#Vayu : Thunderstorm from 110 to 135 km With Rainfall 5 to 7 Inch
  • Home
  • Ahmedabad
  • 110થી 135 કિ.મી.ના વાવાઝોડા સાથે 5 થી 7 ઇંચ વરસાદ ખાબકી જવાની સંભાવના

110થી 135 કિ.મી.ના વાવાઝોડા સાથે 5 થી 7 ઇંચ વરસાદ ખાબકી જવાની સંભાવના

 | 8:10 am IST

। રાજકોટ ।

આ વાવાઝોડું ગોવાથી ૩૪૦ કિમી પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં, મુંબઈથી ૪૯૦ કિ.મી. ઉત્તરપશ્ચિમ દિશામાં તથા વેરાવળથી ઉત્તરે ૬૫૦ કિમી દૂર છે. કલાકના નવ કિમીની ગતિથી આગળ વધતા તીવ્ર વાવાઝોડાને લીધે આવતા ૧૨ કલાકમાં કેટલાક સ્થળોએ ભારે પવનની સાથે વ્યાપક વરસાદની પણ શકયતા છે. બુધવાર સાંજથી જ વાવાઝોડાની અસર રાજ્યમાં દેખાશે. આ વાવાઝોડાની વધારે અસર વેરાવળ, પોરબંદર, દ્વારકા, દીવ, સોમનાથ, કચ્છ, ભાવનગર, અમરેલી, રાજકોટ સહિત અન્ય ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને થશે. આગામી બે દિવસમાં પોરબંદર, મહુવા, વેરાવળ અને દીવમાં ૧૧૦થી ૧૩૫ કિમીની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આશંકા વ્યકત કરી છે.

હાલ વાવાઝોડાની દિશા અને ગતિ જોતા સૌપ્રથમ વાવાઝોડું પોરબંદર અને મહુવા સાથે ટકરાય તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી છે. ૧૨થી ૧૪ જૂન વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં થોડા કલાકોમાં જ પાંચથી સાત ઇંચ વરસાદ ખાબકી જાય તેવી પણ શકયતા છે.

ડાંગ જિલ્લામાં વરસાદનું આગમન

બીજી તરફ ડાંગ જિલ્લામાં પ્રિમોનસૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. મંગળવાર રાતથી ત્યાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. ડાંગના કેટલાક વિસ્તારો અને વાંસદામાં વરસાદ શરૂ થઈ ગયો છે. તે ઉપરાંત વલસાડમાં પણ તોફાની પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. બીજી તરફ સુરક્ષાને પગલે સુરતના ડુમસ સહિત અન્ય બીચ બંધ કરી દેવાયા છે.

અમિત શાહે ગુજરાતની સુરક્ષાવ્યવસ્થાની સમીક્ષા કરી

ગુજરાત ઉપર વાવાઝોડું વાયુ ત્રાટકવાનું છે ત્યારે તેની સુરક્ષા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે ગુજરાતના અને કેન્દ્રના અધિકારીઓ પાસેથી લોકોની સુરક્ષા અંગે કરાયેલા આયોજનોનો અહેવાલ લીધો હતો. આ ઉપરાતં કેન્દ્ર સરકાર દ્વારા બનતી તમામ મદદ પૂરી પાડવાના પણ આદેશ આપ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, એક ટીમમાં ૪૫ સભ્યો ધરાવતી એનડીઆરએફની ટીમો તહેનાત કરાઈ છે. જરૂર પડયે વધુ ૧૦ ટીમ રવાના કરવા અને સ્ટેન્ડબાય રાખવાના આદેશ અપાયા છે. ત્રણેય સેનાઓને પણ સાબદી કરવામાં આવી છે. સર્વેલન્સ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર દ્વારા સતત વોચ રાખવાના આદેશ અપાયા છે. કન્ટ્રોલ રૂમ્સ ૨૪ કલાક ચાલુ રાખવાના આદેશ પણ અમિત શાહે આપી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન