તુવેરની ચિક્કાર આવકથી ભાવ વધુ તૂટશે, એરંડાના ભાવમાં મક્કમ વલણ

716

રાજકોટ, તા.૧૬

દેશમાં તુવેરનું વિક્રમી ઉત્પાદનની અસરે મિલોમાં પ્રોડક્શન ધમધમવા લાગતા દાળના ભાવો તૂટી રહ્યા છે. નોન બ્રાન્ડેડમાં ગઈ કાલે ક્વિન્ટલે રૂ. ૨૦૦થી ૩૦૦ તૂટયા બાદ આજે બ્રાન્ડેડ દાળમાં મિલોએ રૂ.૨૦૦ ઘટાડી ક્વિન્ટલમાં રૂ.૮૬૦૦નો ભાવ કર્યો હતો. હોલસેલર સૂત્રોના જણાવ્યા અનુસાર દરેક સેન્ટરોમાં ટેકાના ભાવે સરકારી ખરીદી ચાલુ હોવા છતાં ચિક્કાર આવકોને દબાણે યાર્ડોમાં ટેકાના ભાવ કરતા નીચે વેચાતી હોવાથી દાળ સસ્તી બની છે. હજુ આવકનું દબાણ ચાલુ રહેવાનું હોવાથી દાળ વધુ સસ્તી બનશે. સાતમ- આઠમ અને દિવાળીના તહેવારો વચ્ચે તુવેરદાળ કિલોનો રૂ. ૧૪૦થી ૧૭૦ આંબ્યો હતો. જે આજે ઘટીને કિલોના રૂ. ૭૨થી ૮૬નો ભાવ થયો છે.

સોલવન્ટ એસોસિયેશનની શનિવારે મળનારી મિટીંગમાં આ સાલ એરંડાનું ઉત્પાદન ૧૧ લાખ ટન આસપાસ અને કેરી ફોરવર્ડ સ્ટોક ૩ લાખ ટન મૂકવાની બજારમાં ચર્ચા હતી. સરકારે ૧૪ લાખ ટન આસપાસ ઉત્પાદનનો અંદાજ મૂક્યો છે. આજે રાજ્યમાં ૩૨૦૦૦ ગુણીની આવકે ભાવો મક્કમ રહેતા યાર્ડોમાં રૂ. ૭૧૧થી ૭૫૦, દિવેલ લૂઝ રૂ. ૭૯૦થી ૮૦૦ જગાણા કડી સાઈડ એરંડા રૂ.૭૬૫, કંડલા રૂ. ૭૫૫થી ૭૫૭માં બિલ્ટી વેપાર થયા હતા.

સૌરાષ્ટ્રમાં મગફળીની ૩૫૦૦૦ ગુણીની આવકો વચ્ચે ભાવો સ્થિર હતા. સરકારે ટેકાના ભાવે ખરીદી બંધ કર્યાના અહેવાલ આવતા ખેડૂતોમાં ઓહાપો મચવા લાગ્યો છે. આ સાલ બમ્પર ઉત્પાદન હોવાથી હજુ ૪૦થી ૪૫ ટકા મગફળીનો સ્ટોક બજારમાં વેચાવા આવ્યો નથી. હવે ઉનાળાની શરૂઆત સાથે મૂંડાનુ પ્રમાણ વધતા જ આગામી દિવસોમાં મગફળીની આવકો વધતી જોવા મળશે. રૂ બજારમા મક્કમ વલણે શંકર ગાંસડી રૂ. ૪૨૨૦૦થી ૪૩૨૦૦ અને કપાસ રૂ. ૧૦૭૦થી ૧૨૦૦ના ભાવે વેચાણ થયા હતા.