વિચિત્ર અકસ્માત: ટીંટોઈમાં કારે બળદગાડાને ફંગોળતાં ખેડૂતનું થયું મોત, બંને બળદ ઘાયલ

223

મોડાસા તાલુકાના ટીંટોઈના સીમાડામાં પૂરઝડપે કાર હંકારી ચાલકે આગળ જતા બળદગાડાને ટક્કર મારી ફંગોળી નાખતાં ખેડૂતનું ગંભીર ઈજાથી મોત નિપજ્યું હતું. કારની ટક્કરે બળદગાડાનો કડુચલો વળી જવાની સાથે બંન્ને બળદ રોડ ઉપર ફસડાઈ પડતાં મોટાં લોકટોળાં સ્થળ ઉપર એકત્ર થયા હતા જ્યારે કાર ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે મોડાસા ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

માર્ગો ઉપર બેફામ દોડતા વાહનોથી રાહદારીઓ તેમજ મૂંગા પશુઓની જીંદગી ગમે ત્યારે જોખમાતી હોય છે. તાલુકાના ટીંટોઈ ગામના ખેડૂત લવજીભાઈ પટેલ તા.૧૧ ના રોજ બળદગાડું લઈને ગામની સીમમાં હાઈવે માર્ગ ઉપરથી પસાર થતા હતા. દરમિયાનમાં પૂરપાટ ઝડપે પસાર થતી કાર(નં.જી.જે.એજી-૩ર૪૬)ના ચાલક ભૂપેન્દ્રભાઈ પ્રજાપતિએ આગળ જતા બળદગાડાને જોયું જ ન હોય તેમ કારની ટક્કર લગાવી ફુટબોલની જેમ ફંગોળતાં ખેડૂત લવજીભાઈ પટેલ ગંભીર રીતે ઘાયલ થતાં તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજતાં પટેલ પરિવારમાં ઘેરો શોક છવાયો છે.

બનાવ અંગે સવજીભાઈ દયારાભાઈ પટેલની ફરિયાદના આધારે મોડાસા ગ્રામ્ય પોલીસે આરોપી કારચાલક વિરૃદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.