NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • સાથે મળી આતંકવાદનો સામનો કરવા આસિયાન દેશોને મોદીનું આહ્વાન

સાથે મળી આતંકવાદનો સામનો કરવા આસિયાન દેશોને મોદીનું આહ્વાન

 | 5:11 am IST

મનિલા, તા.૧૪

ફિલિપીન્સની રાજધાની મનિલા ખાતે આયોજિત ૧૫મી ઇન્ડિયા-આસિયાન સમિટને સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જણાવ્યું હતું કે, આપણે વ્યક્તિગત રીતે તો હિંસક કટ્ટરવાદ અને આતંકવાદ સામેની લડાઇમાં ઘણી મહેનત કરી ચૂક્યાં છીએ પરંતુ હવે એકજૂથ થઇને આ દૂષણ સામે લડવાનો સમય આવી ગયો છે. આપણે આતંકવાદના દૂષણને કારણે ઘણી પીડા વેઠી ચૂક્યાં છીએ. સમય આવી ગયો છે કે, આતંકવાદના સફાયા માટે સાથે મળીને વિચારીએ. મોદીએ દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની દાદાગીરી સામે અવાજ ઉઠાવતાં જણાવ્યું હતું કે, કુદરતી સ્ત્રોતોથી ભરપૂર આ વિસ્તારમાં નિયમો આધારિત સુરક્ષાનું માળખું લાગુ કરવું જોઇએ.

વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, દક્ષિણ એશિયા અને દક્ષિણપૂર્વ એશિયામાં રાજકીય, વ્યાપારિક અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓના ઉકેલ માટે ભારત ઇસ્ટ એશિયા સમિટ સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ છે. ભારત આ પ્રદેશમાં ઇસ્ટ એશિયા સમિટની મોટી ભૂમિકા જોવા માગે છે. વડા પ્રધાને આસિયાન સમિટને આસિયાનના હિતો અને શાંતિપૂર્ણ વિકાસ માટે નિયમો આધારિત પ્રાદેશિક સુરક્ષા માટે ભારતના સંપૂર્ણ સહકારનું આશ્વાસન આપ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી આસિયાનને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઇ છે. ઇન્ડો-પેસિફિક રિજિયનમાં પ્રાદેશિક સુરક્ષામાં તેની પ્રતિબદ્ધતા તેનો પુરાવો છે. આસિયાન દેશોના નેતાઓને પ્રજાસત્તાક દિવસની પરેડનું આમંત્રણ પાઠવતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ૧૨૫ કરોડ ભારતીયો ૨૦૧૮ના પ્રજાસત્તાક દિવસની પરેડમાં આસિયાન નેતાઓનું મુખ્ય મહેમાન તરીકે સ્વાગત કરવા તત્પર છે.

આબે સાથે મુલાકાત : મોદીએ કહ્યું જાપાન વિશ્વાસપાત્ર મિત્ર

મંગળવારે પીએમ મોદી જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબેને મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા થઇ હતી. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, જાપાન વિશ્વાસપાત્ર મિત્ર છે. ભારતના વિદેશમંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું હતું કે, ભારતે તેના વિશેષ અને વિશ્વાસપાત્ર ભાગીદાર દેશ જાપાન સાથે મુલાકાત કરી છે. બંને નેતાઓ વચ્ચે ગ્લોબલ પાર્ટનરશિપ અંગે પણ ચર્ચા થઇ હતી.

મોદી અને ટ્રમ્પ ઇચ્છે છે કે અમેરિકા અને ભારત સૌથી શક્તિશાળી સૈન્ય બને

મનિલામાં પીએમ મોદી અને પ્રેસિડેન્ટ ટ્રમ્પની મુલાકાત બાદ અમેરરિકાએ જણાવ્યું હતું કે, બંને નેતા ઇચ્છે છે કે, અમેરિકા અને ભારત દુનિયાના સૌથી શક્તિશાળી સૈન્ય બને. બંને નેતાઓ ભારત અને અમેરિકાના સંરક્ષણ સંબંધોને નવી ઊંચાઇ પર લઇ જવા ઇચ્છે છે. બંને નેતા માને છે કે અમેરિકા અને ભારત દુનિયાના બે મહાન લોકતંત્ર છે. તેમણે હવે દુનિયાના શક્તિશાળી લશ્કર બનવું પડશે.

બ્રુનેઇના સુલતાન, વિયેતનામ અને ન્યૂઝીલેન્ડના પીએમ સાથે મોદીની મુલાકાત

પીએમ મોદીએ સોમવારે રાત્રે વિયેતનામના વડા પ્રધાન ગુયેન શુઆન ફૂક, બ્રુનેઇના સુલતાન હનસલ બોલ્કિઆહ અને ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડેર્ન સાથે દ્વિપક્ષીય મુલાકાતો યોજી હતી. વડા પ્રધાને તેમની સાથે દરિયાઇ સુરક્ષા, મૂડીરોકાણ અને વેપાર જેવા ક્ષેત્રોમાં સહકાર અંગે મંત્રણા કરી હતી. મંગળવારે સવારે પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન માલ્કમ ટર્નબુલને પણ મળ્યા હતા. પીએમ મોદી અને ચીનના વડા પ્રધાન લિ કેક્વિઆંગ વચ્ચે પણ ટૂંકી મુલાકાત યોજાઇ હતી.