મુસાફ્રી આપણને 'ટ્રેઇન' કરે છે! - Sandesh

મુસાફ્રી આપણને ‘ટ્રેઇન’ કરે છે!

 | 2:28 am IST

લાફ્ટર કાફેઃ હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

વન્સ અપોન અ ટાઇમ, મોંઘવારી વિશે એવું કહેવાતું કે ‘મોંઘવારી એ માઝા મૂકી છે,’ ‘મોંઘવારીએ કમ્મર તોડી નાખી છે’ કે ‘મોંઘવારીનો માર.’ પણ છેલ્લા કેટલાક સમયથી મોંઘવારીની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. વિકાસગામી જનતા અને વિકાસલક્ષી શાસકોને આજે ગૌરવ લેવાનું મન થાય એટલી ઝડપથી મોંઘવારી કાઠું કાઢી રહી છે. ક્યાંક કશુંક વધી રહ્યું હોય તો એનો અર્થ એ થયો કે ક્યાંક કશુંક ઘટી રહ્યું છે. કેટલાક લોકો ફ્રિયાદ કરતા હોય છે કે ટ્રેન અને એસ.ટી. બસના ભાડા વધી ગયા છે, પણ હકીકતમાં એવું નથી. ખરેખર તો વિમાનના ભાડા ઘટવા માંડયા એટલે આપણને એવું લાગે છે કે ટ્રેન અને એસ.ટી.ના ભાડા વધી ગયાં!

થોડા સમય પહેલાં મારે વડોદરા જવાનું થયું, પણ મારા હમઅક્કલ મિત્ર બાબુ બોસે એવા સમાચાર આપ્યા કે અમદાવાદથી વલસાડ સુધી એક જ ભાડું, પછી વડોદરા ઉતરો, સુરત ઉતરો કે વલસાડ – કોઈ ફ્રક નહીં અલબત્તા. આમેય હું પૂરો અમદાવાદી, વિચાર્યું કે ચાલને ત્યારે વલસાડ જઈ આવું.

આમેય હું રીઝર્વેશન વગર બહાર નીકળું નહીં. જમાનો અને સરકાર પણ રીઝર્વેશનની છે. મારી રીઝર્વ્ડ સીટ પર ગોઠવાયો ત્યાં જ એક ભાઈ જેવો લાગતો પેસેન્જર આવ્યો. “સાહેબ ખસોને, મારે નડિયાદ જ ઊતરવાનું છે. આ તો પંખીડાનો માળો, કોઈ વટવા ઉતરે તો કોઈ નડિયાદ… બાય ધ વે તમારે ક્યાં સુધી જવાનું?”

“વડોદરા.” ગુસ્સાની વરાળને દાબી રાખી મેં બારી બહાર જોયું.

“વાહ!” એણે મારા કોઈપણ પ્રકારના પ્રતિભાવની રાહ જોયા વિના મારી બાજુમાં બેસી મને સહેજ હડસેલતાં કહ્યું, “મને થતું’તું જ કે મુસાફ્રીમાં કોઈ સારી કંપની મળે તો સારું! અને તમારા જેવો સજ્જન માણસ મળી ગયો! આપનું શુભ નામ?”

“હર્ષદ પંડયા,” મેં સામે જોયા વિના કહ્યું.

“વાહ!” એણે બીજીવાર નાનકડો હડસેલો મારીને કહ્યું. “યથા નામઃ તથા ગુણઃ કે પછી યથા ગુણાઃ તથા નામઃ, એ જે હોય તે; પણ તમે નામ પ્રમાણે ગુણ ધરાવો છો! જુઓને, જાત પર વેઠીનેય બીજાને હર્ષ આપો છો! મને થતું’તું જ કે કોઈ કર્ક રાશિવાળી કંપની મળે તો સારું, અને થયું પણ એવું જ!”

મને ચૂપ બેઠેલો જોઈ પેલાએ ધીરેથી ‘સંદેશ’ ખોલીને વાંચવાનું શરૂ કર્યું.

“છાપું વાંચવાની ટેવ ખરી?” એણે છાપામાં નજર રાખીને કહ્યું.

મેં નકારમાં માથું ધૂણાવ્યું, પણ એણે જોયું કે નહીં એની મને ખબર ન પડી. એણે ફ્રીથી કહ્યું, “જુઓને, હવે તો બળાત્કાર, હત્યા, આત્મહત્યા, લૂંટફટ સિવાય કશું આવતું જ નથી.”

હું ચૂપ રહ્યો.

“સમાજ આટઆટલો દુઃખી થઈ રહ્યો છે અને કેટલાંક નવરા લેખકોને હસી મજાક સૂઝે છે. આ વાંચો ‘લાફ્ટર કાફે’ નામની કોલમમાં કોઈ અક્કલ વગરના લેખકે હસવાની વાતો લખી છે.  દેશ ક્યાંથી ઊંચો આવે?”

હું સમસમી ગયો – નડિયાદ આવતાં એ ઊતરી ગયો. મને એની પર નહીં, જાત પર ચીડ ચઢી કે ત્રણ દિવસ પહેલાં લાઈનમાં ઊભા રહી લોકોની ધક્કા-મુક્કી સહન કરીને મેં આવા અલેલ્લ ટપ્પુનું આવું બધું સાંભળવા માટે રિઝર્વેશન કરાવ્યું? ખરેખર, દેશ ક્યાંથી ઊંચો આવે?

હજી તો હું દેશના ભાવિ વિશે વિચારતો’તો ત્યાં જ એક બહેન મારી લગોલગ આવીને ઊભાં. આમ લગોલગ, તોય અલગ… મેં ધીરેથી હિંમત કરીને એમની સામે જોયું, એ મલક મલક મલકી રહ્યાં’તાં. ખૂબ સંયમ રાખવા છતાં મારાથી પણ મલકાઈ જવાયું. મને વિશ્વામિત્ર ઋષિ યાદ આવી ગયા. જાતને આશ્વાસન આપવા ઋષિસ્મરણ પૂરતું હતું.

“સહેજ ખસશો,” સોનાની ઘંટડીમાંથી રૂપાનો અવાજ આવે એવો રૂપાળો અવાજ આવ્યો, “ઇફ્ યુ ડોન્ટ માઇન્ડ!”

“આઇ હેવ નો માઇન્ડ” એમ મારાથી બોલાઈ જાત, પણ હું મૌન રહ્યો. પછી થયું કે સારું થયું હું મૌન રહ્યો. સહેજ સ્મિત કરી હું સહેજ સંકોચાઈને બેઠો. મારી બીજી બાજુમાં બેઠેલા ભાઈએ પોતાની બેઠક સ્થિતિમાં સહેજપણ ફેરફર કર્યો નહીં એ મેં નોંધ્યું. મારા સ્વભાવમાં ઇલાસ્ટિકપણું આવ્યું, પણ મારી બીજી સાઇડમાં બેઠેલા ભાઈમાં લોખંડી અક્કડપણું જળવાઈ રહ્યું. મને થયું કે પુરુષો પણ ઈર્ષાથી મુક્ત નથી હોતા. બાજુવાળાનું સુખ આપણાથી સહન કેમ નહીં થતું હોય – એવા ઉચ્ચ વિચારો મને આવવા માંડયા.

“વલસાડ જવાના?!” એ જ મધુરો અને લપસણો ટહુકો!

“જી!” મેં પ્રયત્નપૂર્વક સાત્વિક સ્મિત કર્યું. મોટાભાગના સહનશીલ પુરુષોના જીવનમાં કેટલીક ક્ષણો એવી આવે છે જ્યારે પુરુષથી સહજ – આપોઆપ – સ્મિત થઈ જતું હોય… સામુદ્રિક શાસ્ત્રવાળા આવા સ્મિતને શુકનિયાળ માને છે. મને જ્યોતિષશાસ્ત્રમાં રસ પડવા માંડયો.

બાજુમાં બેઠેલી યુવતીએ, મારા મૌન વર્તન પરથી મને ‘બોર’ સમજીને કે ગમે તે આશયે પર્સમાંથી સંદેશ અખબાર કાઢીને, પાનાં ફેરવવા માંડયા.

થોડીવારે લાગ્યું કે પાનાં ફેરવતાં ફેરવતાં એની નજર મારા જ હાસ્યલેખ પર સ્થિર થઈ. પાંચેક મિનિટ સુધી એણે પાનું ફેરવ્યું નહીં. એટલે મને લાગ્યું કે મારો લેખ એ કેટલી ધ્યાનમગ્ન થઈને અને રસપૂર્વક વાંચી રહી છે. ધ્યાનમગ્ન થઈને બેઠેલો ગમે તેવો ‘ભગત’ પણ ભગવાનને વહાલો લાગે. સાચું કહું, મને પણ આ યુવતી માટે વહાલ ઉપજ્યું. બની શકે એટલા સંયમથી મેં ધીરેધીરે એના ચહેરા સામે જોયું, તો? એ તો આંખો બંધ કરીને ઝોકે ચડી ગઈ’ તી! મને મારા જેવા જ એક હમદર્દ શાયરની પંક્તિ યાદ આવી ગઈ :

‘નજર સામે તમન્નાનું પતન જોયું નથી જાતું.’

ટ્રેનનો અચાનક હડસેલો લાગવાથી એ ઝબકી ગઈ.

“સોરી.” એણે સ્મિતની સુગંધ ફેલાવી. મેં પણ જાણે કે ‘ડોન્ટ માઇન્ડ – ડોન્ટ માઇન્ડ જેવો પુરુષ-સહજ ખાનદાનીભર્યો પ્રતિસાદ આપી બારી બહાર જોયું. વડોદરા આવી ગયું’તું. પેસેન્જરોની ચહલપહલની સહેજ પણ નોંધ લીધા વિના હું બારી બહાર પ્લેટફેર્મ પર ‘લીલો ચેવડો’વાળા સ્ટોલને જોઈ રહ્યો’તો.

“બીજું તો આપણે આ બાજુવાળીને શું આપી શકવાના હતા? લાવ થોડો ચેવડો લઈ આવું.”

એમ વિચારી મેં બાજુમાં જોયું તો એ તો હતી જ નહીં, કોઈ ફળિયાવાળા કાકા બેઠેલા! લીલો ચેવડો મને સાવ સૂક્કો અને પીળો લાગવા માંડયો. ભૂખ પણ એકાએક રીસાઈ ગઈ’તી.

છેવટે, ‘માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લહાવો’ એમ બબડી વલસાડ સ્ટેશને ઊતર્યો ત્યારે મને આંચકો લાગ્યો. નડિયાદ ઉતરવું છે એવું કહીને અમદાવાદથી બેઠેલો પેલો યુવાન વલસાડ ઊતર્યો’તો! મેં એને પૂછયું ત્યારે એણે કહ્યું, “સ્ટેશને સ્ટેશને ડબો બદલતો બદલતો આટલે સુધી આવી ગયો. બસ, એ જ રીતે મુંબઈ પહોંચી જઈશ!”

શુગર ક્યુબ :

– એક ડોલરનો ભાવ ૭૦ રૂપિયાને વટાવી ગયો!

– આને કહેવાય રૂપિયાનો ‘આર્થિક’ વિકાસ!

[email protected]