મોંઘવારીનો સામનો કરવા પહેલાં એને સમજી લો - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • મોંઘવારીનો સામનો કરવા પહેલાં એને સમજી લો

મોંઘવારીનો સામનો કરવા પહેલાં એને સમજી લો

 | 2:57 am IST

વાત વિશેષઃ પરવેઝ મલેક

૮૬ મુંબઈ, ૭૮ નવી દિલ્હી, ૮૨ કોલકાતા અને ૭૭ અમદાવાદ. હમણાંથી રોજ એની ચર્ચા ચાલે છે એને સમજી જ ગયા હશો કે આ આંકડા પેટ્રોલના ભાવના છે. તમે આ વાંચતા હશો ત્યાં સુધી કદાચ આ આંકડા મોટા થઈ ગયા હોઈ શકે. પેટ્રોલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ(ખનિજ) તેલના ભાવ મુજબ વધઘટ થાય છે. એવી દલીલ કરી શકાય કે ક્રૂડના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ૧૦૦ ડોલરથી વધારે હતા ત્યારે પેટ્રોલ ૬૫ રૂપિયે લીટર હતું તો આજે ક્રૂડનો ભાવ ૭૦ ડોલર છે ત્યારે પેટ્રોલનો ભાવ આટલો બધો વધારે કેમ? એનું કારણ સમજાવવા રાજકારણીઓ આપણને ટપ્પો જ ન પડે એવા ગણિતના દાખલા ગણાવશે. એની ઝંઝટમાં પડયા વગર આપણે માત્ર આપણી ખરીદશક્તિને સમજીએ. એનું પૃથક્કરણ કરીએ.

આપણે આપણી મહિનાની કુલ જરૂરિયાતોનું લિસ્ટ બનાવીએ ત્યારે એક નજર નાંખીને એ તપાસવા જેવું હોય છે કે એમાં જરૂરિયાત કેટલી છે અને મોભો કેટલો છે. દા.ત.: શેવ કરવાના સારા રેઝરની કિંમત ૩૦ રૂપિયા થતી હોય તો આપણી યાદીમાં ૩૦૦ રૂપિયાવાળું રેઝર કેમ છે?

બીજું પરિબળ છે અનિવાર્ય અને જરૂરિયાતની વસ્તુઓનો તફાવત સમજવાનું. દૂધ, શાકભાજી, અનાજ, તેલ, મસાલા વગેરે અનિવાર્ય વસ્તુઓ છે. એના વગર ચાલવાનું જ નથી. એના ભાવ ઓછા હોય કે આકાશને આંબતા હોય એ તો ખરીદવું જ પડશે. આ બધી વસ્તુઓના ભાવ પર નજર કરશો તો ખ્યાલ આવશે કે સરકારના આંકડા મુજબ મોંઘવારીનો દર ઓછો થાય કે વધે આ બધી વસ્તુઓના ભાવ સતત વધતા જ રહે છે. જો એમાંથી કોઈપણ વસ્તુના ભાવ ઘટે તો એ ખેડૂત અને વચેટિયાઓનો ખેલ હોય છે. એનો સીધો કોઈ લાભ આપણને થતો નથી. ટામેટાં કે ડુંગળી સસ્તા થાય તો કંઈ આપણે આખાં વરસના ભરાવી શકવાના નથી.

બજેટ બનાવતી વખતે આપણે સમજવાની જરૂર છે કે કંપનીઓ તો જાહેરખબર વડે આપણને મૂર્ખ બનાવવાની વાત કરે કે અનેક લોકોના હાથ લાગવાથી સાબુ બેક્ટેરિયાવાળો થઈ ગયો! બેક્ટેરિયાનો નાશ કરનાર સાબુ બેકટેરિયાવાળો શી રીતે થાય? પણ એ બહાને કંપની તમને મોંઘું લિક્વિડ વેચવા માગે છે. વર્ષોથી આપણે સિંગતેલ ખાતા હતા અને જેટલા કેસ હાર્ટની બીમારીના નોંધાતા હતા એમાં કપાસિયા કે સૂર્યમુખી તેલ ખાવાથી ઘટાડો થયો નથી. છતાં કંપનીઓએ આપણા મનમાં ઠસાવી દીધું છે કે આરોગ્ય અને હૃદય માટે થોડાક મોંઘા કપાસિયા કે સૂર્યમુખી તેલ જ સારાં! એથી આગળ વધીને વધારે મોંઘું ઓલિવ ઓઈલ પણ આવી ગયું છે. દરિયાકિનારે ગમે તેવી બેદરકારીથી મીઠું પકવવામાં આવે તો પણ એમાં આયોડિન હોય જ છે. (માત્ર પર્વતાળ વિસ્તારોમાં પકવવામાં આવતા મીઠામાં ન હોય) વળી મીઠું જબરજસ્ત જંતુનાશક છે એટલે એમાં કોઈ જાતનો વાયરસ કે બેકટેરિયા ટકી જ ન શકે.  એ મીઠું શ્રેષ્ઠ જ હતું. છતાં કંપનીઓએ આપણને એમની કંપનીના મોંઘા પેકેટનું મીઠું ખાતા કરી દીધા છે. આમ ખોટી રીતે બીવડાવીને એ આપણી આદતો બદલાવી રહ્યા છે. જેથી આપણે એમની પ્રોડક્ટ્સ વાપરીએ અને વધારે પૈસા ખર્ચીએ.

બીજી બાજુ એવી વસ્તુઓ કે જે અનિવાર્ય નથી, માત્ર એની આપણને આજના જમાના પ્રમાણે જરૂરિયાત છે. ઘણી વસ્તુઓની તો ખરેખર જરૂર નથી! એવી વસ્તુના ભાવમાં વારંવાર ડિસ્કાઉન્ટ આવશે. ભાવ ઓછા રહેશે. કોઈ મોંઘી વસ્તુ હોય તો એની ખરીદીમાં સરળ લોન પણ મળી જશે. કોઈ વિદ્યાર્થીને અભ્યાસની લોન લેવી હોય તો એની આંખે પાણી આવી જશે, પરંતુ એણે ૧ લાખનો ફોન ખરીદવો હોય તો એની લોન એક કલાકમાં પાસ થઈ જશે! બસ, સુખે જીવવું હોય તો આ વિશે વિચારવાની જરૂર છે.

[email protected]