Today's day is crucial for the future of Jet, 1100 pilots no longer fly
  • Home
  • Business
  • આજનો દિવસ જેટનાં ભાવિ માટે નિર્ણાયક, 1100 પાઈલટ્સ હવે વિમાન નહીં ઉડાડે

આજનો દિવસ જેટનાં ભાવિ માટે નિર્ણાયક, 1100 પાઈલટ્સ હવે વિમાન નહીં ઉડાડે

 | 7:00 am IST

સોમવારનો દિવસ જેટ એરવેઝના ભાવિ માટે નિર્ણાયક પુરવાર થવાનો છે. એક તરફ કંપનીનાં સંચાલકો, PMOનાં અધિકારીઓ અને બેન્કોનાં વડાઓની બેઠક કંપનીમાં તાકીદે નવી મૂડી ઠાલવવા નિર્ણય લેવાવાનો છે ત્યારે  બીજી તરફ નેશનલ એવિએટર્સ ગિલ્ડનાં જણાવ્યા મુજબ જેટનાં ૧૧૦૦ પાઈલટ્સ સોમવાર સવારે ૧૦ કલાકથી કોઈ વિમાન ઉડાડશે નહીં તેઓ હડતાલ પર ઊતરી જશે.

પાઈલટ્સ અને સ્ટાફને ડિસેમ્બરથી પગાર નહીં મળવાથી તેમણે કંપનીની ઓફિસ બહાર દેખાવા પણ કર્યા હતા. પાઈલટ્સનું એસોસિયેશન સોમવારે તેમનો ભાવિ વ્યૂહ ઘડશે. શનિવારે કંપનીના ૬ વિમાનોએ જ ઉડાન ભરી હતી.

કર્મચારીઓની કફોડી સ્થિતિ

જેટ એરવેઝનાં પાયલટ્સ અને અન્ય સ્ટાફને કંપનીએ ડિસેમ્બરથી પગાર ચૂકવ્યો નથી. જેટનાં પાઈલટ્સ અને એન્જિનિયર્સ હવે ૩૦થી ૫૦ ટકા ઓછા પગારે સ્પાઈસજેટની નોકરી સ્વીકારવા મજબૂર બન્યા છે. જેટના પાઈલટ્સને ૨૫થી ૩૦ ટકા જ્યારે એન્જિનિયર્સને ૫૦ ટકા ઓછા પગારે નોકરીની ઓફર કરાઈ રહી છે. જેટમાં રૂ. ૨.૯૦ લાખનો પગાર મેળવતા કો- પાઈલટ્સ આજે રૂ. ૨ લાખમાં નોકરી કરવા તૈયાર થયા છે.

રૂ. ૧,૦૦૦ કરોડની મૂડી ઠલવાશે 

PMOની દરમિયાનગીરી પછી બેન્કોની સિન્ડિકેટે સંચાલકો પાસે નવેસરથી ઓપરેશનલ પ્લાન મંગાવ્યો છે. અધિકારીઓ અને નાગરિક ઉડ્ડયન સચિવ ખરોલાની બેઠક પછી જેટમાં રૂ. ૧૦૦૦ કરોડની તાકીદની મૂડી ઠાલવવા વિચારાયું છે. ઈમરર્જન્સી ફંડમાંથી મોટી રકમનો ઉપયોગ કર્મચારીઓનો પગાર કરવા માટે, ઓઈલ કંપનીઓને જેટ ફ્યૂઅલનાં પૈસા આપવા માટે તેમજ કેટલાક વિમાનો ફરી લીઝ પર મેળવવા લીઝનું ભાડું ચૂકવવા માટે કરાશે તેવી ગણતરી છે.

બિડ પ્રોસેસ ૭મી મે સુધીમાં પૂરી કરાશે

જેટનાં શેર વેચવા માટે મંગાવવામાં આવેલા બીડમાં ૭ લોકોએ રસ દર્શાવ્યો છે. બિડને ઓપન કરીને તેની ફાઈનલ પસંદગી કરવાની પ્રોસેસ ૭મી મે સુધીમાં પૂરી થાય તેવી શક્યતા છે.

જેટ દ્વારા કેટલાક ઈન્ટરનેશનલ રૂટ પર એડવાન્સ બુકિંગ બંધ કરાયું

જેટ દ્વારા સોમવાર સુધી તેના તમામ ઈન્ટરનેશનલ રૂટ પરની ફ્લાઈટ્સ રદ કરાઈ છે. તેણે હાલ કોલંબો, કાઠમાંડુ, સિંગાપુર અને હોંગકોંગનાં રૂટ પર એડવાન્સ બુકિંગ બંધ કર્યું છે. આમાં સાર્ક અને આશિયાન દેશોનો સમાવેશ થાય છે. જો કે સોમવાર પછી એરલાઈન્સ દ્વારા લંડન, યુરોપનાં કેટલાક દેશો જેવો કે એમસ્ટરડમ અને પેરિસનાં રૂટ પણ શરૂ કરાય તેવી શક્યતા હવે નહિવત છે.

૨૧ વર્ષમાં ૧૨ એરલાઈન્સો હવામાં ઓગળી ગઈ

માત્ર જેટ એરવેઝ જ નહીં, છેલ્લા ૨૧ વર્ષમાં દેશની ૧૨ એરલાઈન્સો હવામાં ઓગળી ગઈ છે જેમાં સૌથી મોટો ફટકો કીંગફિશરને પડયો છે. કિંગફિશરનાં માલિક વિજય માલ્યાએ દેશની બેન્કો પાસેથી રૂ. ૯,૦૦૦ કરોડની લોન લઈને એકપણ રકમ પાછી ચૂકવી ન હતી. તેઓ ભારત છોડીને લંડન ભાગી ગયા હતા.

ભારત સરકારે તેમને ભાગેડું જાહેર કરીને લંડનથી દેશમાં પાછા લાવવા કેસ કર્યો હતો જેમાં ભારતની જીત થઈ છે અને થોડા મહિનાઓમાં તેમનું ભારતમાં પ્રત્યર્પણ થઈ જાય તેવી શકયતા છે. દેશમાં જે એરલાઈન્સ બંધ પડી તેમાં વાયુદૂત, સહારા એરલાઈન્સ, ઈસ્ટ વેસ્ટ એરલાઈન્સ, NEP, દમણિયા એરવેઝ, મોદીલુફ્ત, અર્ચના એરવેઝ, એરડેક્કન, MDLR, એર પેગાસસ, કિંગફિશર અને પેરેમાઉન્ટનો સમાવેશ થાય છે. જે એરલાઈન્સ ચાલુ છે તેમાં એર ઈન્ડિયા, વિસ્તારા, એરએશિયા ઈન્ડિયા, ઈન્ડિગો, ગોએર અને સ્પાઈસ જેટનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન