વરદીધારીઓને રંજાડવાનો જાણે કે શિરસ્તો જ પડી ગયો છે – Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • વરદીધારીઓને રંજાડવાનો જાણે કે શિરસ્તો જ પડી ગયો છે

વરદીધારીઓને રંજાડવાનો જાણે કે શિરસ્તો જ પડી ગયો છે

 | 4:12 am IST

ઇશ્યૂ ઇન ન્યૂઝ :- રમેશ દવે

આઝાદીને સાત દાયકા થઈ ગયા છતાં ભારતમાં પોલીસ અને તપાસ એજન્સીઓને સ્વાયતતા નથી મળી. રાજ્ય સરકારોના મંત્રીઓ સ્થાનિક પોલીસ પર દાબ રાખે છે અને કેન્દ્ર સરકાર સીબીઆઈ જેવી તપાસ એજન્સીઓને આંગળીને ટેરવે નચાવે છે. એમાં સાચા અપરાધીઓ છૂટી જાય છે અને નિર્દોષ લોકો દંડાય છે. દરેક રાજ્યના ગૃહ મંત્રાલયનો પોલીસ દળ પર સંપૂર્ણ કબજો હોય છે. પોલીસ અધિકારીઓની બદલી અને બઢતી નેતાઓના હાથમાં હોવાથી તેઓ છૂટથી પોતાની ફરજને ન્યાય નથી આપી શકતા. પહેલાં માત્ર પોલીસને રાજકારણીઓ રંજાડતા હતા, હવે જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન મહેબૂબા મુફતીએ પોતાના રાજકીય સ્વાર્થ ખાતર દેશના લશ્કરને રંજાડવાનું શરૂ કર્યું છે. ગયા શનિવારે કાશ્મીરના શોપિયામાં સૈન્યના કાફલા પર ૨૫૦ જણના હિંસક ટોળાએ પથ્થર વરસાવ્યા અને એક લશ્કરી અધિકારીના હથિયાર આંચકી લેવાનો પ્રયાસ પણ કર્યો. એટલે આત્મરક્ષણ માટે આર્મીના જવાનોએ ગોળીબાર કરતાં ત્રણ તોફાની પથ્થરબાજોના મોત થયા. એમાં કાશ્મીરના મહિલા મુખ્ય મંત્રીનું હૈયું ભરાઈ આવ્યું અને એમના આદેશથી પોલીસે આર્મી સામે એફઆઈઆર નોંધી જવાનો વિરુદ્ધ હત્યા અને હત્યાના પ્રયાસ જેવા સંગીન ગુના દાખલ કર્યા. સૈન્યના જવાનો પોતાના બચાવમાં હિંસક ટોળા પર ફાયરિંગ કરે અને એ બદલ એમની સામે એફઆઈઆર નોંધાય એવુ આપણાં દેશમાં જ બની શકે. સદ્ભાગ્યે મોદી સરકાર લશ્કરની પડખે અડીખમ ઊભી છે. નહિતર મેડમ મહેબૂબા કાશ્મીરમાં દરેક આતંકવાદીના એન્કાઉન્ટર બાદ આર્મી સામે એફઆઈઆર નોંધાવે. આખરે તો એમણે પાકિસ્તાનના પીઠ્ઠુ આતંકવાદીઓ પ્રત્યે કૂણું વલણ રાખતા પોતાના મતદારોના મોટા વર્ગને જ ખુશ રાખવાનો છે.

કાશ્મીરમાં પ્રજાનો એક મોટો વર્ગ ત્રાસવાદીઓને પૂરેપૂરો સાથ-સહકાર આપે છે. એટલે જ આતંકીઓ ધાર્યુ નિશાન પાર પાડી શકે છે. તેઓ ધારે ત્યારે પોલીસ અને લશ્કરની છાવણીઓ ઉપર હુમલો કરી શકે છે. કાશ્મીરમાં આતંકીઓની ગોળીઓથી પોલીસ અને લશ્કરના સ્થાનિક મુસ્લિમ સિપાહીઓ પણ વીંધાઈ રહ્યા છે અને છતાં મહેબૂબા મુફતી પોતાની આંખ ઉઘાડવા તૈયાર નથી. પોલીસ કે લશ્કરનો સ્થાનિક જવાન શહીદ થાય ત્યારે તેઓ એના કુટુંબીજનોને આશ્વાસનના બે ઠાલા શબ્દો કહી ઘરભેગા થઈ જાય છે. મહેબૂબાએ એક રાજકારણી અને શાસક તરીકે સંવેદનહીનતાનું ઉચ્ચતમ શિખર સર કરી લીધુ છે. ભારતની પ્રજા મેડમ મુફતીને એ માટે હંમેશાં યાદ રાખશે.

હકીકત એ છે કે કાશ્મીરના મુખ્ય મંત્રી ઇતિહાસમાંથી કોઈ બોધપાઠ લેવા તૈયાર નથી. પંજાબનો દાખલો એમની સામે જ છે. ખાલિસ્તાનની માગણી માટે પંજાબમાં પણ ત્રાસવાદીઓએ વરસો સુધી કાળો કેર વર્તાવ્યો હતો. ત્રાસવાદના ભોરિંગને નાથવા પહેલા સરકારે સુપરકોપ જુલિયો રિબેરોને મેદાનમાં ઉતાર્યા અને પછી એ જવાબદારી કેપીએસ ગિલને સોંપી. આ બંને બાહોશ પોલીસ ઓફિસરોને ત્રાસવાદના સફાયા માટે પૂરેપૂરી સ્વતંત્રતા અપાઈ. ગિલે તો ઘરઘરમાંથી વીણી વીણીને ત્રાસવાદીઓ અને એમના મળતિયાઓને ગોતી ઝેર કરવાનો પોલીસકર્મીઓને આદેશ આપ્યો. બાકીનું કામ તત્કાલીન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ ઓપરેશન બ્લુ સ્ટાર હેઠળ સુવર્ણ મંદિરમાં લશ્કર મોકલીને પૂરુ કર્યું. ભિંડરાવાલેની લાશ પડતા જ પંજાબના આતંકવાદ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું. એ સમયે જો ઢીલી ઢાલી નીતિ અપનાવી ત્રાસવાદીઓને થાબડભાણાં કર્યા હોત તો આજે પંજાબ ભારતનું એક રાજ્ય હોત કે કેમ એ એક સવાલ છે.

આપણા મિત્ર રાષ્ટ્ર ઇઝરાયેલનું લશ્કર દાયકાઓથી પેલેસ્ટીનના તોફાનીઓ પર ગોળીઓ વરસાવી એમના ઢીમ ઢાળતુ આવ્યું છે. ઇઝરાયેલ સરકાર પોતાના દુશ્મનોને બેરહમીથી કચડતી આવી છે, પરંતુ આજ સુધી યહુદી પ્રજામાંથી ક્યારેય પોતાની સરકાર કે સૈન્ય સામે એક પણ અવાજ ઊઠયો નથી એટલે માટે કે એ પ્રજા જાણે છે અને સમજે છે કે લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે. દુનિયાનો કોઇ દેશ આજ સુધી ‘શાંતિ, શાંતિ’નો જાપ જપીને ત્રાસવાદને નાથી નથી શક્યો. એમાંથી આતંકવાદની ફેકટરી ગણાતો આપણો પાડોશી દેશ પાકિસ્તાન પણ બાકી નથી. ઈસ્લામાબાદની પોલીસ અને આર્મી પણ છાશવારે એન્કાઉન્ટર કરી આતંકીઓને યમસદન પહોંચાડે છે.

દુનિયાને સોળમી સદીમાં પાછી ધકેલી શરિયતનું રાજ સ્થાપવા માગતા આઈએસ અને તાલિબાન જેવા આતંકવાદી સંગઠનો પોતાના મુસલમાનભાઈઓના જીવ લેતા પણ અચકાતા નથી. આવા રાક્ષસો સાથે શાંતિ અને ભાઈચારાની વાતો કરાય ખરી? માણસ સાથે માણસની જેમ વર્તાય પણ જે માણસમાંથી રાક્ષસ બની ગયો છે એની તો દંડુકાવાળી જ કરવી પડે. મેહબૂબા મુફતી આટલુ સમજવા અને સ્વીકારવામાં ઇરાદાપૂર્વકનો વિલંબ કરી રહ્યા છે.