો નથી. આમ, કોંગ્રેસી આગેવાનો દુબઈ જતાં સ્થાનિક કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો છે.