ત્રણ વર્ષ સુધી મને હતું કે મારો ભાઈ પાછો આવશે! - Sandesh
NIFTY 10,992.40 -26.50  |  SENSEX 36,510.31 +-31.32  |  USD 68.6650 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • ત્રણ વર્ષ સુધી મને હતું કે મારો ભાઈ પાછો આવશે!

ત્રણ વર્ષ સુધી મને હતું કે મારો ભાઈ પાછો આવશે!

 | 4:09 am IST

મૂડ મૂડ કે દેખઃ પાર્થ દવે

ફિલ્મોમાં આવ્યા પહેલાંથી જગ્ગુ દાદા તરીકે ખ્યાતનામ જેકી શ્રોફે એક ઈન્ટરવ્યૂમાં પોતાના નામ વિશે આ રસપ્રદ ખુલાસો કર્યો હતો. ‘હું આઠમું ધોરણ ભણતો હતો. ક્લાસમાં અમે અમુક દોસ્તારો બેઠા હતા. એક ભાઈએ ક્લાસમાં એન્ટ્રી મારી. અમને એમ કે આ અમારા સર છે. અમે ગુડ મોર્નિંગ સર કહીને ઊભા થયા. તે ભાઈ મારી બાજુમાં આવીને બેસી ગયા. તેનું નામ મહેશ તોરાની. મહેશ દેખાવે મોટો લાગતો હતો, અમારા જેવડો જ હતો! તેણે બાજુમાં આવીને કહ્યું કે, હું વિદ્યાર્થી જ છું! એણે મને નામ બદલવા માટે કહ્યું હતું. શી ખબર કેમ મે એની વાત માની લીધી અને એફિડેવિટ કરીને મારું નામ જય કિશનમાંથી ‘જેકી’ કર્યું.’

પછી જેકી એક રસપ્રદ વાત કરે છે કે, ‘વર્ષો પછી મારી વાઇફ્ આયેશાએ મારા એક બાળકનું નામ જય રાખ્યું અને બીજાનું કિશન! એટલે કે મને બે ટુકડામાં વહેંચી નાખવામાં આવ્યો! જય નાનો હતો ત્યારે હું તેને તેડતો. એક દિવસ તેણે મારા મોં પર નહોરિયા ભર્યા! મારી વાઈફે ચહેરા પર ઘા જોઈને પૂછયું, આ કોણે કર્યું? મેં કહ્યું, ટાઇગરે! ધીરેધીરે તેનું નામ જયમાંથી ટાઈગર થઈ ગયું.’

જેકીનો જન્મ એક ગુજરાતી પરિવારમાં મહારાષ્ટ્રના લાતૂર શહેરના ઉદગીર જિલ્લામાં તારીખ ૧લી ફેબ્રુઆરી ૧૯૫૭ના રોજ થયો. તેના પિતાનું નામ કાકુભાઈ શ્રોફ્ અને માતાનું નામ અમૃતા હતું. તે મૂળ કુર્ખાનિસ્તાનની હતી. જેકીના પિતા એસ્ટ્રોલોજર હતા. અને તેમણે જ ભવિષ્ય ભાખેલું કે જેકી એક્ટર બનશે! કાકુભાઈ કોકિલાબેન અંબાણી અને નટુભાઈ અંબાણીના પર્સનલ એસ્ટ્રોલોજર પણ રહી ચૂક્યા છે. જેકીના માતા-પિતાના લવમેરેજ હતા.

જેકીના મોટા ભાઈનું નામ હેમંત હતું. એ વાત પણ રસપ્રદ છે, કે સંગીતકાર હેમંત કુમારના નામ પરથી તે નામ રખાયું હતું અને જેકીનું જયકિશન નામ સંગીતકાર બેલડી શંકર જયકિશનમાંથી જયકિશનના નામ પરથી રાખવામાં આવ્યું હતું! જેકી ૧૦ વર્ષનો હતો ત્યારે હેમંતનું દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. એક ઈન્ટરવ્યૂમાં જેકી કહે છે કે, ‘મારો ભાઈ હેમંત એક મિલમાં કામ કરતો. એ દિવસે મારા પપ્પાએ તેને કહ્યું હતું કે આજનો દિવસ તારા માટે ખરાબ છે, ન જતો. પણ તે ગયો. તે દરિયાના પાણીમાં મોંઢું ધોવા ગયો હતો. ત્યારે કોઈ ડૂબતું હતું તેને બચાવવા જતાં તે જતો રહ્યો. એ વખતે હું પણ ત્યાં હાજર હતો. હું ૧૦ વર્ષનો હતો, કશું જ કરી શકું એમ નહોતો. મને બહુ આઘાત લાગ્યો. હું ત્રણ વર્ષ ટ્રોમામાં રહ્યો. ત્રણ વર્ષ સુધી મને એમ જ હતું કે, ભાઈ પાછો આવશે! એ ઘટના બાદ હું ઘણા વર્ષો સુધી પથારીમાં જ પેશાબ કરી નાખતો. હું અને મમ્મી ખૂબ રડયા ભાઈ પાછળ. મારા પપ્પા અંદરથી રડયા, બહારથી સખ્ત રહ્યા. ૩-૪ વર્ષ પછી કઠણ થતો ગયો. રફ્ થતો ગયો. સમજાતું ગયું કે પહેલા ભાઈ બચાવનારો હતો, હવે તે નહીં આવે. હવે હું ખુદ લડતો થયો.’

જેકી શ્રોફ્ના આ શબ્દોમાં આપણને ગલી કા ગુંડા તરીકે તેનો જે સમય હતો, તેનો પરિચય મળે છે. તે કહે છે, ‘સુભાષ ઘઈને અપુન કો ફિલ્મ હીરો ઓફર કી તબ અપુન આવારાગર્દી કર રહેલા થા ભીડુ. ઓફર મીલા તો સોચા બહુત આવારાગર્દી કર લી. ચાલી કી એક ખોલી મેં રહ લિયા, ચલો અબ કુછ કામ કર લેં.’ જેકી પોતાની કોઈ વાત છુપાવતો નથી.

હીરો ૧૯૮૩માં રજૂ થઈ અને સુપરહિટ બની. હીરો પહેલાં જેકીએ દેવ આનંદની સ્વામી દાદા નામની ફ્લ્મિ સાઈન કરી હતી. એ પહેલી રજૂ થઈ પણ એમાં જેકીની કોઈ ઓળખ નહોતી બની. જેકી તે વખતે થોડું ઘણું મોડેલિંગ કરતો. એનો એક ફેટો જોઈને દેવ આનંદે તેને સેકન્ડ લીડ રોલની ઓફ્ર કરી હતી. જેકીએ હા તો પાડી પણ તેને અંદરથી તે રોલ નહોતો કરવો. કેમ કે, તેને નાચવું-ગાવું ન હતું! થોડા સમય પછી સમાચાર મળ્યા કે તે રોલ મિથુન ચક્રવર્તી ભજવવાનો છે. જેકીને હાશ થઈ. તે કહે છે કે, ‘મને રોલ ન મળ્યો એટલે શાંતિ થઈ! આવો કદાચ હું પહેલો એક્ટર હોઈશ જે કામ ન મળવાના કારણે ખુશ હતો. પછી મને એ જ ફ્લ્મિમાં શક્તિ કપૂરના માણસ તરીકે એક સિનમાં એકટિંગ કરવાનું કહેવામાં આવ્યું હતું.’

‘સ્વામી દાદા ફ્લ્મિ વખતે મારું હિન્દી સાવ ખરાબ હતું. મને અશોક ખન્ના હિન્દી શીખવતા. તેમણે સુભાષ ઘઈને મારું નામ સજેસ્ટ કર્યું. મારો જે ફેટો દેવ આનંદે જોયો હતો તે જ સુભાષ ઘઈએ જોયેલો. તેમણે મને ‘હીરો’ ફ્લ્મિની ઓફ્ર મૂકી.’ સુભાષે કહેલું, ‘હીરો’નો રોલ છે, કરીશ? જેકીએ કહ્યું, કરીશ! પણ બીજો કોઈ એક્ટિંગનો અનુભવ નથી. સુભાષ ઘઈએ કહ્યું, ચાલશે! વર્ષો બાદ એક ઈન્ટરવ્યૂમાં જેકી કહે છે કે, ‘હીરો ફ્લ્મિ શરૂઆતમાં જરાય નહોતી ચાલી. ક્રિટિક્સે ફિલ્મને અને મને ખૂબ વખોડયા. ત્રણ મહિના બાદ અચાનક ફ્લ્મિ ચાલવા માંડી. અને આખરે પ્લેટિનમ જ્યુબલી પણ ઉજવી! અને તેની સિગ્નેચર ટયુનના સહારે ઘણા બધાએ લગ્ન કરી લીધા! મેં પણ!’

જેકી શ્રોફ્ છેલ્લે ‘સરકાર ૩’માં દેખાયો હતો. હવે તે પ્રભાસની સાહો તથા ‘પલ્ટન’ અને ‘ફ્રિકી’માં આવવાનો છે. એક ઈન્ટરવ્યૂમાં તે કહે છે, ‘મારા ભાઈ બાદ મા-બાપ પણ ગયા. અને બીજી બાજુ પત્ની અને બે બાળકો આવ્યા. ત્રણ ગયા, ત્રણ આવ્યા. ઘરમાં હું પહેલા સૌથી નાનો હતો, હવે સૌથી મોટો છું. આ સર્કલને સમજવું જોઈએ. જીવનમાં સરળ રહેવું જોઈએ.’

[email protected]