Today Heavy RainFall May be in Saurashtra-Kutch
  • Home
  • Ahmedabad
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ધોધમાર વરસાદની શક્યતા, અમદાવાદમાં સામાન્ય અમીછાંટણાની શક્યતા

સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ધોધમાર વરસાદની શક્યતા, અમદાવાદમાં સામાન્ય અમીછાંટણાની શક્યતા

 | 7:30 am IST

। અમદાવાદ ।

‘વાયુ’ વાવાઝોડાના કારણે ગુજરાતના વાતાવરણમાં પણ ભારે પલટો આવશે જેની અસર આજથી જ શરૂ થઈ ચૂકી છે. સોમવારે મોડી સાંજથી જ ઠંડો પવન ફૂંકાવા લાગ્યો છે ત્યારે આ વાવાઝોડાની અસરથી ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી જારી કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ બુધવાર અને ગુરૂવાર બે દિવસ સામાન્ય વરસાદ થવાની આગાહી જારી કરવામાં આવી છે. જોકે વાવાઝોડાના કારણે ગુજરાતની વરસાદી સિસ્ટમ ખોરવવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. જો આવુ થાય તો ચોમાસામાં વિલંબ થઈ શકે છે.

હવામાન ખાતાના જણાવ્યાં પ્રમાણે, ૧૨ જૂને વાયુ વાવાઝોડાના આગમન સાથે અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દેવભુમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં એલર્ટ સાથે સાવધાની રાખવાના સંકેતો અપાયા છે. જ્યારે અમદાવાદ, બનાસકાંઠા, કચ્છ, સાબરકાંઠા, આણંદ, ભાવનગર, વડોદરા, રાજકોટ, ભરૂચમાં સામાન્ય વરસાદની શક્યતા છે. આ સિવાય જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ૧૩મી જૂને ઉત્તર ગુજરાતમાં સામાન્ય, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દિવમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.

વાવાઝોડાથી વરસાદી સિસ્ટમ ઠંડી પડી શકે

વાયુ વાવાઝોડાના કારણે ગુજરાતના ચોમાસાના ચોમાસા પર ભારે અસર વર્તાશે. વાવાઝોડાના કારણે જે વરસાદી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે તે વિખેરાઈ જવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. કારણ કે, તેજ ગતિથી ફૂંકાતા પવનના કારણે આ સિસ્ટમ ઠંડી પડી જશે. જેથી ફરીથી વરસાદી સિસ્ટમને ગરમ થતાં થોડો સમય લાગી શકે છે. બીજી તરફ એવા મત પણ રજૂ થઈ રહ્યાં છે કે, દેશના કેટલાક ભાગોની સાથે સાથે ગુજરાતમાં આ વર્ષે ચોમાસા પર અલ-નિનોનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. ચોમાસાની એન્ટ્રીમાં એક અઠવાડીયા જેટલો વિલંબ પણ થઈ શકે છે.

વાવાઝોડાની જગ્યા અંગે મતમતાંતર, બે દિશા તરફ જઈ શકે છે

સોશિયલ મીડિયામાં વાવાઝોડું બે દિશા તરફ જઈ શકે છે તેવી થિયરી વાયરલ થઈ છે. દ્વારકા, પોરબંદરથી  જામનગર થઈને કચ્છ બાજુ જવાની શક્યતા છે. બીજી શક્યતા જૂનાગઢ,  રાજકોટથી અમરેલી, સુરેન્દ્રનગર થઈને અમદાવાદ-ઉત્તર ગુજરાત બાજુ  જવાની શક્યતા છે. આ અંગે જો કે સત્તાવાર સમર્થન મળતું નથી. સોશિયલ મીડિયાનો ફેલાવો વધ્યો છે ત્યારે વાવાઝોડા વખતે ઘણી વખત આ સેવા કામ પણ આવી શકે છે.

૧૯૯૮માં કંડલામાં વિનાશકારી વાવાઝોડાની વરસીના બે દિવસ બાદ વાવાઝોડાની આગાહી

૧૯૯૮માં કંડલામાં વિનાશકારી વાવાઝોડું ત્રાટકતા હજારો લોકોનાં મોત નીપજ્યા હતા. તો વળી, અસંખ્ય લોકો ઘર વિહોણા થઈ ગયા હતા અને લાખો રૂપિયાની નુકસાની પહોંચી હતી ત્યારે વિનાશકારી વાવાઝોડાની ગત ૯મી જૂને વરસી હતી, જેમાં વરસીના બે દિવસ બાદ જ અરબી સમુદ્રમાંથી ઉઠેલું વાવાઝોડં કચ્છ સુધી પહોંચતા વિનાશક રૂપ ધરવાની સંભાવના પ્રગટ કરાતાં વધુ એક વખત ૧૯૯૮નો એ વિનાશકારી દિવસ લોકોને નજર સામે તરી આવ્યો હતો.

કંડલા બંદરે ર નંબરનું સિગ્નલ લગાવાયું 

અરબી સમુદ્રમાંથી શરૂ થયેલું વાવાઝોડું આગામી સમયમાં કચ્છના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને પગલે કંડલા બંદરે ૧ નંબરના સિગ્નલ બાદ આજે બપોરથી ર નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું હતું. તો વળી, આગામી સમયમાં હવામાન વિભાગની આગાહી બાદ વાવાઝોડં ત્રાટકે તો ૩ નંબરનું સિગ્નલ લાગી શકે તેમ હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

મંત્રીમંડળની કેબિનેટ, સાંસદોની બેઠક પણ મોકૂફ

વાવાઝોડાની આગાહીને પગલે રાજ્ય સરકારે મંત્રી મંડળની કેબિનેટ બેઠક મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના મંત્રીઓ જે તે જિલ્લાઓમાં જઈ શકે અને વહીવટી તંત્રને માર્ગદર્શન કરી શકે તે હેતુથી કેબિનેટ મુલતવી રાખવામાં આવી છે. કેબિનેટની સાથે સાથે બુધવારે રાજ્યના તમામ સાંસદોની ગાંધીનગરમાં યોજાનારી બેઠક પણ મુલતવી રાખવામાં આવી છે.

વાયુ વાવાઝોડાના કારણે જીટીયુની આજે અને આવતીકાલની પરીક્ષા રદ

ગુજરાતના દરિયાકાંઠે ૧૩ અને ૧૪મીના રોજ વાયુ વાવાઝોડું ત્રાટકવાનું હોય સલામતીના તમામ પગલાં લેવાઈ રહ્યાં છે. જેના ભાગરૂપે જીટીયુએ રાજયભરમાં ૧૨ અને ૧૩મીના રોજ લેવાનાર પરીક્ષા રદ કરી છે. જીટીયુ દ્વારા ડિગ્રી અને ડિપ્લોમાની પરીક્ષા લેવાનાર છે. ૧૨મીના રોજ ૨૦,૭૪૯ અને ૧૩મીના રોજ ૬૧,૬૫૨ વિદ્યાર્થી મળી કુલ ૮૨,૪૦૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. પરંતુ આ પરીક્ષા રદ કરવામાં આવી છે. જ્યારે તા.૧૪ના રોજ રૂટિન શિડયુલ મુજબ પરીક્ષા લેવાશે. ૧૨ અને ૧૩મીની રદ થયેલી પરીક્ષાની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. ઉપરાંત ૧૨ અને ૧૩મીના રોજ લેવાનાર એમઈ અને બીફાર્મની પ્રેક્ટિકલ પરીક્ષા પણ રદ કરવામાં આવી છે. પ્રેક્ટિકલ પરીક્ષામાં જો કે ૬૦ જેટલાં જ વિદ્યાર્થીઓ બેસવાના હતા.

સંભવિત વાવાઝોડા સમયે તકેદારી રાખવા ય્જીડ્ઢસ્છની ગાઇડ લાઇન

ગુજરાતના વેરાવળથી દક્ષિણ-પૂર્વ દિશામાં વાવાઝોડું આકાર લઈ રહ્યું છે, ત્યારે વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તથા નારગિકોને તકેદારી રાખવા માટે જી.એમ.ડી.એમ.એ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. જી.એસ.ડી.એમ.એ.ના સી.ઈ.ઓ. અનુરાધા મલે વાવાઝોડા દરમિયાન શું કરવું અને શું ન કરવું એ સંબંધી માહિતી આપી છે.

વાવાઝોડા પહેલાની તૈયારી

રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો, સમાચારો અને ચેતવણીઓ સતત સાંભવતા રહો, ઢોર-ઢાંખરને ખૂંટાથી છૂટા કરી રાખો, માછીમારોએ દરિયામાં જવું નહીં, બોટ સલામત સ્થળે લાંગરવી, અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવું, આશ્રય લઈ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાન રાખો, સુકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો, અગત્ય ટેલીફોન નંબર હાથ વગા રાખો.

૧૦ જિલ્લાની ૬૦ લાખની વસતીને અસર થઈ શકે

વાવાઝોડાની અસર ૧૦ જિલ્લાની ૬૦ લાખની વસતિને થઈ શકે છે. સીધી અસર થાય તેવા ગામોની સંખ્યા ૪૦૮ છે. ૩૧ તાલુકાઓમાં સંભવિત વાવાઝોડાની વ્યાપક અસર વર્તાઈ શકે છે.

વાવાઝોડા દરમિયાન તકેદારીના પગલાં

જર્જરિત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવા. વાવાઝોડા સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહીં, વાવાઝોડાના સમયે રેલ મુસાફરી કે દરિયાઈ મુસાફરી હિતાવહ નથી, વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા. વીજ થાંભલાથી દૂર રહેવું.

વાવાઝોડું શું કરવું, શું ન કરવું

  • જ્યારે સ્થળાંતર માટે સ્થળ ખાલી કરવાની સૂચના આપવામાં આવે ત્યારે…..
  • થોડા દિવસો સુધી તમારી અને તમારા પરિવારને જીવંત રાખવા માટે મહત્વપૂર્ણ વસ્તુઓ પેક કરો. જેમાં બાળકો અને વૃદ્ધ લોકો માટે જરૂરી દવાઓ ખોરાક અને વસ્ત્રો હોય.
  • તમારા વિસ્તાર માટે સૂચવાયેલ યોગ્ય આશ્રય અથવા ખાલી કરાયેલ સ્થાનો પર જાઓ.

માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના  

NDRFની ૧૫ ટીમ હાલમાં ઉપલબ્ધ છે. વધારાની ૨૦ ટીમ પૂણે અને ભટિંડાથી રવાના થઈ છે. સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારમાં ૩૫ ટીમો તૈનાત રહેશે. રાજ્ય પોલીસ વડાએ મરીન સિક્યોરિટી ફોર્સના જવાનો ઉપરાંત SDRFની ૧૧ ટુકડી રવાના કરાઈ હતી. વૃક્ષો ધરાશાયી થાય, વીજ થાંભલા પડે તો રસ્તા બંધ થાય તો માર્ગ મકાન, વન વિભાગ અને વીજ કંપનીની ટીમો કાર્યરત રહેશે. માછીમારોને દરિયો નહિ ખેડવા, પ્રવાસીઓને બીચ કે દરિયાકાંઠે નહિ જવા સૂચના છે. ગુજરાતમાં ૨૦૧૪ પછી ૬ વખત વાવાઝોડાની આગાહી કરાઈ હતી. તમામ વખતે ગુજરાત બચી ગયું છે.

સૌરાષ્ટ્રમાં શાળાઓ આજથી બે દિવસ બંધ

સૌરાષ્ટ્રમાં શાળાઓમાં બે દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રાખવા સરકારે આદેશ કર્યો છે. રાજકોટ ઉપરાંત જૂનાગઢ, જામનગર, અમરેલી, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગિર સોમનાથ જિલ્લામાં પણ રજા જાહેર કરાઈ છે. વાયુ વાવાઝોડાના એલર્ટ સામે  યુનિવર્સિટીએ પણ  કોલેજો અને  ભવનોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા માટે જાહેરાત કરી હતી. યુનિવર્સિટીએ એક પરિપત્ર કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો અને ભવનોમાં તા.૧૨ અને ૧૩ના રોજ શૈક્ષણિક કાર્ય  બંધ રાખવા આદેશ કર્યો હતો. તા.૧૨ અને ૧૩ના રોજ  યુનિવર્સિટીની જે પરીક્ષાઓ લેવામાં આવનાર  હતી તે પણ કેન્સલ કરી નાખવામાં આવી છે. આ પરીક્ષાઓ હવે પછીથી તારીખ જાહેર કરીને લેવાશે.

રાજકોટમાં બોટ સાથે NDRFની ટીમ તહેનાત

રાજકોટ જિલ્લામાં બચાવ રાહતની કામગીરી માટે NDRFની ટીમ મંગળવારે બપોરે ૩૦ જવાનો આવી  હતી. સ્થાનિક SGRFની ૬૦ સભ્યોની ટીમ સાથે તેમને સ્ટેન્ડ ટુ રહેવા જણાવાયું હતું. ઉપલેટા, ધોરાજી અને ગોંડલ તાલુકાના ગામડાઓને વધુ અસર થવાની શકયતાને ધ્યાને રાખીને પ્રાંત અધિકારીઓને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ કરાયા છે. તમામ કર્મચારીઓ અને અધિકારીઓની રજા કેન્સલ કરાઈ છે. જિલ્લામાં ૩૫ ગામડામાં લોકોને સાવધ રહેવા તાકિદ કરાઈ છે.

જુનાગઢ,જામનગર, પોરબંદર, દ્વારકાના ૨૦૦થી વધુ ગામોને સતર્ક કરાયા

વેરાવળ સુત્રાપાડા, કોડીનાર, ઉનાના દરિયાકાંઠાના વિસ્તાર ૫૧ ગામોમાં ૭૬૮ જેટલા લોકોને સ્થળાંતર કરવા કાર્યવાહી ચાલુ છે. માંગરોળ તાલુકાના ૧૦ અને માળિયા તાલુકાના ૪ ગામોને એલર્ટ  કરાયા છે. જામનગર જીલ્લાના સમુદ્ર કાંઠાના રપ ગામોને ચેતવણી આપવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૪૪ ગામડા હાઈ એલર્ટ પર છે. પોરબંદર જિલ્લાના પોરબંદર, કુતિયાણા અને રાણાવાવ તાલુકાના ૮૦ ગામડા એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. મોરબી જીલ્લાના ૩૯ ગામો અને તેના પ૯પ૩ નાગરીકો આ વાવાઝોડાના સંભવિત અસરકર્તાઓ હોઈ શકે છે એમ માનીને ૪૮ સ્કુલો અને પ આશ્રય.જી.વી.સી.એલ.સતર્ક છે. નવલખી પોર્ટ ખાતે પરિસ્થિતિને પહોચી વળવા તૈયારીઓ પુરી કરી લેવાઈછે.

STની તમામ બસોનું GPSથી મોનિટરિંગ થશે

આજે એસટીની વડી કચેરી રાણીપથી વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી જયાં વાવાઝોડાની અસર વધુ હોય ત્યાં વહીવટી તંત્રને લોકોનું સ્થળાંતર કરવામાં એસટીની મદદ જરૂર પડે ત્યાં બસ વાહનોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. તમામ અધિકારીઓ,ડ્રાઈવર કંડકટરોની રજા રદ કરાઈ છે. સંચાલનની તમામ બસોનુ જીપીએસથી મોનિટરિંગ કરાશે. એસટીના તમામ ડેપોમાં વધારાની બસોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તમામ વિભાગોમાં કન્ટ્રોલરૂમ રાઉન્ડ ધ કલોક ચાલુ જ છે. એસટીની ક્રેઈનો પણ તૈયાર રાખવામાં આવી છે. જો કે કોઈ રૂટ કેન્સલ કરવાની હજુ સુધી કોઈ સુચનાઓ જારી કરવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન