આદિવાસી વિસ્તારોમાં પુરુષોની સરખામણીએ મહિલાઓ મતદાનમાં અવ્વલ - Sandesh
  • Home
  • Ahmedabad
  • આદિવાસી વિસ્તારોમાં પુરુષોની સરખામણીએ મહિલાઓ મતદાનમાં અવ્વલ

આદિવાસી વિસ્તારોમાં પુરુષોની સરખામણીએ મહિલાઓ મતદાનમાં અવ્વલ

 | 8:18 am IST

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે પછાત ગણાતા દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લાની મહિલાઓ લોકોશાહીના આધારસ્તંભ સમી વિધાનસભાની ચૂંટણીમાં પોતાનો મત આપી ઉમેદવાર ચૂંટવામાં પુરુષો કરતાં આગળ છે. ગુજરાતની ૧૮૨ વિધાનસભા બેઠકોમાં મહિલાઓ જે જિલ્લામાં વધુ શિક્ષિત ગણવામાં આવે છે તેવા અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ સહિતના જિલ્લાઓમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓના મતની ટકાવારી ઓછી જોવા મળે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, અને દાહોદ જિલ્લાની તમામ વિધાનસભાની બેઠકોમાં ૨૦૧૨ની ચૂંટણીના સરેરાશ મતદાનમાં પુરુષો કરતાં મહિલાઓએ બાજી મારી હતી.

દક્ષિણ ગુજરાતમાં આદિવાસી નાગરિકો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. જો કે શિક્ષણ ક્ષેત્રે જોઈએ તો દર વર્ષના ધો.૧૦ અને ૧૨ના પરિણામમાં આ વિસ્તારના વિદ્યાર્થીઓનું પરિણામ અન્ય જિલ્લાઓની સરખામણીમાં ઓછું નોંધાય છે. પરંતુ ભલે શિક્ષણ ઓછું હોય પણ વિધાનસભામાં પોતાના વિસ્તારમાંથી વિધાયક પસંદ કરવામાં આદિવાસી વિસ્તારની મહિલાઓ અગ્રેસર છે. ગુજરાત વિધાનસભા-૨૦૧૨ની ચૂંટણીની વાત કરીએ તો નવસારી જિલ્લામાં જલાલપુર, નવસારી, ગણદેવી અને વાંસદા એમ કુલ ૪ વિધાનસભાની બેઠકો આવેલી છે. આ ચારેય બેઠકોમાં ૨૦૧૨માં સરેરાશ ૭૫.૫૮ ટકા મતદાન થયું હતું. જેમાં ૭૫.૨૩ ટકા મત પુરુષોના હતા. જ્યારે ૭૫.૯૬ ટકા મત મહિલાઓના પડયા હતા. વલસાડ જિલ્લામાં ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા અને ઉમરગામ મળીને કુલ ૫ બેઠકો આવેલી છે. વલસાડ જિલ્લાની પાંચેય બેઠકોનું મળીને સરેરાશ ૭૩.૭૯ ટકા મતદાન થયું હતું. જેમાં ૭૨.૮૫ ટકા પુરુષ અને ૭૪.૮૧ ટકા મહિલાઓએ મતદાન કર્યુ હતુ. તેમજ ડાંગ જિલ્લાની ડાંગ એકમાત્ર બેઠક છે માટે ડાંગમાં સરેરાશ ૬૮.૭૬ ટકા મતદાન થયું હતું. જે પૈકી ૬૭.૭૦ ટકા મતદાન પુરુષોનું જ્યારે ૬૯.૮૩ ટકા મતદાન મહિલાઓએ કર્યું હતું.

આ સિવાય પંચમહાલ જિલ્લાની દેવગઢ બારિયા વિધાનસભામાં ૭૮.૮૫ ટકા પુરુષોએ મતદાન કર્યુ હતું. ૮૦.૪૩ ટકા મહિલાઓએ મતદાન કર્યુ હતુ. મોરવાહડફ બેઠકમાં ૬૫.૯૫ ટકા પુરુષોએ મતદાન કર્યુ હતું. ૭૨.૨૨ ટકા મહિલાઓએ મતદાન કર્યુ હતુ. શહેરા બેઠકમાં ૭૩.૯૫ ટકા પુરુષોએ મતદાન કર્યુ હતું તો ૭૪.૩૭ ટકા મહિલાઓએ મતદાન કર્યુ હતુ. સંતરામ બેઠકમાં ૬૮.૨૭ ટકા પુરુષોએ મતદાન કર્યું હતું તો ૬૯.૩૯ ટકા મહિલાઓએ મતદાન કર્યું હતું. પાટણની સિદ્ધપુર બેઠકમાં ૭૬.૮૭ ટકા પુરુષોએ મતદાન કર્યું હતું તો ૭૭.૦૯ ટકા મહિલાઓએ મતદાન કર્યું હતું.