ભાજપના વિધાનસભ્યની ડગળી ચસકી, સોનાલી બેન્દ્રેને જીવતેજીવ આપી શ્રદ્ધાંજલિ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ભાજપના વિધાનસભ્યની ડગળી ચસકી, સોનાલી બેન્દ્રેને જીવતેજીવ આપી શ્રદ્ધાંજલિ

ભાજપના વિધાનસભ્યની ડગળી ચસકી, સોનાલી બેન્દ્રેને જીવતેજીવ આપી શ્રદ્ધાંજલિ

 | 7:25 am IST

પોતાના કાર્યકર્તાઓને રીઝવવા માટે જો કોઈ છોકરી લગ્ન કરવાની ના પાડે તો તેને ભગાવીને લાવીશ, એવું એલફેલ નિવેદન કરનારા ભાજપના મુંબઈના પ્રવક્તા અને વિધાનસભ્ય રામ કદમે વધુ એક લોચો માર્યો છે. વિદેશમાં કેન્સરની બીમારીની સારવાર લઈ રહેલી બોલિવૂડની અભિનેત્રી સોનાલી બેન્દ્રેને જીવતેજીવ તેમણે શ્રદ્ધાંજલિ આપી હતી. કેન્સરની સારવાર કરાવી રહેલ સોનાલી બેન્દ્રેનાં નિધન બદલ કદમે ટ્વિટ કરતાં સોશિયલ મીડિયા પર તેમની ઠેકડી ઉડાવવામાં આવી રહી છે.

રામ કદમનાં અધિકૃત ટ્વિટર એકાઉન્ટ પર બપોરે બે વાગ્યે અભિનેત્રી સોનાલી બેન્દ્રેનું મૃત્યુ થયું હોવાની પોસ્ટ મુકાઈ હતી. ‘હિન્દી અને મરાઠી ફિલ્મજગતની અભિનેત્રી અને એક સમયે પ્રેક્ષકોનાં દિલમાં રાજ કરનારી અને પોતાના અભિનયનો કામણ પાથરનારી અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ છેલ્લા શ્વાસ લીધા, તેને ભાવભરી શ્રદ્ધાંજલિ,’ એવું કદમે ટ્વિટ કર્યું હતું.

કદમે ટ્વિટ કરતાં જ અનેક લોકોએ જવાબ દેવાનું શરૃ કરી દીધું હતું, જોકે આ વાત અફવા હોવાની જાણ થતાં જ કદમે મૂકેલી પોસ્ટને ડિલીટ કરી નાખી હતી અને સોનાલી બેન્દ્રેનાં નિધનની અફવા હોવાનું કહીને નવી પોસ્ટ મૂકી હતી. સોનાલી બેન્દ્રેનાં નિધનની અફવા બે દિવસથી ચાલી રહી છે. હું તેનાં સારા આરોગ્ય માટેની પ્રાર્થના કરું છું, એવું તેમણે લખ્યું હતું.

જોકે કદમે સુધારેલી પોસ્ટ મૂકી ત્યાંસુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. રામ કદમે કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો, તેને કારણે ફરી એક વાર રામ કદમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. સોનાલી બેન્દ્રેનાં મૃત્યુ બાબતે ટ્વિટ કરતાં તેના ચાહકોએ રામ કદમ વિરુદ્ધ પોતાનો રોષ ઠાલવ્યોે હતો.

અહીં નોંધવું ઘટે કે સોનાલી બેન્દ્રેને હાઇગ્રેડ કેન્સરની બીમારી છે અને હાલમાં તે અમેરિકામાં સારવાર લઈ રહી છે. હાઇગ્રેડ કેન્સરનો રોગ એટલે ઝડપથી પ્રસરતું કેન્સર.