આજે હરિકેન ફ્લોરેન્સ ૧૩૦ માઇલની ઝડપે અમેરિકાના પૂર્વ કિનારા પર ત્રાટકશે - Sandesh
  • Home
  • Newspaper
  • આજે હરિકેન ફ્લોરેન્સ ૧૩૦ માઇલની ઝડપે અમેરિકાના પૂર્વ કિનારા પર ત્રાટકશે

આજે હરિકેન ફ્લોરેન્સ ૧૩૦ માઇલની ઝડપે અમેરિકાના પૂર્વ કિનારા પર ત્રાટકશે

 | 1:41 am IST

। ન્યૂયોર્ક ।

અમેરિકાના કેરોલિના અને જ્યોર્જિયા સાગરકાંઠા તરફ આગળ વધી રહેલું હરિકેન ફ્લોરેન્સ શુક્રવારે સવારે ત્રાટકવાની ચેતવણી વચ્ચે વાવાઝોડાનો સામનો કરવા તંત્ર અને લોકો સજ્જ થઈ રહ્યાં હતાં. વાવાઝોડાની તીવ્રતા થોડી ઘટી છે અને તેને કેટેગરી ટુમાં મૂકવામાં આવ્યું હોવા છતાં પણ ભારે વિનાશ વેરવાની ક્ષમતા ધરાવે છે. પ્રતિ કલાક ૧૩૦ માઇલની ઝડપે પવન ફૂંકાવા સાથે ચાર ફૂટ વરસાદ થવાની સંભાવના છે. કેરોલિના અને જ્યોર્જિયા વાવાઝાડોની ઝપટમાં આવવાની શક્યતા છે. ટાયસન પંચ જેવું વાવાઝોડું કિનારાના વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે તેવામાં કેરોલિના, જ્યોર્જિયા, મેરિલેન્ડ અને વર્જિનિયા જેવાં રાજ્યો કટોકટી જાહેર કરી ચૂક્યાં છે. આ વાવાઝોડું ૧૭૦ અબજ ડોલરનું નુકસાન પહોંચાડી શકે છે. દક્ષિણ અને ઉત્તર કેરોલિનામાં આવેલાં છ જેટલાં પરમાણુ ઊર્જાકેન્દ્રો પરથી વાવાઝોડું પસાર થવાનું છે. કેરોલિના એરલાઇન્સે વાવાઝોડું ત્રાટકવાના સંભવિત વિસ્તારો તરફની ઉડાનો બંધ કરી દીધી હતી. સપ્તાહ સુધી આ સેવાઓ બંધ રહેશે. દરિયાકિનારે આવેલાં મકાનોને બચાવી લેવા મકાનોની આસપાસ રેતીની બેગ્સ ગોઠવાઈ ગઈ છે. મોટા સ્ટોરનાં પ્રવેશદ્વારો પર પણ રેતી ભરેલી વજનદાર બેગ્સ ગોઠવાઈ ગઈ હતી. લોકો પોતાનાં મકાનોને લાકડાનાં પાટિયાંથી સીલ કરીને સુરક્ષિત કરી રહ્યાં હતાં. નૌકાઓને પણ દરિયામાંથી બહાર કાઢીને રસ્તા નજીક ગોઠવી દેવામાં આવી હતી. શુક્રવારે સાંજ સુધીમાં તો વાવાઝોડું ત્રાટકી જ જશે.

વાવાઝોડાને કારણે ઊછળનારાં ઊંચાં દરિયાઈ મોજાં કિનારાવિસ્તારનું મોટાપાયે ધોવાણ કરે તેવી શક્યતા છે અને ભારે વરસાદ થતાં ભીષણ પૂરની શકયતા છે, તેવામાં હજારો મકાનોનું ધોવાણ થવાની શક્યતા જોવાઈ રહી છે. વાવાઝોડું લાંબો સમય ટકી જશે તો ઇમારતોની સાથે પાવરલાઇન અને વૃક્ષો પણ તારાજ થશે. ૮૦૦ જેટલી ફ્લાઇટ્સ રદ થઈ ચૂકી છે. ભીષણ વાવાઝોડાનો સામનો કરવા કેરોલિનાના નાગરિકો જાણે કે સજ્જ થઈ રહ્યાં હતાં અને બીજી તરફ હોનારત ટાળવા માટે ઈશ્વરને પ્રાર્થના પણ કરી રહ્યાં હતાં.

૧૭ લાખ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવા આદેશ

૧૭ લાખ લોકોને સલામત સ્થળે ખસી જવા ચેતવણી આપવામાં આવી છે. આવી રહેલાં વાવાઝોડાની તીવ્રતા હરિકેન ફેમા કરતાં વધુ હોવાથી લોકો ઝડપથી સલામત સ્થળે પહોંચી રહ્યાં છે. બીમાર અને સારવાર લઈ રહેલાં લોકોનું પણ સ્થળાંતર કરાવી દેવામાં આવ્યું છે.

૪૮ ઇંચ વરસાદ ખાબકવાની આગાહી

વાવાઝોડું ત્રાટકતાં  પ્રતિ કલાક ૧૩૦ માઇલની ઝડપે પવન ફૂંકાવા સાથે ચાર ફૂટ વરસાદ થવાની સંભાવના છે દરિયામાં ૧૩ ફૂટ ઊંચાં મોજાં ઊછળવાની શક્યતા હોવાથી કિનારાના વિસ્તારોને ખાલી કરાવાઈ રહ્યા છે. કિનારાવિસ્તાર તરફની લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી.

૩૦ લાખ ગ્રાહકોનો વીજ- પુરવઠો ખોરવાશે, જીવનજરૂરી વસ્તુઓની ખરીદી માટે પડાપડી

ઉત્તર અને દક્ષિણ કેરોલિનાને વીજપુરવઠો પૂરો પાડતી કંપની ડયૂક એનર્જી પણ ગ્રાહકોને ચેતવણી આપી ચૂકી છે કે હરિકેન ત્રાટકવાને પગલે ૩૦ લાખ ગ્રાહકોનો વીજપુરવઠો ખોરવાઈ શકે છે. તમામ સુધી વીજપુરવઠો ફરી પહોંચતો કરવામાં કેટલાંય સપ્તાહ નીકળી જશે. લોકો જીવનજરૂરી વસ્તુ ખરીદવા મોલ્સમાં ઊમટી પડયાં હતાં. મકાનોને સીલ કરવા માટે પ્લાયવૂડની મોટી માગ હતી. બ્રેડ, કેન્ડ, મીટ, પાણી અને બેટરીની ખરીદી પર લોકો ખાસ ધ્યાન આપી રહ્યાં હતાં.

વાવાઝોડું ત્રાટક્યા પછી બચાવવા કોઈ નહીં આવે 

નોર્થ કેરોલિનામાં ૪૦ ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. લોકોને સલામત સ્થળે ખસી જવા ચેતવણી આપવાની સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે વાવાઝોડું ફૂંકાય તે પહેલાં જ સલામત સ્થળે ખસી જવું. વાવાઝોડું ત્રાટક્યા પછી કોઈ બચાવવા આવી શકે તેમ નથી. બચાવ ટુકડીઓ પણ ભયંકર વાવાઝોડામાં ટકી શકે તેમ નથી.