બાળશિક્ષકોને તાલીમ આપતી એક અનોખી શિબિર - Sandesh
  • Home
  • Columnist
  • બાળશિક્ષકોને તાલીમ આપતી એક અનોખી શિબિર

બાળશિક્ષકોને તાલીમ આપતી એક અનોખી શિબિર

 | 3:04 am IST

અધ્યાપનના તીરેથી : પ્રા. મહેન્દ્ર જે. પરમાર

શિબિરાર્થીઓ દ્વારા ઢોલક,  મંજીરા અને કરતાલના તાલે નૃત્ય કરતાં કરતાં, ગીત ગાતાં ગાતાં મનાવાતા પ્રવેશોત્સવનું મૂલ્ય લાખો રૂપિયાના ખર્ચે યોજાતા સરકારી પ્રવેશોત્સવ કરતાં અનેકગણું છે. ‘છુકછુક કરતી રેલગાડી આવી રે’નું અભિનય સાથેનું ગાન ભૂલકાંઓમાં એક નવી આશા, ઉમંગ અને ઉત્સાહ જગાવે છે

જીવનમૂલ્યો શીખવવાનો ઉત્તમ સમય  બાલ્યાવસ્થા છે. મા-બાપ,  શિક્ષકો અને વડીલો બાળકના રોલમોડલ છે. ટીકા-નિંદા કર્યા વગર પ્રશંસા અને પ્રોત્સાહન દ્વારા બાળકનો ઉછેર યોગ્ય રીતે થાય તો સર્વાંગી વિકાસ થઈ શકે. વેકેશન એ બાળકના સ્વપ્નનું ઉછેરકેન્દ્ર છે. બાળપણનું શક્તિવર્ધક કેન્દ્ર છે. બાળકને મન ભરીને વેકેશન માણવા દો.

આજના આધુનિક યુગમાં ટી.વી. જોવાનું, કોમ્પ્યૂટર પર ગેમ્સ રમવાની સાથે મોબાઈલની મજા લૂંટવામાં નાનાં ભૂલકાંઓથી આબાલવૃદ્ધ  સૌ સતત ૨૪ કલાક ખોવાયેલા રહે છે. વેકેશન જાણે મોબાઈલમાં કેદ થઈ ગયું  હોય તેવા દૃશ્યો આપણી આસપાસ જોવા મળે છે. વેકેશનમાં જવાની તૈયારી કરી  ઘર બહાર પગ મૂકે ત્યાંથી પાછા ફરે ત્યાં  સુધીમાં  તો હજાર-બે હજાર ફોટા મોબાઈલમાં પડી ગયા હોય છે. સેલ્ફીઓએ જિંદગીની અસલી મજાનો છેદ જ ઉડાડી દીધો છે.

ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં શાળા-કોલેજોના પ્રથમ શૈક્ષણિક સત્રના પ્રારંભ નિમિત્તે વાત આજે કરવી છે. પ્રતિ  વર્ષ ઉનાળુ વેકેશનમાં યોજાતી એક અનોખી બાલવાડી શિબિરની.  મુનિ સેવા આશ્રમ ગોરજ સંચાલિત બક્ષીપંચ શારદામંદિર આશ્રમશાળામાં  તા. ૧૫ મેથી ૨૨ મે દરમિયાન ૧૩ ભાઈઓ અને ૯૩ બહેનો મળી કુલ ૧૦૬ યુવાન શિક્ષક ભાઈ-બહેનોની શિબિર કાબિલેદાદ છે. તેનું પ્રત્યક્ષ કામ નિહાળી ધન્યતા અનુભવી. બાળશિક્ષક તાલીમનું એક ઉત્તમ મોડલ પૂરું પાડતી શિબિરના મહત્ત્વના અંશો અત્રે પ્રસ્તુત છે. જે બાળશિક્ષક ક્ષેત્રે કામ કરતા સૌને ઉપયોગી બની રહેશે.

ઈ.સ. ૧૯૫૪માં સ્વ. જુગતરામ દવેએ બાલવાડી શિબિરનો પ્રારંભ કરીને તેને વ્યાપક સ્વરૂપ આપ્યું. બાળશિક્ષક ક્ષેત્રે એક નવી જ શિક્ષણક્રાંતિનો અહેસાસ કરાવ્યો. મૂળશંકર ભટ્ટ, ગિજુભાઈ બધેકા, રવિશંકર મહારાજ, બબલભાઈ મહેતા,  અન્નપૂર્ણાબહેન મહેતા અને અનુબહેન ઠક્કર જેવા અનેક બાળઋષિઓ શિબિરમાં જોડાતા. મોરારજી દેસાઈ, નવલભાઈ શાહ,  મનુભાઈ પંચોળી, દિલખુશ દિવાના અને ઉમાશંકર જોષી જેવા મહાનુભાવોની હાજરીથી શિબિરને ઘણું બળ અને પ્રેરણા મળતી. શિબિરની સફળતાએ રાજ્ય અને દેશ આખાનું ધ્યાન ખેંચાતા સને ૧૯૭૫માં આઈસીડીએસ ઇન્ટેલિવ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ-સાધન બાળ વિકાસ યોજના અમલમાં આવી.

ગુજરાતની મોટાભાગની સંસ્થાઓએ યોજના અંતર્ગત પોતાના બાલમંદિરો-બાલવાડીઓ સરકારને સોંપી દીધી. છતાં કેટલીક સંસ્થાઓ ઉચ્ચ  ભાવનાથી બાલમંદિરો ચલાવે છે અને બાળશિક્ષકોને શિબિરમાં મોકલે છે. ગુજરાત નઈ તાલીમ સંઘ, ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા ઈ.સ.  ૧૯૫૪થી પ્રારંભ કરીને તાજેતરમાં ૨૦૧૯માં સંપન્ન થયેલ ૬૫મી બાલવાડી શિબિર રાજ્યના બાળશિક્ષણની મહત્ત્વની ઘટના છે. અત્યાર સુધીમાં  ૧,૧૪૧ ભાઈઓ અને ૭,૪૬૩ બહેનો મળી કુલ ૮,૬૦૪ બાળશિક્ષકોએ શિક્ષક તાલીમ મેળવી છે.

નૈસર્ગિક વાતાવરણમાં પાંગરેલી સંસ્થામાં શિબિર ગોઠવાય છે. બાળકેળવણીને વરેલી સંબંધિત યજમાન સંસ્થા રહેવા-જમવાનો ખર્ચ ઉપાડે છે.  સેવાભાવી સંસ્થાઓ પણ મદદ કરે છે. શિબિરમાં સૌએ સ્વયં પોતાના કામો જાતે જ કરવાનો ઉપક્રમ છે. ઉતારાની સ્વચ્છતા,  ભોજનની થાળી સાફ કરવી,  સુશોભન કરવું, સમૂહ સફાઈ અને  અહેવાલ લેખન જેવી પ્રવૃત્તિઓ અનાયાસે બાળશિક્ષક તાલીમમાં વણતાં જાય છે. જે શિબિરાર્થીઓ માટે જીવન ઘડતરનું ઉત્તમ ભાથું બની રહે છે. ‘સ્વ’ને ઓળખવાનું, સારા-નરસાનો વિવેક કરવાનું અને સાદું સાત્ત્વિક જીવન જીવવાનું કૌશલ્ય પણ શિબિરના સમૂહજીવન દ્વારા આપોઆપ વિકસે છે.

વહેલી પરોઢના ૪.૫૦થી શિબિરનો પ્રારંભ થઈ રાત્રિના ૧૦ સુધીની ભરચક દિનચર્યાનું સ્વયં અક્ષરસઃ પાલન શિબિરાર્થીઓ કરે છે. સ્વયંશિસ્તનો એક અદ્ભુત  નજારો જોવા મળે છે. સંસ્થાના પરિસરમાં આવેલ હરિયાળાં વૃક્ષોના શીતળ છાંયમાં ગૌમૂત્રના છાણથી લીંપીગૂંપીને શણગારાયેલ ભૂમિ પર પાંચ પ્રકારની શાળાઓના સર્જનનું દૃશ્ય પ્રાચીન ગુરુકુળની યાદ અપાવે છે. આ પ્રકારની શિક્ષક  તા।લીમ ગોઠવાય તો રાજ્યના બાળશિક્ષણની આખી તાસીર બદલાઈ જતાં ઉત્તમ બાળશિક્ષકો મળે. પ્રારંભિક શિક્ષણનો પાયો ખૂબ મજબૂત  થાય. એક પણ રૂપિયાની સરકારી સહાય વિના વર્ષોથી બાળશિક્ષક તાલીમ આપતી શિબિરની નોંધ જેટલી લઈએ તેટલી ઓછી છે.

પ્રત્યક્ષ બાલવાડી, સર્જનશાળા, સંગીતશાળા, પ્રયોગશાળા અને  નાટયશાળા બાલશિક્ષક તાલીમના આ પાંચ મહત્ત્વના પિલરો છે. તેના પાયા પર બાલવાડી શિબિરની આખી રચના થયેલી છે. તેનું સંચાલન અને તાલીમ બાલશિક્ષણના બહોળા અનુભવી તજજ્ઞાો દ્વારા અપાતા રાજ્યમાં શિબિરે એક આગવી ઓળખ અને ઈમેજ પ્રસ્થાપિત કરી છે. પાંચ ગ્રૂપોમાં શિબિરાર્થીઓને વહેંચવામાં આવતાં દરેક શાળાનો ઘનિષ્ઠ અને જીવંત અનુભવ મળતાં પૂર્ણ શિક્ષક તરીકે સંપૂર્ણ સજ્જ બને છે. તેમનામાં આત્મવિશ્વાસ અને ઉત્સાહનો સંચાર થાય છે.

૧. પ્રત્યક્ષ બાલવાડી : સમગ્ર બાલવાડી શિબિરનું  ખાસ ધ્યાન કેન્દ્રિત કરતો આ વર્ગ શિબિરનું હાર્દ છે. ઘર છોડીને બાલવાડીમાં આવતા બાળકોના મનમાં ઘણી ગડમથલ, મૂંઝવણ અને ચિંતન થતું હોય છે.  માનસશાસ્ત્રની દૃષ્ટિએ સરળ લાગતું આ કાર્ય ઘણી જ ધીરજ અને ચોકસાઈ માગી લે છે. કાંતિભાઈ દેસાઈએ પોતાની વર્ષો જૂની પ્રયોગસિદ્ધ પદ્ધતિઓ દ્વારા પ્રત્યક્ષ બાલવાડીનું સર્જન કર્યું છે. નાનાં ભૂલકાંઓનું મન હરી લે તેવા આ વર્ગની આજુબાજુના પર્યાવરણમાંથી નમૂના, પીંછી, બટન, કચૂકા,  છીપલા, પાન, લીંબોળી, વેસ્ટ કાગળના ટુકડા વગેરે દ્વારા કરાયેલ ગોઠવણી અને શણગાર સુંદર કલાત્મકતાનો પરિચય કરાવે છે.

૨. સર્જનશાળા : બાલવાડીમાં વધુમાં વધુ સમય નાનાં નાનાં સર્જનાત્મક કાર્યો કરાવવામાં આવે તો બાળકને બાલવાડી ખૂબ ગમી જાય છે.   બીજા દિવસે દોડીને બાલવાડી જવા થનગને છે. નાની લાગતી આ વાત બાળશિક્ષણ માટે ખૂબ મહત્ત્વની છે. સર્જનાત્મક પ્રવૃત્તિઓનો અખૂટ ભંડાર ધરાવતા  માથાવાડા ગામના લાલજીભાઈ  શિયાળે છાપાના કાગળમાંથી હોડી, ટોપી, બાસ્કેટ, આગબોટ,  વિમાન, રંગીન કાગળમાંથી ફૂલો,  ફૂલદાની, પક્ષીઓ અને ભૌમિતિક આકારની આકૃતિઓના નિદર્શન દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ શીખવીને સર્જનાત્મક પ્રવૃત્તિઓની અનેક દિશાઓ ખોલી આપી છે. આજદિન સુધીમાં ૩,૫૦૦ પ્રા. શાળાઓ, ૬૯૪ મા. શાળાઓ અને ૬૦ જેટલી વિવિધ કોલેજોના ૨૭  લાખ વિદ્યાર્થીઓને જાપાનની ઓરીગામી પદ્ધતિ દ્વારા સર્જનાત્મક  નમૂનાઓ બનાવતાં શીખવ્યું છે. તેમના આ ઉમદા કાર્યને  સલામ.

૩. સંગીતશાળા : ટૂંકા, સરળ અને ગીત ગાતાં  તેનો ભાવ સમજી શકે તેવા અભિનય સાથે ગવડાવવામાં આવતાં બાળગીતો પ્રથમ દિવસે બાલમંદિર માં આવતાં  બાળકના ઘરના વાતાવરણના બદલાવમાં મોટી ભૂમિકા ભજવે છે. બાળશિબિરમાં ૪૦ વર્ષથી દ્રુપદભાઈ પરીખ અને હંસાબહેન પરીખની પતિ-પત્નીની જોડી સંગીતશાળા સંભાળે છે. પપેટ શોના કારણે આ વર્ગ ઘણો જ રમણીય અને જીવંત રહ્યો. સવારના આનંદમયી વાતાવરણમાં શિબિરાર્થીઓ બે અભિનયગીતો શીખી રજૂ કરે છે.

૪. નાટકશાળા : નાનાં બાળકોને પ્રવૃત્તિલક્ષી ખૂબ ગમે છે. તજજ્ઞો દ્વારા બાળનાટકો ભજવવા અંગેની રસપ્રદ ચર્ચાની સાથે ૧૨ બાળનાટકો અને ૧૦ એકપાત્રીય અભિનય શીખવવામાં આવ્યાં. નાનાં ભૂલકાંઓની અભિનયના વિકાસની સાથે કૌશલ્યો ખીલવતો આ વર્ગ ઘણો રસિક જોવા મળ્યો.

૫. પ્રયોગશાળા : વિજ્ઞાનના પ્રયોગોની સાથે જાદુઈ પ્રયોગોનો આ વર્ગ લેભાગુ પાખંડી તત્ત્વો દ્વારા ભોળાં ગ્રામવાસીઓને છેતરીને અંધશ્રદ્ધાના નામે ચલાવાતી લૂંટનો પર્દાફાશ કરી બાળકોમાં વૈજ્ઞા।નિક દૃષ્ટિ કેળવે છે. તજજ્ઞા મુકેશભાઈ ગજ્જર દ્વારા અરીસામાં અંકદર્શન, જાદુઈ વરસાદ, રંગીન પાણીના ફુવારા, ડોલતી મીણબત્તી, પાણીમાં કાગળ રાખવા છતાં કોરો રહેવો, પાણી ભરેલા ગ્લાસને ઊંધો પાડતા પાણી ન પડવું, બાટલીમાં ફુગગો ફુલાવવો,  નૃત્ય કરતાં કાગળના ટુકડા, સૂર્યપ્રકાશથી મેઘધનુષ્ય જોવું, સળગાવેલ કાગળની રાખમાંથી ચલણી નોટ કાઢવી,  નાળિયેરમાંથી ચૂંદડી કાઢવી, હાથમાંથી કંકુ ખરવું, મોંમાં બ્લેડો ભરવી વગેરે પ્રયોગોનું નિદર્શન હેરત પમાડે છે. તેમના આ જનજાગૃતિ અભિયાનને સાર્વત્રિક આવકાર રાજ્ય અને રાજ્ય બહાર સાંપડી રહ્યો છે.

રાજ્યમાં  એક માત્ર ૮ બાલ અધ્યાપન મંદિરોની બંધ થવાની ઘડીઓ ગણાઈ રહી છે. રાજ્યના બાલશિક્ષણ માટે આ સૌથી મોટો કુઠારાઘાત છે. બાળશિક્ષકની તાલીમ પર કાયમ માટે પૂર્ણવિરામ મુકાશે. આ બાળશિબિર દ્વારા અપાતી શિક્ષક તાલીમનું મૂલ્ય અનેકગણું વધી જાય છે. તેનો વ્યાપ વધે તે માટે ગૂજરાત વિદ્યાપીઠ અને  ગુજરાત સરકારે સાથે મળી યોજના ઘડી કાઢવાની જરૂર છે. બાલ અધ્યાપન મંદિરો બંધ કરવાના બદલે તેમાં બાળશિક્ષકોના તાલીમ વર્ગો ગોઠવાય તો ઘીના ઠામમાં ઘી પડી રહેશે. સંસ્થાઓ બચી જશે. બાલશિક્ષણ વધુ સમૃદ્ધ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન