પરંપરાગત યુદ્ધમાં ભારત સામે હારના ભયથી ઇમરાનની અણુ યુદ્ધની ધમકી - Sandesh
  • Home
  • India
  • પરંપરાગત યુદ્ધમાં ભારત સામે હારના ભયથી ઇમરાનની અણુ યુદ્ધની ધમકી

પરંપરાગત યુદ્ધમાં ભારત સામે હારના ભયથી ઇમરાનની અણુ યુદ્ધની ધમકી

 | 3:03 am IST

। નવી દિલ્હી ।

પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાને અલ જઝીરા ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, કાશ્મીર મુદ્દા પર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે તો તે પરમાણુ યુદ્ધમાં ફેરવાય તેવી તમામ સંભાવના રહેલી છે. જ્યારે બે પરમાણુ શસ્ત્રસજ્જ દેશો મોત સુધી લડી લેવાની જીદ સાથે યુદ્ધે ચડે છે ત્યારે તેનાં ગંભીર પરિણામ આવે છે. પાકિસ્તાનની વાત કરીએ તો ભારત સાથેનાં પરંપરાગત યુદ્ધમાં જીતી શકે તેમ નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય અને પરાજયના આરે પહોંચેલા પાકિસ્તાન સામે શરણાગતિ સ્વીકારવા અથવા તો મોત સુધી લડી લેવાના બે વિકલ્પ વચ્ચે પસંદગી કરવાની આવે તો તો પાકિસ્તાન તેની આઝાદીની સુરક્ષા માટે મોત સુધી લડવાનું પસંદ કરશે. હું જાણું છું કે, પાકિસ્તાનીઓ મોતની પરવા કર્યા વિના અંત સુધી લડશે.

પાકિસ્તાન ભારત સાથે ક્યારેય પરમાણુ યુદ્ધની પહેલ નહીં કરે તેવો રાગ ફરી વાર આલાપતાં ઇમરાન ખાને જણાવ્યું હતું કે, હું શાંતિચાહક અને યુદ્ધનો વિરોધી છું. હું માનું છું કે, યુદ્ધથી ક્યારેય સમસ્યાઓનો ઉકેલ આવતો નથી.

ઇમરાને જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર આ ભયાનક હોનારત સર્જાતી અટકાવે તેનો સમય આવી પહોંચ્યો છે. તેથી જ અમે કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર તથા વિશ્વના તમામ મંચ પર રજૂઆત કરી રહ્યાં છીએ જેથી તેઓ આ મામલામાં હસ્તક્ષેપ કરે અને સંભવિત હોનારત અટકાવે.

કાશ્મીરથી ધ્યાન અન્યત્ર દોરવા ભારત પાક.ને બદનામ કરી રહ્યો છે

ઇમરાન ખાને આરોપ મૂક્યો હતો કે, કાશ્મીરમાં નરસંહારથી ધ્યાન અન્યત્ર દોરવા ભારત પાકિસ્તાનને આતંકવાદ માટે બદનામ કરી રહ્યો છે. છેલ્લા ૬ સપ્તાહથી કાશ્મીરના ૮૦ લાખ મુસ્લિમોને કેદમાં જકડી રખાયાં છે. કાશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધનું કારણ બની શકે છે કારણ કે કાશ્મીરમાં ચાલી રહેલા નરસંહારથી ધ્યાન અન્યત્ર દોરવાનો પ્રયાસ ભારત દ્વારા થઈ રહ્યો છે. પાક. પર આતંકવાદ ફેલાવવાના આરોપો મૂકી ભારત કાશ્મીરમાંથી ધ્યાન ભટકાવી રહ્યો છે.

ભારત અમને આતંકવાદી જાહેર કરાવવા માગે છે તેથી મંત્રણા ટાળી

ઇમરાન ખાને જણાવ્યું હતું કે, અત્યાર સુધી પાકિસ્તાન કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે ભારત સાથે મંત્રણા શરૂ કરવાના પ્રયાસો કરી રહ્યો હતો પરંતુ ભારત પાકિસ્તાનને ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા આતંકવાદી દેશ જાહેર કરાવી બ્લેકલિસ્ટ કરવા માગે છે તેવી જાણ થતાં જ અમે મંત્રણા કરવાનું માંડી વાળ્યું. જો પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરાશે તો પાકિસ્તાન પર આર્થિક પ્રતિબંધો લાગી જશે. ભારત ઇચ્છે છે કે પાકિસ્તાન નાદાર થઈ જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન