આજે ભાજપા સંસદીય બોર્ડની બેઠક, રૂપાણી બનશે ગુજરાતના નવા નાથ? - Sandesh
  • Home
  • Featured
  • આજે ભાજપા સંસદીય બોર્ડની બેઠક, રૂપાણી બનશે ગુજરાતના નવા નાથ?

આજે ભાજપા સંસદીય બોર્ડની બેઠક, રૂપાણી બનશે ગુજરાતના નવા નાથ?

 | 9:22 am IST

આજે દિલ્હીમાં ભાજપની સંસદીય બોર્ડની બેઠક મળશે. આ બેઠક ભાજપ અધ્યક્ષ અમિત શાહની આગેવાનીમાં યોજાશે. આજે સાંજે બેઠક યોજાશે. બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના રાજીનામા અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં મુખ્યમંત્રીનો રાજીનામાનો પત્ર મુકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સોમવારે આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદેથી રાજીનામાંની ઓફર કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવા મુખ્યમંત્રીની રેસમાં નીતિન પટેલ અને વિજય રૂપાણી છે. આનંદીબેને વધતી ઉમરને કારણે રાજીનામું આપ્યું છે.

રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ફેસબુક પર પોસ્ટ કરી પોતાને જવાબદારીમાંથી મુક્ત કરવા અંગે અપીલ કરી છે. તો રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીનું નામ ચર્ચામાં છે. આનંદીબેન પટેલની જગ્યાએ નીતિન પટેલ નહીં, પણ રૂપાણીને નવા મુખ્યમંત્રી બનાવાય તેવું ભાજપના અંગત સૂત્રો સૂચવી રહ્યાં છે. છેલ્લા 2 મહિનાથી હાઇકમાન્ડના નિર્દેશથી આનંદીબેનના બદલે ‘સુપર સીએમ’ રૂપાણી જ તમામ નિર્ણયો લઈ રહ્યાં હતા.એવી સંભાવના છે કે 5 ઓગસ્ટ સુધીમાં નવા મુખ્યમંત્રી શપથ લઈ લેશે. આજે ભાજપની સંસદીય દળની મીટિંગ છે. આજે જો વિજય રૂપાણીનું નામ જાહેર કરાય તો તેમના જન્મદિવસે આજે સૌથી મોટી બર્થડે ગિફ્ટ હશે.

આનંદીબેન પટેલના રાજીનામા બાદ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, આનંદીબેન પટેલ પર કોઇ જાતનું દબાણ કરવામાં આવ્યું નહોતું. નવી પેઢીને ચાન્સ મળે તે માટે તેમણે હાઇકમાન્ડને જવાબદારી મુક્ત કરવાની ભલામણ કરી હતી. આગામી દિવસોમાં નેતૃત્વ પરિવર્તન થશે.

આનંદીબહેનને મુખ્યમંત્રી પદ છોડવાની આખરે ફરજ પાડવામાં આવી હતી કે કેમ, તેવો સવાલ પુછતાં પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ તેનો સદંતર ઈનકાર કરતાં કહ્યું હતું કે, જે પ્રકારે બહેને વિકાસ અને લોકો માટે નિર્ણયો લીધા છે તે જોતાં તો તેઓ ગુજરાતની માતા ગણાય. અલબત્ત, 48 કલાકમાં તેમણે અસાધારણ ઝડપે અને સંબંધિત મંત્રીઓને જાણ કર્યા વિના જ મહત્વના નિર્ણયો કર્યા તે જોતાં તેમને પોતાની વિદાયની ખબર પડી ગઈ હોવી જોઈએ.

રૂપાણીના પત્ની અંજલીબહેન રૂપાણીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે મારા પતિ મુખ્યમંત્રી બનશે તો મને ખુશી થશે. અંજલીબેને જણાવ્યું હતું કે, વિજયભાઇએ ભાજપના પાયાના કાર્યકર તરીકે કારકિર્દી શરૂ કરી હતી. તેઓ પક્ષને વફાદાર રહ્યા છે. પક્ષે આપી તે તમામ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક સંભાળી છે. ક્યારેય કોઇ પદ માગ્યું નથી. રાજકોટના ભાજપ કાર્યાલયે ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળ્યો હતો. રૂપાણીના સમર્થક અગ્રણીઓ તથા કાર્યકરોના ચહેરા રોમાંચથી છલકાયા હતા. માત્ર મીઠા મોં કરાવવાનું બાકી રહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન