આજની 'સેવા' એટલે સ્વાર્થના ચહેરા પર પરમાર્થનો માસ્ક! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • આજની ‘સેવા’ એટલે સ્વાર્થના ચહેરા પર પરમાર્થનો માસ્ક!

આજની ‘સેવા’ એટલે સ્વાર્થના ચહેરા પર પરમાર્થનો માસ્ક!

 | 1:48 am IST
  • Share

રિવરફ્રન્ટની પાળેથી :- હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

હિંદી વ્યંગ સમ્રાટ શરદ જોશીની એક વ્યંગ કથા યાદ આવે છે :

એક સાચા સમાજસેવકને પોતાના ત્રણેય સુપુત્રોની સતત ચિંતા રહેતી હોય છે. સાચી સમાજસેવા એને કહેવાય, જેની ચિંતા ‘ચેરિટી બિગિન્સ એટ હોમ’ સિદ્ધાંતમાં માનતી હોય. આ સમાજસેવકના ત્રણેય સુપુત્રો ખરાબ બાબતો પ્રત્યે વધારે પડતી રુચિ અને રસ રાખતા’તા, એટલે સ્વાભાવિક છે કે એને પોતાના ‘સમાજ’ની ચિંતા હોય!

એક દિવસ આ સમાજસેવકે પેલા ત્રણેય સુપુત્રોને પોતાની પાસે બોલાવીને કહ્યું, ”તમે લોકો ત્રણ વાંદરાનાં આ રમકડાં પાસેથી કંઈક તો શીખો.” ત્રણેય વિચાર્યું કે પપ્પાની વાતમાં દમ છે. આ ત્રણેય વાંદરા છેવટે તો આપણા પૂર્વજો જ ને! પિતાએ સમજાવ્યા પ્રમાણે ત્રણેય સુપુત્રોએ શરૂ થઈ ગયેલા આ નવા વર્ષમાં ભીષ્મ સંકલ્પ લીધો કે રખડતાં પશુ-પ્રાણીઓનાં મોતે મરીશું, પણ સુધરી ગયાની ઇમેજ લીધા વિના આ ફાર્મ હાઉસમાં પાછા નહીં ફરીએ.

મોટા દીકરાએ ‘ખરાબ નહીં જોવા’નો સંકલ્પ લીધો. વચલા દીકરાએ ‘ખરાબ નહીં સાંભળવા’નો સંકલ્પ લીધો અને નાના દીકરાએ ‘ખરાબ નહીં બોલવાનો’ સંકલ્પ લીધો.   ત્રણેય જણાએ પોતાના સમાજસેવક પિતા પાસે જઈને પોતપોતાનાં સંકલ્પોની જાણ કરતાં કહ્યું કે અમે આપના કહ્યાનુસાર આ ત્રણેય વાંદરા જેવું સંકલ્પબદ્ધ જીવન જીવવાનું શીખી લીધા પછી જ આપણા આ હાઉસમાં પગ મૂકીશું. આટલું કહીને ત્રણેય સુપુત્રોએ મહાભિનિષ્ક્રમણ કરી દીધું.

દિવસો વીતતા ગયા. આ બાજુ સમાજસેવી પિતાને અફસોસ થવા માંડયો કે મારે એટલા બધા આકરા થઈ જવાની જરૂર નહોતી, કે જેને કારણે આજે મારે છતે દીકરે ત્રણેય દીકરાઓના વિયોગમાં જીવવાના દહાડા આવ્યા.  ગરીબી, બેકારી અને મોંઘવારીના અવિરત પ્રવાહની જેમ સમયનો પ્રવાહ પણ અવિરતપણે વહેતો હતો. દિવસોમાંથી મહિનાઓ અને મહિનાઓમાંથી વર્ષોમાં સમય રૂપાંતરિત થતો ગયો. માત્ર સમય જ નહોતો બદલાયો, સમાજસેવી પિતાનો સ્વભાવ પણ બદલાતો ગયો અને એમની વ્યાખ્યા પ્રમાણે એમનો ‘સમાજ’ પણ બદલાતો ગયો. હવે એ સાચા અર્થમાં ‘સમાજ’ કહેવાય એવા જનસમાજની સેવામાં લાગી ગયા’તા.

બીજી બાજુ પેલા ત્રણેય સુપુત્રો, પિતાના આદેશાનુસાર જીવન જીવવાના સંકલ્પને પોતપોતાના જીવનનો પર્યાય બનાવી, વરસો પછી પોતાના ઘરે પાછા ફર્યા. ત્રણેયનાં હાઇટ-બોડીમાં આભ-જમીનનો ફરક પડી ગયો’તો. ત્રણેય સુપુત્રો પોતાના પિતાને તો ઓળખી શકે, પણ પિતા આ ત્રણેયને ઓળખી શકે નહીં એટલું પરિવર્તન આવી ગયેલું. ત્રણેય સુપુત્રોને જોઈને પિતાની આંખો હર્ષનાં આંસુથી છલકાઈ ગઈ. પેલા ત્રણેય સુપુત્રો પણ વરસો પછી પિતાને મળ્યા એટલે અત્યંત ભાવવિભોર થઈ ગયા.

”બેટા”, પિતાએ ત્રણેય સુપુત્રોને એકસાથે બેસાડી વાત્સલ્યભાવે પૂછયું :

”ક્યાં હતા આટલાં વરસો સુધી? મારો તો એક-એક દહાડો…” પિતાનો ભીનો અવાજ સહેજ ઢીલો પડી ગયો. ત્રણેય પુત્રોએ પિતા પાસે જઈને પિતાની આંખો લૂછતાં કહ્યું : ”ડેડ, આપની ઇચ્છાનુસાર અમે અમારામાં પરિવર્તન કરી લીધું છે. હવે તો તમારે ખુશ થવા માટેના અચ્છે દિન આવી ગયા છે!”

મોટા દીકરાએ પિતાનાં ચરણોમાં માથું નમાવતાં કહ્યું : ”ડેડ, મેં સંકલ્પ લીધો છે કે હું ક્યારેય ખરાબ જોઈશ નહીં અને ખરાબ નહીં જોવાનો મેં આટલાં વરસોમાં સારો એવો અભ્યાસ કરી લીધો છે. જેનાં પરિણામે હવે હું સરકારી પ્રચારક બની ગયો છું. આંખોથી જોવાને બદલે હવે હું ફક્ત કાનથી સાંભળું છું અને પ્રવચનો કરતો રહું છું. મારા આ સંકલ્પને લીધે, આંખ આડા કાન કરવાની સારી ફાવટ આવી ગઈ છે.”

વચલા દીકરાએ બે હાથ જોડી નમ્રતાથી કહ્યું : ”ડેડ, હું નેતા બની ગયો છું, કેમ કે મેં પેલા વાંદરા પાસેથી સંકલ્પ લીધો છે કે જિંદગીમાં ક્યારેય હું કોઈનુંય સાંભળીશ નહીં. દેશમાં ફરતો રહું છું અને મારાં સૂત્રો અને પ્રાસાનુપ્રાસ શબ્દોનાં વાદળોમાંથી વચનોનો વરસાદ વરસાવતો રહું છું.”

ત્રીજા દીકરાએ પિતાની પીઠ પાછળ જઈ ગળે હાથ વિંટાળતાં કહ્યું : ”ડેડ, મેં પેલા ત્રણ વાંદરાનાં રમકડાંમાંથી એવી પ્રેરણા લીધી છે કે ક્યારેય, ક્યાંય, કોઈનાય વિશે એક હરફ પણ ઉચ્ચારીશ નહીં અને એ મુજબ હવે હું સરકારી વિભાગમાં એક મૂકસેવક અધિકારી તરીકે જોડાઈ ગયો છું. જે કોઈની ફરિયાદ હોય, કોઈની ટીકા-ટિપ્પણી હોય એ હું ખુલ્લા કાને સાંભળું છું, ક્યાંય નહીં જોવા જેવું બની રહ્યું હોય એ હું ખુલ્લી આંખે જોઉં છું, પણ મોઢું હંમેશાં બંધ રાખું છું.”   ત્રણેય સુપુત્રોએ, પોતપોતાની રીતે પેલાં ત્રણ વાંદરાનાં રમકડાંમાંથી પ્રેરણા લઈને પોતપોતાનો સંસાર પણ શરૂ કરી દીધો અને લીધેલા સંકલ્પો પ્રમાણે પોતપોતાના ક્ષેત્રમાં ફક્ત સંકલ્પબદ્ધ થઈને જ નહીં, સેવા પ્રત્યે પ્રતિબદ્ધ થઈને અત્યારે પોતપોતાની ‘પ્રજા’ની થાય એટલા ગજાની અને એટલાં ગજવાંની સેવા કરી રહ્યા છે.

કોઈએ સાચું જ કહ્યું છે કે – ‘એવું ક્યારેય વિચારવું નહીં કે સમાજે મને શું આપ્યું? હંમેશાં એવું વિચારો કે મેં સમાજને શું આપ્યું?’ આ વિધાનને ‘ધ્યાન’માં રાખી આજે મોટાભાગના રાજસેવકો, ધર્મસેવકો અને સમાજસેવકો અનુક્રમે રાજસેવા, ધર્મસેવા અને સમાજસેવા કરી રહ્યા છે. કેટલાક સંકલ્પબદ્ધ રાજસેવકો એવું વિચારીને સંતોષનો શ્વાસ ભરે છે કે મેં સમાજને માટે કેટકેટલો ત્યાગ કર્યો છે – પરિવારનો ત્યાગ કર્યો, લાગણીશીલતાનો ત્યાગ કર્યો, સંબંધો અને મૈત્રીનો ત્યાગ કર્યો. નૈતિકતા અને પ્રામાણિકતાનો ત્યાગ કર્યો. જરૂર પડી ત્યારે મારી અંગત મિલકત સમા ચારિત્ર્યનો ત્યાગ કર્યો… સમાજ માટે મેં શું શું નથી કર્યું?   કેટલાક અધર્મબદ્ધ એવા અબુધ ધર્મનેતાઓ એવુંય આશ્વાસન મેળવે છે કે અમે સમાજની સેવા કરવા માટે મોટા-મોટા આશ્રમો બનાવ્યા. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર જેવા ષડરિપુઓથી સમાજને બચાવવા માટે અમે અમારા સંયમનો પણ ત્યાગ કર્યો, પરિણામે અમે ભલે એમાંથી બચી શક્યા નહીં, પણ સમાજને બચાવી લીધો એનો અમને આનંદ છે!   અમુકને બાદ કરતા મોટાભાગના સમાજસેવકોએ તો પોતાના સ્વાર્થના ચહેરા પર પરમાર્થનો માસ્ક પહેરાવી દઈને સેવાની પરિભાષા જ બદલી નાખી છે. જરૂરતમંદ વ્યક્તિઓની જરૂરિયાતો પૂરી કરવાને બદલે એમની જરૂરિયાતો વ્યક્તિને કેટલી હદે મંદ બનાવી દે છે એવું જલદ જ્ઞાન સમજાવવાનો આ સેવકોએ સેવાયજ્ઞા શરૂ કરી દીધો છે. જવાબદારીઓનું દાન કરવાની કલા આ સેવકોએ સારી રીતે હસ્તગત કરી છે. આંખ આડા કાન કરવાની આર્ટને આ સેવકો સ્માર્ટ આર્ટ કહે છે. કેટલાક તો આવી કલાને ‘બૂરું નહીં જોવું કે બૂરું નહીં સાંભળવું’ એવા વિશાળ સંદર્ભમાં જોતા હોય છે. અહીં ‘બૂરું’નો અર્થ ‘પોતાને પસંદ નથી’ એવો કરવામાં આવે છે. ધારો કે ‘પસંદ છે’ એવો અર્થ કરવામાં આવે તો એનો સંદર્ભ ‘જતું કરવું’ જેવા વિરાટ પરિપ્રેક્ષ્યમાં જોવા મળે છે.

ટૂંકમાં, આજના સમયની રાજસેવા, ધર્મસેવા કે સમાજસેવા કરનારા રાજનેતા, ધર્મનેતા કે સમાજનેતા સૌ સાથે મળી ‘ધનતોડ’ ર્ખ્તટ્વઙ્મ ને પાર પાડવા બિચારા તનતોડ અને મનતોડ મહેનત કરતા હોય છે. આ સંદર્ભે ત્રણ વાંદરાનું રમકડું અને પેલા ત્રણ સુપુત્રોએ પોતાની રીતે શરૂ કરેલી દૃશ્યકલા, શ્રાવ્યકલા કે વાક્કલા ખૂબ જ મહત્ત્વ ધરાવે છે!

ચૂસકી :

યક્ષ : કોરોના વકર્યો કેવી રીતે?

યુધિષ્ઠિર : લોકોની ‘ઉદારીકરણની’ ભાવનાને લીધે!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન