આજનો (તા)રાજમંત્ર : સત્તા વગરની સેવા પાંગળી!  - Sandesh
NIFTY 10,700.45 -41.10  |  SENSEX 34,771.05 +-72.46  |  USD 64.0325 +0.55
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • આજનો (તા)રાજમંત્ર : સત્તા વગરની સેવા પાંગળી! 

આજનો (તા)રાજમંત્ર : સત્તા વગરની સેવા પાંગળી! 

 | 4:12 am IST

રિવરફ્રન્ટની પાળેથી :- હર્ષદ પંડ્યા ’શબ્દપ્રીત’

સત્તાનું રાજકારણ અને રાજકારણની સત્તા આ બંનેમાં ફરક છે. સત્તાનું રાજકારણ ભાઈઓમાં પણ ભેદભાવ સર્જે, આ ભેદભાવ ક્યારેક પેલી નોટબંધીની જેમ ભાઈ’બંધી’ સુધી પણ પહોંચી જાય. સત્તાની આસપાસ જ સેવાના રાસ ખેલાય છે. આજે મોટાભાગનાં લોકોને સેવા કરવી છે પણ સત્તા વગર સેવા કરી શકતા નથી. આજે સેવાનાં શિખરે પહોંચવા માટે સત્તાની સીડી સૌ શોધતાં હોય છે. હા, એ વાત જુદી છે કે જેને સેવાનાં શિખરે પહોંચવું છે એ તો પેલી સીડી પર પોતાના પગ મૂકવાનો જ પરિશ્રમ કરે છે, બાકી સીડી તૈયાર કરવી(પેલી CD નહીં!) સીડીને ચાર પાંચ મદદનીશો દ્વારા પકડી રાખવી, સીડીને કોઈ મજબૂત દીવાલના ટેકે ટકાવી રાખવી કેટકેટલા મદદનીશો પાસે કેટકેટલી પેટા સેવાઓ કરાવવી પડે છે ત્યારે જેને સેવા ‘ભાવી’ ગઈ છે એ સેવાભાવી, પોતાની ભાવી સેવા કરાવવા માટે શિખરે પહોંચવાનો પરિશ્રમ કરી શકે છે!

એકવાર મુલ્લા નસરુદ્દીન પાસે એક માણસ આવ્યો. એણે મુલ્લાને કહ્યું : મારે સેવા કરવી છે, કોઈ રસ્તો બતાવો. મુલ્લાએ પૂછયું : તારે કેવા પ્રકારની સેવા કરવી છે? પેલા માણસે કહ્યું : મારે એવા પ્રકારની સેવા કરવી છે કે જેનો કોઈ જોટો ન મળે. હું જેની સેવા કરું એને લાગવું જોઈએ કે હું ખરેખર એની સેવા કરું છું. મુલ્લાએ કહ્યું : તો પછી તું પ્રધાન બની જા. આપણા રાજાનો પ્રધાન બને કે બીજા કોઈ રાજાનો પ્રધાન બને, તને અને તારી સેવાને કોઈ જ વાંધો નહીં આવે પણ એક મુશ્કેલી છે, પેલાએ એકદમ અધીરાઈથી પૂછયું : કેવી મુશ્કેલી? મુલ્લાએ કહ્યું : મુશ્કેલી એ છે કે રૈયતને જ્યારે એમ લાગવા માંડશે કે તું જે પ્રકારની સેવા કરી રહ્યો છે એમાં તો તારી જ પ્રગતિ થઈ રહી છે તો રૈયત વિફરવા માંડશે એને કાબૂમાં તું નહીં રાખી શકે. પેલાએ ખંધુ સ્મિત કરતાં કહ્યું : એ તો મારા ડાબા હાથનો ખેલ છે. રૈયતને હું સેવાનો અર્થ જ એવી ચાસણીમાં બોળી-ઝબોળીને ગળે ઉતારીશ કે તમે કહો છો એવી કોઈ મુશ્કેલી ઊભી થશે જ નહીં!

કહેવાય છે કે સેવાનો આવો અજોડ પ્રકાર સમજાવ્યા પછી, સેવા કરવા નીકળેલા પેલા સેવાભાવી માણસ સાથે બીજી વાર મળવાનું ન થાય એ હેતુથી મુલ્લાએ એ ગામ જ નહીં, રાજ્ય છોડી દીધું! મુલ્લાને ખયાલ આવી ગયો’તો કે જો આ માણસ પ્રધાન બની જશે અને રૈયત પર જડબેસલાખ સેવાનો ધોધ-માર વરસાદ વરસાવવા માંડશે તો એમાંથી બચવું ભારે પડી જશે, એટલે એમણે બીજા જ દિવસે એ રાજ્ય છોડી દીધું!

મિત્રો, આજે રૈયત નથી, પ્રજા છે, જનતા છે, પબ્લિક છે+ કેમ કે, આજે લોકશાહી છે! સૌ સ્વતંત્ર છે, આઝાદ છે, સેવાનો અર્થ પણ આઝાદી ભોગવતો થઈ ગયો છે. આજે જ્યાં જુઓ ત્યાં જનતાની સેવા કરવા માટેની હોડ મચી છે, હવે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ સેવાની નાની નાની સ્પર્ધાઓ યોજાય છે.

તાલુકા અને જિલ્લાકક્ષાએ પણ ટૂર્નામેન્ટ લેવલની સેવાસ્પર્ધાનું આયોજન થાય છે, તો રાજ્ય અને રાષ્ટ્ર લેવલે તો મહાસેવાની પ્રતિયોગિતાનું આયોજન થતું હોય છે. સેવા તો કરવી છે પણ સેવા કરવાની જેને તક નથી મળતી, એનું જીવન એને ‘જલ બિન મછલી – નૃત્ય બિન બિજલી’ જેવું લાગવા માંડે છે. સેવા કરવાની તકનો ઘૂંટડો છેક હોઠ સુધી આવ્યો હોવા છતાં, કોઈ તીવ્ર સેવાભાવીના અદૃશ્ય હાથથી છીનવાઈ જાય છે ત્યારે એ ગાવા માંડે છે : ‘યે દુનિયા… યે મહેફિલ… મેરે કામ કી નહીં… મેરે કામ… કી નહીં.’ મારા તમારા જેવો કોઈ એને સમજાવે કે ભાઈ, આ સિઝનમાં તને સેવા કરવાનો ઘૂંટડો ભરવા ન મળ્યો તો કાંઈ વાંધો નહીં, આવતી સિઝનમાં મળશે. આપણે ત્યાં લોકશાહી છે, ‘સિઝન’નો ક્યાં દુકાળ છે? દર પાંચ વર્ષે તો આવે છે! સીઘું ચાલ્યું તો પાંચ વર્ષ રાહ જોવાની અને ક્યાંક કોઈકને પંક્ચર પડયું તો મિડ-ટર્મ સિઝન તો છે જ! માટે હે સેવાભાવી બંધુ, તું દેવદાસની જેમ આટલો ઉદાસ ન બન. સૌ સારાં વાનાં થશે. હંમેશાં Be Positive! આશાવાદી બન. તારે તો સેવા કરવા માટે હજુ ખૂબ લાંબુ જીવવાનું છે, આટલું સાંભળીને એ ફરી વાર એકદમ તીણા અવાજે ગાવા માંડશે : અબ જી કર ક્યા કરેંગે… જબ દિલ્હી રૂઠ ગયા… જબ ‘દિલ્હી’ રૂઠ ગયા. આપણે એની ભૂલ સુધારતાં કહીએ કે સાચો શબ્દ ‘દિલ હી તૂટ ગયા’ છે ત્યારે એ છંછેડાઈ જશે અને ધીમા અવાજે કહેશે : ખબર છે પણ દિલ્હીવાળા મારાથી રૂઠી ગયા છે એટલે મારે તો ‘દિલ્હી રૂઠ ગયા’ એમ જ ગાવું પડે ને?

આને કહેવાય સેવાનો સિવિયર એટેક! કેટલાક એટેક તો પોઝિટિવ પણ હોય છે! આધ્યાત્મિક દૃષ્ટિએ કેટલાંક લોકો આવા એટેકને આવકાર્ય ગણતાં હોય છે. અધ્યાત્મ એવું કહે છે કે સમાજસેવા કરવા માટે જે વ્યક્તિને આવો દુઃખાવો ઉપડવા માંડે ત્યારે એ દુઃખાવો હંમેશાં પરમાર્થી હોવાથી સાત્ત્વિક મનાય છે. આવો દુઃખાવો જીવલેણ ઓછો અને લેણદેણવાળો વધુ હોય છે. દુઃખાવાનું પણ એક ઋણાનુબંધ હોય છે. ઋણાનુબંધ વગર આવા દુઃખાવાનું સુખ, સામાન્ય માણસનાં નસીબમાં નથી હોતું સાહેબ!

સેવાના અનેક રંગ હોય છે. કોઈક સેવા ઇસ્ટમેન કલરની હોય છે તો કોઈક સેવા ટેક્નિકલરની હોય છે. કોઈ સેવા ગ્રે કલરની તો કોઈ સેવા વ્હાઇટ વિધિન બ્લેક કલરની પણ હોય છે. આ બધી સેવાઓ સમયે સમયે, સ્થળે સ્થળે અને વ્યક્તિએ વ્યક્તિએ બદલાતી રહે છે. સેવાના રંગ ભલે જુદા જુદા હોય પણ સેવા કરવાનો ઉમંગ તો સૌનો એકસરખો જ હોય છે. ઉમંગમાં કે ઉત્સાહમાં કોઈ જ ફરક નથી પડતો.

ઇસ્ટમેન કલરની સેવાનું સ્ટેટસ હંમેશાં મિડલ ક્લાસનું રહ્યું છે અને એનું રહસ્ય એ છે કે પહેલાં જે કલર દેખાયો હોય એ છેવટે નીકળે નહીં! આમ છતાં મિડલ ક્લાસનો આમ આદમી ખુશ થતો હોય છે! ટેક્નિકલર સેવા અપરક્લાસ માટે હોય છે. આ સેવામાં પરસેવાનું એકપણ બુંદ વેડફાતું નથી એનું એક જ કારણ કે પરસેવો પડે તો વેડફાઈ જવાનો ભય હોય ને? તો બીજી બાજુ હાયર અને અપરહાયર ક્લાસની સેવા મલ્ટિકલરની હોય છે. આ કલરનો ગુણધર્મ ગજબનો છે. કેટલાક કલરનિષ્ણાતોનો એવો મત છે કે આ કલર પોતાના આગવા ગુણધર્મ પ્રમાણે ‘વ્હાઇટ વિધિન બ્લેક’ નામે પણ ઓળખાય છે.

ચૂસકી : 

  • ઠંડી વધવા માંડી હોય એવું નથી લાગતું?
  • ના રે ના, આ તો ચૂંટણીનો માહોલ પૂરો થયોને એટલે એવું લાગે છે!