આજની યુવાન સ્ત્રીઓના જીવનમાં 'સ્ટ્રેસ' બહુરૂપા બનીને પ્રવેશે છે - Sandesh
NIFTY 10,799.85 -17.85  |  SENSEX 35,548.26 +-73.88  |  USD 67.9850 -0.03
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Supplements
 • Nari
 • આજની યુવાન સ્ત્રીઓના જીવનમાં ‘સ્ટ્રેસ’ બહુરૂપા બનીને પ્રવેશે છે

આજની યુવાન સ્ત્રીઓના જીવનમાં ‘સ્ટ્રેસ’ બહુરૂપા બનીને પ્રવેશે છે

 | 3:40 am IST

કવર સ્ટોરી :- અમિતા મહેતા

સ્ટ્રેસ, ડિપ્રેશન અને લોન્લીનેસ એ આજની જનરેશનની મહાત્વાકાંક્ષા  અને લાઈફ-સ્ટાઈલને કારણે ઉદ્ભવેલી સમસ્યાઓ છે. શિક્ષિત, આત્મનિર્ભર સ્ત્રી એક બાજુ પોતાની ક્ષમતા સાબિત કરવા માટે ઝઝૂમે છે તો બીજી બાજુ પારિવારિક જવાબદારી, સંબંધોની જાળવણી અને સંસ્કાર-મૂલ્યો-મર્યાદાને સાચવવા માટે લડે છે. એને સુપરવુમન બની બધું જ મેળવવું છે, પરંતુ જિંદગીના બે પલ્લાં હંમેશાં સરખા નથી રહેતા. ક્યાંક કશું છૂટે છે તો ક્યાંક અચાનક મળી જાય છે પણ મન રાજી નથી થતું અને આનંદ-ખુશી અદ્રશ્ય થાય છે. તનાવ ચોર પગલે પ્રવેશી સહજતા, છીનવી સ્વભાવના બદલી, જીવનને કોમ્પ્લિકેટેડ બનાવે છે તો ચાલો જોઈએ આજની સ્ત્રીઓનાં સ્ટ્રેસનાં અલગ-અલગ રૂપ…

૩૦ વર્ષની મિલી એક કોલ સેન્ટર પર કામ કરે છે. ઊંચું પદ, તગડો પગાર અને ગાડી જેવી અનેક સુખ-સુવિધાઓ કંપનીએ એને આપી છે. એના બદલામાં વીસ કલાક કામ કરવું પડે છે. પાંચ વર્ષ પહેલાં નોકરી મળી ત્યારે મિલી બેહદ ખુશ હતી. મહેનત અને લગનથી એ આગળ વધી પરંતુ વધારે કામ, સમયની અનિશ્ચિતતા અને દિવસે-દિવસે ઓછો થતો ફેમિલી અને ખુદ માટેનો સમય. મહત્ત્વાકાંક્ષા અને ગીલ્ટ, કામ અને પરિવાર, પ્રેશર તથા હેલ્થ આ બધા વચ્ચે અટવાતી એ ક્યારે સ્મોકિંગના રવાડે ચડી ગઈ એની મિલીને ખબર જ ન પડી….એક દિવસ મિલીની પાંચ વર્ષની દીકરીએ મિલીના પર્સમાંથી સિગારેટ લઈને પીવાની એકિટંગ કરી ત્યારે મિલીને અચાનક ભાન થયું કે આટલા તનાવમાં એ બાળકોને સગવડ તો આપી શકશે. પરંતુ સંસ્કાર અને સમય ન આપી શકે. કાઉન્સેલિંગની મદદથી એને સ્મોકિંગ છોડયું અને વર્ક એટ હોમની શરત મૂકી ઘરેથી કામ કરવાનું શરૂ કર્યું. એના સ્ટ્રેસમાં ખાસ ફરક નથી પડયો, પરંતુ બાળકો પર એની નજર રહે છે અને થોડી દોડાદોડી ઓછી થઈ છે.

૩૨ વર્ષની રીનાને માથે પણ ઘર અને ઓફિસ બંનેની જવાબદારી છે. સારી, લાઈફ સ્ટાઈલ માટે કમાવું જરૂરી છે. રીનાનો પગાર તો હપ્તા ભરવામાં જ જાય છે તેથી મહેનત કરવી જ પડે છે. પણ બાળકોનાં સ્કૂલ-ટયુશન, મેડની મગજમારી, ટ્રાફિક, ઓફિસ પોલિટિક્સ અને હસબન્ડની અપેક્ષાઓ મેનેજ કરવામાં દર પંદર દિવસે ઓફિસના કામમાં લોચો મારે છે તેથી સ્ટ્રેસ ઓર વધે છે. નિરાશા, ગુસ્સો અને ચીડિયાપણાને કારણે એ ૩૨ વર્ષે ૪૦ની લાગે છે. એક દિવસ ઓફિસમાં ચક્કર આવતાં પડી ગઈ. ડોકટરે કહ્યું કે વધારે પડતા સ્ટ્રેસને કારણે હોર્મોન્સમાં ગરબડ થવાથી ચક્કર આવે છે. હવે તે યોગા અને મેડિટેશન દ્વારા ખુદને મેનેજ કરવા મથી રહી છે.

આમ જુઓ તો માત્ર સ્ત્રીઓ જ નહીં. આજનાં બદલાતા પરિવેશમાં દરેક વ્યક્તિ પરેશાન છે. બાળકોને હોમવર્ક પૂરું ન થવાની, સારા માર્ક ન મળે તો પેરેન્ટ્સના ગુસ્સાની, બીજા બાળકોથી પાછળ રહી જવાની સ્ટ્રેસ છે. યુવાનોમાં શિક્ષણની, પ્રેમ-ભંગની પોતાના દેખાવની, એડમિશનની અને નોકરીની સ્ટ્રેસ છે. પુરુષને માથે તો પહેલેથી જ જવાબદારીને કારણે સ્ટ્રેસ હોય છે. એમાં થોડો વધારો થયો છે, પરંતુ સહુને સ્ટ્રેસ ફ્રી રાખવામાં જેની મહત્ત્વની ભૂમિકા હતી તે સ્ત્રી પણ આજે ભયંકર સ્ટ્રેસમાં જીવે છે.

સ્ત્રીના સ્ટ્રેસનું એક કારણ આપણે જોયું એમ કામ અને ઘરની બેવડી જવાબદારી છે. બીજું કારણ છે સ્પર્ધા, સરખામણી અને ઈર્ષ્યા. આ મામલે સ્ત્રીઓ પુરુષો કરતાં ઘણી આગળ છે એમાં બેમત નથી. પોતાનાં બાળકની ક્ષમતા અને મર્યાદા જાણ્યા વિના ફર્સ્ટ નંબરની અપેક્ષા રાખે છે અને પછી ખુદ તો દુઃખી થાય છે પણ સાથે બાળકને પણ દુઃખી કરે છે. એની પાસે જ છે એમાં ખુશ થવાને બદલે દેરાણી-જેઠાણી-નણંદ અને આજુબાજુનાં લોકોનું જોઈને ઈર્ષ્યા અનુભવે છે. તેરી સાડી મેરી સાડીએ સફેદ કહ્યું ? આ વાતની ઈર્ષ્યા સ્ત્રીને સતત સ્ટ્રેસમાં રાખે છે. પહેલાં સ્ત્રીઓ માત્ર આર્થિક-સામાજિક અસલામતીથી પીડાતી. હવે ઈમોશનલ ઈનસિકયુરિટીથી વધારે પીડાય છે. જેમનાં પતિની યુવાન પી.એ. કે સેક્રેટરી છે, કે જેઓ વારંવાર બિઝનેસ ટૂર પર જાય છે, અથવા તો જેમનાં લોંગ ડિસ્ટન્સ મેરેજ છે તેઓને પતિનાં અફેરનો કે ડિવોર્સનો સતત ડર લાગે છે. પતિ મોડા આવે કે ફોનમાં કોઈની સાથે વાત કરે તો એ સ્ટ્રેસમાં આવે છે. વળી, આજકાલ હસબન્ડ ઓનલાઈન ડેટ કરે છે એવી શંકાથી પણ સ્ત્રીઓ સતત સ્ટ્રેસમાં રહે છે.

એક સમય એવો હતો કે ૩૫-૪૦ વર્ષે સ્ત્રીની ચરબી વધે, આંખે કાળા કુંડાળા થાય તો એ સ્વભાવિક ગણાતું. પણ હવે બે કિલો વજન વધે એટલે સ્ત્રીઓ જાણે કોઈ મોટો રોગ થયો હોય એટલી ટેન્શનમાં આવી જાય છે. ૩૩ વર્ષની અદિતિનું જ ઉદાહરણ લો. બે બાળકનાં જન્મ બાદ થાઈરોઈડને કારણે એનું વજન વધી ગયું ભાગ-દોડ વચ્ચે જિમ જાય છે છતાં વજન ઘટતું નથી. ડાયેટિંગ કરવાથી અશક્તિ આવી ગઈ. ચાર-પાંચ વાર બીમાર પડી. તેથી ઘર અને ઓફિસનું કામ ડિસ્ટર્બ થયું એટલે વધારાનો સ્ટ્રેસ અચાનક છ મહિનામાં એ છ વર્ષ મોટી લાગવા માંડી. અત્યારે જેવી એ દેખાય છે એના કરતાં એ થોડી જાડી હતી તોય સારી લાગતી હતી. પણ પાતળા દેખાવાનું પીઅર પ્રેશર અને સ્ટ્રેસ તરફ દોરી ગયું.

તનાવગ્રસ્ત સ્ત્રીઓ પુરુષોની સરખામણીએ નશાખોરી તરફ નથી વળતી. આત્મહત્યા પ્રતિ ક્યારેક દોરાય ખરી, પરંતુ સ્ટ્રેસની સૌથી વધુ અસર સ્ત્રીઓનાં શરીર પર પડે છે સ્ત્રીઓ ઝડપથી અનિદ્રાનો ભોગ બને છે. સ્ટ્રેસને કારણે નર્વસ સિસ્ટમ ખોરવાય છે બ્લડપ્રેશર વધે છે. પાચનતંત્ર પર અસર થતાં અલ્સર ડાયરિયા અને ઈરિટેબલ બાઉલ સિન્ડ્રોમ જન્મે છે. અસ્થમા પણ થઈ શકે. ઈમ્યૂન સિસ્ટમમાં પણ ગરબડ ઊભી થાય છે. તનાવને કારણે વારંવાર ગુસ્સો આવે છે નાની-વાત મોટી લાગે છે. નાના-મોટાનું ભાન નથી રહેતું. તનાવ જ્યારે હદથી વધારે હોય ત્યારે સ્ત્રી હિંસક પણ બની શકે. બાળકો પર હાથ ઉપાડવો, વસ્તુઓની તોડ-ફોડ કરવી કે વાત સાંભળ્યા વગર વિરોધ કરવાનું સામાન્ય બને છે. સ્ટ્રેસમાં રહેતી સ્ત્રી બધાથી દૂર ભાગે છે. બાળકો સાથે સમય પસાર કરવો પણ એને ગમતો નથી. એટલું જ નહીં સતત નકારાત્મક વિચારો દ્વારા વધારે દુઃખી થાય છે.

તનાવનાં ઉપાય  

 • અગર સ્ત્રી ગરીબી કે આર્થિક કારણસર તનાવમાં છે તો એનો શોર્ટ ટાઈમમાં કોઈ ઉકેલ નથી. જે સ્થિતિ છે એમાં બજેટ બનાવી કરકસરથી જીવવું પડે. આવકનાં યોગ્ય રસ્તા વિચારવા પડે. સ્ટ્રેસથી વિચારવાનાં દરવાજા બંધ થશે તો ઉકેલ મળવો મુશ્કેલ થશે.
 • સ્ત્રીઓ અગર અંગત સંબંધોને કારણે તનાવમાં છે તો થોડી ધીરજ અને કળથી કામ લેવું પડે. પતિની સમસ્યા શું છે તે જાણી ભાવનાત્મક સ્તરે એનો ઉકેલ લાવવો જોઈએ. સંવાદ અને વિશ્વાસ એ બે શ્રેષ્ઠ ઉપાય છે અને આજનાં સમયમાં નાની-નાની ભૂલોને ભૂલીને આગળ વધવું પડે. ગુસ્સાની સામે ગુસ્સો, નફરતની સામે નફરત અને બેવફાઈની સામે બેવફાઈ એ સ્ટ્રેસદૂર કરવાનો ઉપાય નથી. મગજ ગુમાવ્યા વગર શાંતચિત્તે સમસ્યાની જડ સુધી પહોંચી એનો ઉકેલ શોધવો જોઈએ.
 • સાસુ-સસરાં કે બાળકોની સમસ્યાઓને પહોંચી વળવી મુશ્કેલ નથી. એ માટે પતિ-સ્વજનો કે મિત્રોની સલાહ લઈ શકો. સામો જવાબ ન આપવાથી અમુક ઘટનાઓ ઈગ્નોર કરવાથી કે થોડી અપેક્ષાઓ ઓછી રાખવાથી સ્ટ્રેસમાં ઘટાડો કરી શકાય. જે થશે એ સારા માટે એવો આશાવાદ ઘણાં પ્રશ્નોના ઉકેલ માટે મગજને શાંત કરશે. દરેક બાબતે સંવેદનશીલ બનવાને બદલે પ્રેક્ટિકલ બની વિચારો. અને દુનિયામાં બધી બાબતો આપણે આપણાં પ્રમાણે બદલી શક્તા નથી. તેથી થોડા ફ્લેકસીબલ બનો. દરેક વખતે હૃદયથી વિચારવાને બદલે બુદ્ધિથી વિચારો. જે સ્થિતિમાં ફેર ન જ પડવાનો હોય એ વિશે વિચારવાનું ટાળો. જેમ કે ભણવામાં રસ જ ન હોય એ બાળક માટે મેરીટની અપેક્ષા ન રાખો. એ પાસ થાય એટલું જ પૂરતું છે. એ જ રીતે કચકચ કરતી સાસુ વખાણ કરશે એવા દિવાસ્વપ્ન જોવાનું બંધ કરાય તો દુઃખી થવાના અડધા દરવાજા આપોઆપ બંધ થઈ જાય.
 • શારીરિક-માનસિક શોષણ થતું હોય તો અંદરને અંદર પીડાવાને બદલે પ્રતિકાર કરતાં શીખો. જો ડર ગયા વો મર ગયા…એક વખત ડરશો તો તમને આખી જિંદગી ડરાવશે. એટલે ડર કાઢો અને થોડા બોલ્ડ બનો.
 • યોગ, ધ્યાન, મેડિટેશન અને મ્યુઝિકને તમારા રૂટિનમાં સામેલ કરો.
 • રડવાની ઈચ્છા થાય તો રડી લો એનાથી મન હળવું થશે.
 • મન ઉદાસ હોય તો એકલા રહેવાને બદલે લોકોની વચ્ચે જાઓ, ગોસિપ કરો કે ગાર્ડનમાં જાઓ. ટૂંકમાં ૮૦ ટકા સ્ટ્રેસ તમે જાતે જ હળવો કરી શકો.

[email protected]