ટ્રાફિક નિયમભંગના મોટા દંડથી ગભરાવાની શી જરૂર? - Sandesh
  • Home
  • Columnist
  • ટ્રાફિક નિયમભંગના મોટા દંડથી ગભરાવાની શી જરૂર?

ટ્રાફિક નિયમભંગના મોટા દંડથી ગભરાવાની શી જરૂર?

 | 2:57 am IST

કેળવણીના કિનારે : ડો. અશોક પટેલ

આ મહિનાથી કેન્દ્ર સરકાર દ્વારા નવો મોટર વિહિકલ એક્ટ આવ્યો. જેમાં ટ્રાફ્કિના નિયમ ભંગ માટે ઊંચો દંડ વસૂલ કરવાની વાત છે. રાજ્યોએ આ એક્ટનો અમલ કરવો કે ના કરવો તે જે તે રાજ્ય પર છોડી દીધું છે. તેમાં પણ વચ્ચે રાજકારણ રમાવા લાગ્યું. કેટલાક રાજ્યોએ આ એક્ટનો અમલ નહીં કરવાનું નક્કી કર્યું છે, તો કેટલાક રાજ્યો વિચારી રહ્યા છે કે અમલ કરવો કે ના કરવો. હકીકતમાં આ એક્ટ કેમ લાવવો પડયો? તેનું મુખ્ય કારણ એ છે કે, ઘણાં લોકો વાહન ચલાવતી વખતે અત્યારના નિયમોનું પાલન કરતાં નથી. આ લોકો નિયમો માટે જાગૃત નથી અથવા નિયમો માટે માન નથી અને નિયમ ભંગ કરીને સામાન્ય દંડ આપીને છૂટી જવાની માનસિકતા ધરાવે છે. આવા લોકોને જાગૃત કરવા જરૂરી છે. તેમને કાયદા માટે માન ના હોય તો ભય તો હોવો જ જોઈએ. માટે જ મોટા દંડની જોગવાઈ કરવામાં આવી છે. જેથી લોકો ટ્રાફ્કિના નિયમોનું પાલન પ્રેમથી ના કરે તો ભયથી તો કરતાં થાય.

ગુજરાત રાજ્યમાં ૨૦૦૧થી ૨૦૧૭ સુધીના આંકડા પર નજર કરીએ તો અકસ્માતના નોધાયેલા ગુનાની સંખ્યા ૪,૮૩,૪૨૩ છે. જેમાંથી ૧,૧૩,૯૫૦ લોકો મૃત્યુ પામ્યા હતા અને ૪,૭૯,૪૬૨ લોકોને ઇજા થઈ હતી. ગુજરાતમાં જ થતાં અકસ્માતમાં દર ૧૦૦ અકસ્માતમાં સરેરાસ ૨૪ માણસો મૃત્યુ પામે છે. આ આંકડો નાનો નથી. જો આ બાબતને ગંભીરતાથી ના લઈએ કે આંખ આડા કાન કરીએ તો પછી કોઇની હત્યા થાય તો શા માટે ગંભીરતાથી લઈએ છીએ? બંનેમાં મૃત્યુ તો થાય જ છે ને? હકીકતમાં માણસને બચાવવા માટે વિચારવું જોઈએ. જેના માટે વાહનચાલકે, સમાજે અને સરકારે ગંભીરતાથી વિચારવું જ પડે, જાગૃત થવું પડે અને અન્યને જાગૃત કરવા જ પડે. આ આંકડા તો માત્ર અકસ્માતના જ આપ્યા છે. પણ એ સિવાય આજે શહેરમાં અને ગામડામાં ટ્રાફ્કિના નિયમો ભંગના આંકડા કેટલા મોટા હશે? આજે શહેરમાં ચાર રસ્તા પરના દ્રશ્યો જુઓ. દરેકને આગળ જવાની ઉતાવળ, પોતાના સ્વાર્થ માટે બીજાનું સહેજે નહીં વિચારવાનું. રોંગ સાઇડમાં વાહન ચલાવવાનું અને બીજાને તકલીફ્માં અને જોખમમાં મૂકવાના. આ દૃશ્યો કાયમી અને દરેક સેકન્ડ માટે બની રહ્યા છે. તો હાઇવે પર પણ વધુ સ્પીડમાં અને જોખમી રીતે વાહન હંકારવું. ટૂંકમાં, આ બધું કોણ કરે છે ? આપણે જ કરીએ છીએ અને ફ્રિયાદ પણ આપણે જ કરીએ છીએ કે, લોકો ટ્રાફ્કિના નિયમોનું પાલન કરતા નથી. હકીકતમાં લોકોએ સમજવાની જરૂર છે. પરદેશમાં ચાર રસ્તા પર મોટાભાગે ટ્રાફ્કિ પોલીસ હોતી જ નથી, છતાં ટ્રાફ્કિનું સંચાલન સરળતાથી ચાલે છે. અરે, ભૂટાન જેવડા નાના અને આપણાં પાડોશી દેશમાં ઝીબ્રા ક્રોસિંગ પાસે ઉભેલા વ્યક્તિને વાહન ચાલક જુએ એટલે પોતાના વાહનને બ્રેક કરે અને પેલી વ્યક્તિને રોડ ક્રોસ કરવા દે, પછી જ પોતે જાય. જ્યારે આપણે ત્યાં? ભૂટાન જેવડા નાના અને પાડોશી દેશ પાસેથી આપણે આટલું પણ શીખી શકતા નથી? વાંક કોનો ? સરકારનો ? ના, માત્રને માત્ર વાહનચાલકોનો જ.

એવું કહેવાનો કોઈને હક્ક નથી કે, મારો જીવ છે, મારી લાઈફ છે. તેની ચિંતા હું કરીશ, સરકારે તેની ચિંતા કરવાની જરૂર નથી. અરે, વાહનચાલક, તમે વાહન ચલાવતા શીખ્યા એ પહેલાં અને પછી પણ સમાજ અને સરકારે તમારા જીવન માટે ઘણું રોકાણ કર્યું છે અને આજે પણ કરે છે. તમારા શિક્ષણ, આરોગ્ય માટે સરકારે ઘણા પૈસા ખર્ચ્યા છે. આ ઉપરાંત આજે પણ તમે બસ, રોડ, પાણી, લાઇટ, મનોરંજન  જેવી અનેક સગવડતાઓ ભોગવી રહ્યા છો, ત્યારે એમ કેમ નથી કહેતા કે, મારો જીવ છે, મારી લાઈફ છે. જેનો ખર્ચ હું જ આપીશ. કોઈ કહે કે અમે વેરો ભરીએ છીએ. પણ વિચારો જેટલા રૂપિયા વેરો ભરો છો, એના કરતાં અનેકગણી સગવડતા ભોગવો છો. આમ પોતાના કે અન્યના જીવને  જોખમમાં મૂકવાનો આપણને હક્ક તો નથી, પણ ગુનો છે. લોકો આવી બાબતનો સ્વીકાર કરે, તે માટે નિષ્ઠા લાવે તે જરૂરી છે. જો આવું તે પ્રેમથી ના કરે તો ભયથી પણ કરે એટલા માટે ટ્રાફ્કિના નિયમભંગ માટે મોટા દંડની જરૂર હતી જ. હેલ્મેટ ફ્રજિયાત કરવા પાછળનો સરકારનો ઉદેશ શું છે? તમારો જીવ બચે એ જ છે. હકીકતમાં આપણાં જીવનની ચિંતા આપણને વધુ હોવી જોઈએ. આ તો ઊલટું થાય છે. કે તમારા જીવનની ચિંતા તમારા કરતાં સરકાર વધુ કરે છે. અહી તમારું જીવન એટલે તમારો જીવ અને તમારું કુટુંબ બંને આવી ગયા.

કેટલાક લોકો બૂમબરાડા પાડે છે કે, આટલો મોટો દંડ ભરવાનો? અરે, ભાઈ દંડ તમે તમારી મરજીથી ભરો છો. સરકાર તો કહે છે કે ભાઈ વાહન નિયમ મુજબ ચલાવો, દંડ ભરવો જ નહીં પડે. દંડથી ગભરાવવાની જરૂર એને છે કે જેને કાયદો તોડવો છે. તમારે તો કાયદો તોડવો છે, વારંવાર તોડવો છે અને દંડ ભરવો આકરો પડે છે! એમ કેમ નથી કહેતા કે, હજુ મોટો દંડ રાખો. મારે કાયદાનો ભંગ કરવો જ નથી. પછી મારે ચિંતા કરવાની જરૂર શી ?  આજે દસ લાખની કિંમતની કાર ચલાવતો ધનિક વ્યક્તિ ક્યારેક માનસિક રીતે ખૂબ ગરીબ જોવા મળે છે. ક્યારેક તો લાગે કે, કાર દસ લાખની હોય છે, પણ બુદ્ધિ દસ ટકા પણ નથી હોતી. ટ્રાફ્કિના નિયમનો ભંગ જ્યારે કોઈ એક વ્યક્તિ કરતો હોય છે, ત્યારે તેનાથી પરેશાન દસ વ્યક્તિ થતાં હોય છે. મોટાભાગે એવું પણ જોવા મળે છે કે, જે નિયમનો ભંગ કરે છે, તે દાદાગીરી પણ કરતો હોય છે. આવા લોકો માટે દંડની રકમ ત્રણ ગણી કરવી જોઈએ. આવા લોકોને બચાવવા માટે કોઈએ ફેન પણ ના કરવા જોઈએ.

અહી એક બાબત હજુ પણ ચિંતા ઉપજાવે છે. ટ્રાફ્કિ પોલીસ દ્વારા થતો ભ્રષ્ટાચાર ચાલુ રહેશે તો, નવા કાયદાથી કોઈ જાગૃતતા આવશે નહીં. ઉપરથી ભ્રષ્ટાચાર વધશે. જૂના કાયદામાં તો લોકો જ ૫૦-૧૦૦ રૂપિયા દંડ હોય તો સામા પગલે ભરવા તૈયાર હતા. પણ હવે દંડ વધુ ના ભરવો પડે એટ્લે સામા પગલે લોકો અને પોલીસ ભ્રષ્ટાચાર કરીને કાયદા તોડવાનું ચાલુ જ રાખશે. આવું ના બને તે માટે પોલીસમાં પણ નિષ્ઠા અને જાગૃતતા ઊભી કરવાની જરૂર છે. કે કોઈપણ વ્યક્તિ કાયદો તોડે તો ભ્રષ્ટાચાર નહીં જ કરવો અને દંડ લઈને પહોંચ આપવી જ. આમ જેમ લોકોની માનસિકતા બદલવાની જરૂર છે, તેમ પોલીસની પણ માનસિકતા બદલવાની જરૂર છે. જેમ બધા વાહનચાલકો કાયદો તોડતા નથી, તેમ બધા પોલીસ ભ્રષ્ટાચાર કરતાં નથી. એવું ઘણીવાર અનુભવ્યું છે અને જોયું છે કે, ભૂલથી ટ્રાફ્કિનો નિયમ તોડયો હોય, પોલીસ ઊભા રાખે અને તમે ફ્રીથી ભૂલ નહીં કરવાની પ્રોમિસ આપો તો પોલીસ દંડ લીધા વગર, ભ્રષ્ટાચારની અપેક્ષા વગર તમને જવા દેશે. કારણ પોલીસ જાણે છે કે, ભૂલ કરવી અને ભંગ કરવો બંનેમાં તફવત છે.  ક્યારેક વહીવટીતંત્રને કારણે લોકો કાયદાનો ભંગ કરવા માટે પ્રેરાય છે. જેમ કે, જરૂરી સગવડતા ના હોય એટલે લોકો જે છે તેમાં ચલાવે છે અને કાયદાનો ભંગ થાય છે. જેમકે, રોડ પર રખડતા ઢોર, પાર્કિંગની અપૂરતી સુવિધા કે જગ્યા, ખરાબ કે સાંકડા રસ્તાઓ, ચાર રસ્તા પર ટ્રાફ્કિ નિયમન માટેની વ્યવસ્થાનો અભાવ, ચાર રસ્તા પર અયોગ્ય આયોજન (દા.ત. અમદાવાદમાં નહેરુ નગર સર્કલ અને અંધજન મંડળ ચાર રસ્તા). ચાર રસ્તા પરની સમસ્યાઓ અને ભ્રષ્ટાચાર બંધ કરવા પ્રાઈવેટ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપો. પરિણામે નિયમ મુજબ કામ થશે અને ભ્રષ્ટાચાર નહીં જ થાય. સરકારને એક પણ પૈસાના રોકાણ વગર નફે થશે. પ્રયોગાત્મક ધોરણે તો કરો. આ સરકાર જો પોતાને પ્રયોગશીલ ગણાવતી હોય તો આ પ્રયોગ તો કરી બતાવો. પણ કેટલીક પોલીસ જ આવું નહીં થવા દે. કારણ કે, પછી કમાવવાનું એક સાધન ઓછું થઈ જાય ને!

અંતે, મોટર વ્હિકલના નવા એક્ટની લોકોના માનસ પર મોટી અસર થઈ છે. જેથી અનેક એસ.એમ.એસ. પણ ફ્રતા થઈ ગયાં છે. જેમ કે, ટ્રાફ્કિ પોલીસ એક છોકરાને કાયદાના ભંગ માટે પકડે છે અને તેના પપ્પાને ફેન કરે છે. કે, આ રમેશ તમારો છોકરો છે, તેણે ટ્રાફ્કિના નિયમનો ભંગ કર્યો છે. સામેથી જવાબ આવે છે કે, સાહેબ, એ મારો છોકરો હતો પણ હવે નથી!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન