આજે સદ્ભાવના યાત્રા :  ૧ર,૦૦૦ પાટીદારો ૩૪ કિ.મીના પગપાળા કરશે - Sandesh
  • Home
  • Mehsana
  • આજે સદ્ભાવના યાત્રા :  ૧ર,૦૦૦ પાટીદારો ૩૪ કિ.મીના પગપાળા કરશે

આજે સદ્ભાવના યાત્રા :  ૧ર,૦૦૦ પાટીદારો ૩૪ કિ.મીના પગપાળા કરશે

 | 3:16 am IST

અમદાવાદ, પાટણ, ઊંઝા

હાર્દિકના સમર્થનમાં અને સરકારને જગાડવા માટે રવિવારે પાટણની નીકળનારી સદ્ભાવના યાત્રામાં પાટણ સહિત મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠા સહિત આખા ઉત્તર ગુજરાતના પાટીદારો જોડાયા છે. પાટણ ખાતે છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી તડામાર તૈયારીઓને પાટીદાર યુવાનો દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ પાટીદારોની આ યાત્રાને લઈને પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્તની તૈયારી હાથ ધરાઈ છે અને મોડી સાંજે પાટણ ખાતે પોલીસે પાટીદાર સમાજ સાથે શાંતિ સમિતિને બેઠક પણ બોલાવી હતી. યાત્રા સમયે કોઈ બનાવ ન બને અને તમામ સમાજનો પૂરો સાથ સહકાર મળી રહે તે અંગે ચર્ચા  કરવામાં આવી હતી.

પાટણ જિલ્લા પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા હાર્દિકના સમર્થનમાં અને સરકારને જગાડવા માટે પાટણથી ઊંઝા પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાટણ શહેર સહિત આસપાસના ગામોના હજારો પાટીદારો તેમજ પાલનપુર, અરવલ્લી, તેનપુર, ઈડર, મોડાસા, હિંમતનગર, અમરગઢ સહિતના તાલુકાઓ તેમજ જિલ્લા મથકો પરથી પાટીદારો રવિવારે પાટણ ખાતે વાહનો મારફતે પગપાળા યાત્રામાં ઉમટી પડશે ત્યારે બીજી તરફ આ પગપાળા યાત્રાની તૈયારીઓ છેલ્લા ચાર દિવસથી ચાલી રહી હતી. જેને પાટીદાર યુવાનો દ્વારા આજે પૂર્ણ કરી દેવામાં આવી છે. આ યાત્રામાં કોંગ્રેસના ૧૦ ધારાસભ્યો જોડાશે. તેમજ બીજા અન્ય સમાજના લોકો દ્વારા યાત્રાના રૃટ પર પાણી, શરબતનાં અનેક કેમ્પોની વ્યવસ્થા કરવામાં આવી છે.

યાત્રીઓ માટે પાણી પાર્કિંગની વ્યવસ્થા : ઉમિયા સંસ્થાના મંત્રી

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાના મંત્રી દિલીપભાઈ પટેલ (નેતાજી)એ જણાવ્યું હતું કે,  આજે પાટણથી આઠ દસ પ્રતિનિધિઓ અમારી પાસે આવ્યા હતાં અને  કીધેલું કે અમે આવતીકાલે મોટી સંખ્યામાં રથ લઈને સાંજે  પાંચ-છ વાગે આવવાના છીએ માતાજીમાં રૃટિંગમાં રથ અવારનવાર  આવતાં હોય છે. મંદિર ટ્રસ્ટ તરફથી પાણી અને પાર્કિંગની વ્યવસ્થા  કરી છે અને રથમાં આવેલા પાંચ-છ આગેવાનોને ઓફિસમાં  ચા-પાણીની વ્યવસ્થા કરાવીએ છીએ.

યાત્રામાં ડોક્ટરોની ટીમ તૈયાર

પાટીદાર સદ્ભાવના યાત્રામાં કોઈ પણ વ્યક્તિને મેડિકલની સેવાઓ માટે પાંચ ભાઈ-પાંચ બહેનોની એમ.બી.બી.એસ. ર્ડાક્ટરોની ટીમ તૈયાર કરવામાં આવી છે. જે યાત્રામાં બિમાર થયેલ ભાઈ-બહેનોની દેખભાળ કરી શકે.

યાત્રાના રૃટ પર આવતા તમામ પ્રતિમાઓને હાર પહેરાવાશે

પાટણમાંથી નીકળનાર પાટીદાર યાત્રાના રૃટ પર આવતા બાવલાઓને પાટીદારો દ્વારા માલ્યાર્પણ કરી યાત્રા તેના માર્ગ પર આગળ વધશે.

યાત્રા સંદર્ભે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

પાટણમાં નીકળનારી સદ્ભાવના યાત્રા સંદર્ભે પાટીદાર આગેવાનો અને પોલીસ વચ્ચે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં યાત્રા સમયે કોઈ બનાવ ન બને અને તમામ સમાજનો પૂરો સાથ સહકાર મળી રહે તે અંગે ચર્ચા  કરાઈ હતી.

મહેસાણા જિલ્લામાં ૧૪૪નીઔકલમ લાગુ છે, બંદોબસ્ત ગોઠવી દીધો છે : પી.આઈ.

ઊંઝા પી.આઈ.એ.બી.વાળંદએ જણાવ્યું હતું કે, રવિવારે મોટી સંખ્યામાં પાટીદારો  ઉમિયા માતાજીનો રથ લઈને આવવાના છે. હાલ જિલ્લામાં ૧૪૪ની  કલમ લાગુ છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે  બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ૧૦૦ એસઆરપીની ટીમ પણ તૈનાત  રાખવામાં આવી છે.

પાટણ જિલ્લા પાસ કન્વીનર શું કહે છે

આ અંગે હાર્દિક પટેલ (અડીયા)એ જણાવેલ કે સદ્ભાવના યાત્રામાં તમામ સમાજના ભાઈ-બહેનો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને પાટીદારો જોડાય તેમજ સાથ સહકાર આપે તેમજ આ યાત્રા ર્નિિવધ્ને સંપન્ન થાય તેવી મા ઉભા ખોડલને પ્રાર્થના.

૧૪૪ની કલમ અંંગે મહેસાણા કલેક્ટરે જવાબ આપવાનું ટાળ્યું

હાલમાં મહેસાણા જિલ્લામાં ૧૪૪ની કલમ લગાવવામાં આવી છે જેમાં જાહેર સ્થળે ૪ થી વધુ લોકોએ એકઠા થવા પર અટકાયતી પગલાં લેવાના થાય પરંંતું રવિવારે હજારો લોકો સદભાવના પદયાત્રામાં જોડાઈ ઊંઝામાં એટલે કે મહેસાણા જિલ્લામાં આવવાના હોવાથી આ કલમનો ભંગ થવો નક્કી છે. આ અંગે શું કાર્યવાહી કરવામાં આવશે તે અંગે મહેસાણા કલેક્ટર એચ.કે.પટેલને પૂછવા ફોન કરતાં તેઓએ ફોન ન ઉપાડી જવાબ આપવાનું ટાળ્યું હતું.

સદ્ભાવના પદયાત્રા કાઢવા માટેનો હેતુ  શું ?

છેલ્લા ૧પ દિવસથી હાર્દિક આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે જેને લઈને હજુ સુધી સરકારે કોઈ દરકાર નથી લીધી જેથી સરકારમાં સદ્ભાવના જ ન હોવાથી સરકારમાં સદ્ભાવના જાગે અને હાર્દિકના ઉપવાસના ૩ હેતુઓનો સ્વીકાર કરી નિરાકરણ લાવે તે માટે આ સદ્ભાવના કાઢવામાં આવનાર હોવાનું પાટણ જીલ્લા પાસ કન્વીનર હાર્દિક પટેલ અડીયાએ જણાવ્યું હતું.

આ પદયાત્રા કાઢવા પાછળ ૩ મુખ્ય માંગો

૧. પાટીદાર સમાજને અનામત આપવામાં આવે, ૨. રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે, ૩. સુરતના અલ્પેશ કથિરીયા જે હાલ અમદાવાદ જેલમાં છે તેને મુક્ત કરવામાં આવે.

‘સદ્ભાવના યાત્રા અંગે કોઈ લેખિત રજૂઆત નથી’ ! : ઊંઝા મામલતદાર

ઊંઝા મામલતદાર એન.એસ.દીયાએ જણાવ્યું હતું કે, પાટણથી ઉમિયા માતાજી રથ  આવવાનો છે. એવી અમારી પાસે લેખિત રજૂઆત આવી નથી અને જો  રજૂઆત આવશે તો અમે અમારા આવતી ફરજ નિભાવશું.

પાટણમાં પોલીસ, બોર્ડરના જવાનોનો કાફલો તૈનાત

પાટીદાર યાત્રાને લઈને પોલીસ દ્વારા ડી.વાય.એસ.પી., પી.આઈ., પી.એસ.આઈ. સહિતનાં કુલ  ૬૦ થી વધુ પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે તેમજ બોર્ડર વિંગનાં જવાનો પણ યાત્રા સમયે તૈનાત રહેશે તેમજ પોલીસ દ્વારા પણ યાત્રાની મંજૂરી આપી દેવામાં આવી છે.