ફંદાં અને કીટકનો ત્રાસ ન થાય એ માટે દીવાએ બુઝાયેલા જ રહેવાનું? - Sandesh
NIFTY 10,994.25 -24.65  |  SENSEX 36,517.59 +-24.04  |  USD 68.6700 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Sanskar
  • ફંદાં અને કીટકનો ત્રાસ ન થાય એ માટે દીવાએ બુઝાયેલા જ રહેવાનું?

ફંદાં અને કીટકનો ત્રાસ ન થાય એ માટે દીવાએ બુઝાયેલા જ રહેવાનું?

 | 3:29 am IST

ઝીરો લાઈનઃ ગીતા માણેક

મહારાષ્ટ્રના ભક્તસંત તુકારામની પત્ની આવલી બહુ જ કર્કશા અને ઝઘડાળુ સ્ત્રી હતી એવી સર્વસામાન્ય માન્યતા છે. આવલી ફ્ક્ત તુકારામને જ નહીં પણ તેમના ઇષ્ટદેવ પાંડુરંગને પણ ગાળો દેતી રહેતી હતી. પરંતુ આવલી વિશેની એક દંતકથા એવી છે કે એક દિવસ આવલી તેના પતિ તુકારામ, જે મોટા ભાગે તેમના ગામ દેહુ નજીકના ડુંગર પર દિવસભર ભક્તિ અને નામસ્મરણમાં લીન રહેતા હતા, ત્યાં તેમને બપોરનું જમણ પહોંચાડવા ગઈ હતી. ગર્ભવતી આવલીના પગમાં બાવળનો કાંટો વાગ્યો અને તે પોતાનું શારીરિક સંતુલન ગુમાવી બેઠી અને પડી ગઈ, બેહોશ થઈ ગઈ. એ વખતે પાંડુરંગ ત્યાં આવ્યા અને તેમણે આવલીનો પગ પોતાના ખોળામાં લઈને એમાંથી કાંટો કાઢયો હતો. તુકારામ સતત ભક્તિમાં લીન રહેતા અને એના પરિણામે પત્ની આવલીને ખૂબ વેઠવું પડતું. આવલી સતત તુકારામના આ વિઠ્ઠલ કે પાંડુરંગને ગાળો આપતી રહેતી, ભાંડતી રહેતી. પાંડુરંગને છતાં ભક્તની પત્ની માટે અણગમો ન હતો.

કર્કશા અને ઝઘડાળુ પત્ની તરીકે જનમાનસમાં પ્રસ્થાપિત થઈ ચૂકેલી આવલીના પગમાંથી પાંડુરંગ સ્વયં બાવળનો કાંટો કાઢવા ધસી જાય છે એનાથી કૃષ્ણ એટલે કે વિઠ્ઠલ અથવા પાંડુરંગની પત્ની રૂકમાઈ (રૂક્ષ્મણી) અકળાય છે. તે રિસાઈને મહારાષ્ટ્રમાં પંઢરપુર પાસે આવેલા તે કાળના દિંડીરવનમાં જતી રહી હતી એવી પણ એક લોકકથા છે. આવલીના પગમાંથી કાંટો કાઢવા આવેલા પાંડુરંગ પોતાની પત્ની રૂકમાઈને કહે છે કે આવલીના પગનો જખમ જ્યાં સુધી સારો ન થાય ત્યાં સુધી તું તેની પાસે રહીને તેની ચાકરી કરજે.

આવલી તુકારામને ભોજન દેવા ગઈ છે, તેને કાંટો વાગે છે અને તે પડી જાય છે. જ્યારે તેને હોશ આવે છે ત્યારે એક અજાણી સ્ત્રી તેના ઘરમાં છે. આ સ્ત્રી કોણ છે એને તે ઓળખતી નથી. તેના કડવાં વેણ માટે જાણીતી આવલી પહેલાં તો આ અજાણી સ્ત્રી પર વરસી પડે છે. રૂકમાઈ તેને પોતાની ઓળખાણ લખુબાઈ તરીકે આપે છે. લખુબાઈ આવલીને કહે છે કે તારા પગમાં કાંટો વાગ્યો અને તું સંતુલન ગુમાવી બેહોશ થઈને ઢળી પડી ત્યારે એક દેવ-માણસે તારા પગમાંથી કાંટો કાઢયો અને તારા પતિ તુકારામે પણ મને વિનંતી કરી કે મારી પત્ની આમપણ બેજીવસોતી છે એટલે એની મદદ કરવા તેનો જખમ રૂઝાઈ જાય ત્યાં સુધી મા, તમે અહીં રહો એટલે હું અહીં રોકાઈ છું.

છાણ-વાસીદું કરતાં, રસોઈ કરતા, ઝાડુ વાળતા, નદીકિનારે કપડાં ધોતા, અનાજ સાફ્ કરતા કે કપડાંની ઘડી વાળતી આ બે સ્ત્રીઓ વચ્ચેનો સંવાદ એટલે કાન અને મન પર મોરપિંછનું પીછું ફ્રતું હોય એવું લખુબાઈ એટલે કે રૂકમાઈ તેના પતિ પર હજુય રિસાયેલી જ છે. પાંડુરંગની મૂર્તિ સાથે વાત કરતા તે પોતાના મનની વાત કરે છે કે તમે મને અહીં જાણીબૂઝીને મોકલી છે એવું મને કેમ લાગે છે? ભક્ત તરીકે તુકારામની મહાનતાની ચર્ચા જગભરમાં છે પણ તેની પત્ની તરીકે આવલી પર શું વીતી રહી છે એની જાણ ધીમેધીમે લખુબાઈને થાય છે. આવલીમાં આટલી કડવાશ કેમ છે એનો પણ તેને ખ્યાલ આવવા માંડે છે ત્યારે સત્યની રાહ પર ચાલતા દરેક વ્યક્તિને ક્યારેકને ક્યારેક થાય છે એ સવાલ તેને પણ થાય છે. તે પોતાના પાંડુરંગને પૂછે છે કે તમે તો બધાને ભીતર-બહારથી પૂરેપૂરા ઓળખો છો તો પછી તમારા ભક્તોની પરીક્ષા શા માટે? જે ઈશ્વરને નથી ભજતો તે સુખી છે અને દિવસ-રાત ઈશ્વરનું ભજન કરનાર પર આટલા દુઃખ? ત્યારે તુકારામના જ શબ્દો તેને યાદ આવે છે- જ્યાં અંધકાર છે ત્યાં કંઈ જ બની નથી રહ્યું એવું લાગે છે, પણ જ્યાં ઉજાસ છે ત્યાં જ ફંદાં અને કીટકનો ત્રાસ દેખાય છે. પરંતુ કીટકનો ત્રાસ હોય એટલે શું દીવાએ બુઝાયેલા જ રહેવાનું? જ્યાં સુધી અજ્ઞાાનનો અંધકાર ફેલાયેલો છે ત્યાં સુધી લાગે છે બધું સમુસૂતરું છે પણ જ્ઞાાનનો ઉજાસ થવા માંડતા જ કેટલીક બાબતો જીવને ડંખે છે, જીવનની દિશા અને રંગઢંગ બદલાઈ જાય છે. સામાન્ય માણસ જેવું ખાવું, પીવું, કમાવું અને સૂવું એટલું જ જીવન નથી એની સમજ આવવા માંડે છે અને વ્યક્તિની સામે નવા પડકારો ઉપસ્થિત થાય છે. પરંતુ આ બધું થાય છે એટલા માટે વિકાસ રૃંધી દેવાનો? મતલબ કે કીટકના ત્રાસ છે એટલે દીવાએ બુઝાયેલા જ રહેવાનું?

લખુબાઈ એક દિવસ આવલીને પૂછે છે કે તારું પિયર તો બહુ પૈસાદાર હતું અને અહીં તને ખાવાનાય વાંધા છે તો ક્યારેય તને અહીંથી ભાગી જવાનું મન ન થયું? આ વખતે આવલી જે જવાબ આપે છે એમાંથી નાળિયેર જેવી દેખાતી આ સ્ત્રીની ભીતરની કોમળતાનો આપણને પરિચય થાય છે, “રૂસણે જવાનું કામ રૂકમાઈનું. હું રિસાઈને ચાલી જાઉં તો મારા પતિનું શું થાય? અત્યારે ગાળો આપીને કે બબડાટ કરીનેય બે કોળિયા ખવડાવું છું પણ હું ન હોઉં તો એમનું શું થાય?” તે ઈશ્વરને દિવસ-રાત ગાળો શું કામ ભાંડે છે એનું રહસ્ય પણ તે લખુબાઈ સામે પ્રગટ કરે છે. “ગાળો આપું છું પણ એ બહાનેય દિવસ-રાત તેનું નામ જ લઉં છુંને! હું તેને ગાળો એટલા માટે આપું છું કે ક્યારેક તો એ મારા પર ખીજાશે અને મારી પાસે આવશે ત્યારે હું તેને આ ખાલી વાસણો અને ખાલી ડબ્બા બતાવીશ અને પછી ડુંગર પર બેસીને ઈશ્વરનું ભજન કરતા મારા પતિ પાસે લઈ જઈશ. તેનેય ખબર પડશે કે આ દંપતી દિવસ-રાત તેનું જ નામસ્મરણ કરી રહ્યા છે.

કળા કે સાહિત્ય શાના માટે હોય છે એ સદીઓથી ચર્ચાતો આવેલો પ્રશ્ન છે. ગુજરાતી ભાષામાં મોટાભાગે કળા અને ખાસ તો સિનેમા-નાટક માત્ર મનોરંજન માટે છે એવો સર્વસામાન્ય અભિગમ છે, પરંતુ કેટલીક ફ્લ્મિો, નાટકો કે પુસ્તકો વાંચ્યા કે જોયા પછી વ્યક્તિ તરીકે આપણામાં કશુંક ઉમેરાયું હોવાની લાગણી થાય છે. આ કથા માણ્યા પછી આપણી સમજમાં, સંવેદનશીલતામાં ઉમેરો થયો છે એવી અનુભૂતિ થાય છે. સાથેસાથે તમને ભીતર ડોકિયું કરતા કરી મૂકે છે. આવું નિતાંત સુંદર ઘટના માણ્યા પછી આવા પ્રકારની કૃતિઓ આપણી ભાષામાં ક્યારે થશે એવો પ્રશ્ન પણ મનમાં સળવળ્યા કરે છે.

[email protected]