જાત આગળ સારા દેખાવા માટે મનમાં જન્મતી ખરાબ લાગણીઓને ઢાંકી દેવી? - Sandesh
NIFTY 10,793.95 -14.10  |  SENSEX 35,535.92 +-63.90  |  USD 68.0125 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Sanskar
  • જાત આગળ સારા દેખાવા માટે મનમાં જન્મતી ખરાબ લાગણીઓને ઢાંકી દેવી?

જાત આગળ સારા દેખાવા માટે મનમાં જન્મતી ખરાબ લાગણીઓને ઢાંકી દેવી?

 | 3:25 am IST

તડકભડકઃ સૌરભ શાહ

મનમાં ઉદ્ભવતી લાગણીઓ કેવી રીતે જન્મે છે અને એની અસર શરીર પર કેવી રીતે પડે છે અને તન-દુરસ્તીને સાથે મન-દુરસ્તી જાળવવા શું કરવું જોઈએ એની સમજ વિકસાવવાનો પહેલો મુદે ગયા અઠવાડિયે જોયો. બાકીના નવ મુદમાંના કેટલાંક આજે જોઈએઃ

બીજા મુદમાં મહત્ત્વની વાત એ સમજવાની છે કે શરીરમાં લોહીનું ભ્રમણ માણસના લાગણીતંત્ર પર પણ આધાર રાખે છે. (લાગણીતંત્ર પણ એની ઉપર આધાર રાખે છે.) આ વાત સમજાવવા અટપટી મેડિકલ ર્ટિમનોલોજીમાં ઊંડા ઉતરવાને બદલે અહીં સાદા ઉદાહરણથી સમજાવવું પૂરતું છેઃ આઘાત-જનક સમાચાર સાંભળીને જ એના ચહેરા પરથી નૂર ઊડી ગયું કે એનો ચહેરો ધોળોધફ થઈ ગયો કે શરમના માર્યા એના ગાલ રતૂમડા થઈ ગયા એવાં વર્ણનોમાં ખાસ્સી અતિશ્યોક્તિ ખરી પણ એ સત્યની જ અતિશયોક્તિ હોય છે. ભય વખતે રુધિરાભિસરણ ઘટી જવાથી કે શરમ-સંકોચ-લજજાવાળા પ્રસંગે વધી જવાથી માણસના ચહેરાનો રંગ તો નહીં પણ એના ચહેરાની રંગછાયા, કલર નહીં પણ શેડ, જરૂર બદલાય છે. અહીં સમજવાનું એ કે માણસ જ્યારે પોતાનામાં સર્જાતી લાગણીઓને પોતાની જ આગળ કબૂલ ન કરે, એને અંદરને અંદર રૃંધી નાખે ત્યારે લોહીના પરિભ્રમણમાં થતી વધઘટ સર્જાતી નથી. તબીબી દૃષ્ટિએ આવી વધઘટ જરૂરી છે, અનિવાર્ય છે. એનાં કારણો વિશે ખૂબ વિગતે ઊંડા ઊતરીએ તો સમજી શકીએ પણ અહીં અવકાશ નથી. માત્ર એટલું સમજીને આગળ વધીએ કે લાગણીઓ સર્જાવાથી થતી રક્તભ્રમણની વધઘટથી સમતુલા જળવાય છે.

હવે એકબાજુ લાગણી સર્જાઈ પણ આપણે એ લાગણીને ઓળખી નહીં, સ્વીકારી નહીં, તો રક્તભ્રમણમાં જરૂરી એવી વધઘટ થવાની નથી. લાગણી સર્જાયા છતાં આ વધઘટ થતી નથી ત્યારે શરીરને નુકસાન થતું હોય છે. લાગણીઓને ન ઓળખવી એટલે શું? સ્વજનનું મૃત્યુ થયું. પણ આપણે એ આઘાત જીરવી જવાના ઈરાદાથી મૃત્યુને કારણે સર્જાયેલી ખાલીપાની લાગણી દૂર ઠેલ્યા કરીએ. આપણું જીવન આ દૂર્ઘટનાને કારણે બદલાઈ જવાનું નથી એવું માન્યા કરીએ. આનો અર્થ એ થયો કે, જે હકીક્ત છે તેનો (અર્થાત્ ખાલીપાની લાગણી જન્મી ચૂકી છે તે હકીક્તનો) આપણે સ્વીકાર કરતા નથી. પ્રથમ મુદમાં બીઈંગ પર ભાર મૂકવાનું કારણ એ જ હતું. આપણને કોઈકના માટે ઈર્ષ્યાભાવ જાગ્યો તો કમ સે કમ જાત સાથે કબૂલ કરી લેવું કે હા, આવી લાગણી સર્જાઈ છે. ઘણી વખત આપણે જાત સાથે આવી કબૂલાત કરતાં અચકાઈએ છીએ, ડરીએ છીએ. આપણને એમ લાગે છે કે આવી કબૂલાત કરવાથી આપણે ખરાબ વ્યક્તિ બની જઈશું. હકીક્ત એ છે કે જે ખરાબ લાગણી સર્જાઈ ચૂકી છે તે પોતાની જાત સાથે કબૂલ નહીં કરવાથી કઈ તમે સારી વ્યક્તિ બની જતા નથી. કબૂલ કરવાથી ખરાબ પણ બની જતા નથી. ખરાબ ત્યારે જ બનો છો જ્યારે તમે એ લાગણી તમારી પાસે જે કામ કરાવવા માંગતી હોય તેવું આચરણ કરો.

કોઈકના પર બદલો લેવાની ભાવના જાગી કે કોઈકનું અહિત કરવાની, કોઈકની નિંદા કરવાની ઈચ્છા જાગી તો કમ સે કમ આપણી જાત આગળ કબૂલ કરીએ કે આવું કંઈક કરવાની ઈચ્છા જાગી છે, આવું કંઈક કંઈક અંદર થઈ રહ્યું છે. એવી ઈચ્છા મુજબ વર્તન કરવું જોઈએ એવું કોઈ નહોતું પણ આવી ઈચ્છાઓ જાગી છે એટલું સ્વીકારીએ તો જ એને દૂર કરવાનો પ્રયત્ન કહી શકીએ. એ પ્રયત્ન સફળ થશે કે નહીં એની કોઈ ખાતરી નથી પણ એ દૂર થશે તો ત્યારે જ થશે જયારે સૌ પ્રથમ એની હાજરીનો સ્વીકાર કર્યો હશે. કોઈપણ ઉકેલ મેળવતાં પહેલાં પ્રશ્ન છે એવો સ્વીકાર તો થવો જોઈએ ને. પ્રશ્ન દેખાશે નહીં તો ઉકેલ શોધવા કયાં જઈશું, એના જેવી વાત છે.

પોતાના મનમાં શું ચાલી રહ્યું છે, કઈ લાગણીઓ સર્જાઈ રહી છે, તેના પ્રત્યે સભાનતા હોવી એ મનદુરસ્તી તરફનું બીજું પગથિયું. આ સભાનતાને અધ્યાત્મની પરિભાષામાં કોન્શ્યસનેલસ સાથે જોડી શકાય.

ત્રીજો મુદે. સપનાનાં વાવેતરનો પાક લણતા રહેવાની ટેવ રાખવી. આપણા શરીર અને મન વચ્ચે આપણાથી જ અજાણ રહેતી એવી વાતચીત સતત થયા કરતી હોય છે. સપનાં એટલે આવી વાતચીતોને ચોરી છૂપીથી સાંભળી લેવાની કુદરતી સગવડ. આપણામાં સર્જાયેલી તીવ્ર લાગણીઓને પણ ક્યારેક આપણે પ્રયત્ન કરવા છતાં પૂરેપૂરી રીતે સમજી શક્તા નથી. એ લાગણીનાં કેટલાંક પાસાં ક્યારેક વણતપાસાયેલાં, વણઓળખાયેલાં રહી જતાં હોય છે. અજાગૃત અવસ્થા દરમ્યાન કે નિંદ્રાવસ્થામાં આ લાગણીઓ સાથે જોડાયેલી બાકી રહી ગયેલી માહિતીઓ રિવાઇ થતી હોય છે અને કોઈકવાર સપનારૂપે દેખાય છે. કોઈ મૂંઝવણનો ઉકેલ ન મળતો હોય ત્યારે ઘણીવાર એક રાતની ઊંઘ પછી સવારે ઉઠતાંવેંત ઉકેલ મળી જાય છે. નિંદ્રાધીન અવસ્થામાં થયેલી પ્રક્રિયા કેટલાંકને સપનારૂપે યાદ રહે છે, ઘણાને નથી રહેતી. કેટલાંક લોકો માને છે કે પ્રયત્ન કરવાથી માણસ પોતાનાં સપનાંઓને યાદ રાખી શકે છે. હકીક્ત એ છે કે સભાનપણે યાદ રાખવામાં સપનાંઓમાં માણસ ઘણી વખત પોતાની કલ્પનાના રંગ ઉમેરે છે. સપનાની અર્ધજાગૃત અવસ્થાની સાહજિક્તા પર, જાગૃતિ દરમ્યાન એને યાદ રાખવા માટે કરાયેલા પ્રયત્નોની અવળી અસર પડવાની જ છે. સપનાના મૂળ સ્વરૂપમાં જાગૃત મન કશોક ઘટાડો કે ઉમેરો કરી નાંખે એવું શક્ય છે.

વ્યક્તિના અર્ધજાગૃત મનમાં ચાલતા વિચારો સપનાં દ્વારા બહાર આવે છે. સિગ્મંડફ્રોઈડે સપનાંઓ વિશે પાયાનું સંશોધન કર્યું તે પછીના દાયકાઓમાં આધુનિક મનોવિજ્ઞાાને આ ક્ષેત્રમાં ઘણો વિકાસ કર્યો. સામાન્ય માણસ તરીકે આપણા માટે એટલું જાણવું પૂરતું છે કે જે વાત હૈયે હોય છે તે હોઠ ન આવે ત્યારે સપનામાં આવી જતી હોય છે.

ચોથો મુદે. લાગણીઓ માત્ર મનમાં નહીં, શરીર પર પણ અસર કરતી હોય છે એવું સ્થાપ્યા પછી એનો જો પુરાવો આપવો હોય તો ક્યાંથી લાવવો? ગમગીનીમાં કોઈ આપણી પીઠ પર હાથ ફેરવે છે ત્યારે સારું લાગતું હોય છે. ટેન્શન વખતે કોઈ માથા પર કે વાળ પર હાથ ફેરવે ત્યારે રાહત અનુભવાતી હોય છે. રિલેક્સ થવા માટે માલિશ કે મસાજ ઉપયોગી પણ એવા પ્રયત્નપૂર્વક સ્પર્શને બદલે ભેટવાથી, ખોળામાં માથું નાખવાથી, હાથ પકડવાથી, ખભા પર સૂઈ જવાથી શરીરને જે સ્પર્શ મળે છે તેના સંદેશા સીધા લાગણીતંત્રને મળે છે. શારીરિક સ્પર્શ દ્વારા ખોરવાયેલા લાગણીતંત્ર પર થતી અદ્ભૂત અસરોનું મહત્ત્વ જીવનમાં કેટલું છે તે હજુ આપણે પૂરેપૂરું સમજ્યા નથી અને સ્વીકારક્તા નથી. સ્પર્શની થેરપી વિકસી છે ખરી પણ એવા પ્રયત્નપૂર્વકના સ્પર્શને બદલે સાહજિક રીતે મળતો નૈર્સિગક સ્પર્શ વધુ ઉપયોગી.

 

પાંચમો મુદે. મનદુરસ્તીનું એક ઔર પગથિયું ચડવા માટે સ્ટ્રેસ અથવા ટેન્શન અથવા માનસિક તાણને ઘટાડવાનું કામ કરવું પડે. વિદેશી માનસશાસ્ત્ર પણ સ્વીકારતું થયું છે કે સ્ટ્રેસ ઘટાડવામાં પ્રાણાયામ અને યોગ તથા ધ્યાન અને વિપશ્યના જેવા ભારતીય ઉપચારો લાંબાગાળે એલોપથીની ટીક્ડીબીકડી કરતાં લાખ દરજ્જે વધુ ઉપયોગી થતાં હોય છે. એકાધિક ભારતીય ઉપચારોમાંથી માણસ પોતાને સૌથી સુગમ લાગે અને પોતાની લાઈફસ્ટાઈલને અનુકૂળ આવે એવો કોઈ એક પ્રકાર શીખી શકે. માનસશાસ્ત્રીઓ ધ્યાનના એક પ્રકારમાં જાત સાથેની પ્રામાણિક્તાને પણ ગણે છે. પોતે શું કરી રહ્યો છે, શા માટે કરી રહ્યો છે, પોતાના ઈરાદાઓ કેવા છે ઈત્યાદિ પ્રશ્નોના જવાબ માણસ પૂરેપૂરી નિખાલસતાથી પોતાની જાતને આપે છે ત્યારે એના મગજ પરનો ભાર આપોઆપ ઓછો થઈ જતો હોય છે એવો વર્ષોનો અંગત અનુભવ પણ છે. સ્ટ્રેસ ઘટાડવા માટે ધ્યાન જેવું જ કામ જાત સાથે પ્રામાણિક વહેવાર રાખવાથી થઈ શકે છે. બાકીના પાંચ મુદ આવતા અઠવાડિયે જોઈશું.

પાન બનાર્સવાલા

તમને મનમાં શું થાય છે એ બધી જ લાગણીઓ શું બીજા સુધી પહોંચાડવી શક્ય છે?

– લિયો તોલ્સ્તોય

www.facebook.com/Saurabh.a.shah