today duplicate-power-bank-four-arrested-in-vadodara
  • Home
  • Baroda
  • પાવર બેન્ક ખરીદતા પહેલા ચેતજો, વાંચી લો વડોદરાનો આ કિસ્સો

પાવર બેન્ક ખરીદતા પહેલા ચેતજો, વાંચી લો વડોદરાનો આ કિસ્સો

 | 5:17 pm IST

કાળી માટીના સેલ ભરીને બનાવેલા એમ.આઇ. કંપનીના પાવર બેંકનું વેચાણ કરતી UPની ભેજાબાજ ટોળકીનો વડોદરા શહેર પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ઝડપી પાડેલી ટોળકીના ચાર સાગરીતો પાસેથી નકલી 204 નંગ નકલી પાવર બેંક કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના જેતલપુર રોડ ઉપર આવેલા સબર બિલ્ડિંગમાં 4થી 5 યુવાનો રહે છે. અને તેઓ એમ.આઇ. કંપનીના નકલી પાવર બેંક વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને વેચી રહ્યા હોવાની માહિતી વડોદરા શહેર એસ.ઓ.જી.ને મળી હતી.

માહિતીના આધારે એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઇ. એચ.એમ.ચૌહાણની સૂચના અનુસાર સ્ટાફે સબર મંઝીલમાં દરોડો પાડ્યો હતો. અને નકલી પાવર બેંકનું વેચાણ કરતી ટોળકીના ચાર સાગરીતો સાદાબ ઝમીલઅહેમદ મલિક, મહંમદ સદ્દામ ઝમીલ અહેમદ મલિક, મહંમદ અલશર અલીશેર મલિક અને મહંમદ આકીલ નાઝીરહસન મલિકની ધરપકડ કરી હતી.

આ ઉપરાંત પોલીસે આ ટોળકી જે રૂમમાં રહેતી હતી તે રૂમમાંથી રૂપિયા 45,000ની કિંમતના 204 નંગ પાવર બેંક, એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 44,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સબર મંઝીલમાંથી નકલી પાવર બેંક વેચતી યુ.પી.ની ટોળકી ઝડપાતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

નકલી પાવર બેંકનું વેચાણ કરતી ટોળકી સામે એસ.ઓ,જી. દ્વારા ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી છે. ગોત્રી પોલીસે ટોળકી સામે ગુનો નોંધી તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ટોળકીના રિમાન્ડ દરમિયાન અન્ય વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે.