ટ્રાફિક સમસ્યા : પોલીસ અને પ્રજાની ભૂમિકા - Sandesh
  • Home
  • Columnist
  • ટ્રાફિક સમસ્યા : પોલીસ અને પ્રજાની ભૂમિકા

ટ્રાફિક સમસ્યા : પોલીસ અને પ્રજાની ભૂમિકા

 | 2:31 am IST

કેળવણીના કિનારે :-  ડો. અશોક પટેલ

હમણાં કેટલાક દિવસ પૂર્વે અમદાવાદ પોલીસે એક નવતર પ્રયોગ કર્યો ‘ગ્રીન કોરિડોર’. જેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલથી ૧૨ કિ.મી. દૂર અન્ય હોસ્પિટલ પર એક માનવીનું હૃદય માત્ર ૧૪ મિનિટમાં ભરચક ટ્રાફિકના રસ્તે પહોંચાડયું. જે પ્રયત્નને સમાજે વધાવી લીધો. પોલીસ જ્યારે કોઈ કામ સેવાના ભાવથી કરે છે ત્યારે લોકો તેનો પ્રતિસાદ ખૂબ જ હકારાત્મક આપે છે. સમાજના તમામ સભ્યોને પોતાની પોલીસની કામ કરવાની શક્તિ, આવડત અને નિષ્ઠા પર ભરાંસો બેઠો. હા, અહીં પોલીસે પણ ચેતવા જેવું છે કે, તમે લોકો પર ભરાંસો બેસાડયો છે, તે ભરોંસો તૂટે નહીં તે જોજો. લોકો હવે પોલીસ પાસે વધુ અપેક્ષા રાખશે જ, જે અપેક્ષામાં ખરું ઊતરવાની જવાબદારી પોલીસની છે,

‘ગ્રીન કોરિડોર’ એ ચિકિત્સા – સારવાર માટે ત્યારે વપરાય છે કે, જ્યારે કોઈ દર્દીને તાત્કાલિક સારવારની જરૂર હોય,, સ્થિતિ ખૂબ જ કટોકટીભરી મુશ્કેલ હોય, ત્યારે તે દર્દીને સમયમર્યાદામાં જરૂરી સારવાર પૂરી પાડવી. આવી જરૂરિયાત ત્યારે ઊભી થતી હોય છે જ્યારે હૃદય, કિડની, લીવર જેવા અંગનું પ્રત્યારોપણ કરવાનું હોય. આ સમયે એક જગ્યાએથી મેળવેલ અંગ અન્ય બીજી જગ્યાએ ખૂબ જ ઓછા સમયગાળામાં પહોંચાડવાનું હોય છે. ગ્રીન કોરિડોર હકીકતમાં હોસ્પિટલના કર્મચારીઓ અને પોલીસના એકબીજાના સહયોગથી અસ્થાયીરૂપે તૈયાર કરવામાં આવેલ એક માર્ગ છે. જેમાં ટ્રાફિક પોલીસના સહકારથી થોડા સમય માટે નિર્ધારિત કરેલ માર્ગ પર વાહનોની અવરજવર રોકી દેવામાં આવે છે. જેના કારણે એમ્બ્યુલન્સ ખૂબ જ ઓછા સમયમાં એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી શકે છે. ભારતમાં તેનો સૌ પ્રથમ ઉપયોગ ચેન્નઈ ટ્રાફિક પોલીસે કરેલ. ત્યારબાદ મુંબઈ, ભોપાલ, જયપુર, દિલ્હી વગેરે શહેરોમાં કરવામાં આવેલ.

અમદાવાદ શહેરની વાત કરીએ તો, આજે અમદાવાદ પોલીસ ખૂબ જ સારું કામ કરી રહી છે. એવું લોકો અને પોલીસ કર્મચારીઓ માની રહ્યાં છે. પોલીસના કર્મચારીઓને આજે તેમને મળી રહેલ નેતૃત્વ પર ખૂબ જ વિશ્વાસ અને ભરોંસો છે. એ વાતમાં સહેજ પણ અતિશયોક્તિ નથી કે આજે અમદાવાદ પોલીસના તમામ કર્મચારીઓ તેમના નેતા એવા કમિશનર ઓફ પોલીસને દિલથી ચાહે છે. જેના કારણે પોલીસના નાના કર્મચારીથી માંડીને મોટા અધિકારી સુધી અડધી રાતે પણ દિલોદિમાગથી કામ કરવા દોડે છે. જે બતાવી આપે છે કે ટીમવર્કથી કામ કરવા માટે અને ટીમને દિશા ચીંધીને ઉત્સાહ આપવામાં નેતૃત્વ અગત્યની ભૂમિકા ભજવે છે. પોલીસમાં આવું પરિણામલક્ષી નેતૃત્વ હોય તો તેના પરિણામ સમાજને મળે જ છે.

પોલીસે પોતાની ફરજને કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે ન જોતાં સામાજિક રીતે જોવી જોઈએ. જેમ ડોક્ટર દર્દીને માત્ર સારવાર આપે અને શિક્ષક વિદ્યાર્થીને માત્ર ભણાવે તો ચાલે ? ના ચાલે તેમ પોલીસમાં પણ ના ચાલે. પોલીસે પણ લોકો સાથે સામાજિક અને સંવેદનાત્મક સંબંધ બાંધવો જોઈએ. પોલીસના નબળા પ્રદર્શનને લોકો વગોવે છે તો સારા પ્રદર્શનને વખાણે પણ છે. હમણાં જ મોટા શહેરોમાં ટ્રાફિક માટે પોલીસ જે ઝુંબેશ ચલાવી રહી છે તેને લોકો તરફથી સારો આવકાર મળ્યો જ છે, આવી ઝુંબેશ ચાલતી હોય ત્યારે સહેજ પણ ભ્રષ્ટાચાર ના થાય તો લોકોને વધુ વિશ્વાસ બેસશે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યાઓ અને ઉપાયો લઈને શાળા-કોલેજોમાંથી વિદ્યાર્થી પાસે નિબંધ લખાવીને માહિતી કે સૂચનો એકત્ર કરવાનો જે પ્રયત્ન થયો તે આવકારવા લાયક છે. જેમાં પોલીસની નિષ્ઠા દેખાઈ આવે છે. આમ છતાં પોલીસને એક સૂચન કે, ટ્રાફિક અંગેની સમસ્યાઓ અને ઉપાયો વિદ્યાર્થી કરતા નાગરિકો પાસેથી માગવામાં આવે તો વધુ સાર્થક નીવડશે. કારણ કે, બધા વિદ્યાર્થીઓ વાહન ચલાવતા નથી જેથી તેમની પાસે ટ્રાફિક અંગે વધુ અનુભવો ના હોય. માટે જ વાહન ચલાવતા નાગરિકો કે રસ્તા પાસે રહેતા કે વ્યવસાય કરતા લોકો પાસેથી સૂચનો લેવામાં આવે તો તેમાંથી પોલીસને વધુ માર્ગદર્શન મળશે. લોકોમાં પણ અનાયાસે ટ્રાફિક માટે જાગૃતતા અને નિષ્ઠા ઊભા થશે.

ટ્રાફિક પોલીસ ક્યારેક ચોક્કસ પ્રકારની ઝુંબેશ ચલાવીને જાગૃતતા લાવવાના અને કાયદાનું પાલન કરાવવાના પ્રયત્ન કરે છે. આમ છતાં આવી ઝુંબેશ બે-પાંચ દિવસ પછી બંધ થતા પરિસ્થિતિ હતી તેવી જ થઈ જાય છે. પરિણામે લોકો માનવા લાગે છે કે આ કામગીરી તો કામચલાઉ છે. જેથી તેઓનો સહકાર મળતો નથી. ધાર્યા પરિણામ મેળવવા ટૂંકાગાળાના બદલે લાંબાગાળાનું આયોજન કરવું જોઈએ. કોઈપણ નિર્ણયનું પાલન ત્યાં સુધી કરાવવું જોઈએ કે, જ્યાં સુધી લોકોને તેની ટેવ ના પડે. જેમ કે, કાર ચલાવતી દરેક વ્યક્તિ આજે સીટબેલ્ટ બાંધે જ છે. કારણકે, તે માટેની ઝુંબેશ લાંબી ચાલી હતી, જેનાથી કાર ચલાવતી વ્યક્તિને સીટબેલ્ટ બાંધવાની ટેવ પડી ગઈ.

કાયદાનું પાલન લોકો ત્યારે જ કરે છે જ્યારે લોકોના મનમાં કાયદા માટે પ્રેમ હોય અથવા તો ડર હોય. આપણા સમાજમાં એવા ઘણાં લોકો છે કે, જેમને કાયદા માટે નથી પ્રેમ કે નથી ડર. ત્યારે લોકોમાં કાયદા માટે પ્રેમ જાગે તે માટેના પ્રયત્નો વારંવાર કરવા જોઈએ. ત્યાર બાદ જો પ્રેમ ના જાગ્યો હોય તો કાયદા માટે ડર લાગે તેવા પ્રયત્નો પણ કરવા જ જોઈએ. આજે ટ્રાફિકના એવા ઘણાં કાયદા છે કે જેનો ડર સામાન્ય નાગરિકને નથી. માટે જ ઘણી સમસ્યાઓ ઉકેલાતી નથી. લોકો દંડની સામાન્ય રકમ ભરીને છૂટી જવાનું પસંદ કરે છે. તેના બદલે કાયદામાં દંડની જોગવાઈ એવી હોવી જોઈએ કે પ્રેમ નથી જાગ્યો તો ડર તો જાગવો જ જોઈએ. જેનું ચુસ્તપણે પાલન પોલીસે કરવું જોઈએ અને કરાવવું જોઈએ.

દરેક શહેરમાં ચાર રસ્તા પર ઓફિસના સમયે ટ્રાફિકની સમસ્યાઓ વધુ ઊભી થાય છે, ત્યારે ઓફિસના સમયમાં સરકાર અને યુનિયનના સહયોગથી થોડો બદલાવ કરવો જોઈએ. જેમકે, કેન્દ્ર સરકાર હસ્તકની ઓફિસનો સમય સવારે ૧૦ વાગ્યાનો તો રાજ્ય સરકારની ઓફિસોનો સમય ૧૧ વાગ્યાનો. જેથી એક સાથે ખૂલતી ઓફિસના કારણે થતો ટ્રાફિક જામ હળવો થશે. આ રીતે બેન્કો અને સહકારી સંસ્થાઓના સમયમાં પણ અનુકૂળતાભર્યો બદલાવ લાવી શકાય. બીજો પ્રયોગ એ કરી શકાય કે, શહેરના કેટલાક ચાર રસ્તા પરના ટ્રાફિક નિયમન માટે ખાનગી કંપની કે એન.જી.ઓ. ને ભાડે આપી શકાય. આમ કરવાથી ઓછી પોલીસની જરૂર પડશે, ખર્ચ ઘટશે, સાથે ભાડાની આવક થશે. ટ્રાફિકના નિયમોનું પાલન થશે પોલીસે કરવા જેવો એક વધુ પ્રયોગ. પોલીસ કોઈપણ વ્યક્તિ સાથે વાત કરે ત્યારે ‘સર કે સાહેબ ‘ કહીને જ વાત કરે. પોલીસ માન આપશે તો સામેથી પણ માન મળશે જ.

લોકોએ પણ સમજવું જોઈએ કે, ટ્રાફિકના નિયમોનું પાલન કરવાથી તેમની સુરક્ષા, સમયની બચત અને બીજાના હક્કોનું સન્માન થશે. આજે તો કેટલાક લોકો પોતાની જ અનુકૂળતા જુએ છે, પછી ભલે બીજાની અનુકૂળતા ખોરવાય. બધા જ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તો પોલીસની જરૂર જ કયાં છે ? પોલીસની જરૂર એટલે છે કે, લોકો નિયમનું પાલન કરતા નથી. કાયદાનો ભંગ પોતે કરે છે અને દોષ આપે છે પોલીસને. કેટલાક લોકો તો પોલીસ સાથે ખરાબ વર્તન પણ કરે છે. ત્યારે જો એવું વિચારે કે, આ પોલીસ જ ઠંડી, ગરમી કે વરસાદમાં પણ ચાર રસ્તા પર ઊભા રહીને પોતાની ફરજ બજાવે છે. ત્યારે પોલીસના શરીર અને મનને શું થતું હશે ? એ પોલીસ તમારી દુશ્મન નથી. તેના મનમાં તમને પરેશાન કરવાનો કોઈ વિચાર નથી. લોકો દરરોજ અનેક ભૂલો કરે છે તો ક્યારેક પોલીસથી પણ ભૂલ થાય. હા. કેટલીક પોલીસ ભ્રષ્ટાચારનો આશરો લે છે, ત્યારે બદનામ થાય છે તમામ પોલીસ. માટે જ બધી જ પોલીસને સમાન નજરે ના જુઓ. અંતે, ટ્રાફિક સમસ્યા ઉકેલવા શાળા, કોલેજો, સેવાભાવી કે ધાર્મિક સંસ્થાઓનો સહકાર પણ લઈ શકાય.

;