Tricks to live a healthy and fun life give you benefit
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સ્વસ્થ રહીને મસ્તીભર્યું જીવન જીવવાની ટ્રિક્સ

સ્વસ્થ રહીને મસ્તીભર્યું જીવન જીવવાની ટ્રિક્સ

 | 12:00 pm IST
  • Share

ડાયટિંગનો અર્થ આપણે બધા ખોટો કરવા લાગ્યા છીએ. ડાયટિંગનો અર્થ એવો કરવામાં આવે છે કે ખોરાક ઓછો કરવો અથવા અમુક પ્રકારનો ખોરાક સાવ બંધ કરી દેવો. સાચો અર્થ એવો બિલકુલ નથી.

ડાયટિંગને સાચા અર્થમાં સમજો

ડાયટિંગમાં ડાયટ અને ઈટિંગ એમ બે શબ્દો ભેગા થાય છે. ડાયટનો અર્થ છે તમારા રોજબરોજના ભોજનમાં તમે જે જે પદાર્થો લો છો એની યાદી. એ તમારો ડાયટ કહેવાય. એ ડાયટ પ્રમાણે રોજેરોજ નિયમિત ખાવું એટલે ડાયટિંગ. હા, તમારા રોજના ખોરાકમાં પાચનમાં ભારે અને આરોગ્યને નુકસાન કરનાર વાનગીઓ છે તેમનું પ્રમાણ મર્યાદામાં લઈ આવવું અને એની સાથે પચવામાં સરળ એવા પ્રોટીન, ફાયદાકારક ચરબી, જરૂરી કાર્બોહાઈડ્રેટ્સ(શર્કરા) અને ફાઈબર એટલે કે રેષાનું પ્રમાણ જરૂરી હોય એટલું ઉમેરીને એને પણ રોજના ભોજનમાં સામેલ કરો.

દા.ત. ચોકલેટ કેક ભલે રોજ ખાવાનો શોખ હોય તો ખાતા રહો, પરંતુ રોજની ૫૦૦ ગ્રામ કેક ખાતા હોવ તો એને મર્યાદામાં લાવી ૨૦૦ ગ્રામ કરી દો. ચાર મહિના પછી એને ૧૦૦ ગ્રામ પર લઈ આવો. શક્ય હોય તો કેકને બદલે ડાર્ક ચોકલેટ ખાવાનો શોખ કેળવો.

તો ડાયટિંગની છ ચાવી છે, તમારા શરીર માટે જરૂરી બધાં પોષકતત્ત્વો મળી રહે અને તમારા શોખની વાનગીઓ પણ સમાઈ જાય એવી રીતે રોજેરોજનો ખોરાક નક્કી કરવો. પછી એને નિયમિત રીતે રોજેરોજ વળગી રહેવું. તમારા રોજના ખોરાકના ટાઈમટેબલમાં તમે એક-બે અઠવાડિયે એક ટંક ગાપચી મારી શકો. એટલે કે આ બધી મર્યાદાઓ અને નિયંત્રણો ફગાવીને મનફાવે એ ઝાપટવાની મોજ કરી શકો, પરંતુ એ માત્ર એક ટંક માટે જ રાખવું.

ડાયટિંગમાં તમારા ભોજનમાં જે વાનગીઓ આવે એ નિયંત્રણમાં રાખવાની સાથે જ તમારા મનને જેલ જેવું ન લાગે એ પણ ધ્યાન રાખવું. એટલા માટે જ કોઈ કુશળ ડાયટિશિયનની મદદ લેવી સલાહભર્યું છે.

હાડકાં માટે કેલ્શિયમ જરૂરી તો છે પણ…

હવે તમારાં હાડકાંની મજબૂતીની વાત કરીએ. આપણું પાચનતંત્ર સરસ ચાલતું હોય અને આરોગ્ય ફૂલગુલાબી રહેતું હોય તો આપણાં હાડકાં પણ સ્વસ્થ અને મજબૂત બની જ જશે, પરંતુ જે બહેનો દૂધ નથી પીતી, શાકાહારી છે, બદામ પણ નથી ખાતી એવી બહેનોએ દરરોજ તડકામાં ઓછામાં ઓછી ૨૦ મિનિટ બેસવું જરૂરી ગણાય. એથી આપણા શરીરને વિટામિન ડી મળતું રહે છે અને કેલ્શિયમની ખોટ ઊભી થતી નથી. ૫૦ વર્ષની ઉંમર સુધી તમારે કેલ્શિયમ મળે એવું કશું જ ખાવાની જરૂર નથી. તમને માત્ર ૧૦૦૦ મિલિગ્રામ કેલ્શિયમની જરૂર પડે છે. એ તો કોઈ પણ રીતે શરીર મેળવી જ લેશે. જો દૂધ પીવાની ટેવ હોય તો બીજી કશી ચિંતા ન કરશો. જો રોજેરોજ કેલ્શિયમ મળે એવું કશુંક ખાતા રહેશો તો કિડનીમાં પથરી થશે અથવા હૃદયને તકલીફ પડતી થઈ જશે.

હા! ૫૦ વર્ષની ઉંમર પછી રોજેરોજ તમારા શરીરની કેલ્શિયમની જરૂર વધીને ૧૨૦૦ મિલિગ્રામથી ૧૪૦૦ મિલિગ્રામ થઈ જશે. એટલે હવે તમારે ૨૪ કલાકમાં ત્રણ વખત એક મોટો કપ દૂધ પીવાનું રાખવું. દૂધ ન ફાવતું હોય અને માંસાહારી હોવ તો સામન માછલી ખોરાકમાં એકાંતરે દિવસે લેવી. અથવા રોજેરોજ ઓછામાં ઓછી ૧૨થી ૧૫ નંગ બદામ રાત્રે પલાળીને સવારે તેની છાલ ઉતારીને ખાવાની ટેવ કેળવવી જોઈશ. જેથી કેલ્શિયમની ઉણપ ન વર્તાય.

કસરત કરવી પણ જરૂરી

જો તમે રોજેરોજ ઘરમાં ઝાડુ-પોતાં જાતે કરતાં હોવ, વોશિંગ મશીન વગર કપડાં જાતે ધોતા હોવ, સૂકવતા હોવ અને સુકાયા પછી જાતે ઉતારીને વાળતા હોવ તો તમારે રોજેરોજ ચાલવા જવાની અને દોરડાં કૂદવાની જ કસરતની જરૂર રહેશે.

જો આવાં કામ જાતે ન કરતા હોવ તો કોઈક પ્રકારનું નૃત્ય શીખો અને રોજેરોજ એનો રિયાઝ કરવાની ટેવ પાડો. નૃત્ય પણ એક ખૂબ સરસ કસરત હોય છે. એમાં આનંદ પણ આવશે અને કસરત પણ થશે. અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણ વખત અને વધુમાં વધુ પાંચ વખત ૪૫થી ૬૦ મિનિટ સુધી કોઈપણ જાતની કસરત નિયમિત કરતા રહો. એના કારણે તમારું શરીર સરસ એકવડું, ઘાટીલું અને મજબૂત રહેશે. તમારો સ્વભાવ હળવાશભર્યો અને આનંદિત રહેશે. તમે હૃદયરોગ, ડાયાબિટીસ, કેન્સર વગેરે રોગથી પણ બચી શકશો.

તમે ફ્લેટમાં રહેતા હોવ તો ૪૦ વર્ષની ઉંમર સુધી લિફ્ટનો ઉપયોગ કદી ન કરો. હંમેશાં સીડી ચઢીને જ ઉપર જાઓ અને નીચે ઊતરો. ઘરમાં મોટાભાગનાં કામ ઊભા ઊભા કરવાની ટેવ કેળવો. બને એટલો સમય બેસી રહેવાનું ટાળો. કોઈની સાથે ફોન પર વાત કરતી વખતે તો આમથી તેમ ચાલતા જ રહો. કોઈ શું કહેશે એની પરવા ન કરો. બધાની પરવા કરતા રહેવાથી તમારું આરોગ્ય બગડશે તો કહેનારા લોકો તમારા આરોગ્ય માટે કશું કરી શકવાના નથી.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન