આવતીકાલને આશાવાદી શી રીતે બનાવવી - Sandesh

આવતીકાલને આશાવાદી શી રીતે બનાવવી

 | 2:57 am IST

પોઈન્ટ બ્લેન્કઃ એમ.એ. ખાન

 

આવતીકાલ માટે કંઈપણ કરવું હોય તો પાયાની વાત એ સમજવી પડશે કે આવતીકાલને હંમેશાં આજ ઘડતી હોય છે. આપણે આજમાં સાચી રીતે જીવીશું તો આવતીકાલ આપોઆપ ઉજ્જવળ બની જાય. સાચી રીત કઈ? આશા હંમેશાં જાળવી રાખો. કેરળમાં મહાભયાનક વિનાશકારી પૂર પછીય બધા નેતાઓ, સામાજિક આગેવાનો અને પ્રજા પણ ફરી બેઠા થવા પર જ ધ્યાન આપી રહ્યાં છેે. આપણે સુરતના વિનાશક પૂર વખતે અને ભુજના મહાવિનાશક ભૂકંપ વખતે એ કરી ચૂક્યા છીએ. પરંતુ આશા જાળવી રાખવાનું માત્ર મહા આપત્તિ વખતે જ જરૂરી છે એવું નથી. રોજેરોજના દરેક કામમાં પણ આશા જાળવવી મહત્ત્વની છે. બીજું, દરેક પડકારનો સામનો કરવામાં મોજ પડવી જોઈએ. ત્રીજું, દરેક સ્થિતિમાં આગળ ઉપરની સારી શક્યતાઓ શોધી કાઢવી એને સન્માન આપીને પોલાદી આત્મવિશ્વાસ રાખવો કે આમાંથી પાર પડી જ જઈશું. આઝાદી પછી દેશના બધાં રજવાડાંઓને દેશમાં વિલિન કરતી વખતે સરદાર પટેલે એમ જ કર્યું હતું. એક જ વાક્યમાં કહેવું હોય તો તમારો સ્વભાવ એવો હોવો જોઈએ કે ફરી પ્રયાસ કરીએ…, ફરી પ્રયાસ કરીએ…, ચાલો. ફરી પ્રયાસ કરીએ…! થોમસ આલ્વા એડિસને આવા ૯૮ પ્રયાસ પછી વીજળીનો બલ્બ પેટાવવામાં સફળતા મેળવી હતી.

આ માનસિકતા સ્કૂલોમાં, સરકારી કચેરીઓમાં, ખાનગી ઉદ્યોગગૃહોમાં અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર બધે જ ફેલાવવાની, વિકસાવવાની અને ટકાવી રાખવાની તાતી જરૂર છે. આપણે વડીલો એવું કરતા હોઈશું તો બાળકો આપોઆપ જોઈને શીખશે. આપણી આસપાસ અત્યારે રાજકીય પ્રવૃત્તિઓના કારણે નકારાત્મક વાતો ઘૂમરાતી રહે છે. રાજકીય પક્ષોનું કામ છે એકબીજાની વિરુદ્ધના મુદ્દા ઊભા કરવા અને જાહેર કરવા. પરંતુ આ નકારાત્મક વાતો ધીમેધીમે આપણા મન ઉપર કબજો જમાવે છે.

આપણા મનની એ ખાસિયત છે કે જો આપણે સતત સકારાત્મક વાતો પર ધ્યાન ન આપીએ તો આપોઆપ આપણું મન નકારાત્મક વાતો સંઘરવા લાગે છે. એનાથી બચવા માટે તમારા જીવનમાં બનતી નાનામાં નાની સારી ઘટનાની ઉજવણી કરો. ઉજવણી ખર્ચ કરીને જ થાય એ જરૂરી નથી. પરિવાર સાથે મિત્રો સાથે મળીને સારી વાત શેર કરીને તમે એની ઉજવણી કરી શકો છો. કોઈપણ સારી વાતના આનંદમાં રીતસર ડૂબી જાઓ. એમ કરવાથી એની સકારાત્મકતા તમારી અંદર ઉતરી જશે. આવી ટેવ બાળકોમાં પણ વિકસે એ માટે તમારી પ્રવૃત્તિની અને સફળતાઓની બાળકો સાથે નિરાંતે ચર્ચા કરવાનું રાખો.

જગતમાં અકસ્માતો, ત્રાસવાદી હુમલાઓ, અન્યાય, અત્યાચાર વગેરે તો થતું જ રહેશે. એના સમાચાર પણ તમને અખબાર, ટીવી, મોબાઈલમાં સામેથી મળતા જ રહેશે. એ તમારા બાળકોને પણ મળતા રહેશે. એનાથી છુટકારો શી રીતે મેળવી શકાય? આવા સમાચારો વિશે રોજ ઘરમાં બધા સાથે ચર્ચા કરો. અને એમાંથી આશાસ્પદ પાસું તારવીને એની ખાસ ચર્ચા કરો. દા.ત. જગતમાં કટ્ટરવાદ વધી રહ્યો છે એના સમાચાર આવ્યા હોય તો એની ચર્ચા જરૂર કરો. એની સાથે જ એ તારણ પણ કાઢો કે આમ છતાં હજી ભગવાનની કૃપાથી બહુમતિ એટલે કે મોટાભાગના લોકો કટ્ટરવાદમાં માનતા નથી. સાથે જ એ મુદ્દો પણ જરૂર ચર્ચો કે કેટલા બધા લોકો કટ્ટરવાદને નાબંદ કરવા મહેનત કરી રહ્યા છે. એમ કરવાથી નકારાત્મક સમાચારમાંથીય આશાવાદી સકારાત્મક વાત બધાના મનમાં સ્થાપિત થશે.

એક મિત્રની દીકરી સ્કૂલમાં ભણતી હતી એ સ્કૂલમાં નાયબ આચાર્ય એની ખાસ બહેનપણીના કાકા હતા. બંને ખૂબ સારી બહેનપણીઓ, પરંતુ ક્લાસમાં નંબર વન લાવવા માટે બંને વચ્ચે જબરજસ્ત હરીફાઈ. ખૂબ મહેનત કરવા છતાં મિત્રની દીકરીનો મોટેભાગે બીજો નંબર આવે. એની ફરિયાદ હોય કે મારી બહેનપણીના કાકાને કારણે એનો પહેલો નંબર આવી જાય છે. મિત્રએ એને કહ્યું, એનો અર્થ એ થયો કે તને ખબર છે કે તુ એના કરતાં વધારે સારું રીઝલ્ટ લાવી શકીશ! એના કાકાને કારણે એનો પહેલો નંબર આવે એ શક્ય નથી, પરંતુ તુ માને છે એ સાચું હોય તો બેટા! એના કાકાના કારણે એનો નંબર સ્કૂલ સુધી જ આવશે. બોર્ડમાં પરીક્ષા આપવાની થશે ત્યારે તો તારો જ નંબર આવી જશેને! ત્યાં તો એના કાકાની ઓળખાણ ચાલવાની જ નથી. બીજું, નંબર અને ટકા ભણો ત્યાં સુધી જ જરૂરી છે. જીવનમાં તો તુ કેટલું શીખી એ જ કામ આવવાનું છે. આ આશાવાદના કારણે બંને બહેનપણીઓ વચ્ચે સૌહાર્દ જળવાઈ રહ્યો અને મિત્રની દીકરી બોર્ડમાં ટોપ ટેનમાં આવી શકી. બંને બહેનપણીઓ આજે બે બાળકોની માતા બન્યા પછીય ગાઢ દોસ્તી ટકાવી શકી છે.

બને એટલા ઓછા સમાચાર વાંચો અને જુઓ. જોકે એ શક્ય નથી, કારણ કે સમાચાર જાતે આપણને ભટકાતા રહે છે. એવામાં પહેલાં જાતે શીખો અને પછી બાળકોને શીખવાડો કે એ સમાચાર જ જુએ. એની સાથે વણાઈ ગયેલી જેતે ચેનલ, અખબાર કે સામયિકની માન્યતાની બાદબાકી કરી દે. દા.ત. દેશનો જીડીપી વિશ્વમાં સૌથી વધારે એવા સમાચાર સાથે કોઈએ ઉમેરી દીધું હોય કે સરકારે રચી આંકડાની માયાજાળ! અથવા કોઈએ ઉમેરી દીધું હોય, ટીકાકારોને નક્કર તમાચો! તો આ બંને ઉમેરણ બાદ કરી દેવા એમાં સમાચાર માત્ર એટલા જ છે કે જીડીપી સમગ્ર વિશ્વ કરતાં વધારે. માત્ર એટલું જ વાંચો, સ્વીકારો, યાદ રાખો. આટલું કરી શકીએ તો આવનારી પેઢીને નિરાશાથી બચાવી શકીશું.

[email protected]