ટ્રાફિક જાગૃતિ દ્વારા વિદ્યાર્થીજીવનને સલામત બનાવીએ - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • ટ્રાફિક જાગૃતિ દ્વારા વિદ્યાર્થીજીવનને સલામત બનાવીએ

ટ્રાફિક જાગૃતિ દ્વારા વિદ્યાર્થીજીવનને સલામત બનાવીએ

 | 3:52 am IST

અધ્યાપનના તીરેથી :-  પ્રા. મહેન્દ્ર જે. પરમાર

આપણા વિદ્યાલયો અને કોલેજોમાં ભણતાં કિશોરો-તરુણોમાં નવી બ્રાન્ડેડ મોંઘી બાઇક પર સવારી કરવાનો ક્રેઝ વધતો જાય છે. હેલ્મેટ પહેર્યા વગર બેફામ ગતિએ ટ્રાફિકના નિયમોની ઐસી-તૈસી કરીને વાહન ચલાવવાની ઘેલછાના કારણે અનેક માનવ જિંદગી અકસ્માતમાં હોમાય છે. વાહનચાલક પણ મૃત્યુને ભેટતાં પરિવારના સુખ, શાંતિ અને સમૃદ્ધિ પર કુઠારાઘાત થાય છે. મોટાભાગના અકસ્માત તો વાહનચાલકની ભૂલના કારણે સર્જાય છે. રાત્રિના સમયે માર્ગ પર અકસ્માતની સંભાવના ૪૦% સુધી વધી જાય છે. સાવધાનીપૂર્વક અને કાળજીપૂર્વકના ડ્રાઇવિંગથી અકસ્માત થવાની સંભાવનાઓ ૮૨% સુધી ઘટાડી શકાય છે. માર્ગ પર અકસ્માતથી થતી માથાની ઈજાના કારણે ૯૦% લોકો મૃત્યુ પામે છે. સારી ગુણવત્તાવાળી હેલ્મેટથી માથાની ઈજામાં બચાવ થાય છે. સીટ-બેલ્ટનો ઉપયોગ કરેલ હોય તે સમયે થતા અકસ્માતમાં મૃત્યુનું પ્રમાણ ૫૦% જેટલું ઘટી શકે છે.

આપણો દેશ રસ્તે થતાં અકસ્માતોની સંખ્યામાં વિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ૨૦૧૭-૧૮ના વર્ષમાં ૧,૮૫,૦૦૦ એટલે કે દરરોજ ૫૦૦થી વધારે સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા. દર ૪ મિનિટે એક વ્યક્તિ અકસ્માત મૃત્યુને ભેટે છે. પ્રતિવર્ષ દેશમાં ૬૦,૦૦૦ યુવાનો અકસ્માતનો ભોગ બને છે. તેમાં ૩૦% તો૧૫થી ૨૪ વર્ષના શાળા-કોલેજોમાં ભણતાં કિશોરો અને યુવાનો છે. નશો કરીને અને અત્યંત બેદરકારીથી વાહન ચલાવવું, આ બે કારણ, અકસ્માત માટે સૌથી વધુ જવાબદાર છે. દેશના યુવાનોમાં અતિઝડપે, ટ્રાફિકની વિરુદ્ધ બાજુએ આડેધડ બેથી વધારે વ્યક્તિને ટુવ્હિલર પર બેસાડીને જોખમી રીતે વાહન ચલાવવાની એક ફેશન થઈ પડી છે. પરિણામે એ પોતાનો જીવ ગુમાવે છે, તેની સાથે બીજાનો જીવ પણ લે છે.

દેશમાં અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે દિન-પ્રતિદિન વધતું જાય છે. સવારે અખબારો ખોલતાં અને TV ચેનલો પર નજર નાંખતા કરુણ અકસ્માતોના કમકમાટીભર્યા દૃશ્યો જોવા મળે છે. તેમાં માનવર્સિજત અકસ્માતોનું પ્રમાણ ઘણું ઊંચુ છે. પ્રતિવર્ષ દોઢથી બે લાખ લોકો વાહન અકસ્માતનો ભોગ બનતાં કરુણ મોતને ભેટે છે. એકનો એક પુત્ર લાડકોડમાં ઊછર્યો હોય, મોજશોખભરી જિંદગી જીવતો હોય, તેવા વાતાવરણમાં બાઇક કે અન્ય ટુવ્હિલર વાહન લઈ આપવાની સગીરવયનાં સંતાનોની જીદ પરિવાર માટે ઘાતક પુરવાર થાય છે. તે પૂર્ણ ન થતાં ઘણી વખત આત્મહત્યા જેવું પગલું ભરી બેસતાં પરિવારના માથે આભ તૂટી પડે છે. જુવાનીનું જોમ, મિત્ર વર્તળુમાં ભ્રામક પ્રભાવ ઊભો કરવાની ઘેલછા અને બીજી બાજુ ટ્રાફિકના નિયમોની જાણકારીના અભાવે અકસ્માતો સર્જાય છે. જેમાં અનેક નિર્દોષ માનવ જિંદગી ભોગ બને છે.

૧૬ એપ્રિલ,૨૦૧૭ના રોજ પાટનગર ગાંધીનગરમાં સર્જાયેલા અકસ્માતમાં ધો.૧૧ વિજ્ઞાનપ્રવાહનો વિદ્યાર્થી ચિંતન વિડજા ગંભીર રીતે ઘવાય છે. ટયૂશનમાંથી એક્ટિવા પર પરત ફરતી વખતે સરકારી વિનયન કોલેજના ચાર રસ્તા પાસે ઇકોકારના ચાલકે ટક્કર મારતાં એક આશાસ્પદ હોનહાર વિદ્યાર્થીનો લાંબી સારવારના અંતે જીવનદીપ બુઝાય છે. અકસ્માત સમયે હેલ્મેટ પહેર્યું હોત તો એક આશાભરી જિંદગી બચી જાત. પિતા મુકુંદભાઈ વિડજાએ અજબ ધૈર્ય, સમજણ અને જવાબદારી દાખવી ટ્રાફિક જાગૃતિ અંગેની એક અનોખી મિસાલ સમાજને પૂરી પાડી છે. પુત્ર સાથેની ઘટના અન્ય તરુણો સાથે ન બને તેવા ઉમદા આશયથી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ટ્રાફિક નિયમોની જાગૃતિ અંગે પ્રતિજ્ઞાવાંચન જોડીને પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડયું છે.

૨૯ જૂન-૨૦૧૭ના રોજ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં મોડી રાત્રે ૨-૧૭ મિનિટે ૧૨૦ કિ.મી કરતાં વધુ સ્પીડે જતી ફોર્ડ એન્ડેવર ગાડી ઝાડ સાથે અથડાતાં ભયંકર અકસ્માત સર્જાય છે. તેમાં સવાર તિરુપતિ ઓઇલ મિલના ડિરેક્ટર દર્શનભાઈ પટેલના ૧૬ વર્ષીય પુત્ર વેદાંત અને વેપારી પ્રદીપભાઈ જૈનનો ૧૭ વર્ષીય પુત્ર નિૃલ કરુણ મોતને ભેટે છે. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના H.S.C.માં ભણતા આ વિદ્યાર્થીઓના દર્દનાક મોતથી મહાનગર અમદાવાદમાં માતમ છવાયો હતો. કાર ચલાવતી વખતે સીટ-બેલ્ટ બાંધ્યો હોત તો એરબેગ તેની સાથે કનેક્ટ હોવાથી અકસ્માતના સમયે ખૂલી જાત. આથી કદાચ બે મહામૂલી વિદ્યાર્થીની જિંદગી બચી જાત. ઉત્તર પ્રદેશના કુશિનગરમાં માનવરહિત રેલવે ક્રોસિંગ પર સ્કૂલવાન પેસેન્જર ટ્રેન સાથે અથડાતાં ૭ ભાઈ-બહેન સહિત ૧૩ વિદ્યાર્થીઓનાં કરુણ મોતની ઘટનાએ દેશવાસીઓનું ધ્યાન ખેંચ્યું છે. ક્રોસિંગ પાસે વાન આવતાં બાળકો અને આસપાસના લોકોની બૂમો ઇયરફોન લગાવી ગીતો સાંભળવામાં મશગૂલ ડ્રાઇવરે ન સાંભળતા આ કરુણ હોનારત સર્જાવા પામી હતી.આવી તો અનેક રોજબરોજ બનતી ઘટનાઓ માનવ જીવનને ભરખી રહી છે.

ગુજરાત સરકારે અકસ્માત રોકવા એન્ફોર્સમેન્ટ, C.C.T.V. કેમેરા ઉપરાંત લોક જાગૃતિ લાવવા પ્રથમ વાર રૂ. પ હજારથી રૂ. ૨૦ હજાર સુધીનો ‘રોડ સેફ્ટી એવોર્ડ’ આપવાનો નિર્ણય કર્યો છે. માર્ગ સુરક્ષામાં નાગરિકો વધુમાં વધુ જોડાય અને અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટેનો પ્રયાસ આવકાર્ય છે. ગુજરાતમાં સને ૨૦૧૭ના વર્ષમાં ૨૦ હજારથી વધુ અકસ્માત નોંધાયા હતાં. તેમાં ૭,૨૮૯ લોકોનાં મૃત્યુ થયા હતા ૧૬,૮૦૨ ઈજાગ્રસ્ત થયા હતાં. તે જોતાં રાજ્યમાં દૈનિક ૫૫થી વધુ અકસ્માત થાય છે. તેમાં ૮૪% અકસ્માતો ડ્રાઇવરની ભૂલના કારણે થતા હોય છે. રોડ સેફ્ટી એવોર્ડની સાથે શાળા-કોલેજોમાં ભણતાં વિદ્યાર્થીઓને જોડીને ‘સલામત માર્ગ મુસાફરી જીવનને બનાવે સલામત’નો પ્રેરક સંદેશ ગુંજતો કરી શકાય.

વાહનચાલકોમાં ભારે હોડ જામતી હોય છે. તેના અનેક દૃશ્યો જાહેર માર્ગો પર જોવા મળે છે. રોડ પર વાહન ચલાવતી વખતે કોઈ લાઇનમાં આવે ત્યારે અચાનક બ્રેક મારવી પડે તે ખતરનાક સ્થિતિ છે. ટ્રાફિકમાં લેન બદલીને વચ્ચે બાઇક કે કાર ઘુસાડવાની ઘેલછા ગમખ્વાર અકસ્માતોની હારમાળા સર્જે છે. લાંબી લાઇન લાગેલ હોય ત્યારે સૌને આગળ જવાની એટલી જ ઉતાવળ હોય છે. છતાં તક મળતાં લાઇન કાપીને આગળ જવાની ફિરાકમાં રહેતા હોઈએ છીએ. ક્યારેક ટકોર થતાં શરમથી પાછા વળી જતા હોઈએ છીએ.

ટ્રાફિક જાગૃતિ આવે તે માટે આ સાથેની પ્રતિજ્ઞાઓ વિદ્યાર્થીઓ પાસે લેવડાવી શકાય. પ્રવેશ વખતે પણ ટ્રાફિક જાગૃતિ અંગેનું પ્રતિજ્ઞાપત્ર ભરાવી શકાય. આ સુંદર પ્રયોગ શાળા-કોલેજોએ અમલમાં મૂકવા જેવો છે. ૧. ૧૮ વર્ષની પુખ્ત ઉંમર થતાં જરૂરિયાત જણાય તો જ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવ્યા પછી જ વાહનનો ઉપયોગ કરીશ. ૨. સગીરવય દરમિયાન પોતાનું કે અન્યનું વાહન લઈને શાળામાં આવીશ નહીં. ૩. વિદ્યાભ્યાસ દરમિયાન લ્યૂના, એક્ટિવા કે બાઇક જેવા વાહન માટે ઘરમાં હઠાગ્રહ કરીશ નહીં. ૪. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોય તો વાહન ખરીદવાનો આગ્રહ રાખીશ નહીં. ૫. ટુ-વ્હિલર વાહનમાં વિદ્યાર્થી સંગતના કારણે ત્રણ સવારીની મુસાફરીમાં ક્યારેય જોડાઈશ નહીં. ૬. લાઇસન્સ ન ધરાવતી વ્યક્તિને મારું વાહન ચલાવવા આપીશ નહીં . ૭. વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું અક્ષરસઃ પાલન કરીશ. ૮. રોંગ સાઇડમાં વાહન ક્યારેય ચલાવીશ નહીં કે ઓવરટેક કરીશ નહીં. ૯.ચાલુ ડ્રાઇવિંગે ગીત-સંગીત સાંભળવા કે વાતચીત કરવા માટે ઇયરફોનનો કયારેય ઉપયોગ કરીશ નહીં.૧૦ હેલ્મેટ સ્ટાન્ડર્ડ કંપનીનું જ વાપરીશ ૧૧. બેધ્યાનપણે પગપાળા ચાલતા રાહદારી, સાઇકલ સવાર અને અન્ય વાહન ચાલકો પ્રત્યે સજાગ રહી ડ્રાઇવિંગ કરીશ.૧૨. સીટ-બેલ્ટ પહેર્યા વગર ફોર વ્હિલર ચલાવીશ નહીં. ૧૫. ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ કરીશ નહીં. ૧૬. જ્યાં ચાર રસ્તા હોય, ત્યારે ખોટી ઉતાવળ કરી રસ્તો ક્રોસ કરવા વાહનની ગતિ વધારીશ નહીં.

વિદ્યાર્થીના જન્મદિવસ ઉજવણી નિમિત્તે સંકલ્પ લેવડાવાથી હકારાત્મક વલણ કેળવાશે. ટ્રાફિક સપ્તાહની ઉજવણી અને પ્રદર્શન દ્વારા દ્વિચક્રી અને ત્રિચક્રી વાહનની સલામત ડ્રાઇવિંગની સમજ આપી શકાય. વસતી વધવાની સાથે શહેરોનો થયેલ વિકાસ અને દ્યોગિક વિકાસના કારણે ટ્રાફિક ખૂબ જ વધ્યો છે. ટ્રાફિકના નિયમો, માર્ગ પરની નિશાનીઓની સમજ, રંગો, મુખ્ય આકારો,આદેશાત્મક ચિહનો, ચેતવણી ચિહ્નો, દિશાસૂચક નિશાનીઓ અને સલામત ડ્રાઇવિંગની સમજ શાળા કક્ષાએ અપાય તો વિદ્યાર્થીપેઢીને સલામત માર્ગ મુસાફરીની દિશામાં જાગૃત કરી શકાય.

ગુરુમંત્રઃ સાહિત્યિક શિક્ષણ મન અને હ્યદયને સલામત તેમજ શ્રેષ્ઠ બનાવે છે, જ્યારે ડ્રાઇવિંગનું શિક્ષણ શરીર અને જીવનને સલામત બનાવે છે.

;