ટોક્યો દુનિયાનું સૌથી સુરક્ષિત શહેર, મુંબઈ ૪૫મા અને દિલ્હી ૫૨મા નંબરે - Sandesh
  • Home
  • Newspaper
  • ટોક્યો દુનિયાનું સૌથી સુરક્ષિત શહેર, મુંબઈ ૪૫મા અને દિલ્હી ૫૨મા નંબરે

ટોક્યો દુનિયાનું સૌથી સુરક્ષિત શહેર, મુંબઈ ૪૫મા અને દિલ્હી ૫૨મા નંબરે

 | 1:31 am IST

। સિંગાપુર ।

ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યૂનિટ દ્વારા દુનિયાભરમાં ૬૦ દેશોના સૌથી સુરક્ષિત શહેરોની તૈયાર કરવામાં આવેલી સૂચિમાં જાપાનની રાજધાની ટોક્યો પહેલા ક્રમાંકે છે. આ લિસ્ટમાં ભારતનું મુંબઈ શહેર ૪૫માં ક્રમાંકે અને રાજધાની નવી દિલ્હી બાવનમાં ક્રમાંકે છે. વ્યક્તિગત સુરક્ષાની વાત કરવામાં આવે તો મુંબઈ ૩૭મા ક્રમાંકે અને દિલ્હી ૪૧મા ક્રમાંકે છે. ટોપ ૧૦ સલામત શહેરોમાં ટોક્યો બાદ સિંગાપુર, ઓસાકા, એમસ્ટરડેમ, સિડની, ટોરન્ટો, વોશિંગ્ટન, સિઉલ, કોપનહેગન અને મેલ્બોર્નનો સમાવેશ છે. ટોપ ૧૦માં એશિયા-પેસિફિક વિસ્તારનાં ૬ શહેરોનો સમાવેશ છે.

દુનિયામાં શહેરોનું ક્ષેત્રફળ વધી રહ્યું છે અને એમાં રહેતા નાગરિકો પણ વધી રહ્યા છે. એવામાં પ્રશાસન માટે નાગરિકોની સુરક્ષા અને તેમની પ્રાઇવસીની રક્ષા કરવાનું પડકારમય બની જાય છે. સિંગાપુરમાં આ મુદ્દે એક પરિચર્ચા થઈ હતી અને એમાં પોલિસીમેકર્સ, બિઝનેસમેનો અને ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોએ ભાગ લીધો હતો.

એનઈસી કોર્પોરેશનમાં ગ્લોબલ સેફ્ટી ડિવીઝનના પ્રમુખ વોલ્ટર લીએ કહ્યું હતું કે પેનલ ડિસ્કશનમાં ભરપૂર ઉત્સાહ જોવા મળ્યો હતો. અમે એ બાબતે વાત કરી કે આપણે કેવી રીતે સુરક્ષિત શહેરોનું નિર્માણ કરી શકીએ? શું ટેકનોલોજી શહેરોને સુરક્ષિત બનાવી શકે? એક ટેક્નોલોજિસ્ટ હોવાના નાતે શહેરોની સુરક્ષા અમે એક ટૂલ તરીકે જોઈ રહ્યા છીએ. શહેરોમાં રહેતા દરેક નાગરિકની ડિજિટલ ઓળખ જરૂરી છે. એ સાઇબર અને ફિઝિકલ એમ બેઉ એરિયામાં લાગુ પડે છે.

ડિજિટલ અને હેલ્થ સિક્યોરિટીમાં ટોપ ફાઇવ શહેર

ડિજિટલ સિક્યોરિટીમાં ટોપ પાંચ શહેરોમાં ટોક્યો, સિંગાપુર, શિકાગો, વોશિંગ્ટન ડીસી સાથે પાંચમા ક્રમાંકે લોસ એન્જલ્સ અને સાન ફ્રાન્સિસ્કોનો સમાવેશ છે. આ શહેરો ડિજિટલ સિક્યોરિટીના મુદ્દે સાબદાં છે અને આ શહેરોમાં કમ્પ્યૂટરોમાં વાઇરસ કે માલવેર ઇન્ફ્ક્શન સૌથી ઓછું છે. લોસ એન્જલ્સ અને સાન ફ્રાન્સિસ્કોમાં ૭૬ ટકાથી શરૂ કરીને ટોક્યોમાં ૯૧ ટકા લોકો ઈન્ટરનેટ એક્સેસ ધરાવે છે. જોકે કુવૈત સિટીમાં ૯૮ ટકા લોકો પાસે ઇન્ટરનેટ એક્સેસ છે પણ પ્રાઇવસી પોલિસીમાં તેઓ એકદમ નબળાં છે.

હેલ્થ સિક્યોરિટીમાં ટોપ પાંચ શહેરોમાં ઓસાકા, ટોક્યો, સિઉલ, એમસ્ટરડેમ અને સ્ટોકહોમનો સમાવેશ છે. આ શહેરોમાં લગભગ તમામ લોકો માટે હેલ્થકેર એક્સેસ છે. ઓછા ખર્ચે સારો ઉપચાર પણ લોકોને મળી રહે છે. આ શહેરોમાં ઉચ્ચ કક્ષાની ઇમર્જન્સી સર્વિસ ઉપલબ્ધ છે. લોકોને શુદ્ધ પીવાનું પાણી અને ખોરાક ઉપલબ્ધ છે અને હવામાં પ્રદૂષણની માત્રા સૌથી ઓછી છે. આ શહેરોમાં હોસ્પિટલોમાં વધારે બેડ ઉપલબ્ધ છે. લોકો બીમાર ઓછા પડે એ માટે આ શહેરોનું સ્થાનિક પ્રશાસન ખાસ તકેદારી રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન