આજે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વન-ડે - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • આજે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વન-ડે

આજે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વન-ડે

 | 4:46 am IST

નોર્ટિંઘમ :

ટી-૨૦ સિરીઝ જીત્યા બાદ આત્મવિશ્વાસથી ઓતપ્રોત ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે આજથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની વન-ડે સિરીઝમાં પણ લય જાળવી રાખવાના ઇરાદે મેદાને ઊતરશે. ભારતીય ટીમે ટી-૨૦ સિરીઝ ૨-૧થી જીતી હતી.

ભારતીય ટીમનો દેખાવ પણ ઘણો શાનદાર રહ્યો છે. ભારતે છેલ્લે ૨૦૧૭માં ઇંગ્લેન્ડને વન-ડે સિરીઝમાં પરાજય આપ્યો હતો. ભારતીય મેનેજમેન્ટને આગામી વર્ષે યોજાનારા વર્લ્ડ કપને ધ્યાને રાખતાં વિવિધ સંયોજન અજમાવવાની પણ તક મળશે. લોકેશ રાહુલ ફોર્મમાં છે જેને કારણે કોહલી ચોથા નંબરે બેટિંગ કરવા ઊતરી શકે છે. ધવન અને રોહિત ઓપનિંગ કરશે જ્યારે રાહુલ ત્રીજા નંબરે ઉતરી શકે છે. આ બેટિંગક્રમ રહે તો કોહલીને ચોથા નંબરે બેટિંગ કરવા ઊતરવું પડશે. તે પછી રૈના, ધોની અને હાર્દિક પંડયા ઉતરશે. બોલિંગમાં કુલદીપ યાદવે સારો દેખાવ કર્યો હતો જેને કારણે તેને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી શકે છે. એકસ્ટ્રા ઝડપી બોલર તરીકે સિદ્ધાર્થ કૌલ અથવા શાર્દુલ ઠાકુરને તક મળી શકે છે. ભુવનેશ્વર સ્વસ્થ થતાં તે ઉમેશ યાદવ સાથે નવો બોલ સંભાળશે.

બીજી તરફ ઓસ્ટ્રેલિયાનો વન-ડે સિરીઝમાં વ્હાઇટ વોશ કર્યા બાદ ઇંગ્લેન્ડની ટીમ ફોર્મમાં છે. ઓપનિંગમાં બટલર અને જેસન રોય આક્રમક શરૂઆત અપાવવા માટે જાણિતા છે જ્યારે મિડલ ઓર્ડરમાં જો રૂટ અને કેપ્ટન મોર્ગન ટીમને સ્થિરતા આપવા સક્ષમ છે. ઇંગ્લેન્ડે છેલ્લા કેટલાક સમયથી વન-ડે ક્રિકેટમાં ઘણો સારો  દેખાવ કર્યો છે. જોશ બટલર, જેસન રોય, એલેક્સ હેલ્સ, જ્હોની  બેરસ્ટો અને ઇયોન મોર્ગન ફોર્મમાં છે જ્યારે બેન સ્ટોક્સના  પરત ફરવાથી ટીમ વધુ મજબૂત બની છે. વર્લ્ડ કપમાં નિરાશાજનક  દેખાવ બાદ ઇંગ્લેન્ડ ૬૯માંથી ૪૬ વન-ડે જીતી છે. આ પૈકી ૩૧ વખત ૩૦૦થી વધુનો સ્કોર બનાવ્યો છે જે પૈકી ૨૩ મેચ જીતી છે. આમાંથી ૧૧ મેચમાં તેઓએ ૩૫૦થી વધુ અને ત્રણ મેચમાં ૪૦૦થી વધુનો સ્કોર કર્યો છે.

ધોની પાસે ૧૦,૦૦૦ રન પૂર્ણ કરવાની તક

ધોનીને વન-ડે ક્રિકેટમાં ૧૦,૦૦૦ રન પૂર્ણ કરવાની તક છે. તેણે અત્યાર સુધી ૩૧૮ વન-ડેમાં ૯,૯૬૭ રન બનાવ્યા છે. તેને ૧૦ હજાર રનની વિશિષ્ટ ક્લબમાં સામેલ થવા માટે હવે ૩૩ રનની જરૂર છે. જો તેને બેટિંગની તક મળે તો ટ્રેન્ટબ્રિજમાં જ આ સિદ્ધિ મેળવી શકે છે. ભારત તરફથી સચિન, સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડે વન-ડેમાં ૧૦ હજાર રન બનાવ્યા છે. ધોની ઇંગ્લેન્ડ સામે સર્વાધિક રન બનાવનાર ખેલાડી પણ બની શકે છે. આ માટે તેને ૯૯ રનની જરૂર છે. આ બંને દેશો વચ્ચે વન-ડેમાં સર્વાધિક રન બનાવવાનો રેકોર્ડ યુવરાજસિંહના નામે છે. યુવરાજે ૧,૫૨૩ રન બનાવ્યા છે. ધોની ૧,૪૨૫ રન સાથે ત્રીજા સ્થાને છે. સચિને ૧,૪૫૫ રન બનાવ્યા છે. ધોની પાસે આ ઉપરાંત વિકેટ પાછળ ૩૦૦ કેચ પૂર્ણ કરવાની પણ તક છે. તેણે ૨૯૭ કેચ ઝડપ્યા છે.