Trimurti means an abstract image of the entire Indian vision
  • Home
  • Astrology
  • ત્રિમૂર્તિ એટલે સમસ્ત ભારતીય દર્શનની અર્કરૂપ પ્રતિમા

ત્રિમૂર્તિ એટલે સમસ્ત ભારતીય દર્શનની અર્કરૂપ પ્રતિમા

 | 7:00 am IST

પ્રાસંગિક

શ્યામશ્વેતારુણાંગા જલધરણિધરોત્કુલપંડ્કેરુહસ્થા

મોમાસાવિત્ર્યુપેતા રથચરણપિનાકોગ્રહુંકારશસ્ત્રાઃ ।

દેવા દ્વિત્ર્યષ્ટનેત્રા જગદવનસમુચ્છેદનોત્પત્તિદક્ષાઃ

પ્રીતા વઃ પાન્તુ નિત્યં હરિહરવિધયસ્તાર્ક્ષ્યગોહંસપત્રાઃ ।।

‘જેમનો વર્ણ, અનુક્રમે શ્યામ, શ્વેત અને લાલાશ પડતો છે, જેમનો નિવાસ અનુક્રમે જળમાં, હિમાલયમાં અને ખીલેલા કમળમાં છે. જેમની સાથે લક્ષ્મી, ઉમા અને સાવિત્રી છે, ચક્ર, પિનાક અને ‘હું’ કાર જેમનાં શસ્ત્ર છે અને અનુક્રમે જેમને બે આંખ, ત્રણ આંખ અને આઠ આંખો છે, જે જગતનું પાલન કરનાર, લય કરનાર તથા ઉત્પત્તિ કરનાર છે, જેમનું વાહન ગરુડ, વૃષભ અને હંસ છે, તેવા પ્રસન્ન થયેલા વિષ્ણુ, શિવ અને બ્રહ્મા અમારું રક્ષણ કરો.’

ત્રિમૂર્તિનું રહસ્ય  

માનવી એ ઈશસૃષ્ટિનું અદ્ભુત સર્જન છે. એ મહાન ચિદ્ઘનશક્તિનો, તેના સર્જનનો વિચાર કરીએ છીએ ત્યારે બુદ્ધિ કુંઠિત થાય છે. તેના સર્જનમાં રહેલું અખૂટ સૌંદર્ય, તેની મધુરિમા, તેમાં રહેલું નાવીન્ય કલ્પનાતીત છે. સાચે જ એ વિશ્વનો અજોડ કલાકાર છે. તેનું સર્જન તો ભવ્ય છે જ, પણ વિસર્જનમાં પણ અજબ પ્રકારનું નાવીન્ય અને ભવ્યતાનાં દર્શન થાય છે. એ દર્શન કરી મન ધન્યતા અનુભવે છે.

એ કલાતીત કલ્યાણ કલ્પાનત્કારી છે એ સર્જનહાર કલાતીત છે, કલ્પનાનો અંત લાવનાર છતાં કલ્યાણકારી છે. જ્યાં લય થાય છે ત્યાં લયનો પણ કલ્યાણ સાથે સંબંધ છે, કારણ કે લય એ દેખીતો અંત નથી, પણ એક નવા જીવનનો પ્રારંભ છે, તેને આપણે એમ મૂકી શકીએ-ઉત્પત્તિ, સ્થિતિ અને લય-પણ એટલે ઉદય. એલિયડે કહ્યું છે, ‘In my beginning there is my end and in my end there is beginning ‘

એ મહાન શક્તિ, એ ચૈતન્ય, એ ઈશ, એ પ્રભુ, જે કહો તે સાચે જ બુદ્ધિથી પરે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાએ તેથી જ કહ્યું છેઃ

યો બુદ્ધેઃ પરતસ્તુ સઃ (ભ.ગી.૩/૪૨)  

સૃષ્ટિમાં નિર્માણ થયેલી પ્રત્યેક વસ્તુની હંમેશાં ત્રણ સ્થિતિ હોય જ છે. નિર્માણ, સ્થિતિ અને લય અને નિર્મિત થયેલી પ્રત્યેક વસ્તુનો સર્જનહાર, પાલનહાર અને સંહારક હોય જ છે. તો પછી સવાલ એ થાય કે જેણે આ અપાર સૃષ્ટિ નિર્માણ કરી તેનો સર્જનહાર કોણ? અને આ સૃષ્ટિ પ્રતિક્ષણે નવું રૂપ ધારણ કરે છે, જૂનું ખલાસ થાય છે અને નવું નિર્માણ થાય છે. તો જૂનાનું વિસર્જન કરનાર કોણ? તે મહાન શક્તિ કેવી છે? કોઈપણ વિચારવંતના મગજમાં આ પ્રશ્નો થાય તે સહજ છે.

ઋષિઓને સર્જન, પાલન અને સંહાર એ ત્રણે પ્રક્રિયામાં એ ઈશશક્તિનાં દર્શન થયાં. તે ઈશશક્તિને-ચૈતન્યને, પુરુષનું રૂપ મળ્યું. એક જ ચૈતન્ય હોવા છતાં કૃતિ ભિન્નતાને કારણે સર્જનહાર બ્રહ્મા, પાલનહાર વિષ્ણુ અને સંહાર કરનાર-લય કરનાર શિવ-એ ત્રણેને એક જ મૂર્તિમાં સમાવી ભાવનાનો કસબ ચડાવી ત્રિમૂર્તિ તરીકે ઓળખ આપી તેનું પૂજન કર્યું.

ત્રણ દેવો જુદાજુદા છે?  

કેટલાકને એવો સવાલ પણ થાય કે આ એક જ દેવ હોય તો ત્રણ જુદાં જુદાં નામો કઈ રીતે હોઈ શકે?

વ્યવહારમાં પણ એક વ્યક્તિ તેની કૃતિ ભિન્નતાના લીધે જુદી જુદી રીતે નથી ઓળખાતી? ધંધાકીય ક્ષેત્રમાં તે માલિક યા નોકર કહેવાય છે. અને પરિવારમાં પિતા કાં તો પતિ કહેવાય છે. તે જ રીતે ઈશશક્તિ-ચૈતન્ય એક પણ તેની કૃતિ ભિન્નતાને લીધે બ્રહ્મા, વિષ્ણુ, શિવ એમ જુદાં જુદાં રૂપે ઓળખાય છે. પણ એ ત્રણે એક જ હોવાથી તેને એક જ મૂર્તિમાં સ્થાપી તેનું પૂજન કર્યું. ઉપાસનાના ભેદ રાખી ઐક્ય સાધ્યું અને આમ પણ પૌરાણિક દૃષ્ટિએ વિચારીએ તો પણ ક્યાંય કશો ભેદ નથી.

શ્રીમદ્ ભાગવતમાં ભગવાન વિષ્ણુ દક્ષ પ્રજાપતિને કહે છે.

ત્રયાણામેકભાવાનાં યો પશ્યતિ વૈ ભિદામ્ ।

સર્વભૂતાત્મનાં બ્રહ્મન્ સઃ શાન્તિમધિગચ્છતિ ।।

‘હે વિપ્ર! અમે ત્રણેય એકરૂપ છીએ. અને સમસ્ત ભૂતોના આત્મા છીએ. અમારામાં ભેદભાવ નહીં કરનાર વ્યક્તિ નિઃસંદેહ શાંતિ (મોક્ષ)ને પામે છે.

તે જ રીતે શિવપુરાણમાં લખાણ છે.

અતે પરસ્પરોત્પન્ના ધારયન્તિ પરસ્પરમ્ ।

પરસ્પરેણ વર્ધન્તે પરસ્પરમનુવ્રતાઃ ।।

કચિદ્ બ્રહ્મા, કચિદ્ વિષ્ણુઃ કચિદ્ રુદ્રપશસ્યતે।

નાનેવ તેષામાધિક્યમૈશ્ચર્ય ચાતિરિચ્યતે ।।

અયં પરસ્વયં નેતિ સંરમ્ભાભિનિવૈશિનઃ ।

યાતુધાના ભવન્ત્યેવ પિશાચા વા ન સંશયઃ ।।

આ ત્રણે (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ) એકબીજાથી ઉત્પન્ન થયા છે. એકબીજાને ધારણ કરે છે. એકબીજા દ્વારા વૃદ્ધિગત થાય છે અને એકબીજાને અનુકૂળ આચરણ કરે છે. ક્યાંક બ્રહ્માની, ક્યાંક વિષ્ણુની તો ક્યાંક સ્વયં શિવની પ્રશંસા થાય છે. તેમનો ઉત્કર્ષ અને ઐશ્વર્ય, એકબીજાથી વધારે કે ઓછા નથી. જે સંશયાત્મા એમ વિચારે છે કે અમુક નાના છે, અમુક મોટા છે, તો તે પિશાચ (આગલા જન્મમાં) થશે તેમાં સંદેહ નથી.

શિવપુરાણમાં શિવજી કહે છે,

ત્રિધા ભિન્નો હભહં વિષ્ણો બ્રહ્મવિષ્ણુહરાખ્યયા ।

સર્ગરક્ષાલયગુણૈનિષ્કલોડપિ સદા હરે ।। (શિ.પુ.જ્ઞાનકાંડ ૪/૪૧/૪૯)

‘હે વિષ્ણો! હે હરે! હું સ્વભાવથી નિર્ગુણ હોવા છતાં પણ સંસારની રચના, સ્થિતિ અને પ્રલયના કારણે રજ, સત્ત્વ અને તમ એ ગુણોથી ક્રમશઃ બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર એ ત્રણ નામોથી વિભક્ત થતો રહ્યો છું’ શિવજી એ પણ કહે છે હું, તમે અને બ્રહ્મા-બધા એકરૂપ જ છીએ. તેમાં કોઈ ભેદ નથી. તે જ રીતે, દેવીપુરાણમાં બ્રહ્માજી માટે લખાણ છે.

એતન્ત્રિભાવભાવાય ઉત્પતિસ્થિતિકારક ।

રજોગુણાવિષ્ટ સૃજાસીદ્ ચરાચરમ્ ।।

સત્ત્વપાલ મહાભાગ તમઃ સંહસેડખિલમ્ ।

‘વિશ્વની ઉત્પત્તિ, પાલન અને સંહાર (બ્રહ્મા,વિષ્ણુ અને શિવ-એ ત્રણે ભાવોથી ભાવિત થનારા) આપ રજોગુણથી આવિષ્ટ થઈને ચરાચર સંસારને ઉત્પન્ન કરો છો. તથા સત્ત્વગુણયુક્ત થઈને વિષ્ણુરૂપથી પાલન કરો છો તથા તમોગુણ ધારણ કરીને સંહાર કરો છો.’

આ રીતે અવ્યક્ત, બ્રહ્મસ્વરૂપ, સર્વવ્યાપી, નિરાકાર, નિર્ગુણ તથા ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનાર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એક જ છે.  ભલે તે અલગ અલગ નામે પૂજાય છે, પણ અંતે તો તેઓ એક જ છે. તેઓ એક જ તત્વ છે. આ તત્વ વિશે જો ખરેખર મનુષ્ય જાણી જાય તો તેના બાર ભવ પાર પડી જાય છે. તે ક્યારેય પોતાના ભગવાન ઉત્તમ એવું વિચારીને લડશે નહી, કે નહી તો સામેવાળાને નીચા પાડે, કેમ કે આ ત્રણેય તત્વોએ એક થઇને જ આ પૃથ્વીની રચના કરી છે, તે જાણી જનાર મનુષ્ય માટે આ ત્રણેય તત્વ અલગ હોવાને બદલે એક જ બની જશે અને એટલે જ તે જેમ ભગવાનને પૂજે છે તે જ રીતે કુદરતને પણ પૂજતો થઇ જશે. તે કુદરતને કદી લલકારવાનું કાર્ય નહી કરે. અને જે મનુષ્ય આ પરમતત્વમય થઇ જશે તે નિર્વિકારી બની જશે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન