today-rakshabandhan-when-baliraja-made-lord-vishnu-story
  • Home
  • Supplements
  • Sanskar
  • આજે રક્ષાબંધન : જ્યારે બલિરાજાએ ભગવાન વિષ્ણુને દ્વારપાળ બનાવી દીધા

આજે રક્ષાબંધન : જ્યારે બલિરાજાએ ભગવાન વિષ્ણુને દ્વારપાળ બનાવી દીધા

 | 2:00 am IST
  • Share

આજે રક્ષાબંધન છે ત્યારે રાખડીના માહાત્મ્યની એક પૌરાણિક કથા અહીં પ્રસ્તુત છે.  

બલિરાજા દાનેશ્વરી હતા પરંતુ તેને આ બાબતનું સૂક્ષ્મ અભિમાન હતું. તેઓ ભક્ત પ્રહ્લાદના પૌત્ર હતા. એક વાર તેમણે નર્મદાજીના કિનારે યજ્ઞા કરાવ્યો. ભગવાન ખુદ ત્યાં વામનજીના રૃપમાં પ્રવેશ્યા. વામનજી મહારાજ સાત જ વર્ષના છે. બલિરાજાએ અને તેમનાં પત્ની વિંદ્યાવલી રાણીએ બ્રહ્મચારી વામનજીની પૂજા કરી. બલિરાજા બોલ્યાઃ આપનાં દર્શન કરીને મને ખૂબ આનંદ થયો છે. મને થાય છે હું બધું જ રાજ તમને આપી દઉં. તમારે જે જોઈએ તે માંગો. ભૂમિ જોઈએ તો ભૂમિ અને કન્યા જોઈએ તો કન્યા આપું.‘  

વામનજી બોલ્યાઃ રાજા, હું સંતોષી બ્રાહ્મણ છું. હું વધારે કાંઈ લેવા આવ્યો નથી. મારા પગથી માંડી ત્રણ ડગલાં ભરાય એટલી પૃથ્વીનું દાન લેવા આવ્યો છું.‘  

બલિરાજાને લાગ્યું કે આ વામનજી તેમની ઉંમર પ્રમાણે બાળકબુદ્ધિના છે. તેમણે કહ્યુંઃ મહારાજ, હજી તમે નાના છો. મોટા થશો. લગ્ન થશે. બાળકો થશે એ બધાનું ભરણપોષણ કેવી રીતે કરશો?’  

પરંતુ વામનજી ફરી બોલ્યાઃ હું સંતોષી બ્રાહ્મણ છું. મારે તો બેસવા માટે ત્રણ પગલાં જેટલી જ જગા જોઈએ છે.‘  

બલિરાજાએ કહ્યુંઃ ઠીક છે. ત્રણ પગલાં ભરી લો. એ ભૂમિ તમારી.‘  

અને વામનજીએ તરત જ હજાર હાથવાળું વિરાટ નારાયણ સ્વરૃપ પ્રગટ કર્યું. તેઓ તો સાક્ષાત્ ભગવાન વિષ્ણુ હતા. એક પગલામાં આખી પૃથ્વી આવી ગઈ. બીજા પગલામાં બલિરાજાનું આખું રાજ આવી ગયું. ત્રીજું પગલું હજુ બાકી હતું એટલે વામનજી બોલ્યાઃ રાજન! તમે ત્રણ પગલાંનું દાન કરવા સંકલ્પ કર્યો હતો. મારું એક પગલું બાકી છે. જે સંકલ્પનું પાલન કરતો નથી તેની દુર્ગતિ થાય છે.‘  

બલિરાજા ગભરાયા. વામનજીએ માગ્યું ત્યારે નાના બાળકના હતા પરંતુ દાન સ્વીકારતી વખતે તેમણે વિરાટ સ્વરૃપ પ્રગટ કર્યું. બલિનું અભિમાન ઓગળી ગયું. વામનજી ભગવાને રાજા બલિને બાંધવાનો હુકમ કર્યો.  

બલિરાજાનાં પત્ની વિંદ્યાવલી રાણી ભક્તિભાવવાળાં હતાં. તેઓ ભગવાનના પગે પડયાં અને કરગયા, ‘હે ભગવાન! મારા પતિ વતી હું માફી માગું છું, તેમને બાંધશો નહીં.‘  

એ પછી રાણીએ પતિને કહ્યુંઃ ભગવાનના જમણા ચરણમાં વંદન કરો. હું તેમના ડાબા ચરણમાં વંદન કરું છું. તે પછી ભગવાનને કહો કે તમારું એક ડગલું બાકી છે તેથી તમારો પગ મારા માથામાં મૂકો. એમ કહો કે હવે આટલું જ મારી પાસે છે.‘  

બલિરાજાએ ભગવાનની માફી માંગી રાણીએ કહ્યું હતું તેમ ભગવાનને કહ્યું.  

ભગવાન વામનજીએ બલિરાજાના માથા પર પગ મૂક્યો. વામનજી ભગવાને કહ્યું, ‘હે રાજન, સ્વર્ગનું રાજ મેં દેવોને આપ્યું છે. પાતાળનું રાજ હું તમને આપું છું. તમે મને તમારું સર્વસ્વ આપ્યું છે. બીજું શું જોઈએ? માંગો?’  

બલિરાજા બોલ્યાઃ ભગવાન! આપે મારા મહેલના દ્વારપાળ બનવું પડશે?’  

ભગવાને હા પાડી.  

બલિરાજા પાતાળમાં રહેવા ગયા. ભગવાન પાતાળમાં આવેલા તેમના મહેલ પર દ્વારપાળ બની પહેરો ભરવા લાગ્યા. બલિરાજા હવે દરેક દ્વારમાં ભગવાન ચતુર્ભુજનાં દર્શન કરવા લાગ્યા.આમ કરવા પાછળ બલિરાજાનો એ જ શુભ હેતુ હતો કે ભગવાન નારાયણ તેમનાથી દૂર જાય જ નહીં. આપેલા વચનને કારણે ભગવાન બલિરાજાના મહેલમાં જ દ્વારપાળ બની ત્યાં જ રહ્યાં.  

આ તરફ વૈકુંઠમાં લક્ષ્મીજી એકલાં પડયાં. ઘણા દિવસથી નારાયણને જોયા નહીં એટલે તેમણે નારદજીને પૂછયુંઃ મારા પતિદેવ ક્યાં છે?’  

નારદજીએ કહ્યું કે તમારા પતિદેવ તો બલિરાજાને ત્યાં પહેરો ભરે છે. બલિરાજા રજા આપે તો જ તેઓ પાછા ફરશે.  

માતા મહાલક્ષ્મીએ લીલા કરી. તેમને ભગવાન વગર જરાયે ગમતું નહોતું.  

તેમણે બ્રાહ્મણ પત્નીનો વેષ ધારણ કર્યો અને તેઓ બલિરાજાના દરબારમાં ગયાં. બલિરાજા લક્ષ્મીજીને ઓળખી શક્યા નહીં. તેમણે વિનયથી પૂછયુંઃ તમે કોણ છો?’  

લક્ષ્મીજીએ બ્રાહ્મણ મહિલાના વેષમાં કહ્યુંઃ હું બ્રાહ્મણની પત્ની છું. મારે માતા-પિતા નથી. ભાઈ નથી. પિયરમાં જવાની ઈચ્છા થાય છે. ક્યાં જાઉં? મેં સાંભળ્યું છે કે બલિરાજાને બહેન નથી. હું તમારી ધર્મની બહેન બનવા આવી છું. તમે મારા ધર્મના ભાઈ થાવ.‘  

બલિરાજા તરત જ બોલ્યાઃ આજથી તમે મારાં મોટાં બહેન અને હું તમારા ધર્મનો ભાઈ. મારા ઘરને જ તમારું પિયર સમજો. તમારા ઈચ્છા હોય ત્યાં સુધી અહીં રહો.‘  

લક્ષ્મીજી બલિરાજાનાં બહેન બની બલિરાજાના મહેલમાં રહેવા લાગ્યાં. લક્ષ્મીજીના આવવાથી આખું નગર સુખી થઈ ગયું. કોઈ રોગી કે ગરીબ ન રહ્યું. બલિરાજાને થયું કે મારા મહેલમાં બહેનના આવવાથી બધા સુખી થયા પરંતુ મારાં બહેનના ચહેરા પર આનંદ નથી.  

હવે શ્રાવણની ર્પૂિણમા આવી. લક્ષ્મીજીએ બલિરાજાને કહ્યુંઃ ભાઈ, આજે રક્ષાબંધન છે. હું તમને રાખડી બાંધીશ.‘  

બલિરાજાએ ખુશ થઈને રાખડી બંધાવી તે પછી તેઓ બોલ્યાઃ બહેન, તમે અહીં આવ્યાં તે પછી મારું આખું નગર સુખી થયું છે પણ તમારા ચહેરા પર આનંદ નથી. તમને જે ખૂટતું હોય તે મને કહો. માંગો તે હું આપીશ.‘  

લક્ષ્મીજીએ કહ્યુંઃ મારા ઘરમાં બધું છે પણ એક નથી.‘  

શું?’                   

ભાઈ, તમારા મહેલના દ્વારે જે પહેરો ભરે છે તેમને હવે કાયમી રજા આપો.‘  

બલિરાજાએ પૂછયુંઃ બહેન, મારા દ્વારે જે પહેરો ભરે છે તે તમારાં કોઈ સગાં થાય છે? ચાલો, ઠીક છે. મેં તમને વચન આપ્યું છે. તેમને હું મુક્ત કરું છું.‘  

અને તરત જ સાક્ષાત્ ભગવાન વિષ્ણુદેવ પ્રગટ થયા. બલિરાજા પણ ભગવાન વિષ્ણુનું ચતુર્ભુજ સ્વરૃપ જોઈ ખુશ થયા. હવે લક્ષ્મીજીએ પોતાનું અસલ સ્વરૃપ પ્રગટ કર્યું. ભગવાનની પૂજા કરી અને પતિદેવને બલિરાજાના બંધનમાંથી મુક્ત કરાવી વૈકુંઠધામમાં લઈ ગયાં.  

આવી છે એક રાખડીની પૌરાણિક પવિત્ર કથા.  

એકમાત્ર શ્રેષ્ઠ ભારતીય હિન્દુ પ્રણાલિકામાં જ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઊજવાય છે. આ તહેવારનું આધ્યાત્મિક અને ર્ધાિમક માહાત્મ્ય જાણવા જેવું છે.  

એક વાર દૈત્યો અને અસુરોમાં યુદ્ધ થયું. આ યુદ્ધ સતત ૧૪ વર્ષ સુધી ચાલતું રહ્યું. અસુરોએ દેવતાઓને પરાજિત કરી દીધા. દેવોના પ્રતિનિધિ ઈન્દ્રને પરાજિત કરી દીધા. આ પરિસ્થિતિમાં દેવતાઓ સહિત ઈન્દ્ર અમરાવતી ચાલ્યા ગયા. બીજી બાજુ વિજેતા દૈત્યરાજે ત્રણેય લોકને પોતાના વશમાં કરી લીધા. એમણે ઘોષિત કરી દીધું કે ઈન્દ્ર દેવ સભામાં ન આવે અને દેવતા તથા મનુષ્ય યજ્ઞાકર્મ ન કરે. બધા જ મારી પૂજા કરે.  

દૈત્યરાજની આ આજ્ઞાાથી યજ્ઞા-વેદ, પઠન-પાઠન તથા ર્ધાિમક ઉત્સવ બંધ થઈ ગયા. ધર્મના નાશથી દેવતાઓનું બળ ઘટવા લાગ્યું. આ જોઈને ઈન્દ્ર તેમના ગુરુ બૃહસ્પતિની પાસે ગયા. એમનાં ચરણોમાં પ્રણામ કરીને કહેવા લાગ્યાઃ ગુરુવર, આ પરિસ્થિતિમાં તો મારે હવે પ્રાણ ત્યજી દેવા જોઈએ. ના તો હું યુદ્ધભૂમિમાં ટકી શકું છે કે ના તો હું ભાગી શકું છું. કોઈ ઉપાય બતાવો?’  

બૃહસ્પતિએ ઈન્દ્રની વેદના સાંભળીને એમની રક્ષા માટે રક્ષાવિધાન કરવાનું કહ્યું. ગુરુએ બતાવેલા માર્ગ અનુસાર શ્રાવણની ર્પૂિણમાના પ્રાતઃકાળે નીચેના મંત્રથી ગુરુએ દર્શાવેલ વિધાન સંપન્ન કરવામાં આવ્યો  

યેન બદ્ધો બલિર્રાજાા દાનવેન્દ્રો મહાબલઃ।

તેન ત્વામભિવઘ્રામિ રક્ષે મા ચલ મા ચલઃ ।

ઈન્દ્રાણીએ શ્રાવણની ર્પૂિણમાના પાવન અવસર પર બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિવચન કરાવીને રક્ષાનો દોરો લીધો અને ઈન્દ્રના જમણા હાથના કાંડા પર બાંધીને પતિદેવ ઈન્દ્રને યુદ્ધભૂમિમાં લડવા માટે મોકલી દીધા. રક્ષાબંધનના પ્રભાવથી દૈત્યો યુદ્ધભૂમિમાંથી ભાગી છૂટયા અને ઈન્દ્રનો વિજય થયો. ભારતવર્ષમાં રાખડી બાંધવાની પવિત્ર પ્રણાલિકાનો આરંભ અહીંથી શરૃ થયો તેમ ભારતીય પુરાણો કહે છે.  

ભારતના ભવ્ય આધ્યાત્મિક ગ્રંથ મહાભારતમાં આવી જ એક બીજી પૌરાણિક કથા ઉપલબ્ધ છે. એક વાર ભગવાન શ્રીકૃષ્ણ શેરડી છોલી રહ્યાં હતા અને અચાનક તેમની આંગળીને ઈજા થઈ ગઈ. આંગળીમાંથી લોહી વહેવા લાગ્યું. આ જોઈને રાણી રુક્મિણી અને સત્યભામાએ દાસીને કપડાનો ટુકડો લઈ આવવા દોડાવ્યા પરંતુ ત્યાં ઊભેલા પાંડવોનાં રાણી દ્રૌપદીએ પોતાની સાડીનો પાલવ ફાડીને વસ્ત્રના એ ટુકડાથી ભગવાન શ્રીકૃષ્ણની આંગળીએ બાંધી દીધો. પરિણામે શ્રીકૃષ્ણની આંગળીમાંથી વહેતું લોહી તરત જ બંધ થઈ ગયુ! એ દિવસે ભગવાન શ્રીકૃષ્ણે દ્રૌપદીને તેની તમામ મુશ્કેલીઓ વખતે મદદ કરવા વચન આપ્યું!  

આ ઘટનાના ઘણા સમય બાદ પાંડવો કપટી કૌરવો સામે દ્યુતમાં દ્રૌપદીને હારી ગયા અને દુઃશાસન રાણી દ્રૌપદીને ભરસભામાં ખેંચી લાવી તેમનાં ચીર ખેંચવા લાગ્યો. એ વખતે ભગવાન શ્રીકૃષ્ણે દ્રૌપદીના ઉપકારને યાદ કરીને દ્રૌપદીનાં ચીર પૂરી દ્રૌપદીની લાજ બચાવી. આ પ્રસંગ પણ રક્ષા બંધનના માહાત્મ્યનું પ્રતિપાદન કરે છે.  

આવી જ બીજી એક પૌરાણિક કથા યમુનાજી અને તેમના ભાઈ યમરાજની છે. તેમના ભાઈ યમે બાર વર્ષ સુધી તેમને મળવા આવ્યા ન હોઈ નારાજગી અને દુઃખ વ્યક્ત કર્યાં. યમુનાજીએ તેમનું આ દુઃખ ગંગાજી સમક્ષ વ્યક્ત કર્યું. ગંગાજીએ યમુનાજીની આ વ્યથાની વાત યમરાજાને કરી. એ પછી યમરાજા તેમનાં બહેન યમુનાજીને મળવા ગયા. બહેને તેમના ભાઈના સ્વાગત માટે ખૂબ તૈયારીઓ કરી રાખી હતી. ભાઈના આવતાં જ યમુનાજીએ યમરાજના હાથના કાંડા પર રાખડી બાંધી. બહેનના આ પવિત્ર અને લાગણીભર્યા પ્રેમથી રાજી થઈ ગયેલા યમરાજાએ તેમનાં બહેનને કાયમ માટે ઈર્મોટાલિટી-અમરત્વના આશીર્વાદ આપ્યા.  

ટૂંકમાં, રક્ષાબંધનનો તહેવાર અનેક પૌરાણિક કથાઓ ધરાવે છે પરંતુ આજના યુગમાં આ પર્વ ભાઈ-બહેન વચ્ચેના પવિત્ર અને લાગણીભર્યા સ્નેહનું પર્વ બની ગયું છે જ્યારે એક બહેન ભાઈના ઘેર જઈ એના જમણા હાથે દોરો બાંધી ભાઈની રક્ષા માટે ભગવાનને વિનંતિ કરે છે. આવી ભવ્ય અને ભાવનાત્મક પ્રણાલિકા વિશ્વના એક પણ દેશમાં નથી.  

આજના રક્ષાબંધનના પવિત્ર પર્વની સહુ કોઈને શુભકામના.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો