આદિવાસી સમાજની જીનલશૈલી - Sandesh
NIFTY 10,993.30 -25.60  |  SENSEX 36,509.42 +-32.21  |  USD 68.6000 +0.08
1.6M
1M
1.7M
APPS

આદિવાસી સમાજની જીનલશૈલી

 | 5:06 am IST

આ દિવાસીઓ મોટાભાગે ડુંગરાળ અને વન્ય વિસ્તારમાં રહેતા હોવાથી તેમનાં રહેઠાણો ખેતરોમાં, ડુંગરાળ પંથકમાં વધુ જોવા મળે છે. તો નાનાં ગામો બનીને પણ તેઓ વસ્યા છે. તેમના રહેઠાણો ઘાસ, વાંસ, લાકડું, પથ્થર, છાણ, માટીથી બનાવેલાં વધુ જોવા મળે છે. મોટાભાગના આદિવાસીઓ કાચાં ઝૂંપડાંમાં રહે છે, જોકે હવે સરકારી યોજનાઓનો લાભ મળતાં પાકાં મકાનો પણ થયાં છે. પરંતુ મૂળભૂત રીતે તેમનાં કાચાં ઝૂંપડાં ઘાસ, ખજૂરીનાં પાન, પતરાં વગેરેથી ઢાંકેલાં જોવા મળે છે. જે વિસ્તારમાં વાંસ વધુ થતા હોય ત્યાં છાપરાં બનાવવામાં વાંસનો ઉપયોગ વધુ કરાય છે. વાંસની ચીપો બાંધીને કે ગૂંથીને બનાવેલી ભીંતો પર છાણથી લીંપણ કરેલી દીવાલ બનાવાય છે. ક્યાંક આ દીવાલો માટી અને છાણ ભેગું કરીને બનાવેલ હોય છે. જ્યારે ભોંયતળિયે લીંપણમાં હાથથી ઓકળીઓ (ભાત) પાડે છે. પૈસાપાત્ર હોય તે નળિયાંથી છત બનાવે છે. ઘણે ઠેકાણે ઘરને બારણાં હોય છે, જ્યારે ઝૂંપડાંને બારણાં હોતા નથી. ત્યાં કપડું બાંધી, પડદો કરી અથવા વાંસનું ઝાંપલું બનાવી, બારણાંની જેમ મૂકી દે છે. બારણાંની જગ્યાએ ક્યાંક કોથળા લટકાવીને કામ ચલાવે છે.

પાલના રાઠવા પુસ્તકમાં લખ્યું છે કે આદિવાસી સમૂહમાં રહેવા ટેવાયેલા નથી. જેથી દરેક પોતાના ખેતરમાં કે વાડામાં ઘર બાંધીને રહે છે. ઘરની ફરતે વાડ કરે છે. ઘરની આગળ ઓટલો, પાછળ અડાડી, કેટલાક ઘરની ચારે બાજુ તરફ એક ઢાળિયા, અડાડી બનાવે છે. ઘરની બાંધણી કાચી, ભીંતો કરાંઠાંની, વાંસના ખપેડાની અગર ચીપોની કેટલીક જગ્યાએ ઈંટોની ભીંતો પણ હોય છે. ભીંતોમાં અજવાળા માટે બાકોરાં રાખે છે. ઘરમાં જુદા જુદા ઓેરડા હોતા નથી. છાપરા ઉપર તાડ કે સાગનાં પાંદડાં પાથરેલાં હોય છે. ક્યાંક કરાંઠાંનું સૈડણ તો ક્યાંક નળિયાં પાથરેલા હોય છે.

તેમના ઘરમાં પાણિયારું હોતું નથી. પાણી માટે ઘર આગળ બહારના ભાગે લાકડાની માળી (માંચડો) બનાવેલી હોય છે. તેના પર પાણીનું મોટું માટલું કે ગોળી ભરીને મૂકી રાખે છે. પાણી કાઢવા તૂંબડી કે વાસણ રાખે છે. તેઓ પાણી હાથની પોશ (ખોબો) વાળીને અથવા ઊંચા હાથે પીએ છે. ઘરની બહાર પાણી રાખવાનું એક કારણ એવું જાણવા મળેલું કે મેમોન (મહેમાન) આવે તો જાતે લઇને બહાર જ પાણી પી શકે (દરેક મહેમાન કે આગંતુકને ઘરમાં પ્રવેશની છૂટ નથી હોતી તેથી). ઘરની બહાર કે છાપરા સામે બીજું એક અડારું યાને થાંભલીઓ રોપીને ઊભંુ કરેલું છાપરું હોય છે. જયાં તેઓ તેમના ઢોર, બળદ, ગાય, ભેંસ, કે બકરાં બાંધે છે. આદિવાસીઓ કૂકડા, મરઘાં, બકરાં બાંધે છે. આદિવાસીઓ કૂકડા, મરઘાં, બકરાં પણ રાખે છે. ઘરની નજીક જ વાડો બનાવે છે, જેમાં શાકભાજી ઉગાડે છે, જે તેમના રોજિંદા ભોજનમાં ઉપયોગમાં લે છે.

ઘરનાં રાચ-રચીલાં કે ઘરવખરી (સર-સામાન)માં જોઇએ તો ખૂબ ઓછી સાધન-સામગ્રી તેઓ વસાવે છે. અથવા તો આર્થિક સ્થિતિ જોતાં તેમના ઘરમાં સાધન સામગ્રી જરૂર પૂરતી જ હોય છે. જેમકે રસોઇ માટેનાં જરૂરી વાસણો, જે એલ્યુમિનિયમ કે પિત્તળનાં હોય, પાણીનાં એક-બે માટલાં, એક-બે ગોદડી જે જૂનાં ગાભાં-કપડાંમાંથી જાતે સીવીને બનાવેલી હોય, ખાટલો કે જે કાથીની દોરી કે શણની દોરીથી ભરેલો હોય, ફાનસ કે ખડિયો (હવે તો લાઇટ વીજળી પણ આવી ગઇ છે) વાંસના પાલા, વાંસની કે માટીની કોઠીઓ, ઘંટી, ખાંડણિયો, સાંબેલું કપડાં લટકાવવા વળગણી – જે વાંસડો બાંધીને બનાવેલી હોય, વાંસના ટોપલા, ચૂલો, માટીનાં વાસણોમાં ખાસ રોટલા શેકવાનું કલાડું થોડાં ખેતીના ઓજારો, જ્રૃર પૂરતાં કપડાં, લાકડી વગેરે.

આદિવાસીઓ રાંધવા માટે હાંડલીઓ વાપરે છે, જે માટીની કે અલ્યુમિનિયમની હોય. રોટલા કેળવવા માટે કથરોટ, જે ધાતુની કે લાકડાની હોય છે. દાળ હલાવવા ડોયો કે ચાટવો, જે લાકડાનો હોય, નાળિયેરના કાચલાનું અડધંુ ફાડિયું કરી તેમાં એક બાજુ કાણું પાડી તેમાં નાની લાકડી પરોવી ફીટ કરી દે, તે રીતે ડોયો બની જાય છે, જેનો ઉપયોગ પ્રવાહી ખોરાક હલાવવામાં તથા તે પીરસવામાં કરાય છે. અગાઉ થાળી, લોટો, વાટકી વગેરેનો ઉપયોગ કરે છે.

સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના પોશીના પટ્ટા, લાંબડિયા પટ્ટા, દેલવાડા પટ્ટા, રાજસ્થાન છાવણી તથા બનાસકાંઠાના દાંતા પટ્ટા પર ડુંગરી ભીલો વસે છે. તેઓ અરવલ્લી પહાડની ગિરિમાળાઓની તળેટીમાં ખોલરાં બાંધીને વસે છે. ત્યાં ખજૂરી વધુ ઊગતી હોવાથી તેના થડનો ઉપયોગ મોભ તરીકે અને તેના પાંદડાંનો ઉપયોગ ઘર ઢાંકવામાં કરે છે. ખજૂરીના પાનમાંથી દોરડાં પણ બનાવે છે, જે ખાટલો ભરવાના ઉપયોગમાં લેવાય છે. આ ખોલરાં (ઘર)ની આગળ એક ઝાંપલી હોય છે, જે તેમનું પ્રવેશદ્વાર હોય છે. ડુંગરી ભીલોના ખોલરાને બે કે ત્રણ ઓરડા હોય છે. ભીંતો પથ્થરથી ચણીને કે માટીથી થેપીને બનાવે છે. દીવાલોને સફેદ મરડિયા કે લાલ માટીથી લીંપે છે. ક્યાંક છાણનો પણ ઉપયોગ થાય છે. ઘર બાંધવામાં લાકડું જેમાં સાદડ, શિરીષ, વાંસ, ખજૂરીનો ઉપયોગ કરે છે. ઘર આગળ ઊંચે એક ટોપલું બાંધેલું હોય છે. જેમાં રાતના સમયે કૂકડા (મરઘાં) રાખે છે. તેને પાણ્નું કહે છે. ડુંગરી ભીલો ઘર આગળ ઢોર બાંધે છે. તેમની ઘરવખરીમાં રસોડામાં માટીનાં, પિત્તળનાં, એલ્યુંમિનિયમનાં જરૂરી વાસણો તથા કોઠીઓ હોય છે.

આદિવાસીઓ ઘર બાંધવામાં જમીન કરતાં ઊંચી સપાટ જગ્યા પસંદ કરે છે, જેથી ત્યાં વરસાદી પાણી ભરાઇ ન રહે. જગ્યાની પસંદગી માટે ડાંગરના દાણા જગ્યા પર મૂકી ગણતરી કરે છે અથવા જમીન પર તેની ઢગલીઓ કરે છે, જે બીજી સવાર થતાં વિખેરાઇ ન જાય તો તે જગ્યા સારી છે, એમ માને છે. મકાન બાંધવા મૂરતની થાંભલી રોપે છે. મોટાભાગે અમાસ પછીનો પાંચમો, છઠ્ઠો દિવસ લેવાય છે. તેમાંય વારને વધારે મહત્ત્વ આપે છે.

છોટાઉદેપુરના પૂર્વ ભાગમાં થાંભલી નાખવા ગુરુવારને શ્રેષ્ઠ ગણે છે. સંખેડા, મેવાસ, જેતપુર તરફ શનિવાર, મંગળવાર સિવાયના વાર લેવાય છે. કેટલાક બ્રાહ્મણ પાસે મુહૂર્ત જોવડાવે છે, તો કેટલા જાણકાર વૃદ્ધોને પૂછીને તેમની પાસે નાળિયેર વધેરીને મૂરત કરે છે. તાડ અને સાગના વૃક્ષનાં પાંદડાં કાપી છત પર મૂકે છે. કેટલાક ખાખરાના પાનનો ઉપયોગ કરે છે. અહીં પાકાં ઘરોને બારણાં બનાવે છે, પણ તેને તાળાં મારવામાં આવતાં નથી. ઘરની કે છાપરાની ઊંચાઇ ઓછી હોય તેથી બારણાં નાના-નીચાં હોય છે, જેથી નીચા નમીને તેમાં અવરજવર થાય છે. ભીંતો પર લાકડાની ખીંટીઓ બનાવે છે. તેના પર કપડાં નાખે છે. તેઓના ઘરમાં જાજરૂ હોતું નથી. શૌચક્રિયા માટે ખેતરો કે જંગલોમાં ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરે છે. નહાવા માટે ઘર આગળ પથરો મૂકી ખાટલાની આડશ કરી નહાય છે. તે પથરાને નાવણીયું કહે છે. પાણી માટે નજીકના કૂવા નદી-નાળાં, તળાવનો સહારો લે છે.