Time to treat caution Export and Import May Down
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • સમય વર્તે સાવધાન…! એક્સ્પોર્ટ, ઇમ્પોર્ટ બંને ડાઉન !

સમય વર્તે સાવધાન…! એક્સ્પોર્ટ, ઇમ્પોર્ટ બંને ડાઉન !

 | 5:38 pm IST

વોટ્સએપ કોર્પોરેટ : કલ્પેશ શેઠ

‘દુકાળમાં અધિક માસ જેવા સમાચાર આવ્યા છે’.! મંદીની માર અને લિક્વિડિટીની સમસ્યા વચ્ચે હવે ભારતનો ઓગસ્ટ મહિનાનો એક્સ્પોર્ટનો આંકડો છ ટકા જેટલો ઘટીને ૨૬ અબજ ડોલરે પહોંચ્યો છે. આનો અર્થ એ થાય છે કે ભારતમાં ઉત્પાદન ઘટે છે જ્યારે આપણા માલના વપરાશકારો ઘટી રહ્યા છે અથવા તો તેમની ખરીદ શકિત ઘટી રહી છે. જે વૈશ્વિક મંદીનાં દાવાઓને સમર્થન આપે છે. વર્તમાન નાણાકીય વર્ષમાં આ બીજો મહિનો છે જેમાં નિકાસનો ઘટાડો જોવા મળ્યો છે. આ હાલત માટે અમેરિકા તથા ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડવોર પણ જવાબદાર હોઇ શકે કારણ કે જયારે રસ્તો ખરાબ હોય ત્યારે ટ્રાફ્કિ ધીમે ચાલે. અહીં પણ વપરાશકારથી માંડીને વેપારી અને ઉત્પાદક સૌ સાવચેત થઇ ગયા હોઈ શકે.

ભારત સરકારનાં આકડા બોલે છે કે નિકાસ ઘટવાની સાથે આયાતમાં પણ ૧૩.૪૫ ટકાનો ઘટાડો થયો છે. સામાપક્ષે ચીનની નિકાસમાં પણ એક ટકાનો જ્યારે આયાતમાં ૫.૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જેના પરથી ઇકોનોમિસ્ટો ધારણા બાંધી શકે છે કે ભારતના વૈશ્વિક વેપારને અમેરિકા-ચીન ટેરિફ વોરનું ગ્રહણ લાગ્યું છે. જો કે આ એક ધારણા છે. આમેય વિકાસશીલ દેશોમાં ઇકોનોમી સ્લોડાઉન, લિક્વિડિટીની સમસ્યા અને મોંઘવારીના સચોટ કારણો નક્કી કરવામા લાંબો સમય નીકળી જતો હોય છે. આપણે ત્યાં આ વખતે બેન્કિંગ કૌભાંડો, NBFC ડિફેલ્ટ, કોર્પોરેટ લોન, GST, નોટબંધી અને વૈશ્વિક પરિબળો તો છે જ પણ તેમાં વિશેષ અસર શેની છે તે નક્કી કરવું મુશ્કેલ છે. એટલે સરકાર કારણો શોધવાની સાથે વિવિધ પ્રયોગો કરતી રહે છે. તેમાથી જે પ્રયોગ કારગત નીવડે તેનાથી ઇકોનોમીની ગાડી પાછી પાટે ચડી જશે એવી સરકારને આશા છૈ. જ્યારે બજારમાં પ્રવાહિતા દેખાશે ત્યારે કદાચ સાચું નિદાન થશે કે ઇકોનોમીને રોગ શું હતો..!  

વૈશ્વિક બજારમાં The International Monetary Fund (IMF) એ વર્ષ ૨૦૧૯નાં ગ્લોબલ ફેરકાસ્ટમાં વૈશ્વિક વૃદ્ધિદર ૦.૨૦ટકા જેટલો ઘટાડીને ૩.૩ રહેવાનું અનુમાન આપ્યું છે. જે વર્ષ ૨૦૦૮થી અત્યાર સુધીનો એટલે કે છેલ્લા એક દાયકાનો સૌથી નીચો છે. જેના માટે ટ્રેડવોર ઉપરાંત બ્રિટનનાં બ્રેક્ઝિટ અને યુરોપિયન બજારની અનિયમિતતાને પણ જવાબદાર ઠેરાવાય છે. ભારતની નિકાસનાં ઘટાડામાં જેમ્સ અનેડ જ્વેલરી, પેટ્રોલિયમ, ઉત્પાદનો, એન્જિનિયરિંગ સેક્ટરની નિકાસનો ઘટાડો ચિંતાનું કારણ ગણી શકાય. સામાપક્ષે આયર્ન ઓર, ઇલેક્ટ્રોનિક્સ, મસાલા તથા મરિન પ્રોડક્ટસના નિકાસ વેપાર વધ્યા છે. મતલબ કે વૈશ્વિક સમુદાય આવશ્યક જરૂરિયાતો પર જ ખર્ચ કરે છે.  વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયેલ પણ કબૂલે છે કે જો દેશને પાંચ ટ્રિલિયનની ઇકોનોમી બનાવવી હોય તો ભારતને ૧૯ થી ૨૦ ટકાના દરે નિકાસ વધારવી પડશે. મતલબ કે આગામી પાંચ વર્ષ સુધી એક ટ્રિલિયન ડોલરની નિકાસનું લક્ષ્ય હાંસલ કરવું પડે. આપણે હાલમાં એક્સ્પોર્ટ ઘટવાની સમસ્યાથી ઘેરાયેલા છીએ.

નિકાસ ઘટવાની સાથે આયાતમાં પણ ૧૩.૪૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ સંજોગોને પણ બે રીતે મૂલવી શકાય કાંતો ભારતીયોની ખરીદ શક્તિ ઘટી છે અથવા તો સ્થાનિક ઉત્પાદનનો વધારો અને વપરાશ પ્રભાવી છે. દૈશમાં ખાસ કરીને ઓગસ્ટ મહિનો સતત એવો ૧૦મો મહિનો છે જયારે આયાત ઘટી છે. ખાસ કરીને ક્રૂડતેલનાં નીચા ભાવ અને લોકોનો સોનાની ખરીદીમાં નીરસતાના કારણે આયાત ઘટી હોવાનો અંદાજ છે. જે એકંદરે દેશની વ્યસાયિક ખાધ ઘટાડવામાં મદદરૂપ થાય છે.

હાલમાં ભારતની વ્યવસાયિક ખાધ ઘટીને ૧૩.૪૫ અબજ ડોલર થઈ છે. વ્યસાયિક ખાધની ગણતરી કરવાની સરળ રીત કુલ આયાતમાંથી કુલ નિકાસ બાદ કરો એટલે વ્યવસાયિક ખાધ મળે છે. અર્થતંત્રમાં એવું કહેવાય છે કે વ્યવસાયિક ખાધ જો ટૂંકા ગાળા માટે વધે ફુગાવો ઘટે છે. લોકોની ખરીદ શક્તિ વધે છે. બજારને લિક્વિડિટી મળે છે. પરંતુ જો લાંબા ગાળા માટે આ ખાધ વધે તો સ્થાનિક ઉદ્યોગો પાયમાલ થાય છે, રોજગારી ઘટે છે, દેશની ઇકોનોમી વિદેશી માલ પર નિર્ભર થાય છે અને ડોલર રૂપિયા સામે વધારે મજબૂત થાય છે. રૂપિયો નબળો પડતાં આયાત મોંઘી બને છે અને પછી અંતે ફુગાવો વધારે છે. હાલમાં વૈશ્વિક અર્થતંત્રની હાલત નાજુક છૈ તેથી આપણે પણ ઇકોનોમીની દરેક મૂવમેન્ટ પર નજર રાખવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન