Tiktok video on the song 'Nayak Nahi Khal Nayak Hu Mein' in lockup at Ahmedabad
  • Home
  • Ahmedabad
  • અ’વાદમાં ‘નાયક નહિ ખલનાયક હું મેં’ ગીત પર આરોપીએ લોકઅપમાં જ બનાવ્યો વીડિયો, ઉઠ્યા એવા સવાલ કે…

અ’વાદમાં ‘નાયક નહિ ખલનાયક હું મેં’ ગીત પર આરોપીએ લોકઅપમાં જ બનાવ્યો વીડિયો, ઉઠ્યા એવા સવાલ કે…

 | 6:46 am IST

દેશ સહિત આજે વિશ્વના દેશોમાં પણ સોશિયલ મીડિયા એપ ટિકટોકનું ભારે ઘેલું લાગ્યું છે ત્યારે કેટલાક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેના કારણે ભારે ચર્ચાઓ થાય છે. આવો જ એક ટિકટોક વીડિયો હાલ અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાંથી સામે આવ્યો છે. અહીં એક આરોપીએ પોલીસ લોકઅપમાં ‘નાયક નહીં ખલનાયક હું મેં’ સોન્ગ પર ટિકટોક વીડિયો બનાવ્યો હતો. આ ઘટનાને પગલે પોલીસ તંત્ર પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. મેઘાણીનગર પોલીસે એક આરોપીને 132 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે પકડયા બાદ તેને પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખ્યો હતો. આરોપીએ તે દરમ્યાનમાં તેના ચાર મિત્રો મળવા આવ્યા ત્યારે જ આ વીડિયો બનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં આરોપી કરણ શેખાવત નામના શખ્સે લોકઅપમાં ટિકટોક વીડિયો બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. લોકઅપની અંદરથી આરોપી કરણે બહાર રહેલા ચાર શખ્સ સાથે ‘નાયક નહિ ખલનાયક હું મેં ગીત’ પર વીડિયો બનાવ્યો હતો.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મેઘાણીનગર પોલીસે કરણ ઉર્ફે તોતલા શેખાવત નામના આરોપીને 132 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે પકડ્યો હતો. પરંતુ આરોપી જ તેના અન્ય ચાર મિત્રો સાથે લોકઅપની અંદરથી જ ટિકટોક વીડિયો બનાવી પોલીસ તંત્રની ધજ્જીઓ ઉડાવી દીધી હતી. રાજ્ય પોલીસવડાએ પ્રોહીબિશનના કેસ કરવા સૂચના આપ્યા બાદ પોલીસે કડક અમલવારી કરી આ કેસ કર્યો હતો. આરોપીનો ઈતિહાસ પહેલા પણ ખરાબ રહ્યો છે. તે અગાઉ પણ આવા જ અનેક કેસમાં પકડાયો હતો.

આ ઘટનામાં ભારે ચર્ચાઓ થયા બાદ ઝોન 4 ડીસીપી નીરજ બડગુજર એ જણાવ્યું કે આવી જાણકારી મળી છે એ બાબતે ઇન્કવાયરી સોંપી તપાસ કરાશે અને પોલીસની બેદરકારી હશે તો પગલાં લેવાશે. આ સિવાય CCTV ફુટેજની પણ તપાસ કરવામાં આવશે. આરોપીએ વીડિયો ક્યારે બનાવ્યો છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

આરોપી કરણને પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં મોબાઈલ કોને આપ્યો તેના પર સવાલ ઉભા થઇ રહ્યા છે. આરોપીને જ્યારે ચાર યુવક મળવા આવ્યા ત્યારે શું હાજર પોલીસકર્મીઓનું ધ્યાન નહોતું ? પોલીસ લોકઅપમાં જ સીસીટીવી કેમેરા હોય છે જે 24 કલાક કાર્યરત હોય છે તો પછી કેમ PSOનું કે અન્ય પોલીસકર્મીઓએ સીસીટીવીમાં ન જોયું. PSOની સ્પષ્ટ બેદરકારી સામે આવી હોવાનું જણાય રહ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન