સમય બડા બલવાન - Sandesh

સમય બડા બલવાન

 | 8:55 pm IST

ચિંતન । યોગેશ જોશી

સમય પાંખો વગરનું એવું પંખી છે કે જે સતત, અવિરત અને નિરંતર એક જ ગતિ અને લયમાં ઊડતું રહે છે. કોઈ પણ વ્યક્તિ ધારે તોય સમયને પકડી કે રોકી શકે નહીં. સમયને વખત, સમો કે વેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. સમય ક્યારે પણ કોઈ ઠેકાણે બેઘડી વિરામ કે આરામ કરતો નથી. પરંતુ દિવસ હોય કે રાત સતત ચાલતો જ રહે છે, સમય ક્યારે પણ કોઈ એક વ્યક્તિનો થઈને રહ્યો નથી અને રહેશે પણ નહીં. સમયની ગહરી ચાલમાં ભલભલા માંધાતા પણ સપડાઈ જાય છે અને ખત્તા ખાઈ જાય છે. સમય કોઈપણ વ્યક્તિ માટે ક્યારેય રોકાતો નથી, જેમ નદીનો વહાવ ક્યારેય રોકાતો નથી તેવી રીતે સમયનો વહાવ પણ રોકી શકાતો નથી.

સમય કદી પણ કાળા, ગોરા, રાજા રંક કે ઉચ્ચ નીચેના ભેદ રાખતો જ નથી. કુદરતે દરેક વ્યક્તિ માટે સમય એક સરખો જ બનાવ્યો છે. પરંતુ આપણે સમયનો સદુપયોગ કઈ રીતે કરીએ છીએ તે આપણાં પોતાના ઉપર આધાર રાખે છે. ઘણાં માણસો પળે પળનો સદુપયોગ કરે છે અને ઘણાં માણસો ફાલતુ વાતોમાં નાહકનો સમય બરબાદ કરી પોતાની જિંદગીના અમૂલ્ય વર્ષા વેડફી નાંખે છે. ઘણાંને આપણે ફરિયાદ કરતાં સાંભળીયે છીએ કે મને તો સમય જ મળતો નથી, પરંતુ તે વ્યક્તિ એવું કબૂલ કરતો નથી કે તે નિરર્થક વાતોમાં પોતાનો કિંમત સમય વેડફી નાંખે છે. રાજા,મંત્રી, હવાલદાર, ક્રિકેટર, ફિલ્મ એક્ટર, સામાન્ય માણસ કે પછી ભિક્ષુક દરેક માટે કુદરતે ૨૪ કલાકનો સમય મુકરર કરેલ છે, પરંતુ દરેક વ્યક્તિ સમયનો કેવી રીતે ઉપયોગ કરે છે, તેના ઉપર તેની જિંદગીનું ભાવિ ઘડાય છે. સમય જેવું બળવાન કોઈ પાત્ર નથી. સમય પોતાનો દાવ આવે ત્યારે ભલભલા ભડવીર અને મૂંછાળા મરદના પણ પાણી ઉતારી નાખે છે તો ઘડીકમાં રાજાને રંક તથા રંકને રાજા પણ બનાવી શકે છે. સમયની આગળ માનવ માત્ર લાચાર અને તુચ્છ સાબિત થાય છે.

ઘણીવાર આપણે વાતો કરીએ છીએ કે ફલાણો ક્રિકેટર બહુ ફોર્મમાં છે અને ફલાણો હાલમાં આઉટ ઓફ ફોર્મ છે. આ પણ સમયનો જ એક પ્રતાપ છે, બાકી એ ખેલાડીની રમવાની છટા, કલા, આવડત, શૈલી વિગેરે એક સરખા જ છે, પરંતુ તે વખતે તેને સમય સાથ આપતો હતો અને હાલમાં સમય તેનાથી વિમુખ થઈ ગયો છે તેથી તેને ખત્તા ખાવી પડે છે. એડોલ્ફ હિટલર, મુસોલીની, ઈદી અમીનસ સદ્દામ હુસેન, જનરલ ડાયર જેવા અત્યાચારી શાસકો કે વિશ્વવિજેતા એલેકક્ષાન્ડર સિકંદર પણ સમયની સામે હારી ગયા હતાં અને કૂતરાના મોતે મર્યા હતાં.

દમયંતી જેવી સતી સ્ત્રીને પણ નળ રાજાથી વિખૂટા પડવું પડયું હતું અને ઘણી ઠોકરો ખાવી પડી હતી તો, રાજા હરિચંદ્રદ જેવા દાનવીરને પણ ભીખ માગવાનો વખત આવી ગયો હતો અને ચાંડાળને ત્યાં વેચાઈ જવું પડયું હતું. આમ સમય આપણાને જાતજાતના સારા તથા નરસા અનુભવો કરાવે છે. સમય આગળ દરેક માનવી પામર, લાચાર અને તુચ્છ સાબિત થાય છે. સમયનો કોઈ રંગ, રૂપ, ઘાટ, આકાર નથી કે સમયને જોઈ શકાતો નથી. છતા પણ બધા સમયને આધીન છે. કોઈ વ્યક્તિ સમય કરતાં મહાન નથી, અને એટલે જ એક કવિએ લખ્યું છે કે, *સમય બડા બલવાન રે ભૈયા, સમય બડા બલવાન, સમય કે આગે હમ તો ક્યા હૈ ઝૂક જાયે ભગવાન રે ભૈયા.* આપણે જો પ્રગતિ કરવી હોય તો સમય સાથે તાલ મિલાવી ચાલવું જ પડે છે નહિતર સમય આપણને તણખલાની માફક રસ્તામાં પાછળ છોડીને બહુ આગળ નીકળી જાય છે.

ટીક ટીક કરતી રહતી હૈ સમય કી હર ઘડી,

ભાગે ના ખુદ, ભગાએ સભી કો,

                તમાશા દેખે ખડી,

પાબંદ હે સારી દુનિયા ઉનકી,

                સમય સબસે બલવાન હૈ,

સમય કો કિસકી પડી? 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન